સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૪. ’કુલી લોકેશન’ એટલે ઢેડવાડો ?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


હિંદુસ્તાનમાં આપણી મોટામાં મોટી સમાજસેવા કરનારા ઢેડ, ભંગી ઈત્યાદિ જેને અસ્પૃશ્ય ગણીએ છીએ તેને ગામ બહાર નોખા રાખી એ છીએ, ગુજરાતીમાં તેમના વાસને ઢેડવાડો કહીએ છીએ, ને તે નામ લેતાં સુગાઈએ છીએ. આ જ પ્રમાણે ખ્રિસ્તી યુરોપમાં એક જમાનામાં યહૂદીઓને અસ્પૃશ્ય ગણતા ને તેમને સારુ જે ઢેડવાડો વસાવવામાં આવતો તેનું નામ ‘ઘેટો’ કહેવાતું. તે અપશુકનિયું ગણાતું. આ જ પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં આપણે હિંદીઓ ત્યાંના ઢેડ બન્યા છીએ. એન્દ્રૂઝના આપભોગથી ને શાસ્ત્રીજીની જાદુઇ લાકડીથી આપણી શુદ્ધિ થશે અને પરિણામે આપણે ઢેડ મટી સભ્ય ગણાઇશું કે નહીં તે હવે જોવાનું.

હિંદુઓની જેમ યહૂદીઓ પોતાને ઈશ્વરના માનીતા ને બીજાને અણમાનીતા ગણી ને તે ગુનાની શિક્ષા વિચિત્ર રીતે ને અઘટિત રીતે પામ્યા. લગભગ તે જ રીતે હિંદુઓએ પણ પોતાને સંસ્કૃત કે આર્ય માની પોતાના જ એક અંગને પ્રાકૃત, અનાર્ય કે ઢેડ માન્યું છે. તેના પાપનું ફળ વિચિત્ર રીતે, ને ભલે અણગમતી રીતે, દક્ષિણ આફ્રિકા ઇત્યાદિ સંસ્થાનોમાં તેઓ મેળવી રહ્યા છે, ને તેમાં તેમના પડોશી મુસલમાન, પારસી જેઓ તેમના જ રંગના ને દેશના છે તે પણ સંડોવાયા છે એવી મારી માન્યતા છે.

જોહાનિસબર્ગના લોકેશનને વિષે આ પ્રકરણ રોક્યું છે તેનો કમીક ખ્યાલ વાંચનારને હવે આવશે. આપણે દક્ષિણ આફ્રિકામાં ‘કુલી’ તરીકે ‘પંકાયેલા’ છીએ. ‘કુલી’ શબ્દનો અર્થ અહીં તો માત્ર મજૂર કરીએ છીએ. પણ દક્ષિણ આફ્રિકામાં થતો તે શબ્દનો અર્થ ઢેડ, પંચમ, ઈત્યાદિ તિરસ્કારવાચક શબ્દોથી જ સૂચવી શકાય. દક્ષિણ આફ્રિકામાં જે સ્થાન ‘કુલી’ઓને રહેવા માટે નોખું રાખવામાં આવે છે તે ‘કુલી લોકેશન’ કહેવાય છે. આવું લોકેશન જોહાનિસબર્ગમાં હતું. બીજી બધી જગ્યાએ જે ‘લોકેશન’ રાખવામાં આવ્યાં હતાં ને હજુ છે ત્યાં હિંદીઓને કશો માલીકીહક નથી હોતો . પણ આ જોહાનિસબર્ગના લોકેશનમાં જમીનનો નવાણું વર્ષનો પટ્ટો અપાયો હતો. આમાં હિંદીઓની વસ્તી ખીચોખીચ હતી. વસ્તી વધે પણ લોકેશન વધે તેમ નહોતું. તેનાં પાયખાનાં જેમ તેમ સાફ થતાં ખરાં, પણ આ ઉપરાંત કશી જ વધારે દેખરેખ મ્યુનિસિપાલિટી તરફથી નહોતી થતી. ત્યાં સડક કે દીવાબત્તી તો હોય જ શેનાં? આમ જ્યાં લોકોની શૌચાદિને લગતી રહેણી વિષે પણ કોઈને દરકાર નહોતી ત્યાં સફાઈ ક્યાંથી હોય? જે હિંદીઓ ત્યાં વસતા હતા તે કંઈ શહેરસુધરાઇ, આરોગ્ય ઇત્યાદિના નિયમો જાણનારા સુશિક્ષિત આદર્શ હિંદુઓ નહોતા કે તેમને મ્યુનિસિપાલિટીની મદદની કે તેમની રહેણી ઉપર તેની દેખરેખની જરૂર ન હોય.જંગલમાં મંગળ કરી શકે, ધૂળમાંથી ધાન કરી શકે એવા એવા હિંદીઓ ત્યાં ત્યાં જઈ વસ્યા હોત તો તેમનો ઈતિહાસ જુદો જ હોત. આવા સંખ્યાબંધ લોકો દુનિયામાં ક્યાંય પરદેશ ખેડતા જોવામં નથી આવતા. સામાન્ય રીતે લોકો ધન અને ધંધાને અર્થે પરદેશ ખેડે છે. હિંદુસ્તાનથી તો મુખ્ય ભાગ ઘણા અભણ, ગરીબ, દીનદુ:ખી મજૂરોનો જ ગયો. આને તો ડગલે ડગલે રક્ષાની જરૂર હતી. તેમની પાછળ વેપારી ને બીજા સ્વતંત્ર હિંદીઓ ગ્યા તે તો ખોબા જેટલા હતા.

આમ સફાઈની રક્ષા કરનાર ખાતાની અક્ષમ્ય ગફલતથી ને હિંદી રહેવાસીઓના અજ્ઞાનથી લોકેશનની સ્થિતિ આરોગ્યદ્રષ્ટિએ અવશ્ય ખરાબ હતી. તેને સુધારવાની જરા પણ યોગ્ય કોશિશ સુધરાઈ ખાતાએ ન જ કરી. પણ પોતાના જ દોષથી ઉત્પન્ન થયેલી ખરાબીને નિમિત કરીને મજકૂર લોકેશનનો નાશ કરવાનો નિશ્વય તે ખાતાએ કર્યો, ને તે જમીનનો કબજો લેવાની સત્તા ત્યાંની ધારાસભા પાસેથી મેળવી. હું જ્યારે જોહાનિસબર્ગમાં જઈ વસ્યો ત્યારે આ સ્થિતિ વર્તતી હતી.

રહેનારાઓ પોતાની જમીનના ધણી હતા, એટલે તેમને કંઈક નુકશાની તો આપવી જ જોઈએ. નુકશાનીની રકમ ઠરાવવાને સારુ ખાસ અદાલત બેઠી હતી. મ્યુનિસિપાલિટી જે રકમ આપવા તૈયાર થાય તે જો ઘરધણી ન સ્વીકારે તો મજકૂર અદાલત જે ઠરાવે તે મળે. જો મ્યુનિસિપાલિટીએ કહેલા કરતાં અદાલત વધારે ઠરાવે તો ઘરધણીના વકીલનો ખર્ચ મ્યુનિસિપાલિટી ચૂકવે એવો કાયદો હતો.

આમાંના ઘણાખરા દાવાઓમાં ઘરધણીઓએ મને રોક્યો હતો.

લગભગ સિત્તેર કેસમાંથી એકમાં જ હાર થઈ.

આ દાવાઓમાં મારી માન્યતા પ્રમાણે મારી મહેનત સરસ હતી.

આ લોકોએ પોતાના ખાસ દુ:ખો મટાડવા સારુ સ્વતંત્ર હિંદી વેપારી વર્ગના મંડળથી અલગ એક મંડળ રચ્યું હતું. તેમના ત્રણે પ્રકારનાં દુ:ખમાં હું ભાગીદાર બન્યો.શેઠ અબદુલ્લાએ મને ‘ગાંધી’ તરીકે ઓળખવા ઈન્કાર કર્યો. ‘સાહેબ’ તો મને કહે કે ગણે જ કોણ? તેમણે અતિશય પ્રિય નામ શોધ્યું. મને તેઓ ‘ભાઈ’ કહી બોલાવવા લાગ્યા. તે નામ આખર લગી દક્ષિણ આફ્રિકામાં રહ્યું. પણ આ ગિરમીટમુક્ત હિંદીઓ જ્યારે મને ‘ભાઈ કહી બોલાવતા ત્યારે તેમાં મને ખાસ મીઠાશ લાગતી.


Coolie Locations Or Ghettoes?


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: