Daily Archives: 12/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૮૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ચોથો:૩. કડવો ઘૂંટડો પીધો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


આ અપમાનનું મને બહુ દુ:ખ થયું પણ પૂર્વે આવાં અપમાનો સહન કરેલાં તેથી હું રીઢો થઈ રહ્યો હતો. એટલે અપમાનને ન ગણકારતાં તટસ્થપણે જે કર્તવ્ય મને સૂઝે તે કરવું એમ નિશ્ચય કર્યો.

મજકૂર અમલદારની સહીનો કાગળ આવ્યો. તેમાં લખ્યું હતું કે, મિ. ચેમ્બરલેન ડરબનમાં મિ. ગાંધીને મળ્યા છે, એટલે હવે તેમનું નામ પ્રતિનિધિઓમાંથી કાઢી નાંખવાની જરૂર છે.

સાથીઓને આ કાગળ અસહ્ય લાગ્યો.

તૈયબ શેઠ બોલી ઊઠ્યા: ‘પણ તમારું અપમાન તે કોમનું જ છે ના? તમે અમારા પ્રતિનિધિ છો એ કેમ ભુલાય?’

મેં કહ્યું, ‘એ ખરું જ છે. પણ આવાં અપમાન કોમે પણ ગળી જવાં પડશે. આપણી પાસે બીજો ઈલાજ શો છે?

‘ભલે જે થવાનું હોય તે થાઓ. પણ હાથે કરીને બીજું અપમાન શા સારું વહોરવું?

આ જુસ્સો મને ગમતો હતો, પણ તેનો ઉપયોગ ન કરાય એમ પણ હું જાણતો હતો. કોમની મર્યાદાનો મને અનુભવ હતો, એટલે મેં સાથીઓને શાંત પાડ્યા ને મારા વતી મરહૂમ જ્યૉર્જ ગૉડફ્રે જે હિંદી બારિસ્ટર હતા તેમને લઈ જવાની સલાહ આપી.

એટલે મિ. ગૉડફ્રે ડેપ્યુટેશનના નાયક થયા.

પણ આથી કોમનું ને મારું કામ વધ્યું, પૂરું ન થયું. શુભ કાર્યનું ફળ શુભ જ છે એવો મારો દૃઢ વિશ્વાસ છે. ગઈ ગુજરીનો વિચાર કરવા કરતાં હવે આપણું શું કર્તવ્ય છે એ વિચાર કરવો વધારે સારું છે. એટલે આપણે એ વિચારીએ.’

આ વાત બીજાઓએ ઉપાડી લીધી.

મેં કહ્યું: ‘ખરું જોતાં જે કામને સારુ મને બોલાવ્યો હતો તે તો હવે પૂરું થયું ગણાય. પણ હું માનું છું કે, તમે મને રજા આપો તો પણ, મારાથી બને ત્યાં લગી, હું ટ્રાન્સવાલમાંથી ન ખસું. મારું કામ હવે નાતાલમાંથી નહીં પણ અહીંથી ચાલવું જોઈએ. એક વર્ષની અંદર પાછા જવાનો વિચાર મારે માંડી વાળવો જોઈએ ને મારે અહીંની વકીલાતની સનદ મેળવવી જોઈએ. આ નવા ખાતાને પહોંચી વળવાની મને હિંમત છે. જો તેને ન પહોંચી વળીએ તો કોમ લૂંટાઈ જાય ને કદાચ અહીંથી કોમનો પગ નીકળી જાય. કોમની હીણપત તો રોજ વધતી જ જાય. મિ. ચેમ્બરલેન મને ન મળ્યા, પેલા અમલદારે મારી સાથે તોછડાઈભરેલું વર્તન ચલાવ્યું, એ તો કોમ આખીની નામોશી થાય તેના હિસાબમાં કંઈ જ નથી. અહીં આપણે કૂતરાની જેમ રહીએ એ સહન ન જ કરાય.’

આમ મેં વાત ચલાવી. પ્રિટોરિયા અને જોહાનિસબર્ગમાં વસતા હિંદી આગેવાનો સાથે મસલત કરીને છેવટે જોહાનિસબર્ગમાં ઑફિસ રાખવાનો નિશ્ચય થયો.

ટ્રાન્સવાલમાં મને વકીલાતની સનદ મળવા વિષે પણ શંકા તો હતી જ. પણ વકીલમંડળ તરફથી મારી અરજીનો વિરોધ ન થયો ને વડી અદાલતે મારી અરજી મંજૂર કરી.

હિંદીને યોગ્ય જગ્યામાં ઑફિસ મળવી એ પણ મુશ્કેલીની વાત હતી. મિ. રીચની સાથે મને સારો પરિચય થઈ ગયો હતો. તે વખતે તેઓ વેપારીવર્ગમાં હતા. તેમના ઓળખીતા હાઉસ-એજંટની મારફતે મેં ઑફિસનું મકાન સારી જગ્યામાં મેળવ્યું ને વકીલાત શરૂ કરી.


Pocketed The Insult


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.