Monthly Archives: September 2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ભાગ ચોથો:
૩૪. આત્મિક કેળવણી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર ઓછો આધાર રાખ્યો હતો. તે તે વિદ્યાર્થીઓએ પોતપોતાના ધર્મનાં મૂળતત્ત્વો જાણવાં જોઈએ, પોતપોતાનાં ધર્મપુસ્તકોનું સામાન્ય જ્ઞાન તેમને હોવું જોઈએ, એમ હું માનતો, તેથી તેમને તેનું જ્ઞાન મળે એવી યથાશક્તિ સગવડ મેં કરી હતી. પણ તેને હું બુદ્ધિની કેળવણીનું અંગ ગણું છું. આત્માની કેળવણી એક નોખો જ વિભાગ છે એમ મેં ટૉલ્સ્ટૉય આશ્રમનાં બાળકોને શીખવવા માંડ્યું તેની પૂર્વે જ જોઈ લીધું હતું. આત્માનો વિકાસ કરવો એટલે ચારિત્ર ઘડવું, ઈશ્વરનું જ્ઞાન મેળવવું, આત્મજ્ઞાન મેળવવું. આ જ્ઞાન મેળવવામાં બાળકોને મદદ ઘણી જ જોઈએ, ને તેના વિનાનું બીજું જ્ઞાન વ્યર્થ છે, હાનિકારક પણ હોય એમ હું માનતો.

આત્મજ્ઞાન ચોથા આશ્રમમાં મળે એવો વહેમ સાંભળ્યો છે. પણ જેઓ ચોથા આશ્રમ લગી આ અમૂલ્ય વસ્તુને મુલતવી રાખે છે તેઓ આત્મજ્ઞાન નથી પામતા, પણ બુઢાપો અને બીજું પણ દયાજનક બચપણ પામી પૃથ્વી પર બોજારૂપે જીવે છે, એવો સાર્વત્રિક અનુભવ જોવામાં આવે છે.

આત્મિક કેળવણી કેમ અપાય ? બાળકોને ભજન ગવડાવતો, નીતિનાં પુસ્તકો વાંચી સંભળાવતો, પણ તેથી સંતોષ નહોતો પામતો. જેમ જેમ તેમના પ્રસંગમાં આવતો ગયો તેમ તેમ મેં જોયું કે આ જ્ઞાન પુસ્તકો વડે તો નહીં જ અપાય. શરીરની કેળવણી શરીરની કસરતથી અપાય, બુદ્ધિની બુદ્ધિની કસરતથી, તેમ આત્માની આત્માની કસરતથી.

બાળકોને માર મારીને શીખવવાની સામે હું હમેશાં રહ્યો છું. એક જ પ્રસંગ મને યાદ છે કે જ્યારે મેં મારા દીકરાઓમાંથી એકને માર્યો હતો. આંકણી મારવામાં મેં યોગ્ય કર્યું કે કેમ તેનો નિર્ણય આજ લગી હું કરી નથી શક્યો. આ દંડની યોગ્યતાને વિષે મને શંકા છે, કેમ કે તેમાં ક્રોધ ભર્યો હતો અને દંડ કરવાનો ભાવ હતો. જો તેમાં કેવળ મારા દુઃખનું જ પ્રદર્શન હોત તો હું એ દંડને યોગ્ય ગણત. પણ આમાં રહેલી ભાવના મિશ્ર હતી. આ પ્રસંગ પછી તો હું વિદ્યાર્થીઓને સુધારવાની વધારે સારી રીત શીખ્યો. આમ આત્મિક જ્ઞાન આપવાના પ્રયત્નમાં હું પોતે આત્માના ગુણને વધારે સમજવા લાગ્યો.


Training Of The Spirit


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા
ભાગ ચોથો:
૩૩.અક્ષરકેળવણી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ગયા પ્રકરણમાં શારીરિક કેળવણી અને તેને અંગે કંઈક હાથકારીગરી શીખવવાનું કામ ટૉલ્સ્ટૉય આશ્રમમાં કેવી રીતે આરંભ્યું એ આપણે કેટલેક અંશે જોઈ ગયા. જોકે આ કામ મને સંતોષ થાય તેવી રીતે તો નહોતો જ કરી શક્યો. છતાં તેમાં ઓછીવત્તી સફળતા મળી હતી. પણ અક્ષરજ્ઞાન આપવું કઠિન લાગ્યું. મારી પાસે તેને પહોંચી વળવાની સામગ્રી નહોતી. મને પોતાને હું ઇચ્છું તેટલો વખત નહોતો, તેટલી આવડત નહોતી. આખા દહાડાના શારીરિક કામ કરતાં હું થાકી જતો, ને જે વખતે જરા આરામ લેવાની ઇચ્છા થાય તે જ વખતે વર્ગ લેવાનો રહેતો. તેથી હું તાજો હોવાને બદલે બળાત્કારે જાગ્રત રહી શકતો હતો. સવારનો વખત ખેતી અને ઘરકામમાં જતો, એટલે બપોરના જમ્યા પછી તુરત નિશાળ ચાલતી. આ સિવાય બીજો કોઈ પણ વખત અનુકૂળ નહોતો.

અક્ષરજ્ઞાનને સારુ વધારેમાં વધારે ત્રણ કલાક રાખ્યા હતા.

મારું તામિલ જ્ઞાન તે સ્ટીમરોમાં ને જેલમાં મેળવેલું. તેમાં પણ પોપકૃત ઉત્તમ ’તામિલ-સ્વયંશિક્ષક’થી આગળ હું વધી શક્યો નહોતો.

ઉર્દૂ લિપિનું જ્ઞાન સ્ટીમરોમાં મેળવેલું તે જ; ને ખાસ ફારસી અરબી શબ્દોનું જ્ઞાન જેટલું મુસલમાન મિત્રોના પરિચયથી મેળવી શકેલો તેટલું !

સંસ્કૃત જે હાઈસ્કૂલમાં શીખેલો તે જ.

ગુજરાતી પણ નિશાળિયું જ.

આટલી પૂંજીથી મારે કામ લેવાનું હતું.

વિદ્યાર્થીઓ પાસે અજ્ઞાન ઢાંકવાનો મેં કદી પ્રયત્ન જ ન કર્યો. બધી બાબતોમાં જેવો હું હતો તેવો જ તેઓ મને જાણતા થયા હતા. આથી અક્ષરજ્ઞાનની ગાઢ ન્યૂનતા છતાં મેં તેમના પ્રેમ ને આદર કદી ન ગુમાવ્યા.

મુખ્યપણે આ બાળકો બધા નિરક્ષર અને નિશાળમાં ન ભણેલા હતા. શીખવતાં શીખવતાં મેં જોયું કે મારે તેમને શીખવવાનું ઓછું જ હતું. તેમનું આળસ મુકાવવાનું, તેમને પોતાની મેળે વાંચતા કરવાનું, તેમના અભ્યાસની ચોકી રાખવાનું જ વધારે હતું.

પાઠ્યપુસ્તકોની જે બૂમ વખતોવખત સાંભળવામાં આવે છે તેની મને કદી ગરજ લાગી નહોતી.

ઘણાં પુસ્તકોમાંનું મેં જે પચાવ્યું હતું તે તેમને મારી ભાષામાં કહી ગયો, તે તેમને આજે પણ યાદ હશે એમ હું માનું છું. વંચાવેલું યાદ રાખવામાં તેમને કલેશ થતો, મેં સંભળાવેલું તેઓ તે જ ક્ષણે મને ફરી સંભળાવી જતા. વાંચવામાં તેમને કંટાળો આવતો. સાંભળવામાં, જ્યારે હું પોતે થાકને લીધે કે બીજા કારણસર મંદ અને નીરસ ન હોઉં ત્યારે, તેઓ રસ લેતા ને સાંભળતા. તેમને પ્રશ્નો ઊઠતા તેનો ઉકેલ કરવામાં મને તેમની ગ્રહણશક્તિનું માપ આવી જતું.


Literary Training


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૨. મહેતાજી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


‘સત્યાગ્રહના ઇતિહાસ’ માં જે વસ્તુ નથી આવી શકી અથવા થોડા જ અંશમાં આવી છે તે જ વસ્તુ આ પ્રકરણોનો અરસપરસનો સંબંધ સમજી શકશે.

ટોલ્સ્ટોય આશ્રમમાં બાળકો તેમ જ બાળાઓને સારુ કંઇક શિક્ષણનો પ્રબંધ આવશ્યક હતો. મારી સાથે હિદુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી નવયુવકો હતા, અને થોડી હિદુ બાળાઓ પણ હતી. ખાસ શિક્ષકો રાખવા અશકય હતું. અને મને અનાવશ્યક લાગેલું.

પણ મેં હ્રદયની કેળવણીને એટલે ચારિત્ર ખીલવવાને હમેશાં પ્રથમ પદ આપ્યું છે. પરિચય ગમે તે વયે અને ગમે તેટલી જાતનાં વાતાવરણોમાં ઊછરેલાં બાળકો અને બાળાઓને ઓછાવતા પ્રમાણમાં આપી શકાય, એમ વિચારી આ બાળકો ને બાળાઓની સાથે હું રાત અને દિવસ પિતારૂપે રહેતો હતો. ચારિત્રને મેં તેમની કેળવણીના પાયારૂપે માન્યું. પાયો પાકો થાય તો બીજું બાળકો અવકાશ મળ્યે મદદ લઈને કે આપબળે મેળવી લે.

છતાં અક્ષરજ્ઞાન થોડુંઘણું પણ આપવું તો જોઇએ જ એમ હું સમજતો હતો, તેથી વર્ગો કાઢયા, ને તેમાં મિ. કેલનબેકની અને પ્રાગજી દેસાઇની મદદ લીધી.

શારીરિક કેળવણીની આવશ્યકતા સમજતો હતો. તે કેળવણી તેમને સહેજે મળી રહી હતી.

આશ્રમમાં નોકરો તો નહોતા જ. પાયખાનાથી માંડીને રસોઇ સુધીનાં બધાં કામો આશ્રમવાસીઓને જ કરવાનાં હતાં. ફળઝાડો પુષ્કળ હતાં. નવું વાવેતર કરવાનું જ હતું. મિ. કૅલનબૅકને ખેતીનો શોખ હતો, પોતે સરકારી આદર્શ વાડીઓમાં થોડો વખત શીખી આવ્યા હતા. રોજ અમુક સમય નાનામોટા બધા જે રસોડાના કામમાં ન રોકાયા હોય તેમને બગીચામાં કામ કરવું જ પડતું. આમાં બાળકોનો મોટો હિસ્સો હતો. મોટા ખાડા ખોદવા, ઝાડો કાપવાં, બોજા ઊંચકી જવા, વગેરે કામમાં તેમનાં શરીર સારી પેઠે કસાતાં. તેમા તેમને આનંદ આવતો, ને તેથી બીજી કસરતની કે રમતની તેમને જરૂર નહોતી રહેતી.

આશ્રમમાં માંદગી ભાગ્યે જ આવતી. તેમાં હવાપાણીનો અને સારા ને નિયમિત ખોરાકનો પણ મોટો હિસ્સો હતો એ કહેવું જોઇએ.

ટૉલ્સ્ટૉય આશ્રમમાં પ્રથમથી જ રિવાજ પાડયો હતો કે, જે કામ અમે શિક્ષકો ન કરીએ તે બળકોની પાસે ન કરાવવું, ને હમેશાં તેમની સાથે સાથે એ જ કામ કરનાર એક શિક્ષક હોય. એટલે બાળકો હોંશથી શીખ્યાં.

ચારિત્ર અને અક્ષરજ્ઞાનને વિષે હવે પછી.


As Schoolmaster


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૧. ઉપવાસ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


દૂધ અને અનાજ છોડી ફળાહારનો પ્રયોગ શરૂ કર્યો, તે જ અરસામાં સંયમના હેતુથી ઉપવાસો પણ શરૂ કર્યા.

ઉપવાસના પ્રયોગોના આરંભને સમયે શ્રાવણ માસ આવતો હતો. તે વર્ષે રમજાન અને શ્રાવણ માસ સાથે હતા.

આ મહત્વના પ્રયોગનો આરંભ ટોલ્સ્ટોય આશ્રમમાં થયો. ત્યાં સત્યાગ્રહી કેદીઓનાં કુટુંબો સાચવીને કેલનબેંક અને હું રહેતા. આમાં બાળકો અને નવયુવકો પણ હતા. તેમને અર્થે નિશાળ ચાલતી. આ જુવાનિયાઓમાં ચારપાંચ મુસલમાન હતા. તેમને ઈસ્લામના નિયમો પાળવામાં હું મદદ કરતો ને ઉત્તેજન આપતો. આ મુસલમાન નવયુવકોને રોજા રાખવામાં મેં ઉત્તેજન આપ્યું. મારે તો પ્રદોષ રાખવા જ હતા. પણ હિંદુઓ, પારસીઓ અને ખ્રિસ્તીઓને પણ મુસલમાન યુવકોને સાથ આપવાની મેં ભલામણ કરી. સંયમમાં સાથ બધાને આપવો એ સ્તુત્ય છે એમ તેમને મેં સમજાવ્યું. ઘણા આશ્રમવાસીઓએ મારી વાત ઝીલી લીધી. હિંદુઓ અને પારસીઓ મુસલમાન સાથીઓનું છેક અનુકરણ નહોતા કરતા, કરવાની આવશ્યકતા નહોતી. મુસલમાન સૂરજ ડૂબવાની રાહ જોતા ત્યારે બીજા તે પહેલાં જમી લેતા, કે જેથી મુસલમાનોને તેઓ પીરસે ને તેઓને સારુ ખાસ વસ્તુઓ તૈયાર કરે. વળી મુસલમાનો સરગી કરે તેમાં બીજાઓને ભાગ લેવાપણું નહોતું. અને મુસલમાનો દિવસના પાણી પણ ન પીએ, બીજાઓ પાણી છૂટથી પીતા.

આ પ્રયોગનું એક પરિણામ એ આવ્યું કે ઉપવાસ અને એકટાણાનું મહત્વ સહુ સમજ્વા લાગ્યા. એકબીજા પ્રત્યે ઉદારતા અને પ્રેમભાવ વધ્યાં. આશ્રમમાં અન્નાહારનો નિયમ હતો. આ નિયમનો સ્વીકાર મારી લાગણીને લીધે થયો હતો એમ મારે આ સ્થાને આભારપૂર્વક કબૂલ કરવું જોઈએ. રોજાને સમયે મુસલમાનોને માંસનો ત્યાગ વસમો લાગ્યો હશે, પણ નવયુવકોમાંથી કોઈએ મને તેવું જણાવા નહોતું દીધું. તેઓ અન્નાહાર આનંદ અને સ્વાદપૂર્વક કરતા. હિંદુ બાળકો આશ્રમમાં અશોભતી ન લાગે એવી સ્વાદિષ્ટ રસોઈ પણ તેમને સારુ કરતા.

મારા ઉપવાસનું વર્ણન કરતાં આ વિષયાંતર મેં ઈરાદાપૂર્વક કર્યુ છે, કેમ કે એ મધુર પ્રસંગ બીજે સ્થળે હું ન વર્ણવી શકત.

આમ આશ્રમમાં સંયમી વાતાવરણ સહેજે વધ્યું. બીજા ઉપવાસો અને એકટાણામાં પણ આશ્રમમાં રહેનારા ભળવા લાગ્યા. અને એનું પરિણામ શુભ આવ્યું એમ હું માનું છું. કેટલાક મિત્રોનો અનુભવ એવો પણ છે કે, ઉપવાસને અંતે વિષયેચ્છા અને સ્વાદો તીવ્ર થાય છે. એટલે કે, ઉપવાસ દરમ્યાન વિષય રોકવાની ને સ્વાદને જીતવાની સતત ભાવના હોય તો જ તેનું શુભ ફળ આવે. મન વિના થયેલા શારીરિક ઉપવાસનું સ્વતંત્ર પરિણામ વિષય રોકવામાં નીપજ્શે એમ માનવું કેવળ ભૂલભરેલું છે. ગીતાજીના બીજા અધ્યાયનો શ્લોક આ સ્થળે બહુ વિચારવા યોગ્ય છે:

विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । रसवर्जं रसोडप्पस्य परं दृष्ट्वा निवर्तते ।।

ઉપવાસીના વિષયો (ઉપવાસ દરમ્યાન) શમે છે; તેનો રસ નથી જતો. રસ તો ઈશ્વરદર્શનથી જ-ઈશ્વરપ્રસાદથી જ શમે.

એટલે કે, ઉપવાસાદિ સંયમીના માર્ગમાં એક સાધનરૂપે આવશ્યક છે. પણ તે જ બધું નથી. અને જો શરીરના ઉપવાસની સાથે મનનો ઉપવાસ ન હોય, તો તે દંભમાં પરિણમે અને નુકસાનકારક નીવડે.


Fasting


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩૦. સંયમ પ્રતિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ખોરાકના કેટલાક ફેરફારો કસ્તૂરબાઈની માંદગીને નિમિત્તે થયા એ છેલ્લા પ્રકરણમાં કહી ગયો. પણ હવે તો દિવસે દિવસે બ્રહ્મચર્યની દ્રષ્ટિએ તેમાં ફેરફાર થતા ગયા.

તેમાં પ્રથમ ફેરફાર દૂધ છોડવાનો થયો.

જોકે મિ. કેલનબેંકની ઓળખ હું સત્યાગ્રહના ઈતિહાસમાં કરાવી ચૂક્યો છું અને આગલા એક પ્રકરણમાં પણ સહેજ ઉલ્લેખ કરી ગયો છું, પણ અહીં બે બોલ વધારે કહેવાની જરૂર છે. તેમનો મેળાપ મને અનાયાસે જ થયેલો.તે એકલે પંડ હતા. પોતાની એક જાત ઉપર જ ઘરભાડા ઉપરાંત લગભગ રૂ. ૧૨૦૦ દર માસે ખર્ચતા. તેમાંથી છેવટે એટલી સાદાઈ પર આવ્યા કે એક વખત તેમનું માસિક ખર્ચ રૂ. ૧૨૦ ઉપર જઈ ઊભું. મેં ઘરબાર વીંખ્યા પછી ને પહેલી જેલ પછી અમે બન્ને સાથે રહેવા લાગ્યા હતા. તે વખતે અમારું બન્નેનું જીવન ઘણું પ્રમાણમાં-સખત હતું.

મિ. કેલનબેંકે સૂચના કરી : ’દૂધના દોષોની તો આપણે ઘણી વેળા વાતો કરીએ છીએ. ત્યારે આપણે દૂધ કાં ન છોડીએ ? એની જરૂર તો નથી જ.ને અમે બન્નેએ ટોલ્સ્ટોય ફાર્મમાં તે જ ક્ષણે દૂધનો ત્યાગ કર્યો. આ બનાવ ૧૯૧૨ની સાલમાં બન્યો.

આટલા ત્યાગથી શાંતિ ન થઈ. કેવળ ફ્ળાહારનો અખતરો કરવો એ નિશ્ચય પણ દૂધના ત્યાગ પછી થોડી જ મુદતમાં કર્યો. ફળાહારની સગવડ પણ અમે ખૂબ અનુભવી. ફળાહારમાં ઘણે ભાગે ચૂલો સળગાવવાની જરૂર તો હોય જ નહીં. વગર ભૂંજેવી મગફળી, કેળાં, ખજૂર, લીંબુ ને જીતુનતું તેલ-આ અમારો સામાન્ય ખોરાક થઈ પડ્યો હતો.

બ્રહ્મચર્યનું પાલન કરવાની ઈચ્છા રાખનારને અહીં એક ચેતવણી આપવાની આવશ્યક્તા છે. જોકે મેં બ્રહ્મચર્યની સાથે ખોરાક અને ઉપવાસનો નિકટ સંબંધ બતાવ્યો છે, છતાં આટલું ચોક્ક્સ છે કે તેનો મુખ્ય આધાર મનની ઉપર છે. મેલું મન ઉપવાસથી શુધ્ધ થતું નથી. ખોરાક તેની ઉપર અસર કરતો નથી. મનનો મેલ વિચારથી, ઈશ્વરધ્યાનથી ને છેવટે ઈશ્વરપ્રસાદથી જ જાય છે. પણ મનને શરીરની સાથે નિકટ સંબંધ છે, અને વિકારી મન વિકારી ખોરાકને શોધે છે. વિકારી મન અનેક પ્રકારના સ્વાદો ને ભોગો શોધે છે. અને પછી તે ખોરાકો અને ભોગની અસર મન ઉપર થાય છે તેથી ને તેટલે અંશે ખોરાકની ઉપર અંકુશની અને નિરાહારની આવશ્યકતા અવશ્ય ઉત્પન્ન થાય છે. વિકારી મન શરીરની ઉપર, ઈન્દ્રિયોની ઉપર કાબૂ મેળવવાને બદલે શરીરને અને ઈન્દ્રિયોને વશ વર્તે છે, તેથી પણ શરીરને શુધ્ધ અને ઓછામાં ઓછા વિકારી ખોરાકની મર્યાદાની અને પ્રસંગોપાત્ત નિરાહારની-ઉપવાસની આવશ્યકતા રહી છે. એટલે જેઓ એમ કહે છે કે સંયમીને ખોરાકની મર્યાદાની કે ઉપવાસની જરૂર નથી તેઓ એટલા જ ભૂલમાં પડેલા છે, જેટલા ખોરાક અને નિરાહારને સર્વસ્વ માનનારા. મારો અનુભવ તો મને એમ શીખવે છે કે, જેનું મન સંયમ પ્રતિ જઈ રહ્યું છે તેને ખોરાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારાં છે. તેની મદદ વિના મનની નિર્વિકારતા અસંભવિત જણાય છે.


Towards Self-Restraint


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૯. ઘરમાં સત્યાગ્રહ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


પહેલો જેલનો અનુભવ મને ૧૯૦૮માં થયો. તે દરમ્યાન મેં જોયું કે જેલમાં જે કેટલાક નિયમો કેદીઓ પાસે પળાવવામાં આવતા હતા તે નિયમો સંયમીએ અથવા બ્રહ્મચારીએ સ્વેચ્છાએ પાળવા જોઈએ. જેમ કે, કેદીઓએ સૂર્યાસ્ત પહેલાં પાંચ વાગ્યા સુધીમાં ખાઈ લેવું. તેમને—હિંદીઓ તેમજ હબસી કેદીઓને—ચા કે કૉફી ન મળે, મીઠું ખાવું હોય તે નોખું લે. સ્વાદને સારુ તો કંઈ ખવાય જ નહીં.

કેવળ સંયમની દૃષ્ટિએ વિચારતાં તો બન્ને પ્રતિબંધો રૂડા જ હતા. પરાણે મુકાયેલો આવો પ્રતિબંધ ન પળે, પણ સ્વેચ્છાએ પાલન કરેલો આવો પ્રતિબંધ બહુ ઉપયોગી થઈ પડે. તેથી જેલમાંથી નીકળ્યા બાદ એ ફેરફારો મેં તુરત કર્યા. બને ત્યાં લગી ચા લેવાનું બંધ કર્યું ને સાંજે વહેલા જમવાની ટેવ પાડી, જે આજે સ્વાભાવિક થઈ પડી છે.

પેલી શસ્ત્રક્રિયા પછી જોકે કસ્તૂરબાઈને રક્તસ્ત્રાવ થોડા સમયને સારુ બંધ રહ્યો હતો પણ પાછો તેણે ઊથલો માર્યો. તે કેમેય મટે નહીં.જ્યારે મારા બીજા ઉપચારોમાં સફળતા ન મળી ત્યારે મેં તેને મીઠું અને કઠોળ છોડવા વીનવી. બહુ મનાવતા છતાં, મારા કથનના ટેકામાં કંઈ કંઈ વંચાવતાં છતાં, માને નહીં. છેવટે તેણે કહ્યું, ’કઠોળ ને મીઠું છોડવાનું તો તમને કોઈ કહે તો તમે પણ ન છોડો.’ મને દુઃખ થયું ને હર્ષ પણ થયો. મારો પ્રેમ ઠલવવાનો મને પ્રસંગ મળ્યો. તે હર્ષમાં મેં તુરત જ કહ્યું, ’તારી માન્યતા ભૂલભરેલી છે. મને દરદ હોય ને વૈદ આ વસ્તુ કે બીજી કોઈ વસ્તુ છોડવાનું કહે તો જરૂર છોડી દઉં. પણ જા, મેં તો એક વર્ષને સારુ કઠોળ અને મીઠું બંને છોડ્યાં. તું છોડે કે ન છોડે એ નોખી વાત છે.’

પત્નીને ભારે પશ્ચાત્તાપ થયો. તે બોલી ઊઠી, ’મને માફ કરો. તમારો સ્વભાવ જાણતાં છતાં કહેતાં કહેવાઈ ગયું. હવે હું તો કઠોળ ને મીઠું નહીં ખાઉં. પણ તમે તો તમારું વેણ પાછું ખેંચી લો. આ તો મને બહુ સજા કહેવાય.’

મેં કહ્યું : ’તું કઠોળ મીઠું છોડશે તો તો બહુ જ સારું. મારી ખાતરી છે કે તેથી તને ફાયદો જ થશે. પણ લેવાયેલી પ્રતિજ્ઞા મારાથી ફેરવાય નહીં. મને તો લાભ જ થવાનો. ગમે તે નિમિત્તે માણસ સંયમ પાળે તોયે તેમાં લાભ જ છે. એટલે તું મને આગ્રહ ન કરજે. વળી મને પણ મારી પરીક્ષા થઈ રહેશે, ને તે બે વસ્તુઓ છોડવાનો જે નિશ્ચય તેં કર્યો છે તેમાં કાયમ રહેવામાં તને મદદ મળશે.’

આને હું સત્યાગ્રહને નામે ઓળખાવવા માગું છું, ને તેને મારી જિંદગીનાં મીઠાં સ્મરણોમાંનું એક માનું છું.

ભોગી તેમ જ સંયમીના ખોરાક જુદા, તેના રસ્તા જુદા હોવા જોઈએ. બ્રહ્મચર્યનું પાલન ઇચ્છનારા ભોગીનું જીવન ગાળીને બ્રહ્મચર્યને કઠિન ને કેટલીક વાર લગભગ અશક્ય કરી મૂકે છે.


Domestic Satyagraha


Categories: સત્યના પ્રયોગો | 2 Comments

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૮. પત્નીની દૃઢતા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


કસ્તૂરબાઈ ઉપર ત્રણ ઘાતો ગઈ, અને ત્રણેમાંથી તે કેવળ ઘરઘરૌ ઉપચારોથી બચી ગઈ. તેમાંનો પહેલો પ્રસંગ બન્યો ત્યારે સત્યાગ્રહનું યુદ્ધ ચાલી રહ્યું હતું. તેને વારંવાર રક્તસ્ત્રાવ (લોહીવા) થયાં કરતો. એક દાક્તર મિત્રે શસ્ત્રક્રિયા કરવાની ભલામણ કરી હતી. કેટલીક આનાકાની બાદ પત્નીએ શસ્ત્રક્રિયા કરાવવા હા પાડી.

આ બનાવ ડરબનમાં બન્યો હતો. બે કે ત્રણ દિવસ પછી મને નીશ્ચિતપણે જોહાનિસબર્ગ જવાની દાક્તરે રજા આપી. હું ગયો. થોડા જ દિવસમાં ખબર મળ્યા કે, કસ્તૂરબાઈનું શરીર મુદ્દલ વળતું નથી, ને તે પથારીએથી ઉઠી બેસી જ શકતી નથી. દાક્તરે મને જોહાનિસબર્ગ ટેલિફોન કર્યો : ” તમારા પત્નીને હું માંસનો સેરવો સાથે ‘બીફ ટી’ આપવાની જરૂર જોઉં છું. મને રજા મળાવી જોઈએ.”

મેં જવાબ આપ્યો, ‘મારાથી એ રજા નહીં અપાય. પણ કસ્તૂરબાઈ સ્વતંત્ર છે. તેને પૂછવા જેવી સ્થિતિ હોય તો પૂછો, ને તે લેવા માગે તો બેશક આપો.’

‘દરદીને આવી બાબતો પૂછવાની હું ના પાડું છું. તમારે પોતે અહીં આવવાની જરૂર છે.

મેં તે જ દહાડે દરબનની ટ્રેન લીધી. ડરબન પહોંચ્યો. દાક્તરે સમાચાર આપ્યા, મેં તો સેરવો પાઈને તમને ટેલિફોન કર્યો હતો!’

‘દાક્તર, આને હું દગો માનું છું,’ મેં કહ્યું.

‘દવા કરતી વખતે દગો બગો હું સમજતો નથી. અમે દાક્તરો આવે સમયે દરદી કે તેના સંબંધીઓને છેતરવામાં પુણ્ય માનીએ છીએ. અમારો ધર્મ તો ગમે તેમ કરીને દરદીને બચાવવાનો છે!’ દાક્તરે દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો.

મને ખૂબ દુઃખ થયું. હું શાંત રહ્યો. દાક્તર મિત્ર હતા. ભલા હતા. તેમનો અને તેમનાં પત્નીનો મારા ઉપર ઉપકાર હતો. પણ ઉપલી વર્તણૂક સહન કરવા હું તૈયાર ન હતો.

‘દાક્તર, હવે ચોખવટ કરો. શું કરવા માંગો છો? મારી પત્નીને હું કદી તેની ઈચ્છા વિના માંસ દેવા નહીં દઉ. તે ન લેતાં તેનું મૃત્યુ થવાનું હોય તો તે સહન કરવા તૈયાર છું.’

દાક્તર બોલ્યા, તમારી ફિલસૂફી મારે ઘેર તો નહીં જ ચાલે.

‘ત્યારે શું તમે એમ કહો છો કે મારે મારી પત્નીને હમણાં જ લઈ જવી?’

‘હું ક્યાં કહું છું લઈ જાઓ? હું તો કહું છું કે મારા પર કશા પ્રકારનો અંકુશ ન મૂકો.

હું ધારું છું કે તે વેળા મારો એક દીકરો મારી સાથે હતો. તેને મેં પૂછ્યું. તેણે કહ્યું, ‘તમે કહો છો એ મને કબૂલ છે. બાને માંસ તો ન જ અપાય.’

પછી હું કસ્તૂરબાઈ પાસે ગયો. તે બહુ અશક્ત હતી. તેને કંઈપણ પૂછવું મને દુઃખદેણ હતું. પણ ધર્મ સમજી મેં તેને ટૂંકામં ઉપરની વાત કહી સંભળાવી. તેણે દ્રઢતા પૂર્વક જવાબ આપ્યો: ‘ મારે માંસનો સેરવો નથી લેવો. મનખા દેહ વારે વારે નથી આવતો. ભલે તમારા ખોળામાં હું મરી જાઉં, પણ મારાથી આ દેહ વટલાવાશે નહીં.’

હું બહુ રાજી થયો. લઈ જતાં ગભરાટ થયો. પણ નિશ્ચય કરી લીધો.

ઝરમર ઝરમર મેહ વરસતો હતો. સ્ટેશન દૂર હતું. ડરબનથી ફિનીક્સ રેલરસ્તો ને ફીનીક્સથી લગભગ અઢી માઈલનો પગરસ્તો હતો. જોખમ સારી પેઠે હતું.

પત્નીને મારે હિંમત આપવાપણું નહોતું. ઊલટું તેણે મને હિંમત આપીને કહ્યું, ‘મને કંઈ નહીં થાય. તમે ચિંતા ન કરજો.’

આ હાડપિંજરમાં વજન તો રહ્યું જ નહોતું. ખોરાક કંઈ ખવાતો નહોતો. ટ્રેનના ડબ્બા સુધી સ્ટેશનના વિશાળ પ્લૅટફૉર્મ ઉપર લાંબે સુધી ચાલીને જવાનું હતું. ફિનિક્સ તો પેલી ઝોળી આવેલી. તેમાં અમે આરામથી દરદીને લઈ ગયા. ત્યાં કેવળ પાણીના ઉપચારથી ધીમે ધીમે શરીર બંધાયું.

ફિનિક્સમાં પહોંચ્યા પછી બે ત્રણ દહાડામાં એક સ્વામી પધાર્યા. તેમણે અમારી ‘હઠ’ની વાત સાંભળી દયા ખાધી ને અમને બન્નેને સમજાવવા આવ્યા.અંતે કસ્તૂરબાઈએ આ સંવાદ આમ કહી બંધ કર્યો:

‘સ્વામીજી, તમે ગમે તેમ કહો પણ મારે માંસનો સેરવો ખાઈને સાજાં નથી થવું. હવે તમે મારું માથું ન દુખાવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી કરવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.’


Kasturbai’s Courage


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૭. ખોરાકના વધુ પ્રયોગો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મનવચનકાયાથી બ્રહ્મચર્યનું પાલન કેમ થાય એ એક ફિકર, અને સત્યાગ્રહના યુદ્ધને સારુ વધારેમાં વધારે વખત કેમ બચી શકે અને વધારે શુદ્ધિ કેમ થાય એ બીજી ફિકર. આ બે ફિકરોએ મને ખોરાકમાં વધારે સંયમ ને વધારે ફેરફારો કરવા પ્રેર્યો.

આમાં ઉપવાસ અને અલ્પાહારે વધારે સ્થાન લીધું. જેનામાં વિષયવાસના વર્તે છે તેનામાં જીભના સ્વાદો પણ સારી પેઠે હોય છે. આ સ્થિતિ મારી પણ હતી. જનનેન્દ્રિય તેમ જ સ્વાદેન્દ્રિય પર કાબૂ મેળવતાં મને અનેક વિટંબણાઓ નડી છે, ને હજુ બેઉની ઉપર પૂરો જય મેળવ્યો છે એવો દાવો હું નથી કરી શકતો.

આમાંથી મેં એ પણ અનુભવ્યું કે શરીર વધારે સ્વચ્છ થવાથી રસો વધ્યા, ભૂખ વધારે સારી થઈ, ને મેં જોયું કે ઉપવાસાદિ જેટલે અંશે સંયમનું સાધન છે તેટલે જ અંશે તે ભોગનું સાધન પણ થઈ શકે છે.

મારા આ પ્રયોગોમાં કેટલાક સાથીઓ હતા. આમાંના હરમાન કૅલનબૅક મુખ્ય હતા. તેમનો પરિચય ’દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસ’માં હું આપી ચૂક્યો હોવાથી ફરી આ પ્રકરણોમાં આપવાનું માંડી વાળ્યું છે. તેમણે મારા પ્રત્યેક ઉપવાસમાં, એકટાણામાં, તેમ જ બીજા ફેરફારમાં મને સાથ દીધો હતો. જ્યારે લડત ખૂબ જામી હતી ત્યારે તો હું તેમના જ મકાનમાં રહેતો હતો. અમે બંને અમારા ફેરફારોની ચર્ચા કરતા, ને નવા ફેરફારોમાંથી પુરાણા રસો કરતાં વધારે રસ ખેંચતા. તે કાળે તો આ સંવાદો મીઠા પણ લાગતાં. તેમાં કંઈ અજુગતું હતું એમ ન લાગતું. અનુભવે શીખવ્યું કે એવા રસોમાં મહાલવું એ પણ અયોગ્ય હતું. એટલે કે માણસ રસને સારું નહીં પણ શરીર નભાવવા સારુ જ ખાય. પ્રત્યેક ઈંદ્રિય જયારે કેવળ શરીરને અને શરીર વાટે આત્માનાં દર્શનને જ અર્થે કાર્ય કરે ત્યારે તેમાંના રસો શૂન્યવત્‌ થાય છે, ને ત્યારે જ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય.

ખોરાકના જે પ્રયોગોનું વર્ણન કરવામાં હું કંઈક સમય લેવા ધારું છું તે સમજાય તેટલા સારુ તેનો ઉદ્દેશ ને તેની પાછળ રહેલી વિચારસરણી રજૂ કરી દેવાની જરૂર હતી.


More Experiments In Dietetics


Categories: સત્યના પ્રયોગો | 1 Comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૬. સત્યાગ્રહની ઉત્પત્તિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આમ એક પ્રકારની આત્મશુદ્ધિ કરે તે કેમ જાણે સત્યાગ્રહને અર્થે જ ન થઈ હોય એવી ઘટના જોહાનિસબર્ગમાં મારે સારુ તૈયાર થઈ રહી હતી. બ્રહ્મચર્યનું વ્રત લીધું ત્યાં સુધી મારી જિંદગીના બધા મુખ્ય બનાવો મને છૂપી રીતે તેને સારુ તૈયાર કરી રહ્યા હતા એમ હું અત્યારે જોઉં છું.

‘સત્યાગ્રહ’ શબ્દની ઉત્પત્તિ થઈ તે પહેલાં તે વસ્તુની ઉત્પત્તિ થઈ. ઉત્પત્તિ સમયે તો એ શું છે એ હું પોતે ઓળખી જ નહોતો શક્યો. તેને ગુજરાતીમાં ‘પૅસિવ રિઝિસ્ટન્સ’ એ અંગ્રેજી નામે સહુ ઓળખવા લાગ્યા. જ્યારે એક ગોરાની સભામાં મેં જોયું કે ‘પૅસિવ રિઝિસ્ટન્સ’ નો તો સંકુચિત અર્થ કરવામાં આવે છે, તેને નબળાઓનું જ હથિયાર કલ્પવામાં આવે છે, તેમાં દ્વેષ હોઈ શકે છે, અને તેનું અંતિમ સ્વરૂપ હિંસામાં પ્રગટી શકે છે ‌ – ત્યારે મારે તેની સામે થવું પડ્યું ને હિંદીઓની લડતનું ખરું સ્વરૂપ સમજાવવું પડ્યું. અને ત્યારે હિંદીઓને પોતાની લડતને ઓળખાવવા સારુ નવો શબ્દ યોજવાની જરૂર પડી.

પણ મને તેવો સ્વતંત્ર શબ્દ કેમે કર્યો સૂઝે નહીં. તેથી તેને સારુ નામનું ઈનામ કાઢી ‘ઈંડિયન ઓપીનિયન’ના વાચકો વચ્ચે તેને સારુ હરીફાઈ કરવી. આ હરીફાઈને પરિણામે સત્+આગ્રહ એમ મેળવીને ‘સદાગ્રહ’ શબ્દ મગનલાલ ગાંધીએ બનાવીને મોકલ્યો. તેમણે ઈનામ લીધું. પણ ‘સદાગ્રહ’ શબ્દને વધારે સ્પષ્ટ કરવા ખાતર મેં ‘ય’ અક્ષરને વચ્ચે ઉમેરીને ‘સત્યાગ્રહ’ શબ્દ બનાવ્યો, ને તે નામે ગુજરાતીમાં એ લડત ઓળખાવા લાગી.

આ લડતનો ઈતિહાસ તે મારા દક્ષિણ આફ્રિકાના જીવનનો ને વિશેષે કરીને મારા સત્યના પ્રયોગોનો ઈતિહાસ છે એમ કહી શકાય. આ ઈતિહાસ મેં ઘણોખરો યેરવડાની જેલમાં લખી નાખ્યો હતો ને બાકીનો બહાર આવ્યા પછી પૂરો કર્યો.


The Birth Of Satyagraha


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૦૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૫. હૃદયમંથન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


‘ઝૂલુબંડ’ માં મને ઘણા અનુભવો થયા ને બહુ વિચારો કરવાનું મળ્યું. બોઅર યુદ્ધમાં લડાઈની ભયંકરતા મને એટલી નહોતી લાગી જેટલી અહીં લાગી. અહીં લડાઈ નહીં પણ મનુષ્યનો શિકાર હતો એમ, મને જ નહીં પણ, કેટલાક અંગ્રેજો જેમની સાથે વાતો થતી હતી તેમને પણ લાગેલું.

અહીં વસ્તી બહુ ઓછી હતી. પહાડો અને ખીણમાં ભલા, સાદા અને જંગલી ગણાતા ઝૂલુ લોકોના કૂબાઓ સિવાય બીજું કઈ નહોતું. તેથી દ્રશ્ય ભવ્ય લાગતું હતું. માઈલોના માઈલો લગી વસ્તી વિનાના પ્રદેશમાં અમે કોઈ ઘાયલને લઈને કે એમ જ ચાલ્યા જતા હોઈએ ત્યારે હું વિચારમાં પડી જતો.

અહીં મારા બ્રહ્મચર્ય વિષેના વિચારો પરિપક્વ થયા.

આ વિચારો મનમાં ઘડી રહ્યો હતો ને શરીરને કસી રહ્યો હતો તેવામાં, બંડ શમી જવા આવ્યું છે ને અમને રજા મળશે એવી અફવા કોઈ લાવ્યું. બીજે દિવસે તો અમને ઘેર જવાની રજા મળી ને ત્યાર બાદ થોડા જ દિવસમાં બધા પોતપોતાને ઘેર પહોંચ્યા.

ફિનિક્સમાં પહોંચી મેં તો બ્રહ્મચર્યની વાત બહુ રસપૂર્વક છગનલાલ, મગનલાલ, વેસ્ટ ઈત્યાદિ આગળ કરી. બધાને તે વાત ગમી. બધાએ તેની આવશ્યકતાનો સ્વીકાર કર્યો. બધાને પાલન મહામુશ્કેલ પણ લાગી. કેટલાકે પ્રયત્ન કરવાની હિંમત પણ કરી, ને કેટલાક તેમાં સફળ થયા એવી મારી માન્યતા છે.

મેં વ્રત લઈ લીધું કે હવે પછી જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવું. આ વ્રતનું મહત્ત્વ અને તેની મુશ્કેલી હું તે વેળા સંપૂર્ણતાએ નહોતો સમજી શક્યો. તેની મુશ્કેલીનો અનુભવ આજ લગી કર્યા કરું છું. જાનવર સ્વભાવે નિરંકુશ છે. મનુષ્યનું મનુષ્યત્વ સ્વેચ્છાએ અંકુશીત બનાવવામાં આવે છે એમ દિવસે દિવસે વધારે સ્પષ્ટ થતું જાય છે.

જે બ્રહ્મચર્યનાં આવાં પરિણામો આવી શકે એ બ્રહ્મચર્ય સહેલું ન હોય, તે કેવળ શારીરિક વસ્તુ ન હોય. શારીરિક અંકુશથી બ્રહ્મચર્યનો આરંભ થાય છે. પણ શુદ્ધ બ્રહ્મચર્યમાં તો વિચારની મલિનતા પણ ન હોવી જોઈએ.

મને કાયિક બ્રહ્મચર્યના પાલનમાં પણ મહા કષ્ટ વેઠવું પડ્યું છે. અત્યારે એમ કહી શકાય કે તેને વિષે હું નિર્ભય બન્યો છું. પણ મારા વિચારોની ઉપર જે જય મારે મેળવવો જોઈએ તે મને મળી શક્યો નથી. સંપૂર્ણ ઈશ્વરાર્પણ વિના વિચારોની ઉપર સંપૂર્ણ જય ન જ મળી શકે. આ વચન બધાં ધર્મપુસ્તકોમાં વાંચ્યું છે ને તેનું સત્ય હું આ બ્રહ્મચર્યના સૂક્ષ્મતમ પાલનના પ્રયત્નને વિષે અનુભવી રહ્યો છું.

મારાં વલખાંનો થોડોઘણો ઈતિહાસ તો હવેના પ્રકરણોમાં આવવાનો જ છે. આમ જે બ્રહ્મચર્યનું ઈચ્છાએ અનિચ્છાએ ૧૯૦૦ની સાલથી હું પાલન કરતો આવ્યો છું તેનો વ્રતથી આરંભ ૧૯૦૬ના વચગાળેથી થયો.


Heart Searchings’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.