Daily Archives: 21/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૧. અંગ્રેજોના ગાઢ પરિચયો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આ પ્રકરણ લખતાં એવો પ્રસંગ આવ્યો છે કે સત્યના પ્રયોગોની આ કથા કેવી રીતે લખાઈ રહી છે તે મારે વાંચનારને જણાવવું જોઈએ.

જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી. ઘણાં વર્ષોથી જે પ્રમાણે મેં મારાં મોટામાં મોટાં કહેવાય છે તે અને નાનામાં નાનાં ગણાય તે કાર્યો કર્યા છે, તે તપાસતાં તે અંતર્યામીનાં પ્રેરાયેલાં થયાં છે એમ કહેવું મને અઘટિત નથી લાગ્યું.

જગતની ઈશ્વર વિષેની શ્રદ્ધાને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધા કોઈ રીતે ભૂંસી શકાય એવી નથી, તેથી તેને શ્રદ્ધારૂપે ઓળખતો મટી અનુભવરૂપે જ હું ઓળખું છું. છતાં એને એમ અનુભવરૂપે ઓળખાવવી એ પણ સત્ય ઉપર એક પ્રકારનો પ્રહાર છે, તેથી તેને શુદ્ધરૂપે ઓળખાવનારો શબ્દ મારી પાસે નથી એમ કહેવું એ જ કદાચ વધારે યોગ્ય હોય.

એ અદૃષ્ટ અંતર્યામીને વશ વર્તીને આ કથા હું લખી રહ્યો છું એવી મારી માન્યતા છે.

આ પ્રકરણમાં લખતાં વળી નવું ધર્મસંકટ ઉત્પન્ન થયું છે. અંગ્રેજોના પરિચયો આપતાં શું કહેવું ને શું ન કહેવું એ મહત્વનો પ્રશ્ન થઈ પડ્યો છે.

આત્મકથામાત્રની ઇતિહાસ તરીકેની અપૂર્ણતા ને તેની મુશ્કેલીઓ વિષે મેં પૂર્વે વાંચેલું તેનો અર્થ આજે હું વધારે સમજું છું. સત્યના પ્રયોગોની આત્મકથામાં જેટલું મને યાદ છે તેટલું બધુંય હું નથી જ આપતો એ હું જાણું છું. સત્યને દર્શાવવા સારુ મારે કેટલું આપવું જોઈએ એની કોને ખબર ? અથવા એકતરફી અધૂરા પુરાવાની કિંમત ન્યાયમંદિરમાં શી અંકાય ? લખાયેલાં પ્રકરણો ઉપર કોઈ નવરો મારી ઊલટતપાસ કરવા બેસે તો કેટલું બધું અજવાળું આ પ્રકરણો ઉપર પાડે ? અને જો વળી તે ટીકાકારની દૃષ્ટિએ તપાસ કરે તો કેવાં ’પોકળો’ પ્રકટ કરી જગતને હસાવે ને પોતે ફુલાય ?

આ કથા ટીકાકારોને સંતોષવા નથી લખાતી. સત્યના પ્રયોગોમાંનો આ પણ એક પ્રયોગ જ છે.

હવે મથાળાને અનુસરું. જેમ મેં હિંદી મહેતાઓ અને બીજાઓને ઘરમાં કુટૂંબી તરીકે રાખ્યા તેમ જ અંગ્રેજોને રાખતો થઈ ગયો. આ મારી વર્તણૂક મારી સાથે રહેનારા બધાને અનુકૂળ નહોતી. પણ મેં હઠપૂર્વક તેમને રાખેલા. આસ્તિક મનુષ્યો, જેમણે પોતામાં રહેલા ઈશ્વરને બધામાં જોવો રહ્યો છે તેમનામાં સહુની જોડે અલિપ્ત થઈને રહેવાની શક્તિ આવવી જોઈએ.

જ્યારે બોઅર-બ્રિટિશ યુદ્ધ શરૂ થયું ત્યારે મારું ઘર ભરેલું છતાં મેં જોહાનિસબર્ગથી આવેલા બે અંગ્રેજોને સંઘર્યા. બન્ને થિયૉસૉફિસ્ટ હતા. અંગ્રેજોને ઘરમાં રાખવાનો મારો આ પહેલો અનુભવ હતો. ઇંગ્લંડમાં હું તેમના ઘરમાં રહેલો ખરો. ત્યારે તેમની રહેણીને હું વશ રહ્યો હતો, ને તે રહેવું લગભગ વીશીમાં રહેવા જેવું હતું. અહીં તેથી ઊલટું હતું. આ મિત્રો કુટુંબીજન થયા. તેઓ ઘણે અંશે હિંદી રહેણીને અનુસર્યા. બન્ને જણ ઘરનાં બીજાં માણસો સાથે ભળી ગયા હતા. જોહાનિસબર્ગમાં આ સંબંધો ડરબનના કરતાં વધારે આગળ ગયા.


Intimate European Contacts


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.