Daily Archives: 09/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૩. પાછો દક્ષિણ આફ્રિકા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મણિલાલ સાજો તો થયો, પણ મેં જોયું કે ગિરગામ વાળું મકાન રહેવા લાયક નહોતું. તેમાં ભેજ હતો. પૂરું અજવાળું નહોતું. રેવાશંકરભાઈની સાથે મસલત કરી અમે બંને એ મુંબઈના કોઈ પરામાં ખુલ્લી જગ્યામાં બંગલો લેવાનો નિશ્ચય કર્યો.સાંતાક્રુઝમાં એક સુંદર બંગલો મળી આવ્યો તેમાં રહેવા ગયા, ને આરોગ્યની દ્રષ્ટિએ અમે સુરક્ષિત થયા એમ લાગ્યું.

મારો ધંધો, આર્થિક દ્રષ્ટિએ, મેં ધાર્યું હતું તેના કરતાં ઠીક ચાલ્યો એમ લાગ્યું.

બીજી તરફ ગોખલેની આંખ તો મારી તરફ તરવર્યા જ કરતી હતી.

પણ મારા ભવિષ્યની બાબતમાં મારું ધાર્યું કંઈ જ ઇશ્વરે ઊભવા નથી દીધું એમ કહીએ તો ચાલે.

જ્યાં મેં સ્વસ્થ થવાનો નિશ્ચય કર્યો ને સ્વસ્થતા અનુભવી ત્યાં દક્ષિણ આફ્રિકાથી અણધાર્યો તાર આવ્યો; ‘ચેમ્બરલેન અહીં આવે છે, તમારે આવવું જોઈએ.’ મારું વચન તો મને યાદ જ હતું. મેં તાર દીધો, ‘મારું ખરચ મોકલો, આવવા તૈયાર છું.’ તેઓએ તુરત પૈસા મોકલ્યા ને ઓફિસ સંકેલી હું રવાના થયો.

મેં ધાર્યું હતું કે મને એક વર્ષ તો સહેજે ચાલ્યું જશે. બંગલો ચાલુ રાખ્યો ને બાળબચ્ચાં ત્યાં જ રહે એ ઈષ્ટ માન્યું.

હું તે વેળા માનતો હતો કે, જે જુવાનિયાઓ દેશમાં ન કમાતા હોય ને સાહસિક હોય તેમણે દેશાવર નીકળી જવું એ સારું છે. તેથી મારી સાથે ચાર પાંચને લઈ ગયો. તેમાં મગનલાલ ગાંધી પણ હતા.

ગાંધી કુટુંબ મોટું હતું. આજ પણ છે. મારી દાનત એવી હતી કે તેમાંના જે સ્વતંત્ર થવા ઈચ્છે તે સ્વતંત્ર થાય.

પણ છેવટે જેમ મારા આદર્શ આગળ ગયા (એમ હું માનું છું )તેમ આ જુવાનોના આદર્શોને પણ વાળવાનો મેં પ્રયત્ન કર્યો. તેમાં મગનલાલ ગાંધીને દોરવામાં હું બહુ સફળતા પામ્યો. પણ આ વિષય આગળ ઉપર હાથ લેવો પડશે.

બાળબચ્ચાંઓનો વિયોગ, બાંધેલો માળો તોડવો, નિશ્વિત વસ્તુમાંથી અનિશ્વિતમાં પ્રવેશ – આ બધું ક્ષણભર સાલ્યું. પણ હું તો અનિશ્વિત જિંદગીથી ટેવાઇ ગયો હતો. આ જગતમાં જ્યાં, ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઇ જ નિશ્વિત નથી, ત્યાં નિશ્વિતપણાનો ખ્યાલ કરવો એજ દોષમય લાગે છે. આ જે બધું આપણી આસપાસ દેખાય છે ને બને છે તે બધું અનિશ્વિત છે, ક્ષણિક છે; તેમાં જે એક પરમતત્વ નિશ્વિતરૂપે છુપાયેલું છે તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રધ્ધા રહે, તો જ જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરુષાર્થ છે.

હું ડરબન એક દિવસ પણ વહેલો પહોંચ્યો એમ ન કહેવાય. મારે સારુ કામ તૈયાર જ હતું. મિ. ચેમ્બરલેન પાસે ડેપ્યુટેશન જવાની તારીખ મુકરર થઈ ચુકી હતી. મારે તેમની સમક્ષ વાંચવાની અરજી ઘડવાની હતી ને ડેપ્યુટેશનની સાથે જવાનું હતું.


To South Africa Again


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.