Daily Archives: 29/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૯. ફિનિક્સની સ્થાપના

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


સવારે પ્રથમ તો મેં વેસ્ટની સાથે વાત કરી. ’સર્વોદય’ની મારા ઉપર થયેલી અસર મેં તેમને કહી સંભળાવી, ને સૂચવ્યું કે ’ઈંડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચવા વખતમાં ’ઈંડિયન ઓપીનિયન’નું કામ કરે. વેસ્ટે એ સૂચનાનો સ્વીકાર કર્યો. દરેકનું ખાધાખરચ ઓછામાં ઓછું ત્રણ પાઉંડ થાય એવી ગણતરી કરી. આમાં ગોરાકાળાનો ભેદ નહોતો રાખવામાં આવ્યો.

આ દ્રષ્ટિએ મેં કામદારોમાં વાત શરૂ કરી. મદનજિતને તો તે ગળે ન જ ઊતરી.

મારા ભત્રીજા છગનલાલ ગાંધી આ પ્રેસમાં કામ કરતા હતા. તેમને પણ મેં વેસ્ટની સાથે જ વાત કરી. તેમને કુંટુંબનો બોજો હતો. પણ બચપણથી જ તેમણે મારી નીચે તાલીમ લેવાનું ને કામ કરવાનું પસંદ કર્યુ હતું. મારા પર તેમનો બહુ વિશ્વાસ હતો. એટલે દલીલ વગર તે તો ભળ્યા ને આજ લગી મારી સાથે જ છે.

ત્રીજા ગોવિંદસામી કરીને મશીનિયર હતા. તે પણ ભળ્યા. બીજાઓ જોકે સંસ્થાવાસી ન થયા, પણ તેમણે હું પ્રેસને જ્યાં લઈ જાઉં ત્યાં આવવા કબૂલ કર્યુ.

આમ કામદારોની જોડે વાતચીતમાં બેથી વધારે દિવસ ગયા હોય એમ મને યાદ નથી. તુરત મેં છાપામાં ડરબનની નજીક કોઈ પણ સ્ટેશન પાસે જમીનના ટુકડાને સારુ જાહેરખબર મૂકી. જવાબમાં ફિનિક્સની જમીનનું કહેણ આવ્યું. વેસ્ટ ને હું તે જોવા ગયા. સાત દિવસની અંદર ૨૦ એકર જમીન લીધી. તેમાં એક નાનકડો પાણીનો ઝરો હતો. કેટલાંક નારંગીનાં ને કેરીનાં ઝાડ હતાં. જોડે જ ૮૦ એકરનો બીજો એક કકડો હતો. તેમાં વિશેષ ફળઝાડ ને એક ઝૂંપડું હતું. તે પણ થોડા દિવસ બાદ ખરીધો. બેઉના મળીને ૧,૦૦૦ પાઉંડ આપ્યા.

શેઠ પારસી રુસ્તમજી મારાં આવાં બધાં સાહસોના ભાગીદાર હોય જ. તેમને મારી આ યોજના ગમી. એક મોટા ગોડાઉનનાં પતરાં વગેરે તેમની પાસે પડ્યાં હતાં તે તેમણે મફત આપ્યાં. તે વડે બાંધકામ શરૂ કર્યું.

ફિનિક્સમાં ઘાસ ખૂબ હતું, વસ્તી મુદ્લ નહોતી. તેથી સર્પોનો ઉપદ્રવ હતો તે જોખમ હતું. પ્રથમ તો સહુ તંબૂ તાણીને રહેલા.

મુખ્ય મકાન તૈયાર થયું એટલે એક અઠવાડિયામાં ઘણોખરો સામાન ગાડાવાટે ફિનિક્સ લઈ ગયા. ડરબન ને ફિનિક્સ વચ્ચે તેર માઈલનું અંતર હતું. ફિનિક્સ સ્ટેશનથી અઢી માઈલ છેટું હતું.

માત્ર એક જ અઠવાડિયું ’ઈંડિયન ઓપીનિયન’ મકર્યુરી પ્રેસમાં છપાવવું પડ્યું.

આ બધામાંથી અત્યારે મગનલાલ ગાંધીનું નામ હું તારવી કાઢું છું. કેમ કે બીજા જે સમજ્યા તે થોડોઘણો વખત ફિનિક્સમાં રહી પાછા દ્રવ્યસંચયમાં પડ્યા. મગનલાલ ગાંધી પોતાનો ધંધો સંકેલી મારી સાથે આવ્યા ત્યારથી તે રહ્યા જ છે; ને પોતાના બુધ્ધિબળથી, ત્યાગશક્તિથી ને અનન્ય ભકિતથી મારા આંતરિક પ્રયોગોમાંના મારા મૂળ સાથીઓમાં આજે પ્રધાનપદ ભોગવે છે, ને સ્વયંશિક્ષિત કારીગર તરીકે તેઓમાં મારી દ્રષ્ટિએ અદ્વિતીય સ્થાન ભોગવે છે.

આમ ૧૯૦૪ની સાલમાં ફિનિક્સની સ્થાપના થઈ, અને વિટંબણાનો છતાં ફિનિક્સ સંસ્થા તેમ જ ’ઈંડિયન ઓપીનિયન’ બન્ને હજુ નભી રહ્યાં છે. પણ આ સંસ્થાની આરંભની મુસીબતો ને તેમાં થયેલી આશાનિરાશાઓ તપાસવા લાયક છે. તે બીજા પ્રકરણમાં વિચારશું.


Phoenix Settlement


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.