Daily Archives: 26/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૬. મરકી—૨

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આ પ્રમાણે મકાનનો ને માંદાઓનો કબજો લીધાને સારુ ટાઉનક્લાર્કે મારો ઉપકાર માન્યો ને પ્રમાણિક પણે કબૂલ કર્યું : ‘ અમારી પાસે આવી સ્થિતિને અમારી મેળે એકાએક પહોંચી વળવાનું સાધન નથી. તમને જે મદદ જોઈશે તે માગજો ને બની શકશે તે ટાઉન કાઉન્સીલ આપશે.

બીજે દિવસે એક ખાલી પડેલ ગોદામનો કબજો અમને આપ્યો, ને ત્યાં દરદીઓને લઈ જવા સૂચવ્યું. મ્યુનિસિપાલિટીએ એક નર્સ મોકલી ને તેની સાથે બ્રૅન્ડીની બાટલી ને બીજી દરદીઓને જોઈતી વસ્તુઓ મોકલી. દાક્તર ગૉડફ્રેનો ચાર્જ કાયમ રહ્યો.

નર્સને અમે ભાગ્યે જ દર્દીઓને અડકવા દેતા હતા. નર્સ પોતે અડકવાને તૈયાર હતી. સ્વભાવે ભલી બાઈ હતી, પણ તેને જોખમમાં ન આવવા દેવાનો અમારો પ્રયત્ન હતો.

દર્દીઓને વખતોવખત બ્રૅન્ડી આપવાની સૂચના હતી. અમને પણ ચેપમાંથી બચવાને સારુ નર્સ થોડી બ્રૅન્ડી લેવા સૂચવતી ને પોતે પણ લેતી. અમારામાંથી કોઈ બ્રૅન્ડી લે તેમ નહોતું. મને તો દર્દીઓને પણ બ્રૅન્ડી આપવામાં શ્રદ્ધા નહોતી. દાકતર ગૉડફ્રેની પરવાનગીથી ત્રણ દર્દીઓ જે બ્રૅન્ડી વિના ચલાવવા તૈયાર હતા તેને માટેના પ્રયોગો કરવા દેવાને તૈયાર હતા તેમને માથે ને છાતીએ જ્યાં દુઃખ થતું ત્યાં મેં માટી મૂકવાનો પ્રયોગ કર્યો. આ ત્રણ દર્દીમાંથી બે બચ્યા. બાકીના બધા દર્દીઓનો દેહાંત થયો.વીસ દર્દીઓ તો આ ગોદામમાંથી જ ચાલ્યા ગયા.

થોડા જ દિવસમાં અમારા જાણવામાં આવ્યું કે પેલી ભલી નર્સને મરકી થઈ આવી હતી ને તેનો દેહાંત થયો. પેલા દર્દીનું બચવું ને અમારું મુક્ત રહેવું શા કારણથી થયું તે કોઈ નહીં કહી શકે. પણ માટીના ઉપચાર ઉપરની મારી શ્રદ્ધા અને દવા તરીકે પણ દારૂના ઉપયોગ વિષે મારી અશ્રદ્ધા વધ્યા. હું જાણું છું કે આ શ્રદ્ધા અને અશ્રદ્ધા બંને પાયા વિનાનાં ગણાય. પણ મારા ઉપર તે વેળાએ પડેલી અને હજી સુધી ચાલતી આવતી છાપને હું ધોઈ શકતો નથી, ને તેથી તેની આ પ્રસંગે નોંધ આવશ્યક ગણું છું.

આગળ પ્રકરણોમાં હું સૂચવી ગયો છું કે હું જમવા એક નિરામિષ ભોજન ગૃહમાં જતો. ત્યાં મને મિ. અલબર્ટ વેસ્ટની ઓળખાણ થયેલી. અમે હંમેશા સાંજે આ ગૃહમાં ભેળા થતા ને ખાઈને સાથે ફરવા જતા. વેસ્ટ એક નાના છાપખાનામાં ભાગીદાર હતા. તેમણે છાપામાં મરકીને વિષે મારો કાગળ જોયો ને મને જમવા વખતે વીશીમાં ન જોયો તેથી તે ગભરાયા.

મેં ને મારા સાથી સેવકોએ મરકી દરમ્યાન ખોરાક ઓછો કર્યો હતો.

આમ મને વીશીમાં ન ભાળવાથી બીજે કે ત્રીજે દિવસે સવારના પહોરમાં, હજુ હું બહાર નીકળવાની તૈયારી કરતો હતો ત્યાં, વેસ્ટે મારી કોટડીનું બારણું ખખડાવ્યું. બારણું ઉઘાડ્યું તેવા જ વેસ્ટ બોલ્યા:

‘તમને વીશીમાં ન જોયા તેથી હું ગભરાયો કે રખેને કંઈ તમને તો નહીં જ થયું હોય? એટલે અત્યારે તો તમે મળશો જ એમ સમજી આવ્યો છું. મારાથી કંઈ મદદ થઈ શકે એમ હોય તો કહેજો. હું દર્દીઓની સારવારને સારુ પણ તૈયાર છું. તમે જાણો છો કે મારી ઉપર મારું પોતાનું પેટ ભરવા ઉપરાંત કશી જવાબદારી નથી.

મેં વેસ્ટનો આભાર માન્યો. એક મિનિટ પણ વિચાર કરવા લીધી હોય એવું મને યાદ નથી. હું બોલ્યો:

‘તમને નર્સ તરીકે તો હું ન જ લઉં. જો બીજા દર્દીઓ નહીં નીકળે તો અમારું કામ એકબે દિવસમાં જ પૂરું થશે. પણ એક કામ છે ખરું.’

‘એ શું?’

‘તમે ડરબન જઈ ‘ઈંડિયન ઓપીનિયન’ પ્રેસનો વહીવટ હાથ ધરશો?

વેસ્ટે જવાબ દીધો:

‘મારી પાસે છાપખાનું છે તે તો તમે જાણો છો. ઘણે ભાગે તો હું જવા તૈયાર થઈશ. છેવટનો જવાબ આજે સાંજે આપું તો બસ થશે ના?

હું રાજી થયો. તે જ દિવસે સાંજે થોડે વાતચીત કરી. વેસ્ટને દર માસે દસ પાઉંડનો પગાર ને છાપખાનામાં કંઈ નફો રહે તો તેમાંથી અમુક ભાગ આપવાનું ઠરાવ્યું. વેસ્ટ પગારને ખાતર જવાના નહોતા, એટલે તેનો સવાલ તેમની આગળ નહોતો. બીજે જ દિવસે રાતની મેલમાં વેસ્ટ પોતાની ઉઘરાણી મને સોંપી ડરબન જવા રવાના થયા. ત્યારથી તે મેં દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યાં લગી તે મારા સુખદુઃખના સાથી રહ્યાં. વિલાયતના એક પ્રગણાના ગામ લાઉથના એક ખેડૂત કુટુંબના, નિશાળની સામાન્ય કેળવણી પામેલ, જાત મહેનતથી અનુભવની નિશાળમાં શીખેલ ને ઘડાયેલ , શુદ્ધ, સંયમી, ઈશ્વરથી ડરનાર, હિંમતવાન પરોપકારી અંગ્રેજ તરીકે મિ. વેસ્ટને હંમેશા ઓળખેલ છે. તેમનો અને તેમના કુટુંબનો પરિચય આપણને આ પ્રકરણોમાં હજુ વધારે થવાનો બાકી રહે છે.


The Black Plague – II


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.