સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૧૦. એક પુણ્યસ્મરણ ને પ્રાયશ્ચિત્ત

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મેં સગાં અને પરાયાં, દેશી અને પરદેશી, ગોરા અને કાળા, હિંદુ અને મુસલમાન અથવા ખ્રિસ્તી, પારસી કે યહૂદી વચ્ચે ભેદ નથી જાણ્યો. મારું હૃદય એવા ભેદને ઓળખી જ નથી શકયું એમ કહી શકું છું.

જયારે હું ડરબનમાં વકીલાત કરતો ત્યારે ઘણી વાર મારા મહેતાઓ મારી સાથે રહેતા. એક મહેતો ખ્રિસ્તી હતો. તેના માતાપિતા પંચમ જાતિનાં હતાં. ઘરની બાંધણી પશ્ચિમ ઘાટની હતી. તેમાં કોટડીઓમાં ખાળ હોતા નથી—હોવા પણ ન જોઇએ એમ હું માનું છું—તેથી દરેક કોટડીમાં મોરીને બદલે પેશાબને સારુ ખાસ વાસણ હોય છે. તે ઉપાડવાનું કામ નોકરનું નહોતું, પણ અમારું ધણિધણિયાણીનું હતું. મહેતાઓ જે પોતાને ઘરના જેવા માનતા થઇ જાય તે તો પોતાનું વાસણ પોતે ઉપાડે પણ ખરા. આ પંચમ કુળમાં જન્મેલ મહેતા નવા હતા. તેમનું વાસણ અમારે જ ઉપાડવું જોઇએ. બીજાં તો કસ્તૂરબાઈ ઉપાડતી, પણ આ તેને મન હદ આવી. અમારી વચ્ચે કલેશ થયો. હું ઉપાડું એ તેને ન પાલવે, તેને પોતાને ઉપાડવું ભારે થઇ પડયું. આંખમાંથી મોતીનાં બિદુ ટપકાવતી, હાથમાં વાસણ ઝાલતી, અને મને પોતાની લાલ આંખોથી ઠપકો આપતી, સીડીએથી ઊતરતી કસ્તૂરબાઈને હું આજે પણ ચીતરી શકું છું.

પણ હું તો જેવો પ્રેમાળ તેવો ઘાતકી પતિ હતો. મને પોતાને હું તેનો શિક્ષક પણ માનતો ને તેથી મારા અંધ પ્રેમને વશ થઈ સારી પેઠે પજવતો.

આમ તેના માત્ર વાસણ ઊંચકી જવાથી મને સંતોષ ન થયો. તે હસતે મુખે લઈ જાય તો જ મને સંતોષ થાય. એટલે મેં બે બોલ ઊચે સાદે કહ્યા. ‘આ કંકાસ મારા ઘરમાં નહીં ચાલે,’

આ વચન તીરની જેમ ખૂંચ્યું.

પત્ની ધગી ઊઠી: ‘ત્યારે તમારું ઘર તમારી પાસે રાખો, હું ચાલી.’

હું તો ઈશ્વરને ભૂલ્યો હતો. દયાનો છાંટો સરખો નહોતો રહ્યો. મેં હાથ ઝાલ્યો. સીડીની સામે જ બહાર નીકળવાનો દરવાજો હતો. હું આ રાંક અબળાને પકડીને દરવાજા લગી ખેંચી ગયો. દરવાજો અરધો ઉઘાડયો.

આંખમાંથી ગંગાજમના વહી રહ્યાં હતાં, અને કસ્તૂરબાઇ બોલી:

‘તમને તો લાજ નથી. મને છે. જરા તો શરમાઓ. હું બહાર નીકળીને કયાં જવાની હતી ? અહીં માબાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ધુંબા ખાવા જ રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.’

મેં મોં તો લાલ રાખ્યું, પણ શરમાયો ખરો. દરવાજો બંધ કર્યો. જો પત્ની મને છોડી શકે તેમ નહોતી તો હું પણ તેને છોડીને કયાં જનારો હતો ? અમારી વચ્ચે કજિયા તો પુષ્કળ થયા છે, પણ પરિણામ હમેશાં કુશળ જ આવ્યું છે. પત્નીએ પોતાની અદ્‌ભુત સહનશક્તિથી જીત મેળવી છે.

આ વર્ણન આજે હું તટસ્થ રીતે આપી શકું છું, કારણ એ બનાવ તો અમારા વીત્યા યુગનો છે. આજે હું મોહાંધ પતિ નથી, શિક્ષક નથી. ઇચ્છે તો કસ્તૂરબાઈ મને આજે ધમકાવી શકે છે. અમે આજે કસાયેલાં મિત્ર છીએ, એકબીજા પ્રત્યે નિર્વિકાર થઈ રહીએ છીએ. મારી માંદગીમાં કશો બદલો ઇચ્છયા વિના ચાકરી કરનારી એ સેવિકા છે.

સને ૧૯૦૦ની સાલથી મારા વિચારોમાં ગંભીર પરિવર્તન થયું. ૧૯૦૬ની સાલમાં પરિણામ પામ્યું. પણ એ પરિણામને આપણે તેને સ્થળે ચર્ચશું.

અહીં તો આટલું જણાવવું બસ છે કે, જેમ જેમ હું નિર્વિકાર થતો ગયો તેમ તેમ મારા ઘરસંસાર શાંત, નિર્મળ ને સુખી થતો ગયો છે ને હજુ થતો જાય છે.

જોકે અમારી બુદ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારું જીવન સંતોષી, સુખી અને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે.


A Sacred Recollection And Penance


Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: