સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૯૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૨. અંગ્રેજી પરિચયો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


કામ એટલું વધી પડ્યું કે ગમે તેટલી મહેનત કરતાં છતાં મારાથી વકીલાતને અને જાહેર કામને પહોંચી વળાય તેમ ન રહ્યું.

અંગ્રેજ મહેતો કે મહેતી મળે તો હું ન લઉં એમ નહોતું. પણ ’કાળા’ માણસને ત્યાં ગોરા તે નોકરી કરે ? આ મારી ધાસ્તી હતી. પણ મેં પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો. એજંટે મને તેવું માણસ મેળવી આપવા મહેનત કરવાનું વચન આપ્યું. તેને મિસ ડિક નામે એક સ્કૉચ કુમારિકા હાથ લાગી. તે બાઈ તાજી જ સ્કૉટલૅન્ડથી આવી હતી. આ બાઈને પ્રામાણિક નોકરી જ્યાં મળે ત્યાં કરવામાં વાંધો નહોતો. તેને તો તુરત કામે વળગવું હતું. પેલા એજંટે આ બાઈને મારી પાસે મોકલી. તેને જોતાં જ મારી આંખ તેની ઉપર ઠરી.

તેને મેં પૂછ્યું, ’તમને હિંદીની નીચે કામ કરતાં અડચણ નથી ?’

તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો, ’મુદ્દલ નહીં.’

’તમને પગાર શું જોઈએ ?’

’સાડા સત્તર પાઉંડ તમે વધારે ગણશો ?’ તેણે જવાબ આપ્યો.

’તમારી હું જે આશા રાખું છું તે કામ તમે આપશો તો હું મુદ્દલ વધારે નથી ગણતો. તમે ક્યારે કામે ચડી શકશો ?’

’તમે ઈચ્છો તો હમણાં જ.’

હું બહુ રાજી થયો ને તે બાઈને તે જ વખતે મારી સામે બેસાડીને કાગળો લખાવવાનું શરૂ કર્યું.

એણે કંઈ મારી મહેતીનું નહીં, પણ હું એમ માનું છું કે સગી દીકરીનું કે બહેનનું પદ તુરત જ સહેજે લઈ લીધું. મારે તેને કદી ઊંચે સાદે કંઈ કહેવું નથી પડ્યું. ભાગ્યે જ તેના કામમાં ભૂલ કાઢવી પડી હોય. હજારો પાઉંડનો વહીવટ પણ એક વેળા તેના હાથમાં હતો, અને ચોપડા પણ તે રાખતી થઈ ગઈ હતી. તેણે તો મારો વિશ્વાસ સંપૂર્ણપણે સંપાદન કર્યો હતો, પણ તેની ગુહ્યતમ ભાવનાઓ જાણવા જેટલો વિશ્વાસ હું સંપાદન કરી શક્યો હતો તે મારે મન મોટી વાત હતી. તેનો સાથી પસંદ કરવામાં તેણે મારી સલાહ લીધી. કન્યાદાન આપવાનું સદ્‌ભાગ્ય પણ મને જ પ્રાપ્ત થયું.

ઑફિસમાં એક શોર્ટહૅન્ડ રાઇટરની જરૂર તો હતી જ. એ પણ મળી રહી. આ બાઈનું નામ મિસ શ્લેશિન. તેને મારી પાસે લાવનાર મિ. કૅલનબૅક હતા, જેમની ઓળખાણ વાંચનાર હવે પછી કરશે. આ બાઈ એક હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે. મારી પાસે તે આવી ત્યારે તેની ઉંમર સત્તર વર્ષની હશે. તેની કેટલીક વિચિત્રતાથી મિ. કૅલનબૅક અને હું હારતા. તે કંઈ નોકરી કરવા નહોતી આવી. તેને તો અનુભવો મેળવવા હતા. તેના હાડમાં ક્યાંય રંગદ્વેષ નહોતો જ. તેને કોઈની પરવા પણ નહોતી. ગમે તેનું અપમાન કરતાં ન ડરે, અને પોતાના મનમાં જેને વિષે જે વિચાર આવે તે કહેતાં સંકોચ ન રાખે. આ સ્વભાવથી તે કેટલીક વાર મને મુશ્કેલીમાં મૂકતી, પણ તેનો નિખાલસ સ્વભાવ બધી મુશ્કેલીઓ દૂર કરતો. તેનું અંગ્રેજી જ્ઞાન મેં હમેશાં મારા કરતાં ઊંચા પ્રકારનું માન્યું હતું તેથી, ને તેની વફાદારી ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી તેણે ટાઇપ કરેલા ઘણા કાગળોમાં હું ફરી તપાસ્યા વિના સહી કરતો.

તેની ત્યાગવૃત્તિનો પાર નહોતો. તેણે મારી પાસેથી ઘણા કાળ લગી તો દર માસે છ જ પાઉંડ લીધા, ને છેવટ લગી દસ પાઉંડ કરતાં વધારે લેવાની તેણે ચોખ્ખી ના જ પાડી. હું જો વધારે લેવાનું કહું તો મને ધમકાવતી ને કહેતી, ’હું કંઈ પગાર લેવા નથી રહી. મને તો તમારી સાથે આ કામ કરવું ગમે છે ને તમારા આદર્શો મને ગમે છે તેથી રહી છું.’

તેની ત્યાગવૃત્તિ જેવી તીવ્ર હતી તેવી જ તેની હિમત હતી. સ્ફટિકમણિ જેટલી પવિત્રતાવાળી અને ક્ષત્રીને અંજાવે એવી વીરતાવાળી બાઈઓને મળવાનું સદ્‌ભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તેમાંથી એક આ બાળાને હું માનું છું.

મિસ શ્લેશિન વિષે લખતાં હું થાકું તેમ નથી. પણ ગોખલેનું પ્રમાણપત્ર ટાંકીને હું આ પ્રકરણ પૂરું કરું છું. ગોખલેએ મારા બધા સાથીઓનો પરિચય કર્યો હતો. તે પરિચય કરીને તેમને ઘણાને વિષે સંતોષ થયો હતો. તેમને બધાંના ચારિત્રના આંક મૂકવાનો શોખ હતો. બધા હિંદી અને યુરોપિયન સાથીઓમાં મિસ શ્લેશિનને તેમણે પ્રધાનપદ આપ્યું હતું. ’આટલો ત્યાગ, આટલી પવિત્રતા, આટલી નિર્ભયતા અને આટલી કુશળતા મેં થોડામાં જોઈ છે. મારી નજરે તો મિસ શ્લેશિન તારા સાથીઓમાં પ્રથમપદ ભોગવે છે.’


European Contacts (Continued)


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: