Daily Archives: 16/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૬. નિરામિષાહારને બલિદાન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


જીવનમાં જેમ જેમ ત્યાગ અને સાદાઇ વધ્યાં અને ધર્મજાગૃતિ વધી તેમ તેમ નિરામિષાહારનો અને તેના પ્રચારનો શોખ વધતો ગયો. પ્રચારનું કામ મેં એક જ રીતે કરી જાણ્યું છેઃ આચારથી અને આચારની જોડે જિજ્ઞાસુ સાથે વાર્તાલાપથી.

થિયૉસૉફિસ્ટ ઘણા નિરામિષાહારી હોય છે. કોઇ પૂરા, કોઇ અધૂરા. આ મંડળની એક બાઇ સાહસિક હતી. તેણે મોટા પાયા ઉપર એક નિરામિષાહારી ગૃહ કાઢ્યું. આ બાઇને કલાનો શોખ હતો. ખર્ચાળ સારી પેઠે હતી, અને હિસાબનું બહુ ભાન નહોતું. તેનું મિત્રમંડળ ઠીક પ્રમાણમાં ગણાય. પ્રથમ તો એનું કામ નાના પાયા ઉપર શરૂ થયું, પણ તેણે તેમાં વધારો કરવાનો ને મોટી જગ્યા મેળવવાનો નિશ્ચય કર્યો. આમાં મારી મદદ માગી. તે વેળા તેના હિસાબ વગેરેની મને કશી ખબર નહોતી. તેની ગણતરીઓ યોગ્ય હશે એમ મેં માની લીધું. મારી પાસે સગવડ હતી. ઘણાં અસીલોનાં નાણાં મારી પાસે રહેતાં. તેમાંના એકની રજા લઈ તેનાં નાણાંમાંથી લગભગ એક હજાર પાઉંડ આપ્યા. આ અસીલ વિશાળ હ્રદયનો અને વિશ્વાસુ હતો. તે પ્રથમ ગિરમીટમાં આવેલો. તેણે કહ્યું, ‘ભાઇ, આપકા દિલ ચાહે તો પૈસે દે દો. મૈં કુછ ના જાનૂં. મૈં તો આપ હી કો જાનતા હૂં.’ તેનું નામ બદ્રી. તેણે સત્યાગ્રહમાં ઘણો મોટો ભાગ લીધો હતો. તેણે જેલ પણ ભોગવી હતી. આટલી સંમતિ ઉપરથી મેં તેના પૈસા ધીર્યા. બેત્રણ માસમાં જ મને ખબર પડી ગઈ કે આ પૈસા પાછા નહીં આવે. આટલી મોટી રકમ ખોવાની મારી શક્તિ નહોતી. મારી પાસે એટલા પૈસાનો બીજો ઉપયોગ હતો. પૈસા પાછા ન જ આવ્યા. પણ વિશ્વાસુ બદ્રીના પૈસા જાય કેમ? તેણે તો મને જ જાણ્યો હતો. એ પૈસા મેં ભરી આપ્યા.

એક અસીલ મિત્રને મેં આ પૈસાની ધીરધારની વાત કરેલી. તેમણે મને મીઠો ઠપકો આપી જાગ્રત કર્યો:

‘ભાઇ, (દક્ષિણ આફ્રિકામાં હું ‘મહાત્મા’ નહોતો બન્યો, ‘બાપુ’ પણ નહોતો થયો. અસીલ મિત્રો મને ‘ભાઇ’ કહીને જ બોલાવતા.) આ કામ તમારું નથી. અમે તો તમારે વિશ્વાસે ચાલનારા. આ પૈસા તમને પાછા નથી મળવાના. બદ્રીને તો તમે બચાવી લેશો ને તમારા ખોશો. પણ આવાં સુધારકના કામમાં બધા અસીલોનાં પૈસા આપવા માંડો તો અસીલ મરી રહે ને તમે ભિખારી બનો ને ઘેર બેસો. તેમાં તમારું જાહેર કામ રખડે.’

મેં જોયું કે સુધારા કરવાને ખાતર પણ પોતાની શક્તિ બહાર ન જવું ઘટે. મેં એમ પણ જોયું કે આ ધીરધાર કરવામાં મેં ગીતાના તટસ્થ નિષ્કામ કર્મના મુખ્ય પાઠનો અનાદર કર્યો હતો. આ ભૂલ મારે સારુ દીવાદાંડી થઈ પડી.

નિરામિષાહારના પ્રચારને સારુ આવું બલિદાન કરવાનું મારી કલ્પનામાં નહોતું. મારે સારુ એ પરાણે પુણ્ય થઈ પડ્યું.


A Sacrifice To Vegetarianism


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.