Monthly Archives: July 2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૪. શાંતિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

હુમલા પછી બેએક દહાડે જ્યારે હું મિ. એસ્કંબને મળ્યો ત્યારે હજુ પોલીસ થાણામાં જ હતો. મારી સાથે રક્ષણને અર્થે એક બે સિપાઈ રહેતા. પણ વાસ્તવિક રીતે જ્યારે મને મિ. એસ્કંબની પાસે લઈ જવામાં આવ્યો ત્યારે રક્ષણની જરૂર રહી નહોતી.

જે દહાડે હું ઊતર્યો તે જ દહાડે, એટલે પીળો વાવટો ઊતર્યો કે તુરત, ‘નાતાલ ઍડવરટાઇઝર’નો પ્રતિનિધિ મને મળી ગયો હતો. તેણે મને ખૂબ પ્રશ્નો પૂછ્યા, ને તેના ઉત્તરના હું એકેએક આરોપનો જવાબ સંપૂર્ણતાએ આપી શક્યો હતો.

આ ખુલાસાની તેમ જ હુમલો કરનારાઓ ઉપર ફરિયાદ માંડવાના મેં કરેલા ઈન્કારની અસર એટલી બધી પડી કે ગોરાઓ શરમાયા.

ત્રણ કે ચાર દિવસમાં હું મારે ઘેર ગયો ને થોડા દિવસમાં થાળે પડી ગયો.

પણ, આમ જો હિંદીઓની પ્રતિષ્ઠા વધી તો તેમના પ્રત્યે દ્વેષ પણ વધ્યો. તેમનામાં દૃઢતાપૂર્વક લડવાની શક્તિ છે એવી ગોરાઓની ખાતરી થઈ તેની સાથે જ તેમનો ભય વધ્યો. નાતાલની ધારાસભામાં બે કાયદા દાખલ થયા, જેથી હિંદીઓની હાડમારી વધી. એકથી હિંદી વેપારીઓના ધંધાને નુક્સાન પહોંચ્યું, બીજાથી હિંદીઓની આવજા ઉપર સખત અંકુશ મુકાયો.

આ કાયદાઓએ મારું કામ બહુ વધારી દીધું ને હિંદીઓમાં જાગૃતિ વધારી. તકરાર છેવટે વિલાયત ગઈ. પણ કાયદા નામંજૂર ન થયા.

મારો ઘણોખરો સમય જાહેર કામમાં જ જવા લાગ્યો.

મારી ગેરહાજરીમાં શેઠ આદમજી મિયાંખાને પોતાના મંત્રીપદને ખૂબ શોભાવ્યું હતું, સભ્યો વધાર્યા હતા, ને લગભગ એક હજાર પાઉંડ સ્થાનિક કૉંગ્રેસના ખજાનામાં વધાર્યા હતા. મારો લોભ એ હતો કે જો કૉંગ્રેસને સ્થાયી ફંડ હોય, તેની જમીન લેવાય ને તેનું ભાડું આવે, તો કૉંગ્રેસ નિર્ભય બને. જાહેર સંસ્થાનો આ મારો પહેલો અનુભવ હતો. મેં મારો વિચાર સાથીઓ આગળ મૂક્યો. તેઓએ તે વધાવી લીધો. મકાનો લેવાયાં ને તે ભાડે અપાયાં. તેનાં ભાડાંમાંથી કૉંગ્રેસનું માસિક ખર્ચ તો સહેજે ચાલવા લાગ્યું. મિલકતનું મજબૂત ટ્રસ્ટ થયું. આમ આ મિલકત આજે મોજૂદ છે, પણ તે માંહોમાંહે કજિયાનું મૂળ થઈ પડેલ છે, ને મિલકતનું ભાડું આજે અદાલતમાં જમે થાય છે.

આ દુઃખદ બનાવ તો મારા દક્ષિણ આફ્રિકા છોડ્યા બાદ બન્યો. પણ જાહેર સંસ્થાઓને સારુ સ્થાયી ફંડ રાખવા વિષે મારા વિચારો દક્ષિણ આફ્રિકામાં જ બદલાયા. ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારુ તેમ જ તેમના તંત્રને સારુ જવાબદાર રહ્યા પછી, મારો દૃઢ નિર્ણય એ થયો છે કે, કોઇ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ફંડ ઉપર નભવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં તેની નૈતિક અધોગતિનું બીજ રહેલું હોય છે.

જાહેરસંસ્થા એટલે લોકોની મંજૂરીને લોકોનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે લોકોની મદદ ન મળે ત્યારે તેને હસ્તી ભોગવવાનો અધિકાર જ નથી.

આ લખાણની ગેરસમજ ન થાઓ. ઉપરની ટીકાઓ એવી સંસ્થાને લાગુ નથી પડતી કે જેને મકાન ઇત્યાદિની આવશ્યકતા હોય. જાહેર સંસ્થાઓને ચાલુ ખરચોનો આધાર લોકો પાસેથી મળતા ફાળા ઉપર રહેવો જોઇએ.

આ વિચારો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયમાં દૃઢ બન્યા. એ છ વર્ષની મહાન લડત સ્થાયી ફાળા વિના ચાલી, જોકે તેને અંગે લાખો રૂપિયાની આવશ્યકતા હતી. એવા સમય મને યાદ છે કે જ્યારે આવતા દહાડાનું ખર્ચ ક્યાંથી મળશે તેની મને ખબર નહોતી. ઉપરના અભિપ્રાયનું સમર્થન આ કથામાં વાંચનારને તે તે સ્થળે યોગ્ય પ્રસંગે મળી રહેશે.


‘The Calm After The Storm’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૩. કસોટી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

આગબોટ ફુરજા ઉપર આવી. ઉતારુઓ ઊતર્યા. પણ મારે માટે મિ. એસ્કંબે કપ્તાનને કહેવડાવ્યું હતું: ‘ગાંધીને તથા તેના કુટુંબને સાંજે ઉતારજો. તેની સામે ગોરાઓ બહુ ઉશ્કેરાઈ ગયા છે ને તેનો જાન જોખમમાં છે.

કપ્તાને આ સંદેશાની મને ખબર આપી, મેં તે મુજબ કરવાનું કબૂલ કર્યું. પણ આ સંદેશો મળ્યાને અર્ધો કલાક પણ નહીં થયો હોય તેવામાં મિ. લૉટન આવ્યા ને કપ્તાનને મળી તેને કહ્યું, ‘જો મિ. ગાંધી મારી સાથે આવે તો હું તેમને મારે જોખમે લઈ જવા ઈચ્છું છું. તમે અંધારુ થયે છાનામાના શહેરમાં દાખલ થાઓ એ મને તો મુદ્દલ રુચતું નથી. મને લાગે છે કે તમારો વાળ સરખો વાંકો નથી થવાનો. હવે તો બધું શાંત છે, ગોરાઓ બધા વીખરાઈ ગયા છે. પણ ગમે તેમ હોય તોયે તમારાથી છૂપી રીતે તો પ્રવેશ ન જ થાય એવો મારે અભિપ્રાય છે.’

હું સંમત થયો.

અમે આગબોટમાંથી ઊતર્યા તેવા જ કેટલાક છોકરાઓએ મને ઓળખી કાઢ્યો, અને ‘ગાંધી, ગાંધી’ એમ બૂમ પાડી.

અમે આગળ ચાલ્યા. ટોળું પણ વધતું ગયું. સારી પેઠે ભીડ થઈ. સૌ પહેલાં તો ટોળાએ મને મિ. લૉટનથી નોખો પાડ્યો. પછી મારા ઉપર કાંકરાના, સડેલાં ઈંડાના વરસાદ વરસ્યા. મારી પાઘડી કોઈએ ઉડાડી દીધી. લાતો શરૂ થઈ.

મને તમ્મર આવી, મેં પડખેના ઘરની જાળી પકડી શ્વાસ ખાધો. ત્યાં ઊભું રહેવાય એમ તો નહોતું જ. તમાચા પડવા લાગ્યા.

એટલામાં પોલીસના વડાની સ્ત્રી, જે મને ઓળખતી હતી, તે આ રસ્તે થઈને જતી હતી. મને જોતાં જ તે મારે પડખે આવી ઊભી, ને જોકે તડકો નહોતો છતાં પોતાની છત્રી ઉઘાડી. આથી ટોળું કંઈક નમ્યું. હવે ઘા કરે તો મિસિસ અલેક્ઝાંડરને બચાવીને જ કરવા રહ્યા.

દરમ્યાન કોઈ હિંદી જુવાન મારા ઉપર માર પડતો જોઈ પોલીસ થાણા પર દોડી ગયેલો. સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરે એક ટુકડી મને ઘેરી વળીને બચાવી લેવા મોકલી.

ટુકડીની સાથે રહીને હું સહીસલામત પારસી રુસ્તમજીને ઘેર પહોંચ્યો. મને પીઠ પર મૂઢ ઘા પડ્યા હતા. એક જ જગ્યા એ થોડો છૂંદાયો હતો. સ્ટીમરના દાક્ટર દાદી બરજોર ત્યાં જ હાજર હતા. તેમણે મારી સારવાર સરસ કરી.

આમ અંદર શાંતિ હતી, પણ બહાર તો ગોરાઓએ ઘરને ઘેર્યું. સાંજ પડી ગઈ હતી. અંધારું થયું હતું. હજારો લોકો બહાર કિકિયારીઓ કરતા હતા, ને ‘અમને ગાંધી સોંપી દો.’ એવી બૂમો ચાલુ રહી. સમય વરતીને સુપરિન્ટેન્ડેન્ટ એલેક્ઝાંડર ત્યાં પહોંચી ગયા હતા ને ટોળાને ધમકીથી નહીં પણ વિનોદથી વશ રાખી રહ્યા હતા.

છતાં તે ચિંતામુક્ત નહોતા. તેમણે મને આવી મતલબનો સંદેશો મોકલ્યો: ‘ જો તમે તમારા મિત્રના મકાનને તેમ જ માલને તથા તમારા કુટુંબને બચાવવા માગતા હો તો તમારે હું સૂચવું તે રીતે આ ઘરમાંથી છૂપી રીતે ભાગવું જોઈએ.’

એક જ દહાડે મારે એકબીજાથી ઊલટાં બે કામ કરવા વખત આવ્યો. જ્યારે જાનનો ભય માત્ર કાલ્પનિક લાગતો હતો ત્યારે મિ. લૉટને મને ઉઘાડી રીતે બહાર નીકળવાની સલાહ આપી ને મેં તે માની. જ્યારે જોખમ પ્રત્યક્ષ મારી સામે ઊભું થયું, ત્યારે બીજા મિત્રે એથી ઊલટી સલાહ આપી ને તે પણ મેં માન્ય રાખી! કોણ કહી શકે કે, હું મારા જાનના જોખમથી ડર્યો, કે મિત્રના જાનમાલના જોખમથી, કે કુટુંબના , કે ત્રણેના?

અમુક પ્રસંગે અમુક મનુષ્ય શું કરશે એ નિર્ણયપૂર્વક કહી જ ન શકાય. તેમ જ મનુષ્યના બાહ્યચાર ઉપરથી તેના ગુણની જે પરીક્ષા થાય છે તે અધૂરી હોઈ અનુમાન માત્ર હોય છે, એમ પણ આપણે જોઈ શકીએ છીએ.

ગમે તેમ હો. ભાગવાના કાર્યમાં ગૂંથાતા મારા જખમોને ભૂલી ગયો. પેલા થાણામાં, જ્યાં આશ્રય લેવાનું સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરે સૂચવ્યું હતું તે જ થાણામાં, હવે લઈ ગયા. મેં સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરનો તેમજ પોલીસના અમલદારનો ઉપકાર માન્યો.

આમ એક તરફ જ્યારે મને લઈ જતા હતા ત્યારે બીજી તરફ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડર ટોળાને ગીત ગવડાવી રહ્યાં હતા. તે ગીતનો તરજુમો આ છે:

‘ચાલો આપણે ગાંધીને પેલે
આમલીના ઝાડે ફાંસી લટકાવીએ.’

જ્યારે હું સહી સલામત થાણે પહોંચ્યાની બાતમી સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરને મળી ત્યારે તેમણે ટોળાને કહ્યું: ‘તમારો શિકાર તો આ દુકાનમાંથી સહીસલામત છટકી ગયેલ છે.’ ટોળામાંના કોઈ ગુસ્સે થયા, કોઈ હસ્યા.ઘણાએ આ વાત માનવા ના પાડી.

ટોળાએ પ્રતિનિધિ નીમ્યા. પ્રતિનિધિઓએ ટોળાને નિરાશાજનક ખબર આપ્યા. સહુ સુપરિન્ટેન્ડેન્ટ અલેકઝાંડરની સમયસૂચકતા ને ચતુરાઈની સ્તુતિ કરતા, પણ કેટલાક ધૂંધવાતા વીખરાયા.

મરહૂમ મિ. ચેમ્બરલેને મારા ઉપર હુમલો કરનાર પર કામ ચલાવવાને મને ન્યાય મળે એમ થવા તાર કર્યો.

મેં જવાબ આપ્યો:’મારે કોઈના ઉપર કામ ચલાવવું નથી. જ્યારે ખરી હકીકત જાહેર થશે ને લોકો જાણશે ત્યારે તેઓ પસ્તાશે.’

‘ત્યારે તમે મને આ વાત લેખિતવાર આપશો? મારે તેવો તાર મિ. ચેમ્બરલેનને મોકલવો પડશે.

મારે કોઈના ઉપર કામ નથી ચલાવવું એ નિશ્ચય છે, એટલે હું અહીં જ તમને લખી દેવા ધારું છું.’

આમ કહી મેં ઘટતો કાગળ લખી આપ્યો.


‘The Test’



nobody_can_hurt_me


Categories: સત્યના પ્રયોગો | 1 Comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨. તોફાન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

અઢારમી ડિસેમ્બરની આસપાસ બંને સ્ટીમરો નાંગરી. દક્ષિણ આફ્રિકાનાં બંદરોમાં ઉતારુઓના આરોગ્યની પૂરી તપાસ થાય છે, જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે. અમે મુંબઈ છોડ્યું ત્યારે ત્યાં મરકી તો ચાલતી જ હતી. તેથી અમને કંઈક સૂતક નડવાનો ભય હતો જ. બંદરમાં નાંગર્યા પછી સ્ટીમરને પ્રથમતો પીળો વાવટો જ ચડાવવો પડે છે. દાક્તરી તપાસ પછી જ્યારે દાક્તર મુક્તિ આપે ત્યારે પીળો વાવટો ઉતરે છે ને પછી ઉતારુઓનાં સગાંસાંઈ વગેરેને સ્ટીમર ઉપર આવવાની રજા મળે છે.

દાક્તર આવ્યા. તપાસ કરી પાંચ દિવસનું સૂતક નાંખ્યું.

પણ આ સૂતકના હુકમનો હેતુ કેવળ આરોગ્ય નહોતો. અમને પાછા હાંકી કાઢવાની હિલચાલ ડરબનમાંના ગોરા શહેરીઓ કરી રહ્યા હતા, તે પણ આ હુકમમાં કારણભૂત હતી.

દાદા અબદુલ્લા તરફથી અમને શહેરમાં ચાલી રહેલી આ હિલચાલની ખબરો મળ્યા કરતી હતી. ગોરાઓ ઉપરાઉપર જંગી સભાઓ કરતા હતા. દાદા અબદુલ્લા ઉપર ધમકીઓ મોકલતા હતા. તેમને લાલચ પણ દેતા હતા. જો દાદા અબદુલ્લા બંને સ્ટીમરોને પાછી લઈ જાય તો તેમને નુકસાની ભરી આપવા તૈયાર હતા. દાદા અબદુલ્લા કોઈની ધમકીથી ડરે એવા નહોતા. આ વેળા ત્યાં શેઠ અબદુલ કરીમ હાજી આદમ પેઢીએ હતા. તેમણે ગમે તે નુકસાન વેઠીને પણ સ્ટીમરને બંદર પર લાવવાની ને ઉતારુઓને ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આમ ડરબનમાં દ્વંદ્વયુદ્ધ જામ્યું. એક તરફથી મૂઠીભર ગરીબડા હિંદીઓ અને તેમના ગણ્યાગાંઠ્યા અંગ્રેજ મિત્રો; બીજી તરફથી ધનબળ, બાહુબળ, અક્ષરબળ ને સંખ્યાબળમાં પૂરા અંગ્રેજો. આ બળવાન પ્રતિપક્ષીને સત્તાબળ પણ મળ્યું, કેમ કે નાતાલની સરકારે ઉઘાડી રીતે તેને મદદ કરી.

એટલે અમારું સૂતક કેવળ આરોગ્યના નિયમોને જ આભારી નહોતું. કેમે કરીને એજન્ટને અથવા ઉતારુઓને દબાવીને અમને પાછા કાઢવા હતા.

મેં પશ્ચિમના સુધારા ઉપર ભાષણ કર્યું. હું જાણતો હતો કે આ અવસર ગંભીર ભાષણનો ન હોય પણ મારાથી બીજું ભાષણ થઈ શકે એમ નહોતું. વિનોદમાં હું ભાગ લેતો હતો, પણ મારું દિલ તો ડરબનમાં ચાલી રહેલી લડતમાં જ હતું.

કેમ કે, આ હુમલામાં મધ્યબિંદુ હું હતો. મારા ઉપર બે તહોમત હતાં:

1. મેં હિંદુસ્તાનમાં નાતાલવાસી ગોરાઓની અઘટિત નિંદા કરી હતી;

2. હું નાતાલને હિંદીઓથી ભરી દેવા માગતો હતો. અને તેથી ‘કુરલૅડ’ અને ‘નાદરી’માં ખાસ નાતાલમાં વસાવવા ખાતર હિંદીઓને ભરી લાવ્યો હતો.

વળી હું પોતે તદ્દન નિર્દોષ હતો. મેં કોઈને નાતાલ જવા લલચાવ્યા નહોતા. ‘નાદરી’ના ઉતારુઓને હું ઓળખતો પણ નહોતો. ‘કુરલૅડ’માં મારા બે ત્રણ સગાઓ ઉપરાંત સેંકડો ઉતારુઓનાં હું નામઠામ સરખાં જાણતો નહોતો. મેં હિંદુસ્તાનમાં નાતાલના અંગ્રેજો વિષે એવો એક અક્ષરે નહોતો કહ્યો કે જે હું નાતાલમાં ન કહી ચૂક્યો હોઉં, ને જે હું બોલ્યો હતો તેને સારુ મારી પાસે પુષ્કળ પુરાવા હતા.

આ ભાષણ પછી મારે કપ્તાન તેમ જ બીજા અમલદારો જોડે સુધારા વિષે ઘણી વાતો થઈ. પશ્ચિમના સુધારાને મેં પ્રધાનપણે હિંસક તરીકે ઓળખાવ્યો; પૂર્વનાને અહિંસક તરીકે. પ્રશ્નકારોએ મારા સિદ્ધાંત મને જ લાગ્યુ પાડ્યા. ઘણું કરીને કપ્તાને જ પૂછ્યું:

‘ગોરાઓ જેવી ધમકી આપે છે તે જ પ્રમાણે જો તેઓ તમને ઈજા કરે તો તમારા અહિંસાના સિદ્ધાંતોનો તમે કેવી રીતે અમલ કરો?’

મેં જવાબ આપ્યો: ‘મારી ઉમેદ છે કે તેઓને માફ કરવાની અને તેમના ઉપર કામ ન ચલાવવાની હિંમત ને બુદ્ધિ ઈશ્વર મને આપશે.

આમ અમારા દહાડા ગયા ને લંબાયા. સૂતક બંધ કરવાની મુદત છેવટ લગી મુકરર ન રહી.

છેવટે, ઉતારુઓ ઉપર અને મારા ઉપર અલ્ટીમેટમ આવ્યાં. બંનેને જીવના જોખમની ધમકી આપવામાં આવી હતી. બંનેએ નાતાલના બંદરમાં ઊતરવાના પોતાના હક વિષે લખ્યું, ને ગમે તે જોખમે હકને વળગી રહેવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો.

છેવટે, ત્રેવીસ દહાડે, એટલે કે ૧૮૯૭ના જાનેવારીની ૧૩મી તારીખે સ્ટીમરને મુક્તિ મળી ને ઉતારુઓને ઊતરવાનો હુકમ બહાર પડ્યો.


‘The Storm’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૬)

મિત્રો,

સત્યના પ્રયોગોની વાંચનયાત્રાનો બીજો ભાગ પૂર્ણ થયો. ખાસ કશા તોફાન વગર થોડી અડચણ સાથે આ યાત્રા ઘણી પ્રેરક રહી. એક વ્યક્તિને સામાન્ય માનવીમાંથી મહામાનવ બનવા માટે ડગલે અને પગલે જાત સાથે અને જગત સાથે કેટ કેટલા સંઘર્ષ કરવા પડે છે તેનો કઈક ચિતાર તો  આ બે ભાગમાંથી વાચકોને મળ્યો જ હશે. જીવના જીવ અને જગત સાથેના ધમપછાડા જગદીશ્વર વગર કેટલા અલ્પ છે તે તો પ્રત્યેક વ્યક્તિને કટોકટીના સમયે સમજાઈ જ જતું હોય છે. ચાલો ત્યારે આજથી ત્રીજા ભાગની યાત્રામાં પ્રવેશીએ. આમેય આ યાત્રાની શરુઆત જ તોફાનના ભણકારાથી થાય છે. જોઈએ હવે શું થાય છે તે.


આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

કુટુંબ સહિતની દરિયાની આ મારી પહેલી મુસાફરી હતી. મેં ઘણી વેળા લખ્યું છે કે હિંદુ સંસારમાં વિવાહ બાળવયે થતા હોવાથી, અને મધ્યમ વર્ગના લોકોમાં મોટે ભાગે પતિ સાક્ષર અને પત્ની નિરક્ષર એવી સ્થિતિ હોય છે તેથી, પતિપત્નીના જીવન વચ્ચે અંતર રહે છે અને પતિએ પત્નીના શિક્ષક બનવું પડે છે. મારે મારી ધર્મપત્નીના ને બાળકોના પોશાકની, ખાવાપહેરવાની તેમ જ બોલચાલની સંભાળ રાખવી રહી હતી. મારે તેમને રીતભાત શીખવવી રહી હતી. કેટલાંક સ્મરણો મને અત્યારેય હસાવે છે. હિંદુ પત્ની પતિપરાયણતામાં પોતાના ધર્મની પરાકાષ્ઠા માને છે; હિંદુ પતિ પોતાને પત્નીનો ઈશ્વર માને છે. એટલે પત્નીએ જેમ તે નચાવે તેમ નાચવું રહ્યું.

જે સમય વિષે હું લખી રહ્યો છું તે સમયે હું માનતો કે સુધરેલા ગણાવાને સારુ અમારો બાહ્યાચાર બને ત્યાં લગી યુરોપિયનને મળતો હોવો જોઈએ. આમ કરવાથી જ પો પડે ને પો પડ્યા વિના દેશસેવા ન થાય.

તેથી પત્નીનો અને બાળકોનો પોશાક મેં જ પસંદ કર્યો. બાળકો વગેરેને કાઠીયાવાડનાં વાણિયાં તરીકે ઓળખાવવાં તે કેમ સારું લાગે ? પારસી વધારેમાં વધારે સુધરેલા ગણાય. એટલે, જ્યાં યુરોપિયન પોશાકનું અનુકરણ અઠીક જ લાગ્યું ત્યાં પારસીનું કર્યું. જ્યારે મારો મોહ ઊતર્યો ત્યારે વળી પાછો તેમણે બૂટમોજાં, છરીકાંટા ઈત્યાદીનો ત્યાગ કર્યો. ફેરફારો જેમ દુઃખકર્તા હતા તેમ ટેવ પડ્યા પછી તેનો ત્યાગ પણ દુઃખકર હતો. પણ અત્યારે હું જોઉં છું કે અમે બધાં સુધારાની કાંચળી ઉતારીને હળવાં થયાં છીએ.

ઈશ્વર રાખે તેમ રહેવું

સ્ટીમર બીજાં બંદર કર્યા વગર નાતાલ પહોંચવાની હતી, એટલે માત્ર અઢાર દિવસની મુસાફરી હતી. કેમ જાણે અમને પહોંચતાંવેંત ભાવિ તોફાનની ચેતવણી આપવી ન હોય, તેમ અમારે પહોંચવાને ત્રણ કે ચાર દિવસ બાકી હતા એવામાં દરિયામાં ભારે તોફાન ઊપડ્યું.

આ દૃશ્ય ભવ્ય હતું. દુઃખમાં સૌ એક થઈ ગયા. ભેદ ભૂલી ગયા. ઈશ્વરને હૃદયથી સંભારવા લાગ્યા. હિંદુ મુસલમાન બધા સાથે મળી ઈશ્વરને યાદ કરવા લાગ્યા. કોઈએ માનતાઓ માની, કપ્તાન પણ ઉતારુઓની સાથે ભળ્યા ને સૌને આશ્વાસન આપી કહ્યું કે, જોકે તોફાન તીખું ગણાય તેવું હતું, તોપણ તેના કરતાં ઘણાં વધારે તીખાં તોફાનોનો પોતાને અનુભવ થયો હતો. સ્ટીમર મજબૂત હોય તો એકાએક ડૂબતી નથી. ઉતારુઓને તેમણે આવું ઘણું સમજાવ્યું, પણ એથી ઉતારુઓને કરાર ન વળે. સ્ટીમરમાં અવાજો તો એવા થાય કે જાણે હમણાં ક્યાંકથી તૂટશે, હમણાં ગાબડું પડશે. ગોથાં એવાં ખાય કે હમણાં ઊથલી પડશે એમ લાગે. ડેક ઉપર તો કોઈ રહી જ શેનું શકે ? ’ઈશ્વર રાખે તેમ રહેવું’ એ સિવાય બીજો ઉદ્‌ગાર નહોતો સંભળાતો.

મને સ્મરણ છે તે પ્રમાણે, આવી ચિંતામાં ચોવીસ કલાક વીત્યા હશે. છેવટે વાદળ વીખરાયું. સૂર્યનારાયણે દર્શન દીધાં. કપ્તાને કહ્યું : ’તોફાન ગયું છે.’

લોકોના ચહેરા ઉપરથી ચિંતા દૂર થઈ ને તેની જ સાથે ઈશ્વર પણ અલોપ થઈ ગયો ! મોતનો ડર ભુલાયો તેની જ સાથે ગાનતાન, ખાનપાન શરૂ થયાં. માયાનું આવરણ પાછું ચડ્યું. નમાજ રહી, ભજનો રહ્યાં, પણ તોફાન ટાણે તેમાં જે ગાંભીર્ય દેખાયું હતું તે ગયું !

અમે ૧૮મી કે ૧૯મી ડિસેમ્બરે ડરબનના બારામાં લંગર કર્યું. ’નાદરી’ પણ તે જ દહાડે પહોંચી.

ખરા તોફાનનો અનુભવ તો હજુ હવે થવાનો હતો


‘Rumblings Of The Storm’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૯. ‘જલદી પાછા ફરો’

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મદ્રાસથી કલકત્તા ગયો. કલકત્તામાં મને મુશ્કેલીઓનો પાર ન રહ્યો.

સુરેન્દ્રનાથ બેનરજી

‘બંગાળના દેવ’ સુરેન્દ્રનાથ બેનરજીને તો મળવાનું હતું જ. તેમને મળ્યો. હું મળ્યો ત્યારે તેમની આસપાસ બીજા મળનારાઓ હતા. તેમણે કહ્યુ, ‘તમારા કામમાં લોકો રસ નહીં લે એવો મને ભય છે. તમે તો જુઓ છો કે અહીં જ કંઈ થોડી વિટંબણાઓ નથી. છતાં તમારે તો બને તે કરવું જ.

મારી મુશ્કેલીઓ વધતી જતી હતી. ‘અમૃત બઝાર પત્રિકા’ની ઓફિસે ગયો. ત્યાં પણ જે ગૃહસ્થો મને મળ્યા તેમણે માની લીધેલું કે હું કોઈ ભમતારામ હોવો જોઈએ.

‘બંગવાસી’ એ તો હદ વાળી. મને એક કલાક સુધી તો બેસાડી જ મૂક્યો. બીજાઓની સાથે અધિપતિસાહેબ વાતો કરતા જાય; તેઓ જતા જાય, પણ પોતે મારી તરફ પણ ન જુએ. એક કલાક રાહ જોઈને મેં મારો પ્રશ્ન છેડયો ત્યારે તેમણે કહ્યુ, ‘તમે જોતા નથી અમને કેટલું કામ પડ્યું છે ? તમારા જેવા તો ઘણા અમારે ત્યાં ચાલ્યા આવે છે. તમે વિદાય થાઓ તેમાં જ સારું છે. અમારે તમારી વાત સાંભળવી નથી.

હું હાર્યો નહીં. બીજા અધિપતિઓને મળવાનું ચાલું રાખ્યું. મારા રિવાજ મુજબ અંગ્રેજોને પણ મળ્યો. ‘સ્ટેટ્સમૅન’ અને ‘ઈંગ્લિશમૅન’ બંને દક્ષિણ આફ્રિકાના સવાલનું મહત્વ જાણતા હતાં. તેમણે લાંબી મુલાકાતો છાપી. ‘ઈંગ્લિશમૅન’ના મિ. સૉંડર્સે મને અપનાવ્યો. મિ. સૉંડર્સને મારામાં જે ગમ્યું તે અતિશયોક્તિનો અભાવ અને સત્યપરાયણતા હતાં. તેમણે મારી ઊલટતપાસ કરવામાં કચાશ નહોતી રાખી. તેમાં તેમણે જોયું કે દક્ષિણ આફ્રિકાના ગોરાઓના પક્ષને નિષ્પક્ષપાતપણે મૂકવામાં ને તેની તુલના કરવામાં મેં ન્યૂનતા નહોતી રાખી.

મારો અનુભવ મને કહે છે કે સામા પક્ષને ન્યાય આપી આપણે ન્યાય વહેલો મેળવીએ છીએ.

આમ મને અણધારી મદદ મળવાથી કલકત્તામાં પણ જાહેર સભા ભરવાની આશા બંધાઈ. તેવામાં ડરબનથી તાર મળ્યો : ‘પાર્લમેન્ટ જાનેવારીમાં મળશે. જલદી પાછા ફરો.’

ડિસેમ્બરના આરંભમાં ‘કુરલૅંડ’માં મારી ધર્મપત્ની, બે દીકરા, ને મારા સ્વર્ગસ્થ બનેવીના એકના એક દીકરાને લઈને દક્ષિણ આફ્રિકા તરફ બીજી વાર રવાના થયો.


‘Return Soon’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૮. પૂનામાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


લોકમાન્ય તીલક

બાલ-ગંગાધર તીલક


સર ફિરોજશાએ મારો રસ્તો સરળ કરી મૂક્યો. મુંબઈથી હું પૂના ગયો. પૂનામાં બે પક્ષ હતા એ મને ખબર હતી. મારે તો બધાની મદદ જોઈતી હતી. લોકમાન્યને મળ્યો. તેમણે કહ્યું:

‘બધા પક્ષની મદદ મેળવવાનો તમારો વિચાર તદ્દન બરોબર છે. તમારા પ્રશ્નને વિષે મતભેદ ન જ હોય. પણ તમારે સારુ તટસ્થ પ્રમુખ જોઈએ. તમે પ્રોફેસર ભાંડારકરને મળો. તેઓ આજકાલ કોઈ હિલચાલમાં ભાગ નથી લેતા. પણ કદાચ આ કામને સારુ બહાર પડે. તેમને મળ્યા પછી મને પરિણામ જણાવજો. હું તમને પૂરી મદદ કરવા માગું છું. તમે પ્રોફેસર ગોખલેને તો મળશો જ. મારી પાસે જ્યારે આવવું હોય ત્યારે વિનાસંકોચે આવજો.’

લોકમાન્યનાં આ મને પ્રથમ દર્શન હતાં. તેમની લોકપ્રિયતાનું કારણ હું તુરત સમજી શક્યો.


ગોપાલ-કૃષ્ણ ગોખલે


અહીંથી હું ગોખલે પાસે ગયો. તે ફરગ્યુસન કૉલેજમાં હતા. મને ખૂબ પ્રેમથી ભેટ્યા ને પોતાનો કરી લીધો. તેમનો પણ મને પહેલો પરિચય હતો. પણ, કેમ જાણે અમે પૂર્વે મળ્યા હોઇએ તેમ લાગ્યું. સર ફિરોજશા તો મને હિમાલય જેવા લાગ્યા. લોકમાન્ય સમુદ્ર જેવા લાગ્યા. ગોખલે ગંગા જેવા લાગ્યા. તેમાં હું નાહી શકું. હિમાલય ચડાય નહીં. સમુદ્રમાં ડૂબવાનો ભય રહે. ગંગાની તો ગોદમાં રમાય. તેમાં હોડકાં લઈને તરાય. ગોખલેએ મારી ઝીણવટથી તપાસ કરી, જેમ એક નિશાળિયો નિશાળમાં દાખલ થવા જાય તેની થાય તેમ. કોને કોને મળવું ને કેમ મળવું એ બતાવ્યું, ને મારું ભાષણ જોવા માગ્યું. મને કૉલેજની ગોઠવણ બતાવી. જ્યારે મળવું હોય ત્યારે ફરી મળવાનું કહી, દા. ભાંડારકરનો જવાબ સંભળાવવાનું કહી, મને વિદાય કર્યો. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાં જે સ્થાન ગોખલેએ જીવતાં મારા હૃદયમાં ભોગવ્યું ને હજી દેહાંત થયા છતાં ભોગવે છે તે કોઈ ભોગવી શક્યું નથી.


રામકૃષ્ણ ભાંડારકર


જેમ દીકરાને બાપ વધાવે તેમ રામકૃષ્ણ ભાંડારકરે મને વધાવ્યો. તેમને ત્યાં ગયો ત્યારે મધ્યાહ્નકાળ હતો. આવે સમયે હું મારું કામ કરી રહ્યો હતો એ વસ્તુ જ આ ઉદ્યમી શાસ્ત્રજ્ઞને વહાલી લાગી; ને તટસ્થ પ્રમુખ માટેનો મારો આગ્રહ સાંભળી ‘ધેટ્સ ઇટ’, ‘ધેટ્સ ઇટ’ ‘એ જ બરોબર’, ‘એ જ બરોબર’ના ઉદ્ગાર તેમના મુખમાંથી સહેજે નીકળી ગયા.

વાતને અંતે તેઓ બોલ્યા, ‘ગમે તેને પૂછશો તો તે તમને કહેશે કે, હું હાલ કોઈ રાજ્યપ્રકરણી કામમાં ભાગ લેતો નથી. પણ તમને હું ન તરછોડી શકું. તમારો કેસ એવો મજબૂત છે ને તમારો ઉદ્યમ એવો સ્તુત્ય છે કે મારાથી તમારી સભામાં આવવાની ના ન પડાય. રા. તિલક અને રા. ગોખલેને તમે મળ્યા એ સારું કર્યું છે. તેઓને કહેજો કે હું ખુશીથી બંને પક્ષ બોલાવે તે સભામાં આવીશ ને પ્રમુખપદ લઈશ. વખતની બાબત મને પૂછવાની જરૂર નથી. જે વખત બંને પક્ષને અનુકૂળ હશે તેને હું અનુકૂળ થઈશ.’ આમ કહી મને ધન્યવાદ અને આશીર્વાદ આપી વિદાય કર્યો.

કશી હોહા વિના, આડંબર વિના, એક સાદા મકાનમાં પૂનાના આ વિદ્વાન અને ત્યાગી મંડળે સભા ભરી ને મને સંપૂર્ણ પ્રોત્સાહન સાથે વિદાય કર્યો.

હું અહીંથી મદ્રાસ ગયો. મદ્રાસ તો ઘેલું થઈ ગયું. બાલાસુંદરમના કિસ્સાની સભા ઉપર ઊંડી અસર પડી. મારું ભાષણ મારે સારુ પ્રમાણમાં લાંબું હતું. બધું છાપેલું હતું. પણ શબ્દેશબ્દ સભાએ ધ્યાનપૂર્વક સાંભળ્યો. સભાને અંતે પેલા લીલા ચોપાનિયા ઉપર ધાડ પડી. મદ્રાસમાં સુધારાવધારાસહિત તેની બીજી આવૃત્તિ દસ હજારની છપાવી. તેમાંનો ઘણો ભાગ ઉપડી ગયો. પણ મેં જોયું કે દસ હજારની જરૂર નહોતી. ઉત્સાહની મારી આંકણી વધારે પડતી હતી. તે વર્ગમાંથી એકલા મદ્રાસમાં દસ હજાર નકલની જરૂર ન પડે.

અહીં મને મોટામાં મોટી મદદ સ્વ. જી. પરમેશ્વરન્ પિલ્લેની મળી. તેઓ ‘મદ્રાસ સ્ટૅન્ડર્ડ’ના અધિપતિ હતા. તેમણે આ પ્રશ્નનો અભ્યાસ સારો કરી લીધો હતો. તેમની ઑફિસે મને વખતોવખત બોલાવે ને દોરે. ‘હિંદુ’ના જી. સુબ્રહ્મણ્યમ્ ને પણ મળ્યો હતો. તેમણે અને દા. સુબ્રહ્મણ્યમે પણ પૂરી દિલસોજી બતાવી હતી. પણ જી. પરમેશ્વરન્ પિલ્લેએ તો મને પોતાના છાપાનો આ કામને સારુ જે ઉપયોગ કરવો હોય તે કરવા દીધો ને મેં તે છૂટથી કર્યો. સભા પાચ્યાપ્પા હોલમાં થયેલી ને તેમાં દા. સુબ્રહ્મણ્યમ્ પ્રમુખ થયા હતા એવો મને ખ્યાલ છે. મદ્રાસમાં મેં ઘણાઓનો પ્રેમ અને ઉત્સાહ એટલો બધો અનુભવ્યો કે, જોકે ત્યાં સહુની સાથે મુખ્યત્વે અંગ્રેજીમાં બોલવાનું હતું, છતાં મને ઘર જેવું જ લાગ્યું. પ્રેમ ક્યાં બંધનોને તોડી શકતો નથી?


Poona And Madras


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૭. મુંબઈમાં સભા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

બનેવીના દેહાંતને બીજે જ દિવસે મારે મુંબઈની સભાને સારુ જવાનું હતું.

સભાની તારીખને આગલે દહાડે સાંજે પાંચ વાગ્યે હુકમ પ્રમાણે હું સર ફિરોજશાની ઑફિસે હાજર થયો.

‘ગાંધી, તમારું ભાષણ તૈયાર છે કે?’ તેમણે પૂછ્યું.

‘ના જી, મેં તો ભાષણ મોઢેથી જ કરવાનો વિચાર રાખ્યો છે,’ મેં બીતાં બીતાં ઉત્તર આપ્યો.

‘એ મુંબઈમાં નહીં ચાલે. અહીં રિપોર્ટિંગ ખરાબ છે, ને આ સભાથી આપણને કશો લાભ ઉઠાવવા માગતા હોઈએ તો તમારું ભાષણ લખેલું જ હોવું જોઈએ અને રાતોરાત છપાવું જોઈએ. ભાષણ રાતોરાત લખી શકશો ના?’

હું ગભરાયો. પણ મેં લખવાના પ્રયત્નની હા પાડી.

‘ત્યારે મુનશી તમારી પાસે ભાષણ લેવા ક્યારે આવે?’ મુંબઈના સિંહ બોલ્યા.

‘અગિયાર વાગ્યે,’ મેં ઉત્તર આપ્યો.

સર ફિરોજશાએ મુનશીને તે કલાકે ભાષણ મેળવી રાતોરાત છપાવવા હુકમ કરી મને વિદાય કર્યો.

બીજે દહાડે સભામાં ગયો. ભાષણ લખવાનું કહેવાનું કેટલું ડહાપણ હતું એ હું જોઇ શક્યો. ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યુટના હૉલમાં સભા હતી. મેં સાંભળેલું કે સર ફિરોજશા બોલવાના હોય તે સભામાં ઊભવાની જગા ન હોય. આમાં મુખ્યત્વે વિદ્યાર્થીવર્ગ રસ લેનારો હોય.

આવી સભાનો મારો પહેલો અનુભવ હતો. મારો સાદ કોઈ નહીં સાંભળી શકે એવી મારી ખાતરી થઈ. મેં ધ્રૂજતાં ધ્રૂજતાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું. સર ફિરોજશા મને ઉત્તેજન આપતા જાય. મને તો લાગે છે કે મારો સાદ તેમ તેમ નીચો પડતો જતો હતો.

પુરાણા મિત્ર કેશવરાવ દેશપાંડે મારી વહારે ધાયા. તેમનાં હાથમાં મેં ભાષણ મૂક્યું. તેમનો સાદ તો બરાબર જ હતો. પણ પ્રેક્ષકગણ શેનો સાંભળે? ‘વાચ્છાવાચ્છા’થી હૉલ ગાજી રહ્યો. વાચ્છા ઊઠ્યા. તેમણે દેશપાંડે પાસેથી કાગળ લીધો ને મારું કામ થયું. સભા તુરત શાંત થઈ, ને અથથી ઈતિ સુધી સભાએ ભાષણ સાંભળ્યું. શિરસ્તા મુજબ જોઈએ ત્યાં ‘શેમ શેમ’ ને જોઇએ ત્યાં તાળીઓ હોય જ. હું રાજી થયો.

સર ફિરોજશાને ભાષણ ગમ્યું. મને ગંગા નાહ્યા જેટલો સંતોષ થયો.

મુંબઈમાં પેસ્તનજીને ખોળી કાઢ્યા હતા. એ પ્રોથોનોટરી હતા. હું મળ્યો ત્યારે બૃહદ ગુજરાતી શબ્દકોષના કામમાં રોકાયેલા હતા. દક્ષિણ આફ્રિકામાંના કામમાં મદદ માગવાની બાબતમાં એકે મિત્રને મેં છોડ્યા નહોતા. પેસ્તનજી પાદશાહે તો મને પણ દક્ષિણ આફ્રિકા ન જવાની સલાહ આપી! ‘મારાથી તમને મદદ તો શી થાય, પણ તમારું દક્ષિણ આફ્રિકા પાછા જવું જ મને તો પસંદ નથી. અહીં આપણા દેશમાં જ ક્યાં ઓછું કામ છે? જુઓની આપણી ભાષાની જ સેવા ક્યાં ઓછી કરવાની છે? મારે વિજ્ઞાનને લગતા શબ્દોના અર્થ કાઢવાના છે. આ તો એક જ ક્ષેત્ર. દેશની ગરીબાઈનો વિચાર કરો. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકોને મુસીબત છે, પણ તેમાં તમારા જેવા ખરચાઇ જાય એ હું સહન ન કરું. આપણે જો અહીંયાં આપણા હાથમાં રાજ્યસત્તા મેળવીએ તો ત્યાં એની મેળે મદદ થઈ રહે. તમને તો હું નહીં સમજાવી શકું, પણ તમારા જેવા બીજા સેવકોને તમારો સાથ કરાવવામાં હું મદદ તો નહીં જ કરું.’

આ વચન મને ન ગમ્યાં, પણ પેસ્તનજી પાદશાહને વિષે મારું માન વધ્યું. તેમનો દેશપ્રેમ-ભાષાપ્રેમ જોઈ હું મોહિત થયો. અમારી વચ્ચેની પ્રેમગાંઠ આ પ્રસંગથી વધારે સજ્જડ થઈ. તેમનું દૃષ્ટિબિંદુ હું પૂરેપૂરું સમજી શક્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેમની દૃષ્ટિએ મારે તો એને વધારે વળગી રહેવું જોઇએ એમ મને લાગ્યું. દેશપ્રેમી એક પણ અંગને બને ત્યાં લગી જતું ન કરે, ને મારે સારુ તો ગીતાનો શ્લોક તૈયાર જ હતો:

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।। @

@ ચડિયાતા પરધર્મ કરતાં ઊતરતો સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મોત પણ સારું, પરધર્મ એ ભયકર્તા છે.


The Bombay Meeting


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૬. રાજનિષ્ઠા અને શુશ્રૂષા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

શુધ્ધ રાજનિષ્ઠા મેં જેટલી મારે વિષે અનુભવી છે તેટલી ભાગ્યે જ બીજામાં મેં જોઈ હોય. એ રાજનિષ્ઠાનું મૂળ સત્ય ઉપરનો મારો સ્વાભાવિક પ્રેમ હતો એમ હું જોઈ શકું છું. રાજનિષ્ઠાનો કે બીજી કોઈ વસ્તુનો ડોળ મારાથી કોઈ દિવસ કરી જ નથી શકાયો. નાતાલમાં જ્યારે હું કોઈ સભામાં જતો ત્યારે ત્યાં ’ગોડ સેવ ધ કિંગ’ તો ગવાય જ. મને લાગ્યું કે મારે પણ તે ગાવું જોઈએ.

ખંતથી અંગ્રેજોના રાષ્ટ્રગીત ’ગોડ સેવ ધ કિંગ’નો સૂર મેં શીખી લીધો. તે સભાઓમાં ગવાય તેમાં મારો સૂર ભેળવતો. અને જે જે પ્રસંગો આડંબર વિના વફ઼ાદારી બતાવવાના આવે તેમાં હું ભાગ લેતો.

એ રાજનિષ્ઠાને મારી જિંદગીભરમાં મેં કોઈ દિવસ વટાવી નથી. મારો અંગત લાભ સાધવાનો મને વિચાર સરખોયે નથી થયો. વફાદારીને કરજ સમજી મેં સદાયે તે અદા કરી છે.

જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે રાણીની ડાયમંડ જ્યુબિલીની તૈયારીઓ શરૂ થઈ હતી. રાજકોટમાં પણ એક સમિતિ નિમાઈ. તેમાં મને આમંત્રણ થયું. મેં તે સ્વીકાર્યુ. મને તેમાં દંભની ગંધ આવી. તેમાં દેખાવને સારુ બહુ થતું મેં જોયું. એ જોઈ મને દુ:ખ થયું. સમિતિમાં રહેવું કે નહીં એ પ્રશ્ન મારા આગળ ખડો થયો. અંતે મારા કર્તવ્યનું પાલન કરીને સંતોષ માનવાનો મેં ઠરાવ કર્યો.

’ગોડ સેવ ધ કિંગ’ હું કુટુંબનાં બાળકોને શીખવતો. આગળ જતાં મને આ ગીત ગાવું ખટક્યું, અહિંસાના મારા વિચારો મારામાં જેમ પ્રબળ થતા ગયા તેમ મારી વાણી અને વિચારો ઉપર હું વધારે ચોકી કરવા લાગ્યો. એ ગીતમાં બે લીટી આ પણ છે:

તેના શત્રુઓનો નાશ કરજે, તેમનાં કાવતરાને નિષ્ફળ કરજે.

આ ગાવાનું મને ખટક્યું. મારા મિત્ર ધ. બૂથને મેં મારી મુશ્કેલીની વાત કરી. તેમણે પણ કબૂલ કર્યુ કે એ ગાવું અહિંસક મનુષ્યને શોભે નહીં. શત્રુ કહેવાયા તે દગો જ કરે એમ કેમ માની લેવાય ? શત્રુ માન્યા તે ખોટા જ હોય એમ કેમ કહેવાય ? ઈશ્વરની પાસે તો ન્યાયની જ માગણી કરાય. દા. બૂથે આ દલીલ સ્વીકારી. તેમણે પોતાના સમાજમાં ગાવા સારુ નવું જ ગીત રચ્યું. દા. બૂથની વિશેષ ઓળખાણ હવે પછી કરીશું.

જેમ વફાદારીનો ગુણ મારામાં સ્વાભાવિક હતો તેમ શુશ્રુષાનો. માંદાં, પછી સગાં હોય કે પરાયાં, તેમની સેવા કરવાનો મને શોખ હતો એમ કહી શકાય.

શુશ્રૃષાના મારા આ શોખે આગળ જતાં વિશાળ સ્વરૂપ પકડ્યું. તે એટલે સુધી કે, તે કરવામાં હું મારો ધંધો છોડતો, મારી ધર્મપત્નીને રોકતો ને આખા ઘરને રોકી દેતો. આ વૃતિને મેં શોખ તરીકે ઓળખાવી છે, કેમ કે હું જોઈ શક્યો છું કે આ ગુણો જ્યારે આનંદદાયક થઈ પડે છે ત્યારે જ નભી શકે છે. તાણીતુશીને અથવા દેખાવ કે શરમને ખાતર થાય છે ત્યારે તે માણસને કચડી નાખે છે, ને તે કરતો છતો માણસ કરમાય છે. જે સેવામાં આનંદ નથી મળતો તે નથી સેવકને ફળતી, નથી સેવ્યુને ભાવતી. જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ એશઆરામ કે ધનોપાર્જન ઈત્યાદિ પ્રવૃતિ તુચ્છ લાગે છે.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૫. હિંદુસ્તાનમાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

Clip

કલકત્તેથી મુંબઈ જતાં પ્રયાગ વચમાં આવતું હતું. ત્યાં ટ્રેન ૪૫ મિનિટ રોકાતી હતી. તે દરમ્યાન મેં શહેરમાં જરા આંટો મારી આવવા ધાર્યું. ભલા સ્ટેશન માસ્તરે ગાડી એક મિનિટ રોકેલી, પણ મને પાછો આવતો ન જોતાં મારો સામાન ઉતારી લેવાની તેણે કાળજી લીધી.

અહીંના ’પાયોનિયર’ પત્રની ખ્યાતિ મેં સાંભળી હતી. તે વેળા નાના મિ. ચેઝની અધિપતિ હતા એવો મને ખ્યાલ છે. મિ.ચેઝનીને મેં મુલાકાત સારુ ચિઠ્ઠી લખી, ટ્રેન ખોયાનું જણાવ્યું, ને વળતે દહાડે મારે પ્રયાગ છોડવાનું હતું એમ લખ્યું. જવાબમાં તેમણે મને તરત મળવા જણાવ્યું. હું રાજી થયો. તેમણે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી. હું કંઈ પણ લખું તો પોતે તેની તુરત નોંધ લેશે એમ કહ્યું, ને ઉમેર્યું :’પણ તમારી બધી માગણીનો હું સ્વીકાર કરી જ શકીશ એમ તમને નથી કહી શકતો.

મેં ઉત્તર આપ્યો, ’તમે આ પ્રશ્નનો અભ્યાસ કરશો ને ચર્ચશો એટલું મને બસ છે. હું શુદ્ધ ન્યાય સિવાય બીજું કશું માગતો કે ઇચ્છતો નથી.’

બાકીનો દિવસ પ્રયાગના ભવ્ય ત્રિવેણીસંગમના દર્શનમાં ને મારી પાસે રહેલા કામના વિચારમાં ગાળ્યો.

આ આકસ્મિક મુલાકાતે મારા ઉપર નાતાલમાં થયેલા હુમલાનું બીજ રોપ્યું.

મુંબઈથી વગર રોકતે રાજકોટ ગયો ને એક ચોપાનિયું લખવાની તૈયારી કરી. ચોપાનિયું લખવામાં ને છાપવામાં લગભગ મહિનો થઈ ગયો. એને લીલું પૂઠું કરાવ્યું હતું. તેથી પાછળથી એ ’લીલા ચોપાનિયા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો ચિતાર મેં ઇરાદાપૂર્વક હળવો કર્યો હતો.

લીલા ચોપાનિયાની દસ હજાર નકલ છપાવી હતી, ને તે આખા હિંદુસ્તાનમાં છાપાંઓને અને જાણીતા બધા પક્ષના લોકોને મોકલી.

આ ચોપાનિયાંને ટપાલને સારુ તૈયાર કરાવવાં એ મુશ્કેલીનું ને, જો પૈસે કરાવું તો, ખરચાળ કામ હતું. મેં સહેલી યુક્તિ શોધી કાઢી. શેરીનાં બધાં છોકરાંને ભેળાં કર્યા ને તેમના સવારના ભાગના બે ત્રણ કલાક, જેટલા આપી શકે તેટલા, માગ્યા. છોકરાંઓએ ખુશીથી આટલી સેવા કબૂલ કરી. મારા તરફથી મેં તેમને મારી પાસે ભેળી થતી વપરાયેલી ટપાલટિકિટો આપવાનું ને તેમને આશીર્વાદ આપવાનું કબૂલ્યું. છોકરાંઓએ રમતવાતમાં મારું કામ પૂરું કરી દીધું. છેક બાળકોને આમ સ્વયંસેવક બનાવવાનો મારો આ પહેલો અખતરો હતો. આ બાળકોમાંના બે આજે મારા સાથી છે.

આ જ અરસામાં મુંબઈમાં પહેલીવહેલી મરકી ફાટી નીકળી. ચોમેર ગભરાટ ફેલાઈ રહ્યો હતો. રાજકોટમાં પણ મરકી ફેલાવાનો ડર હતો. મને લાગ્યું કે મને આરોગ્યખાતામાં કામ કરતાં આવડે ખરું. મેં મારી સેવા સ્ટેટને આપવાનું લખ્યું. સ્ટેટે કમિટિ નીમી ને તમાં મને દાખલ કર્યો. પાયખાનાની સ્વચ્છતા ઉપર મેં ભાર મૂક્યો ને કમિટિએ શેરીએ શેરીએ જઈને પાયખાનાં તપાસવાનો નિશ્ચય કર્યો.

કમિટીને ઢેડવાડામાં પણ જવાનું તો હતું જ. કમિટીના સભ્યોમાંથી મારી સાથે માત્ર એક જ ત્યાં આવવા તૈયાર થયા. ત્યાં જવું ને વળી પાયખાનાં તપાસવાં ? પણ મને તો ઢેડવાડો જોઈને સાનંદાશ્ચર્ય જ થયું. ઢેડવાડાની આ મારી તો જિંદગીમાં પહેલી જ મુલાકાત હતી. ઢેડ ભાઈબહેનો અમને જોઈ આશ્ચર્ય પામ્યાં. એમનાં પાયખાનાં જોવાની મેં માગણી કરી. તેમણે કહ્યું :

’અમારે ત્યાં પાયખાનાં કેવા ? અમારાં પાયખાનાં જંગલમાં. પાયખાનાં તમારે મોટાં માણસને’

’ત્યારે તમારાં ઘર અમને જોવા દેશો ?’ મેં પૂછ્યું.

’આવોની ભાઈસાહેબ. તમારી મરજીમાં આવે ત્યાં જાઓ. અમારાં ઘર એવાં જ તો.’

હું અંદર ગયો ને ઘરની તેમ જ આંગણાની સફાઈ જોઈ ખુશ થઈ ગયો. ઘરની અંદર બધું લીંપેલું જોયું. આંગણું વાળેલું, અને જે જૂજ વાસણો હતાં તે સાફ અને ચકચકિત હતાં.

કમિટીએ હવેલીની પણ મુલાકાત લીધી હતી. હવેલીમાં જે એઠવાડ અને પત્રાવળ થાય તે પાછળ રાંઘ ઉપરથી ફેંકી દેવામાં આવતાં, ને તે ભાગ કાગડાસમડીઓનો વાસ થઈ પડ્યો હતો. પાયખાનાં તો ગંદાં હતાં જ. મુખિયાજીએ કેટલો સુધારો કર્યો એ જોવા હું ન પામ્યો. હવેલીની ગંદકી જોઈને દુઃખ તો થયું જ.

સ્મૃતિકારોએ બાહ્યાંતર શૌચ ઉપર ખૂબ ભાર મૂક્યો છે એ મારા ધ્યાન બહાર ત્યારે પણ નહોતું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૪. દેશ ભણી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

હવે હું દક્ષિણ આફ્રિકામાં ત્રણ વરસ રહી ચૂક્યો હતો. લોકોને હું ઓળખતો થયો હતો. તેઓ મને ઓળખતા થયા હતા. સને ૧૮૯૬ની સાલમાં મેં છ માસને સારુ દેશ જવાની પરવાનગી માગી.

પણ જો હું દેશ જાઉં તો કૉંગ્રેસનું ને કેળવણીમંડળનું કામ કોણ ઉપાડે? બે સાથીઓ ઉપર દ્રષ્ટિ પડી : આદમજી મિયાંખાન અને પારસી રુસ્તમજી. આ બે માંથી મરહૂમ આદમજી મિયાંખાનને મંત્રીપદ આપવાની ભલામણ કૉંગ્રેસને કરી ને તે કબૂલ રહી. અનુભવે આ પસંદગી ઘણી સરસ નીવડી.

૧૮૯૬ના મધ્યમાં હું દેશ જવા ‘પોંગોલા’ સ્ટીમરમાં ઊપડ્યો. આ સ્ટીમર કલકત્તે જનારી હતી.

સ્ટીમરમાં ઉતારુ ઘણા હતા. બે અંગ્રેજ ઑફિસર હતા. તેમની સાથે મને સોબત થઈ. એકની સાથે હંમેશા એક કલાક શતરંજ રમવામાં ગાળતો. સ્ટીમરમાં દાક્તરે મને એક ‘તામિલશિક્ષક’ આપ્યું.

નાતાલમાં મેં જોયું હતું કે મારે મુસલમાનોની સાથે વધારે નિકટ સંબંધમાં આવવા સારુ ઉર્દૂ શીખવું જોઈએ, ને મદ્રાસી હિંદીઓની સાથે તેવો સંબંધ બાંધવા સારુ તામિલ શીખવું જોઈએ.

ઉર્દૂ સારુ પેલા અંગ્રેજ મિત્રની માગણીથી મેં ડેકના ઉતારુઓમાંથી એક સુંદર મુનશી શોધી કાઢ્યો ને અમારો અભ્યાસ સરસ ચાલ્યો.

તામિલ અભ્યાસ પણ ઠીક ચાલ્યો. તેમાં મદદ નહોતી મળી શકતી. પુસ્તક પણ એવી રીતે લખાયું હતું કે મદદની જરૂર બહુ ન પડે.

દક્ષિણ આફ્રિકાના મદ્રાસી હિંદીઓ પાસેથી મેં પ્રેમરસના કૂંડા પીધાં છે. તેમનું સ્મરણ મને પ્રતિક્ષણ રહે છે. તેમની શ્રદ્ધા, તેમનો ઉદ્યોગ, તેમનામાંના ઘણાનો નિસ્વાર્થ ત્યાગ, કોઈ પણ તામિલ તેલુગુને હું જોઉં છું ત્યારે મને યાદ આવ્યા વિના રહેતો નથી. અને આ બધા લગભગ નિરક્ષર ગણાય. જેવા પુરુષો તેવી સ્ત્રીઓ હતી. દક્ષિણ આફ્રિકાની લડાઈ જ નિરક્ષરોની હતી, ને તેમાં નિરક્ષર લડવૈયા હતા, – ગરીબોની હતી, ને ગરીબો તેમાં ઝૂઝ્યા.

આ ભોળા ને ભલા હિંદીઓનું ચિત્ત ચોરવામાં મને ભાષાનો અંતરાય કદી આવ્યો નથી.

પણ આ તો વિષયાંતર થયું. આપણે મુસાફરી પૂરી કરીએ.

હજુ ‘પોંગોલા’ના નાખુદાની ઓળખાણ કરાવવી બાકી છે. અમે મિત્ર બન્યા હતા. આ ભલો નાખુદા પ્લીમથ બ્રધરના સંપ્રદાયનો હતો. તેથી વહાણવિદ્યાની વાતોના કરતાં આધ્યાત્મિક વિદ્યાની જ વાતો અમારી વચ્ચે વધારે થઈ.

અમે એકબીજાને સમજાવી ન શક્યા. હું મારા વિચારમાં દ્રઢ થયો કે ધર્મ અને નીતિ એક જ વસ્તુનાં વાચક છે.

ચોવીસ દિવસને અંતે આ આનંદદાયક મુસાફરી પૂરી થઈ ને હુગલીનું સૌંદર્ય નિહાળતો હું કલકત્તા ઊતર્યો. તે જ દિવસે મેં મુંબઈ જવાની ટિકિટ કપાવી.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.