Daily Archives: 17/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૭. માટી અને પાણીના પ્રયોગ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મારા જીવનની સાદાઈ વધતી ગઈ તેમ તેમ રોગોને સારુ દવા લેવાનો અણગમો જે મૂળથી હતો તે વધતો ગયો.

દરમિયાન પેલા જર્મન વીશીવાળાએ કે કોઈ બીજા મિત્રે મારા હાથમાં જુસ્ટનું ‘રિટર્ન ટુ નેચર‘ (‘કુદરત તરફ વળો’) નામનું પુસ્તક મૂક્યું. તેમાં મેં માટીના ઉપચાર વિશે વાંચ્યું. સૂકાં અને લીલાં ફળ જ મનુષ્યનો કુદરતી ખોરાક છે એ વાતનું પણ આ લેખકે બહુ સમર્થન કર્યું છે. કેવળ ફળાહારનો પ્રયોગ તો મેં આ વેળા ન આદર્યો, પણ માટીના ઉપચાર તરત શરૂ કર્યા. તેની મારા ઉપર અજાયબીભરેલી અસર થઈ. ઉપચાર આ પ્રમાણે હતો. સાફ ખેતરાઉ લાલ કે કાળી માટી લઈ, તેમાં માપસર ઠંડુ પાણી નાખી, સાફ ઝીણા પલાળેલા કપડા પર લપેટી, પેટ ઉપર મૂકી ને તેને પાટાથી બાંધી. આ લોપરી રાતના સૂતી વખતે બાંધતો અને સવારે અથવા રાતમાં જાગી જાઉં તો ત્યારે કાઢી નાખતો. તેથી મારી કબજિયાત નાબૂદ થઈ. આ માટીના ઉપચારો મેં ત્યાર બાદ મારા ઉપર ને મારા અનેક સાથીઓ ઉપર કર્યા અને ભાગ્યે કોઈને વિશે નિષ્ફળ ગયાનું મને સ્મરણ છે.

દેશમાં આવ્યા બાદ હું આવા ઉપચારો વિશે આત્મવિશ્વાસ ખોઈ બેઠો છું. પ્રયોગો કરવાનો, એક જગ્યાએ સ્થિર થઈ બેસવાનો, મને અવસર પણ નથી મળી શક્યો. છતાં માટીના ઉપચાર મારી પોતાની ઉપર તો હું કરું જ ને મારા સાથીઓને પણ પ્રસંગ આવ્યે સલાહ દઉં છું.

ક્ષણે ક્ષણે વૈદ્ય, હકીમ અને દાક્તરને ત્યાં દોડવાથી ને શરીરમાં અનેક વસાણાં અને રસાયણો ભરવાથી મનુષ્ય પોતાનું જીવન ટૂંકું કરે છે, એટલું જ નહીં, પણ પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ખોઈ બેસે છે, અને શરીરનો સ્વામી રહેવાને બદલે શરીરનો ગુલામ બને છે.

માંદગીના બિછાનામાં પડ્યો આ હું લખી રહ્યો છું તેટલા સારુ આ વિચારોને કોઈ ન અવગણે.

આ વાંચીને જેઓ જુસ્ટનું પુસ્તક ખરીદે તેમણે તેમાંનું બધું વેદવાક્ય ન સમજવું. બધાં લખાણોમાં લેખકની એકાંગી દષ્ટિ ઘણે ભાગે હોય છે. પણ દરેક વસ્તુને ઓછામાં ઓછી સાત દષ્ટિએ જોઈ શકાય છે; ને તે તે દષ્ટિએ તે વસ્તુ ખરી હોય છે. પણ બધી દષ્ટિઓ એક જ વખતે ને એક જ પ્રસંગે ખરી ન જ હોય. વળી ઘણાં પુસ્તકોમાં ઘરાકીની અને નામની લાલચનો દોષ પણ હોય છે. એટલે જેઓ મજકૂર પુસ્તક વાંચે તેઓ વિવેકપૂર્વક વાંચે અને કંઈ પ્રયોગો કરવા હોય તો કોઈ અનુભવીની સલાહ મેળવે અથવા ધીરજપૂર્વક આવી વસ્તુનો થોડો અભ્યાસ કરી પ્રયોગોમાં ઊતરે.


Experiments In Earth And Water Treatment


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.