Daily Archives: 08/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૨. ધર્મસંકટ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મેં ઓફિસ લીધી તેમ ગિરગામમાં ઘર લીધું. ઘર લીધાને બહુ દિવસ નહોતા થયા એટલામાં જ મારો બીજો દીકરો સખત બીમારીથી ઘવાયો. તેને કાળજ્વરે ઘેર્યો. તાવ ઊતરે નહીં. મૂંઝારો પણ સાથે, અને રાત્રે સન્નિપાતના ચિહ્ન પણ જણાયાં. આ વ્યાધિ પૂર્વે બચપણમાં તેને શીતળા પણ ખૂબ નીકળેલા.

મેં દાક્તરની સલાહ લીધી. દાક્તરે કહ્યું: ‘તેને સારુ દવા થોડું જ કામ કરશે. તેને ઈંડા અને મરઘીનો સેરવો આપવાની જરૂર છે.’

દાક્તર એક બહુ ભલા પારસી હતા. ’દાક્તર, અમે તો બધાં અન્નાહારી છીએ. મારો વિચાર મારા દીકરાને એ બેમાંથી એકે વસ્તુ આપવાનો નથી. બીજું કંઇ ન બતાવો ?’

દાક્તર બોલ્યા, ‘તમારા દીકરાનો જાન જોખમમાં છે. દૂધ અને પાણી મેળવીને અપાય, પણ તેથી તેનું પૂરું પોષણ નહીં થઇ શકે.

મને તો લાગે છે કે મનુષ્યના ધર્મની કસોટી આવે જ સમયે થાય. ખરોખોટો પણ મેં એવો ધર્મ માન્યો છે કે, મનુષ્યે માંસાદિક ન ખાવાં જોઇએ.

ભલા દાક્તર મારી મુશ્કેલી સમજ્યા ને મારી માગણી મુજબ મણિલાલને જોવા આવવા કબૂલ કર્યું.

જોકે મણિલાલ પોતાની પસંદગી કરી શકે એમ તો નહોતું, છતાં મેં તેને દાક્તરની સાથે થયેલી વાત કરીને તેનો વિચાર જણાવવા કહ્યું.

‘તમે પાણીના ઉપચાર સુખેથી કરો. મારે સેરવો નથી પીવો ને ઈંડા નથી ખાવા.’

આ વચનથી હું રાજી થયો. જોકે હું સમજતો હતો કે, જો મેં તેને એ બન્ને ચીજ ખવડાવી હોત તો તે ખાત પણ ખરો.

હું ક્યુનીના ઉપચારો જાણતો હતો. તેના અખતરા પણ કર્યા હતા.

તાવ હઠે નહીં. રાત્રે કંઇ કંઇ બકે. તાવ ૧૦૪ ડિગ્રી લગી જાય. હું ગભરાયો. જો બાળકને ખોઇ બેસીશ તો જગત મને શું કહેશે ?

આવા વિચારો આવે. વળી આમે વિચારો આવે:

જીવ ! તું તારે સારુ કરે તે દીકરાને સારુ કરે તો પરમેશ્વર સંતોષ માનશે. તને પાણીના ઉપચાર પર શ્રદ્ધા છે, દવા ઉપર નથી. દાક્તર જીવતદાન નહીં આપે. તેનાયે અખતરા છે. જીવનદોરી તો એક ઈશ્વરના જ હાથમાં છે. ઈશ્વરનું નામ લઇને, તેના ઉપર શ્રદ્ધા રાખી, તું તારો માર્ગ ન છોડ.

આમ ધાલાવેલી મનમાં ચાલતી હતી. રાત પડી. હું ઊઠ્યો. ચોફાળ લીધો. ઠંડા પાણીમાં ઝબોળ્યો. નિચોવ્યો. તેમાં પગથી ડોક સુધી તેને લપેટ્યો. ઉપર બે ધાબળીઓ ઓઢાડી.માથા ઉપર ભીનો ટુવાલ મૂક્યો. તાવ લોઢી જેવો તપી રહ્યો હતો. શરીર તદ્દન સૂકું હતું. પસીનો આવતો નહોતો.

હું ખૂબ જ થાક્યો હતો. મણિલાલને તેની માને સોંપી હું અરધા કલાકને સારુ જવા હવા ખાઈ તાજો થવા ને શાંતિ મેળવવા ચોપાટી ઉપર ગયો. રાતના દશેક વાગ્યા હશે. માણસોની આવજા ઓછી થઇ ગઇ હતી. મને થોડું જ ભાન હતું. હું વિચારસાગરમાં ડૂબકી મારી રહ્યો હતો. હે ઈશ્વર ! આ ધર્મસંકટમાં તું મારી લાજ રાખજે. ‘રામ, રામ’નું રટણ તો મુખે હતું જ. થોડા આંટા મારી ધડકતી છાતીએ પાછો ફર્યો. જેવો ઘરમાં પેસું છું તેવો જ મણિલાલે પડકાર્યો: ‘બાપુ, તમે આવ્યા ?’

‘હા, ભાઇ.’

‘મને હવે આમાંથી કાઢોને. બળી મરું છું.’

‘કાં, પસીનો છૂટે છે શું ?’

‘હું તો પલળી ગયો છું. હવે મને કાઢોને ભાઇસાબ !’

મેં મણિલાલનું કપાળ તપાસ્યું. માથે મોતિયા બાજ્યા હતા. તાવ ઓછો થતો હતો. મેં ઈશ્વરનો પાડ માન્યો.

‘મણિલાલ, હવે તારો તાવ જશે. હજુ થોડો વધારે પરસેવો નહીં આવવા દે ?’

‘ના, ભાઇસાબ ! હવે તો મને છોડાવો. વળી બીજી વાર એવું કરજો.’

મને ધીરજ આવી હતી. એટલે વાતો કરાવી થોડી મિનિટો ગાળી. કપાળેથી પરસેવાના રેલા ચાલ્યા. મેં ચાદર છોડી. શરીર લૂછ્યું, ને બાપ-દીકરો સાથે સૂઇ ગયા. બન્નેએ ખૂબ નિંદ્રા લીધી.

સવારે મણિલાલનો તાવ હળવો જોયો. દૂધ ને પાણી તથા ફળ ઉપર તે ચાળીસ દિવસ રહ્યો. હું નિર્ભય બન્યો હતો. તાવ હઠીલો હતો, પણ કાબૂમાં આવ્યો હતો. આજે મારા બધા છોકરાઓમાં મણિલાલ શરીરે સહુથી વધારે મજબૂત છે.

તે રામની બક્ષિસ છે કે પાણીના ઉપચારની, અલ્પાહારની ને માવજતની, તેનું નિરાકરણ કોણ કરી શકે ? સહુ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ભલે કરે. મારી તો ઈશ્વરે લાજ રાખી એટલું મેં જાણ્યું ને આજ પણ એમ જ માનું છું.


Faith On Its Trial


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.