Daily Archives: 07/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૧. મુંબઈમાં સ્થિર થયો?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ગોખલેની ભારે ઇચ્છા હતી કે હું મુંબઈમાં સ્થિર થાઉં, ત્યાં બારિસ્ટરનો ધંધો કરું ને તેમની સાથે જાહેર સેવામાં ભાગ લઉં.

મારી પણ તે જ ઇચ્છા હતી. પણ ધંધો મળવા વિશે મને આત્મવિશ્વાસ નહોતો.

તેથી, પ્રથમ તો હું રાજકોટમાં જ રહ્યો. ત્યાં મારા પુરાણા હિતેચ્છુ ને મને વિલાયત મોકલનાર કેવળરામ માવજી દવે હતા. તેમણે મારા હાથમાં ત્રણ કેસ મૂક્યા.

આ કેસમાં મારી સામે મરહૂમ સમર્થ હતા. મારી તૈયારી ઠીક હતી. અહીંના કાયદાનું તો મને બહુ ભાન નહોતું. ‘પુરાવાનો કાયદો ફિરોજશાને મોઢે છે ને એ તેમની સફળતાની ચાવી છે,’ એમ મિત્રો મને સંભળાવતા, તે મેં યાદ રાખેલું, ને દક્ષિણ આફ્રિકા જતાં મેં અહીંનો પુરાવાનો કાયદો ટીકા સહિત વાંચી કાઢ્યો હતો. સિવાય, દક્ષિણ આફ્રિકાનો અનુભવ તો હતો જ.

કેસમાં જીત મળી. આથી મને કંઈક વિશ્વાસ બેઠો. પેલી બે અપીલોને વિશે તો મને મૂળથી જ ધાસ્તી નહોતી. એટલે મુંબઈ જવાય તો ત્યાં પણ હરકત ન આવે એમ મનમાં લાગ્યું.

આ વિષય પર આવતાં પહેલાં જરા અંગ્રેજ અમલદારોના અવિચાર અને અજ્ઞાનનો અનુભવ કહી જાઉં. જ્યુડિશિયલ આસિસ્ટંટ કંઈ એક જગ્યાએ ન બેસતા, તેમની સવારી ફર્યા કરે. ને જ્યાં તેઓ સાહેબ જાય ત્યાં વકીલ અસીલોએ જવું રહ્યું. વકીલની ફી જેટલી મથકમાં હોય તેના કરતાં બહાર વધારે હોય જ. એટલે અસીલને સહેજે બમણું ખર્ચ પડે. આનો વિચાર જજને કરવાનો હોય જ નહીં.

આ અપીલની સુનાવણી વેરાવળમાં હતી.

મારા ઉપર વકીલ મિત્રોનો તાર હતો કે, મારે સાહેબને અરજી કરવી કે મરકીને લીધે છાવણી ફેરવે. સાહેબને અરજી કરતાં તેમણે મને પૂછ્યું, ‘તમને કંઈ ભય લાગે છે ?’

મેં કહ્યું: ‘મારા ભયનો આ સવાલ નથી. મને મારું સાચવી લેતાં આવડે છે એમ હું માનું છું. પણ અસીલોનું શું ?’

સાહેબ બોલ્યા, ‘મરકીએ તો હિંદુસ્તાનમાં ઘર કર્યું છે. તેનાથી શું ડરવું? વેરાવળની હવા તો કેવી સુંદર છે! (સાહેબ ગામથી દૂર દરિયાકિનારે મહેલ જેવા તંબૂમાં રહેતા હતા.) લોકોએ આમ બહાર રહેતાં શીખવું જોઈએ.’

આ ફિલસૂફી આગળ મારું શું ચાલે ?

તેને હિંદુસ્તાનની અગવડોનું માપ કેમ આવે ? તે બિચારો હિંદુસ્તાનની હાજતો, ટેવો, કુટેવો, રિવાજો કેમ સમજે ? પંદર રૂપિયાની મહોરના માપવાળાને પાઈનું માપ આપીએ તે કેમ ઝટ ગણતરી કરી શકે ? શુભમાં શુભ ઇરાદા છતાં, હાથી જેમ કીડીને સારુ વિચાર કરવા અસમર્થ હોય, તેમ હાથીની હાજતવાળા અંગ્રેજ કીડીની હાજતવાળા હિંદીને સારુ વિચાર કરવા કે નિયમ દોરવા અસમર્થ જ હોય.

હવે મૂળ વિષય પર આવું.

એક દિવસ કેવળરામ મારી પાસે પંહોચ્યા ને બોલ્યા, ‘ગાંધી, તમને અહીં નહીં રહેવા દઈએ. તમારે તો મુંબઈ જ જવું પડશે.’

‘પણ ત્યાં મારો ભોજિયોય ધણી નથી થવાનો. મારું ખર્ચ તમે ચલાવશો કે ?’

‘હા, હા. હું તમારું ખર્ચ ચલાવીશ. તમે જે જાહેર કામ કરવાને સરજાયેલા છો, તેને અમે કાઠિયાવાડમાં દફન થવા નહીં દઈએ. બોલો ક્યારે જાઓ છો ?’

‘નાતાલથી મારા થોડા પૈસા આવવાના બાકી છે તે આવ્યે જઈશ.’

પૈસા બેક અઠવાડિયામાં આવ્યા ને હું મુંબઈ ગયો. પેઈન, ગિલબર્ટ ને સયાનીની ઓફિસમાં ‘ચેમ્બર્સ’ ભાડે રાખ્યા ને સ્થિર થવા લાગ્યો.


Settled In Bombay?


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.