Daily Archives: 06/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨૦. કાશીમાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


Kolakata_to_Rajkot


આ મુસાફરી કલકત્તેથી રાજકોટ સુધીની હતી. તેમાં કાશી, આગ્રા, જયપુર, પાલનપુર અને રાજકોટ એમ જવાનું હતું. આટલું જોવા ઉપરાંત વધારે વખત અપાય તેમ નહોતો. દરેક જગ્યાએ એક એક દિવસ રહ્યો હતો.

ત્રીજા વર્ગના ડબ્બામાં ગંદકી અને પાયખાનાની બૂરી હાલત તો જેવાં આજે છે તેવાં તે વખતે હતાં. આજે કદાચ સહેજ સુધારો થયો હોય તો ભલે. પણ પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે સગવડોનું અંતર ભાડાના અંતર કરતાં ઘણું વધારે જણાયું. ત્રીજા વર્ગના ઉતારુ એટલે ઘેટાં, ને તેમની સગવડ એટલે ઘેટાંના ડબ્બા.

રેલખાતા તરફની આ અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો સુઘડ મુસાફરને સારુ ત્રીજા વર્ગની મુસાફરી સજારૂપ કરી નાખે છે. ગમે ત્યાં થૂંકવુ, ગમે ત્યાં કચરો નાખવો, ગમે તેમ ને ગમે તે વખતે બીડી ફૂંકવી, પાનજરદો ચાવવાં ને તેની પિચકારીઓ બેઠા હોય ત્યાં જ મારવી, એઠવાડ ભોંય ઉપર નાંખવો, બરાડા પાડીને વાતો કરવી, જોડે બેઠેલાની દરકાર ન કરવી, ને ભાષાની ગંદકી-આ તો સાર્વત્રિક અનુભવ છે.

ત્રીજા વર્ગની મુસાફરીના મારા ૧૯૦૨ના અનુભવમાં ને ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના મારા બીજી વારના એ જ અખંડ અનુભવમાં મેં બહુ તફાવત નથી અનુભવ્યો. આ મહા વ્યાધિનો ઉપાય મેં એક જ જાણ્યો છે. તે એ કે, શિક્ષિત વર્ગે ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી ને લોકોની ટેવો સુધારવા પ્રયત્ન કરવો. સિવાય, રેલખાતાના અમલદારોને ફરિયાદોથી પજવી મેલવા, પોતાની સગવડ મેળવવા કે જાળવવા લાંચરુશવત ન આપવાં, ને એક પણ ગેરકાયદે વર્તણૂક જતી કરવી.

આમ કરવાથી ઘણો સુધારો થઈ શકે છે એવો મારો અનુભવ છે.

પણ, આ ત્રીજા વર્ગની મુસાફરીની વાત હવે અહીંથી પડતી મેલી કાશીના અનુભવ ઉપર આવું. બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયુ તેથી દુ:ખ જ પામ્યો.

સાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં.

જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે ! ધ્યાન જોઈએ તો તે અંતરમાંથી મેળવવું રહ્યું.કાશીવિશ્વનાથની આસપાસ શાંત, નિર્મળ, સુગંધી, સ્વચ્છ વાતાવરણ-બાહ્ય તેમ જ આંતરિક-પેદા કરવું ને જાળવવું એ સંચાલકોનું કર્તવ્ય હોય. તેને બદલે મેં લુચ્ચાઓની છેલ્લી ઢબની મીઠાઈની અને રમકડાંની બજાર ભાળી.

મંદિરે પહોંચતા દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ. માંહે સરસ આરસની ભોંય હતી. તેને કોઈ અંધશ્રધ્ધાળુએ રૂપિયાથી જડી ભાંગી નાંખી હતી : ને રૂપિયામાં મેલ ભરાયો હતો.

હું જ્ઞાનવાપી નજીક ગયો. મેં અહીં ઈશ્વરને ખોળ્યો, પણ તે ન જડ્યો. તેથી મનમાં ધૂધવાઇ રહ્યો હતો.

મેં મૂંગે મોઢે દુકાની આપી ને નિ:શ્વાસ મૂકી ચાલતો થયો.

ભગવાનની દયા વિષે જો કોઈને શંકા હોય તો આવાં તીર્થક્ષેત્રો જુએ. તે મહા યોગી પોતાને નામે કેટલાં ધતિંગ, અધર્મ, પાખંડ, ઈત્યાદિ સહન કરે છે !

તેણે તો કહી મેલ્યું છે:

ये यथा मां प्रपघन्ते तांस्तथैव भजाम्यहम् ।

(એટલે કે ‘કરણી તેવી ભરણી’. કર્મને મિથ્યા કોણ કરનારું છે ? પછી ભગવાનને વચમાં પડવાપણું જ ક્યાં છે ? તેણે તો પોતાનો કાયદો બનાવીને હાથ ધોઈ નાખ્યા છે.)

આ અનુભવ લઈ હું મિસિસ બેસંટનાં દર્શન કરવા ગયો. તેઓ તાજાં જ બિમારીમાંથી ઊઠયાં હતાં એ હું જાણતો હતો. મેં મારું નામ મોકલ્યુ. તેઓ તુરત આવ્યાં. મારે તો દર્શન જ કરવાં હતાં, તેથી મેં કહ્યું, ‘આપની નાજુક તબિયત વિષે હું જાણું છુ. મારે તો આપનાં દર્શન જ કરવાં હતાં. નાજુક તબિયત છતાં આપે મને મળવાની રજા આપી એથી જ મને સંતોષ છે. આપને હું વધારે નહીં રોકું.’

કહી મેં રજા લીધી.


In Benaras


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.