Daily Archives: 31/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૧. પોલાકે ઝંપલાવ્યું

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ફિનિક્સ જેવી સંસ્થા સ્થપાયા પછી હું પોતે તેમાં થોડો જ સમય વસી શક્યો એ મને હમેશા દુ:ખની વાત રહી છે.

અમે બધા જાતમહેનતથી નીભશું એ ધારણાથી મુદ્રણાલયની આસપાસ દરેક નિવાસીને સારુ ત્રણ ત્રણ એકરના જમીનના ટુકડા પાડ્યા. આમાં એક ટુકડો મારે નિમીત્તે પણ મપાયો. તે બધા ઉપર અમારી બધાની ઇચ્છા વિરુદ્ધ અમે પતરાંનાં ઘર બાંધ્યાં. ઇચ્છા તો ખેડૂતને શોભે એવાં ઘાસમાટીનાં અથવા ઇંટનાં ખોરડાં બાંધવાની હતી. તે ન થઇ શક્યું . તેમાં વધારે પૈસાનો વ્યય થતો હતો, વધારે વખત જતો હતો. બધા ઝટ ઘરબારવાળા થવા ને કામમાં પરોવાઇ જવા આતુર હતા.

સંપાદક તરીકે તો મનસુખલાલ નાજર જ ગણાતા હતા. તે આ યોજનામાં દાખલ નહોતા થયા. તેમનું રહેઠાણ ડરબનમાં જ હતું. ડરબનમાં ‘ઇંડિયન ઓપીનિયન’ની એક નાનકડી શાખા પણ હતી.

બીબાં ગોઠવવાને સારુ જોકે પગારદાર માણસો હતા, છતાં દૃષ્ટિ એ હતી કે છાપું છાપવાની ક્રિયા, જે વધારે વખત રોકનારી પણ સહેલી હતી, તે બધા સંસ્થાવાસીઓએ જાણી લેવી અને કરવી. આથી જે નહોતા જાણતા તે તૈયાર થયા. હું આ કામમાં છેવટ લગી સૌથી વધારે ઠોઠ રહ્યો, અને મગનલાલ ગાંધી સૌથી આગળ વધી ગયા.

આ કામ હજુ ઠેકાણે તો પડ્યું જ નહોતું, મકાનો પણ તૈયાર નહોતાં થયા, તેટલામાં આ નવા રચાયેલા કુટુંબને મૂકીને હું જોહાનિસબર્ગ નાઠો.

જોહાનિસબર્ગ આવીને પોલાકને આ મહત્વના ફેરફારની વાત કરી. પોતે આપેલા પુસ્તકનું આ પરિણામ જોઇ તેમના આનંદનો પાર ન રહ્યો. ‘ત્યારે હું પણ આમાં કોઇ રીતે ભાગ ન લઇ શકું ?’ તેમણે ઊમળકાભેર પૂછ્યું.

મેં કહ્યું, ‘અવશ્ય તમે ભાગ લઇ શકો છો. ઇચ્છો તો તમે આ યોજનામાં જોડાઇ શકો છો.’

‘મને દાખલ કરો તો હું તૈયાર જ છું.’ પોલાકે જવાબ આપ્યો.

આ દૃઢતાથી હું મુગ્ધ થયો. પોલાકે ‘ક્રિટિક’માંથી પોતાને મુક્ત કરવા શેઠને એક માસની નોટિસ આપી અને મુદત વીત્યે ફિનિક્સમાં પહોંચી ગયા.

પણ હું તેમને ત્યાં લાંબો વખત રાખી ન શક્યો. મિ. રીચે કાયદાનો અભ્યાસ વિલાયતમાં પૂરો કરવાનો નિશ્ચય કર્યો. એકલે હાથે મારાથી આખી ઓફિસનો બોજો ઊંચકી શકાય તેમ નહોતું. તેથી મેં પોલાકને ઓફિસમાં રહેવાનું ને વકીલ થવાનું સૂચવ્યું.

પોલાકના સ્વભાવમાં એક પ્રકારની એવી સરળતા હતી કે જેની ઉપર તેમનો વિશ્વાસ બેસે તેની સાથે દલીલ ન કરતાં તેના અભિપ્રાયને અનુકૂળ થવાનો તે પ્રયત્ન કરે. પોલાકે મને લખ્યું: ‘મને તો આ જીવન જ ગમે છે. હું અહીં સુખી છું. અને આ સંસ્થાને આપણે ખીલવી શકીશું. પણ જો તમે એમ માનો કે મારા ત્યાં આવવાથી આપણા આદર્શો વેલા સફળ થશે તો હું આવવા તૈયાર છું.’ મેં આ કાગળ વધાવી લીધો. પોલાક ફિનિક્સ છોડીને જોહાનિસબર્ગ આવ્યા ને મારી ઓફિસમાં વકીલાતી કારકુન તરીકે જોડાયા.

જો ઇશ્વરી સંકેત જુદો જ ન હોત તો સાદા જીવનને બહાને પાથરેલી મોહજાળમાં હું પોતે જ ફસાઇ જાત.

અમારી કોઇની પણ ધારણા બહાર મારી તેમ જ મારા આદર્શની રક્ષા કેવી રીતે થઇ એ બનાવને પહોંચતાં પહેલાં કેટલાંક પ્રકરણો જશે.


Polak Takes The Plunge


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.