Daily Archives: 30/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૨૦. પહેલી રાત

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ફિનિક્સમાં પહેલો અંક કાઢવો સહેલું ન નીવડ્યું.

આરંભકાળમાં ’ઈંડિયન ઓપીનિયન’ પ્રગટ કરવાના દિવસની આગલી રાતે તો સહુને ઓછોવતો ઉજાગરો થતો જ. પણ પહેલી રાત ન ભુલાય તેવી હતી. છાપવાનું ચોકઠું બંધાયું, પણ એંજિન ચાલવાની ના પાડે ! વેસ્ટ નિરાશ થઈ ભીની આંખે મારી પાસે આવ્યા ને કહે: ’હવે એંજિન આજે ચાલે તેમ નથી, અને આ અઠવાડિયે વેળાસર આપણે છાપું નહીં કાઢી શકીએ.’

’એમ જ હોય તો આપણે લાચાર થયા. પણ આંસુ ઢાળવાનું કશું કારણ નથી. હજી કાંઈ પ્રયત્ન થઈ શક્તા હોય તો કરી છૂટીએ. પણ પેલા ઘોડાનું શું?’ એમ બોલી મેં આશ્વાસન આપ્યું.

વેસ્ટ બોલ્યા : ’એ ઘોડો ચલાવનારા આપણી પાસે માણસો ક્યાં છે ? આપણે છીએ તેટલાથી એ ઘોડો ન ચાલે. તેને ચલાવવાને સારુ વારાફરતી ચાર ચાર માણસ જોઈએ. આપણે તો બધા થાક્યા છીએ.’

’પણ આ બધા મિસ્ત્રીઓ છે એનું શું ? ને આજની રાતને સારુ આપણે બધા અખંડ ઉજાગરો કરશું. આટલું કર્તવ્ય બાકી રહે છે એમ મને લાગે છે.’

’મિસ્ત્રીઓને ઉઠાડવાની ને તેમની મદદ માગવાની મારી હિંમત નથી

’એ મારું કામ ,’ મેં કહ્યું.

’તો સંભવ છે કે આપણે પહોંચી વળીએ.’

મેં મિસ્ત્રીઓને જગાડયા ને તેમની મદદ માગી. મારે તેમને વીનવવા ન પડ્યા. તેમણે કહ્યું: ’આવે ટાણે અમે કામ ન આવીએ તો અમે માણસ શેના ?

છાપખાનાના જણ તો તૈયાર હતા જ.

વેસ્ટના હર્ષનો પાર ન રહ્યો.

સવારના સાતેક વાગ્યા હશે. મેં જોયું કે હજુ કામ સારી પેઠે બાકી હતું. વેસ્ટને કહ્યું : ’હવે ઈજનેરને જગાડી ન શકાય ? દિવસના અજવાળામાં પાછી મહેનત કરે ને કદાચ એંજિન ચાલે તો આપણું કામ વખતસર પૂરું થઈ જાય.’

વેસ્ટે ઈજનેરને ઉઠાડ્યો. તે તુરત ઊઠી નીકળ્યો ને એંજિનની કોટડીમાં પેંઠો. શરૂ કરતાં જ એંજિન ચાલવા માંડ્યું. પ્રેસ ખુશીના પોકારથી ગાજી ઊઠ્યું. ’આમ કેમ થતું હશે ? રાત્રે આટઆટલી મહેનત કર્યા છતાં ચાલ્યું નહીં, ને હવે કેમ જાણે કંઈ દોષ ન હોય એમ ચલાવતાં જ ચાલવા લાગ્યું ?’

વેસ્ટે કે ઈજનેરે જવાબ આપ્યો : ’એનો ઉતર આપવો મુશ્કેલ છે. યંત્રોને પણ કેમ જાણે આપણી પેઠે આરામ જોઈતો હોય નહીં, એવી રીતે કેટલીક વેળા તેઓ વર્તતા જોવામાં આવે છે !’

મેં તો માન્યું કે આ એંજિનનું ન ચાલવું એ અમારી બધાની કસોટી હતી, ને તેનું અણીને સમયે ચાલવું શુધ્ધ મહેનતતું શુભ ફ્ળ હતું.

છાપું નિયમસર સ્ટેશને પહોંચ્યું, ને બધા નિશ્ચિંત થયા.

આવા આગ્રહને પરિણામે છાપાની નિયમિતતાની છાપ પડી ને ફિનિક્સમાં મહેનતનું વાતાવરણ જામ્યું. આ સંસ્થામાં એવો પણ એક યુગ આવ્યો કે જ્યારે એંજિન ચલાવવાનું ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવેલું ને દ્ઢતાપૂર્વક ઘોડાથી જ કામ ચલાવતા. ફિનિક્સનો આ ઊંચામાં ઊંચો નૈતિક કાળ હતો એવી મારી માન્યતા છે.


The First Night


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.