Daily Archives: 03/08/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૭૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૭. ગોખલે સાથે એક માસ—૧

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :પહેલે જ દહાડે ગોખલેએ મને હું મહેમાન છું એવું ન ગણવા દીધું. હું તેમનો સગો નાનો ભાઈ હોઉં એમ મને રાખ્યો. મારી હાજતો બધી જાણી લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી લીધી. સારે નસીબે મારી હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ મેં કેળવી હતી, તેથી મારે થોડી જ સેવા લેવી રહેતી. સ્વાવલંબનની મારી આ ટેવની, મારી તે કાળની પોષાક વગેરેની સુઘડતાની, મારા ઉદ્યમની, ને મારી નિયમિતતાની તેમના પર ઊંડી છાપ પડી, ને તેની હું અકળાઉં એટલી સ્તુતિ કરવા લાગ્યા.


પ્રફુલ્લચંદ્ર રોય


તેમને મારાથી છાનું એવું કશું હોય એમ મને ન ભાસ્યું. જે કોઈ મોટા માણસો તેમને મળવા આવતા તેમની મને ઓળખાણ કરાવતા. આવી ઓળખાણોમાં મારી નજર આગળ અત્યારે સૌથી વધારે તરી આવે છે દા. પ્રફુલ્લ ચંદ્રરૉય. તેઓ ગોખલેના મકાનની પાસે જ રહેતા ને લગભગ હંમેશા આવતા એમ કહી શકાય.

‘આ પ્રોફેસર રૉય, જેમને દર માસે આઠસો રૂપિયા મળે છે, અને જે પોતાના ખર્ચને સારુ રૂ ૪૦ રાખી બાકીના બધા જાહેર કામમાં આપી દે છે. તેઓ પરણ્યા નથી અને પરણવા માગતા નથી.’ આવા શબ્દોમાં ગોખલેએ મને તેમની ઓળખાણ કરાવી.

આજના દા. રૉયમાં અને ત્યારના પ્રો રોયમાં હું થોડો જ ભેદ જોઉં છું. જેવી જાતનો પોશાક ત્યારે પહેરતા તેવો જ લગભગ આજે છે. હા, આજે ખાદી છે; ત્યારે ખાદી તો નહોતી જ; સ્વદેશી મિલની બનાવટનાં કપડાં હશે. ગોખલેની અને પ્રો રોયની વાતો સાંભળતા હું તૃપ્ત જ ન થતો, કેમ કે તેમની દેશહિતને જ લગતી હોય અથવા કોઈ જ્ઞાનવાર્તા હોય. કેટલીક વાતો દુઃખદ પણ હોય, કેમ કે તેમાં નેતાઓની ટીકા હોય. જેમને હું મહાન યોદ્ધા ગણતાં શીખ્યો હતો તેઓ નાના દેખાવા લાગ્યા.

ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવા મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશ કાર્ય ને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી.

રાનડે પ્રત્યેનો તેમનો પૂજ્યભાવ તો વાતવાતમાં જોઈ શકાય.

ગોખલે ઘોડાગાડી રાખતા. મેં તેમની પાસે ફરિયાદ કરી. હું તેમની મુશ્કેલી નહોતો સમજી શક્યો. ‘તમે કાં બધે ટ્રામમાં ન જઈ શકો? શું એથી નેતા વર્ગની પ્રતિષ્ઠા ઓછી થાય?’

જરા દિલગીર થઈને તેમણે જવાબ આપ્યો: ‘તમે પણ મને ન સમજી શક્યા કે? મને વડી ધારા સભામાંથી જે મળે છે તે હું મારે સારુ નથી વાપરતો. તમારી ટ્રામની મુસાફરીની મને અદેખાઈ આવે છે. પણ મારાથી તેમ નથી થઈ શકતું.તમને જ્યારે મારા જેટલા લોકો ઓળખતા થશે ત્યારે તમારે પણ ટ્રામમાં ફરવું અસંભવિત નહીં તો મુશ્કેલ થઈ પડવાનું છે.

આમ મારી એક ફરિયાદ તો બરોબર રદ થઈ. પણ બીજી ફરિયાદ મારે રજૂ કરવી રહી હતી તેનો સંતોષકારક જવાબ તેઓ ન આપી શક્યા:

‘પણ તમે ફરવા પણ પૂરા નથી જતા. એટલે તમે માંદા રહો છો એમાં શી નવાઈ? શું દેશકાર્યમાં વ્યાયામને સારુ પણ નવરાશ ન મળી શકે?’ મેં કહ્યું.

‘મને ક્યે વખતે તમે નવરો જુઓ છો, જ્યારે હું ફરવા જઈ શકું?’ જવાબ મળ્યો.

મારા મનમાં ગોખલેને વિષે એવો આદર હતો કે હું તેમને પ્રત્યુત્તર ન આપતો. ઉપરના જવાબથી મને સંતોષ ન થયો, પણ હું ચૂપ રહ્યો. મેં માન્યું ને હજુ માનું છું કે, ગમે તેવાં કામ છતાં જેમ આપણે ખાવાનો સમય કાઢીએ છીએ તેમ જ વ્યાયામનો કાઢવો જોઈએ. તેથી દેશની સેવા વધારે થાય પણ ઓછી નહીં, એવો મારો નમ્ર અભિપ્રાય છે.


A Month With Gokhale – I


નોંધ: વિકિસ્ત્રોત પર આ પ્રકરણ જેમણે પણ ટાઈપ કર્યું છે તેણે અસંખ્ય ટાઈપીંગ ભૂલો કરી છે. વળી આ પ્રકરણને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું છે. લાગતા વળગતા તથા સંચાલન કરનારાઓએ કોઈ પણ પ્રકરણ પૂર્ણ જાહેર કરતાં પહેલા બે થી ત્રણ વખત વાંચી જવું જોઈએ. કાં તો આ પ્રકરણ ઉતાવળે અને વાંચ્યા વગર પૂર્ણ કરવામાં આવ્યું છે અથવા તો સંચાલક બેદરકાર છે. આટલી બધી ટાઈપીંગ ભૂલમાંથી સંચાલકને એકે ભૂલ ન દેખાણી હોય તો સંચાલનની જવાબદારી અન્ય કોઈ વધારે નિષ્ઠાવાન સંચાલકને સોંપવી જોઈએ.


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.