Daily Archives: 28/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૮. એક પુસ્તકની જાદુઈ અસર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આ મરકીએ ગરીબ હિંદીઓ ઉપરનો મારો કાબૂ, મારો ધંધો ને મારી જવાબદારી વધાર્યા. વળી યુરોપિયનોમાં મારી વધતી જતી કેટલીક ઓળખાણો પણ એવી નિકટ થતી ગઈ કે તેથીયે મારી નૈતિક જવાબદારી વધવા માંડી.

જેમ વેસ્ટની ઓળખાણ મને નિરામિષાહારી ભોજનગૃહમાં થઈ તેમ પોલાકને વિષે બન્યું.

મિ. પોલાકની નિખાલસતાથી હું તેમની તરફ ખેંચાયો. તે જ રાતે અમે એકબીજાને ઓળખતા થઈ ગયા, અને જિંદગી વિષેના અમારા વિચારોમાં અમને બહુ સામ્ય નજરે આવ્યુ.

‘ઈંડિયન ઓપીનિયન’ નું ખર્ચ વધતું જતું હતું. વેસ્ટનો પહેલો જ રિપોર્ટ મને ભડકાવનારો હતો. તેમણે લખ્યું : ‘તમે કહ્યો હતો તેવો નફો આ કામમાં નથી. હું તો ખોટ જોઉં છું. ચોપડાઓની અવ્યવસ્થા છે. ઉઘરાણી ઘણી છે, પણ તે મોંમાથા વિનાની છે. ઘણા ફેરફારો કરવા પડશે. પણ આ રિપોર્ટથી તમારે ગભરાવાનું નથી. મારાથી બનતી વ્યવસ્થા હું કરીશ. નફો નથી તેટલા સારુ હું આ કામ છોડું તેમ નથી.’

મને લાગે છે કે, જાહેર કામ કરનારે આવો વિશ્વાસ ન રાખતાં જેની જાતે તપાસ કરી હોય એવી જ વસ્તુ કહેવી જોઈએ. સત્યના પૂજારીએ તો ઘણી સાવધાની રાખવી જોઈએ. કોઈના મન ઉપર ખરી ખાતરી વિના વધારે પડતી અસર પાડવી એ પણ સત્યને ઝાંખપ પહોંચાડનારી વસ્તુ છે. મને કહેતાં દુ:ખ થાય છે કે, આ વસ્તુ જાણતા છતાં ઉતાવળે વિશ્વાસ મૂકીને કામ લેવાની મારી પ્રકૃતિને હું છેક સુધારી શક્યો નથી. તેમાં હું ગજા ઉપરાંત કામ કરવાના લોભનો દોષ જોઉં છું એ લોભથી મારે અકળાવું પડ્યું છે તેના કરતાં મારા સાથીઓને બહુ વધારે અકળાવું પડ્યું છે.

વેસ્ટનો આવો કાગળ આવવાથી હું નાતાલ જવા ઊપડ્યો. પોલાક તો મારી બધી વાતો જાણતા થઈ જ ગયા હતા. મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા, ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેવું છે. તે વાંચી જજો. તમને ગમશે,’ એમ કહી તેમણે રસ્કિનનું ‘અન ટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું.

આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. જોહાનિસબર્ગથી નાતાલ ચોવીસ કલાક જેટલો રસ્તો હતો. ટ્રેન સાંજે ડરબન પહોંચતી હતી. પહોંચ્યા પછી આખી રાત ઊંઘ ન આવી. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો ઈરાદો કર્યો.

મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આ અનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકશાન નથી થયું એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે ‘સર્વોદય‘ને નામે છપાયેલું છે.

મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું, ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો. આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર નથી થતી, કેમ કે બધામાં બધી સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી.

‘સર્વોદય’ના સિદ્ધાંતો હું આમ સમજ્યો :

૧. બધાના ભલામાં આપણું ભલું રહેલુ છે.

૨. વકીલ તેમ જ વાળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.

૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

પહેલી વસ્તુ હું જાણતો હતો. બીજી હું ઝાંખી જોતો હતો. ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બંને સમાયેલી છે એમ મને ‘સર્વોદયે’ દીવા જેવું દેખાડ્યું. સવાર થયું ને હું તેનો અમલ કરવાના પ્રયત્નમાં પડ્યો.


The Magic Spell Of A Book


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.