Daily Archives: 19/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૯. બળિયા સાથે બાથ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


હવે એશિયાઈ અમલદારો તરફ નજર કરીએ.

એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું જોહાનિસબર્ગમાં હતું. એ થાણામાં હિંદી, ચીના વગેરેનું રક્ષણ નહીં પણ ભક્ષણ થતું હતું એમ હું જોઈ રહ્યો હતો. મારી પાસે રોજ ફરીયાદો આવે: ‘હકદાર દાખલ થઈ નથી શકતા. ને બેહક સો સો પાઉંડ આપીને આવ્યે જાય છે. આનો ઇલાજ તમે ન કરો તો કોણ કરશે ?’ મને પણ એવી જ લાગણી હતી. જો આ સડો ન નીકળે તો મારું ટ્રાન્સવાલમાં વસવું ફોગટ ગણાય.

હું પુરાવા એકઠા કરવા લાગ્યો.

મને ખાતરી હતી જ. બીજા અમલદારો ઉપર પણ શક તો હતો, પણ તેમની સામે મારી પાસે કાચો પુરાવો હતો. બેને વિષે મુદ્દલ શક નહોતો. તેથી બેની ઉપર વૉરન્ટ નીકળ્યાં.

આ બેમાંથી એક અમલદાર ભાગ્યો. પોલીસ કમિશનરે બહારનું વૉરન્ટ કઢાવી તેને પકડાવ્યો ને પાછો આણ્યો. કેસ ચાલ્યો. પુરાવા પણ સરસ પડયા. છતાં, અને એક તો ભાગ્યો હતો એમ જૂરીની પાસે પુરાવો પડયો હતો તોપણ, બંને છૂટી ગયા !

હું બહુ નિરાશ થયો. પોલીસ કમિશનરને પણ દુ:ખ થયું. વકિલના ધંધા પ્રત્યે મને અણગમો ઉત્પન્ન થયો. બુદ્ધિનો ઉપયોગ ગુનો છુપાવવામાં થતો જોઇ મને બુદ્ધિ જ અળખામણી લાગી.

બન્ને અમલદારોનો ગુનો એટલો પ્રસિદ્ધ થઈ ગયો હતો કે તેઓ છૂટ્યા છતાં સરકાર તેમને સંઘરી તો ન જ શકી. બન્નેને બરતરફી મળી ને એશિયાઈ થાણું કંઇક ચોખ્ખું થયું. કોમને હવે ધીરજ આવી અને હિંમત પણ આવી.

કોમના સેંકડો પાઉંડ દર માસે લાંચમાં જ જતા તેમાંથી ઘણા બચ્યા. બધા બચ્યા એમ તો ન જ કહી શકાય. અપ્રામાણિક તો હજુયે ચરી ખાતા હતા.

હું કહી શકું છું કે આ અમલદારો આવા અધમ હતા છતાં તેઓ સામે અંગત મને કંઇ જ નહોતું.

આ પગલાની અસર એ થઈ કે, જે ગોરા વર્ગના સંબંધમા હું આવ્યો તેઓ મારે વિષે નિર્ભય બનવા લાગ્યા; ને જોકે તેમનાં ખાતાં સામે મારે ઘણી વેળા લડવું પડતું, તીખા શબ્દો વાપરવા પડતા, છતાં તેઓ મારી સાથે મીઠો સંબંધ રાખતા. આવી વર્તણૂક મારા સ્વભાવમાં જ હતી એનું મને તે વેળા બરોબર જ્ઞાન નહોતું. આવા વર્તનમાં સત્યાગ્રહની જડ રહેલી છે, એ અહિંસાનું અંગવિશેષ છે, એ હું પાછળથી સમજતો થયો.

મનુષ્ય અને તેનું કામ એ બે નોખી વસ્તુ છે. સારાં કામ પ્રત્યે આદર અને નઠારાં પ્રત્યે તિરસ્કાર હોવો જ જોઈએ. સારાંનરસાં કામ કરનાર પ્રત્યે હમેશાં આદર અથવા દયા હોવાં જોઈએ. આ વસ્તુ સમજવે સહેલી છે છતાં તેનો અમલ ઓછામાં ઓછો થાય છે. તેથી જ આ જગતમાં ઝેર ફેલાયાં કરે છે.

સત્યની શોધના મૂળમાં આવી અહિંસા રહેલી છે. તે હાથ ન આવે ત્યાં લગી સત્ય મળે જ નહીં એમ હું પ્રતિક્ષણ અનુભવ્યા કરું છું. તંત્રની સામે ઝઘડો શોભે, તંત્રીની સામે ઝઘડો કરવો તે પોતાની સામે કર્યા બરોબર છે. કેમ કે બધા એક જ પીંછીથી દોરાયેલા છીએ, એક જ બ્રહ્માની પ્રજા છીએ. તંત્રીમાં તો અનંત શક્તિ રહેલી છે. તંત્રીનો અનાદર—તિરસ્કાર કરવા જતાં તે શક્તિઓનો અનાદર થાય ને તેમ થતાં તંત્રીને તેમ જ જગતને નુકસાન પહોંચે.


Sanitary Reform And Famine Relief


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.