Daily Archives: 27/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૭. લોકેશનની હોળી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


જોકે દરદીઓની સારવારમાંથી મારા સાથીઓ અને હું મુક્ત થયા તોપણ મરકીમાંથી ઉત્પન્ન થયેલાં બીજાં કામો તો માથે ઊભાં જ હતાં.

લોકેશનની સ્થિતિ વિષે મ્યુનિસિપાલિટી ભલે બેદરકાર હોય, પણ ગોરા શહેરીઓના આરોગ્યના વિષે તો તે ચોવીસે કલાક જાગ્રત હતી. તેમનું આરોગ્ય જાળવવા સારુ ખર્ચ કરવામાં તેણે કચાશ નહોતી રાખી, અને આ પ્રસંગે મરકીને આગળ વધતી અટકાવવા સારુ તો તેણે પાણીની જેમ પૈસા રેડ્યા. મેં મ્યુનિસિપાલિટીના હિંદીઓ પ્રત્યેના ઘણા દોષો જોયા હતા, છતાં ગોરાઓ માટેની આ કાળજીને સારુ મ્યુનિસિપાલિટીને માન આપ્યા વિના હું ન રહી શક્યો અને તેના આ શુભ પ્રયત્નમાં મારાથી જેટલી મદદ દઈ શકાય તેટલી મેં દીધી. હું માનું છું કે તે મદદ મેં ન દીધી હોત તો મ્યુનિસિપાલિટીને મુશ્કેલી પડત ને કદાચ તે બંદૂકબળનો ઉપયોગ કરત, કરતાં ન અચકાત, ને પોતાનું ધાર્યુ કરત.

લોકેશનની આસપાસ પહેરો બેઠો. તેમાંથી રજા વિના કોઈ નીકળી ન શકે, ન કોઈ તેમાં રજા વિના પેસી શકે. મારા સાથીઓને અને મને છૂટથી અંદર જવાના પરવાના આપ્યા હતા.

લોકો ખૂબ ગભરાયા. પણ હું તેમને પડખે હોવાથી તેમને આશ્વાસન હતું. આમાંના ઘણા ગરીબો પોતાના પૈસા દાટી મેલતા. હવે તે ખસેડવા રહ્યા. તેમને બેંક ન મળે, બેંકને તેઓ ન જાણે. હું તેમની બેંક બન્યો. મારે ત્યાં પૈસાનો ઢગલો થયો.અમારી બેંકના મેનેજરની સાથે મારે પરિચય હતો. ત્યાં ઘણા પૈસા મારે મૂકવા પડશે એ મેં તેમને જણાવ્યું. મેનેજરે મને બધી સગવડ કરી આપી. પૈસા જંતુનાશક પાણીમાં ધોઈ બેંકમાં મોકલવાનો ઠરાવ થયો. આમ લગભગ ૬૦,૦૦૦ પાઉંડ બેંકમાં મુકાયા એવું મને સ્મરણ છે. જેમની પાસે વધારે નાણાં હતા તેમને બાંધી મુદતને સારુ વ્યાજે મૂકવાની મેં અસીલોમાં સલાહ આપી. તે તે અસીલને નામે આમ કેટલાક પૈસા મુકાયા. આનું પરિણામ એ આવ્યુ કે તેમાંના કેટલાક બેંકમાં પૈસા રાખવા ટેવાયા.

લોકેશનનિવાસીઓને કિલપસ્પ્રુટ ફાર્મ નામે જિહાનિસબર્ગની પાસે સ્થળ છે ત્યાં સ્પેશિયલ ટ્રેનમાં લઈ ગયા. અહીં તેમને સીધુંપાણી મ્યુનિસિપાલિટીએ પોતાને ખરચે પૂરું પાડ્યું. આ તંબૂના ગામનો દેખાવ સિપાઈઓની છાવણી જેવો હતો. લોકોને આમ રહેવાની ટેવ નહીં તેથી માનસિક દુ:ખ થયું, નવું નવું લાગ્યું, પણ ખાસ અગવડ ભોગવવી પડી નહીં. હું દરરોજ એક આંટો બાઈસિકલ ઉપર જતો. ત્રણ અઠવાડિયાં આમ ખુલ્લી હવામાં રહેવાથી લોકોના આરોગ્યમાં અવશ્ય સુધારો થયો. અને માનસિક દુ:ખ તો પહેલા ચોવીસ કલાક નહોતા વીત્યા ત્યાં જ ભુલાયું. એટલે પછી તેઓ આનંદથી રહેવા લાગ્યા. હું ત્યાં જાઉં ત્યારે તેમનાં ભજનકીર્તન, રમતગમત ચાલતાં જ હોય.

મને યાદ છે તે પ્રમાણે, જે દિવસે લોકેશન ખાલી કર્યુ તેને બીજે દહાડે તેની હોળી કરવામાં આવી. મારકેટમાંથી મૂએલા ઉંદર જડ્યા હતા તેથી આ આકરું પગલું ભરવામાં આવ્યું હતું. મોટું ખર્ચ તો થયું, પણ પરિણામ એ આવ્યું કે મરકી આગળ વધવા ન જ પામી. શહેર નિર્ભય થયું.


Location In Flames


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.