Daily Archives: 05/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૯. ગોખલે સાથે એક માસ—૩

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


કાલિ માતાને નિમિત્તે થતો વિકરાળ યજ્ઞ જોઈને બંગાળી જીવન જાણવાની મારી ઈચ્છા વધી. બ્રહ્મસમાજને વિષે તો ઠીક ઠીક વાંચ્યું-સાંભળ્યું હતું. પ્રતાપચંદ્ર મજમુદારનું જીવન વૃત્તાંત થોડું જાણતો હતો. તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ગયો હતો. તેમનું લખેલ કેશવચંદ્ર સેનનું જીવનવૃત્તાંત મેળવ્યું અને અતિ રસપૂર્વક વાંચી ગયો. સાધારણ બ્રહ્મ સમાજ અને આદિ બ્રહ્મ સમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રીના દર્શન કર્યાં. મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરનાં દર્શન કરવા પ્રો. કાથવટે અને હું ગયા. પણ તેઓ તે વેળા કોઈને મળતા નહોતા, તેથી તેમનાં દર્શન ન થઈ શક્યાં. પણ તેમને ત્યાં બ્રહ્મસમાજનો ઉત્સવ હતો તેમાં જવા અમને નોતરેલા તેથી અમે ગયા હતા, ને ત્યાં ઊંચા પ્રકારનું બંગાળી સંગીત સાંભળવા પામ્યા. ત્યારથી જ બંગાળી સંગીત ઉપરનો મારો મોહ જામ્યો.

બ્રહ્મ સમાજનું બની શકે તેટલું નિરીક્ષણ કર્યા પછી સ્વામી વિવેકાનંદનાં દર્શન ન કરું એમ તો બને જ કેમ? અતિ ઉત્સાહ પૂર્વક હું બેલૂર મઠ લગી ઘણે ભાગે ચાલીને ગયો. પૂરો ચાલ્યો કે અરધો, એ મને અત્યારે યાદ નથી. મઠનું એકાંત સ્થાન મને ગમ્યું. સ્વામીજી બીમાર છે, તેમને મળાય એમ નથી, અને એઓ પોતાને કલકત્તાને ઘેર છે એમ ખબર સાંભળી નિરાશ થયો. ભગિની નિવેદિતાના રહેઠાણના ખબર મેળવ્યા. ચોરંઘીના એક મહેલમાં તેમના દર્શન પામ્યો. તેમના દમામથી હું હેબતાઈ ગયો. વાતચીતમાં પણ અમારો બહુ મેળ ન જામ્યો. મેં આ વાત ગોખલે ને કરેલી. તેમણે કહ્યું : ‘એ બાઈ બહુ તેજ છે, એટલે તમારો મેળ ન મળે એ હું સમજું છું.’

ફરી એક વાર તેમનો મેળાપ મને પેસ્તનજી પાદશાહને ઘેર થયેલો. પેસ્તનજીનાં વૃદ્ધ માતાને તે ઉપદેશ આપતાં હતાં, તેવામાં હું તેમને ત્યાં જઈ પહોંચેલો. એટલે હું તેમની વચ્ચે દુભાષિયો બન્યો હતો. ભગિનીનો હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ ઊભરાઈ જતો હતો એટલું તો, હું અમારો મેળ ન મળતાં છતાં, જોઈ શક્યો હતો. તેમના પુસ્તકોનો પરિચય પાછળથી કર્યો.

એક દિવસ મેં, બોઅર લડાઈમાં હિંદી સારવાર-ટુકડીએ જે કામ કર્યું હતું, તે ઉપર દા. મલિકના પ્રમુખ પણા હેઠળ ભાષણ આપ્યું. આ ભાષણ ગોખલે ને ગમ્યું હતું. અને જ્યારે દા. રૉયે મારા ભાષણનાં વખાણ કર્યાં ત્યારે તે બહુ રાજી થયા.

આમ ગોખલેની છાયા નીચે રહેવાથી બંગાળમાં મારું કામ બહુ સરસ થઈ પડ્યું. બંગાળના અગ્રગણ્ય કુટુંબોની માહિતી હું સહેજે પામ્યો ને બંગાળ સાથે મારે નિકટ સંબંધ થયો.

તે માસમાં હું બ્રહ્મદેશ પણ ડૂબકી મારી આવ્યો હતો. બ્રહ્મદેશની મહિલાઓની સ્વતંત્રતા, તેમનો ઉત્સાહ, ને ત્યાંના પુરુષોની મંદતા જોઈ મહિલાઓ ઉપર મોહ પામ્યો ને પુરુષોને વિષે દુ:ખ થયું. મેં ત્યારેજ જોયું કે, જેમ મુંબઈ હિંદુસ્તાન નથી તેમ રંગૂન બ્રહ્મદેશ નથી; અને જેમ હિંદુસ્તાનમાં અંગ્રેજ વેપારીઓના આપણે કમિશન એજન્ટ બન્યા છીએ તેમ બ્રહ્મદેશમાં આપણે અંગ્રેજોની સાથે મળીને બ્રહ્મદેશવાસીઓને કમિશન એજન્ટ બનાવ્યા છે.

બ્રહ્મદેશથી પાછા ફરીને મેં ગોખલે પાસેથી વિદાયગીરી લીધી. તેમનો વિયોગ મને સાલ્યો, પણ મારું બંગાળનું – અથવા ખરી રીતે કલકત્તાનું – કામ પૂરું થયું હતું.

ધંધે વળગું તે પહેલાં મારો વિચાર હિંદુસ્તાનાનો નાનકડો પ્રવાસ ત્રીજા વર્ગમાં કરી, ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવાનો અને તેમનાં દુઃખો જાણી લેવાનો હતો. મારે પહેલું તો કાશી જઈ વિદુષી એની બેસંટના દર્શન કરવાનું હતું. તેઓ તે વખતે બિમાર હતાં.

ગોખલે અને દા. રૉય સ્ટેશન ઉપર મને વળાવવા આવ્યા.


A Month With Gokhale – III


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.