Daily Archives: 04/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૮. ગોખલે સાથે એક માસ—૨

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


ગોખલેની છાયા તળે રહી મેં બધો સમય ઘરમાં બેસીને ન ગાળ્યો.

મેં દક્ષિણ આફ્રિકાના મારા ખ્રિસ્તી મિત્રોને કહેલું કે હું હિંદુસ્તાની ખ્રિસ્તીઓને મળીશ, તેમની સ્થિતી જાણીશ. કાલિચરણ બૅનરજીનું નામ મેં સાંભળ્યું હતું.મેં તેમને મળવા જવા વિષે ગોખલેને વાત કરી. તેમણે કહ્યું: ‘ત્યાં જઈને તમે શું લેશો? એ બહુ ભલા છે, પણ મને લાગે છે કે તેઓ તમને સંતોષ નહીં આપી શકે.

મેં વખત માગેલો. તેમણે મને તુરંત વખત આપ્યો ને હું ગયો. મેં તેમનો વખત ન ગુમાવતા મારી ગૂંચવણો રજૂ કરી.

તેમણે મને પૂછ્યું: ‘ તમે માનો છો કે આપણે પાપ લઈને જન્મીએ છીએ?’

મેં કહ્યું : ‘હા જી.’

‘ત્યારે એ મૂળ પાપનું નિવારણ હિંદુ ધર્મમાં નથી ને ખ્રિસ્તી ધર્મમાં છે.’ આમ કહીને તેમણે કહ્યું: ‘પાપનો બદલો મોત છે. એ મોતમાંથી બચવાનો માર્ગ ઈશુ નું શરણ છે એમ બાઈબલ કહે છે.’

મેં ભગવદગીતાનો ભક્તિ માર્ગ રજૂ કર્યો, પણ મારું બોલવાનું નિરર્થક હતું. મેં આ ભલા પુરુષનો તેમની ભલમનસાઈને સારુ ઉપકાર માન્યો. મને સંતોષ ન થયો, છતાં આ મુલાકાતથી મને લાભ જ થયો.

આ જ માસમાં હું કલકત્તાની ગલીએ ગલી રખડ્યો એમ કહું તો ચાલે.ઘણું ખરું કામ પગપાળો ફરતો. આ સમયમાં જ ન્યાયમૂર્તિ મિત્રને મળ્યો. સર ગુરુદાસ બૅનરજીને મળ્યો. રાજા સર પ્યારીમોહન મુકરજીનાં દર્શન પણ આ જ સમયે કર્યા.

કાલિચરણ બૅનરજીએ મને કાલિના મંદિરની વાત કરી જ હતી. તે મંદિર જોવાની મને તીવ્ર ઈચ્છા હતી. તેથી ત્યાં એક દિવસ જઈ ચડ્યો. રસ્તે બલિદાનનાં ઘેટાંની તો હારની હાર ચાલી જતી હતી. બાવાઓ તો હોય જ.

એક બાવાજી ઓટલા ઉપર બેઠા હતા. તેણે બોલાવ્યો:’ ક્યોં બેટા, કહાં જાતે હો?’ મેં અનુકૂળ ઉત્તર વાળ્યો. તેણે મને અને મારા સાથીને બેસવા કહ્યું. અમે બેઠા.

મેં પૂછ્યું : ‘આ ઘેટાંનો ભોગ તમે ધર્મ માનો છો?’

તેણે કહ્યું : ‘ જીવને હણવામાં ધર્મ કોણ માને?’

‘ત્યારે તમે અહીં બેસી લોકોને કેમ બોધ નથી દેતા?’

‘અમારું એ કામ નથી. અમે તો બેસીને ભગવદભક્તિ કરીએ.’

‘પણ તમને બીજી જગ્યા ન મળતાં આ જ મળી?’

‘અમે જ્યાં બેસીએ ત્યાં સરખું. લોકો તો ઘેટાંના ટોળા જેવા છે; જેમ મોટા દોરે તેમ દોરાય. તેમાં અમારે સાધુને શું?’ બાવાજી બોલ્યા.

મેં સંવાદ આગળ ન વધાર્યો. અમે મંદિરે પહોંચ્યા. સામે લોહીની નદી વહેતી હતી. દર્શન કરવા ઊભવાની મારી ઈચ્છા ન રહી. હું ખૂબ અકળાયો, બેચેન થયો. આ દ્રશ્ય હું હજી લગી ભૂલી શક્યો નથી.

મારે મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવના કરતા ઓછી નથી. જેમ વધારે અપંગ જીવ તેમ તેને મનુષ્યના ઘાતકીપણાથી બચવા મનુષ્યના આશ્રયનો વધારે અધિકાર છે એમ હું માનું છું. જ્ઞાની, બુદ્ધિશાળી, ત્યાગવૃત્તિવાળું, ભાવના પ્રધાન બંગાળ કેમ આ વધ સહન કરે છે?


A Month With Gokhale – II


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.