Daily Archives: 31/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૪. કારકુન અને ’બેરા’

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


મહાસભાને ભરાવાને એક બે દિવસની વાર હતી. મેં નિશ્ચય કર્યો હતો કે મહાસભાના દફતરમાં જો મારી સેવાનો સ્વીકાર થાય તો મારે સેવા કરવી ને અનુભવ મેળવવો.

જે દિવસે અમે આવ્યા તે જ દિવસે નાહીધોઇને મહાસભાના દફતરમાં ગયો. શ્રી ભૂપેન્દ્રનાથ બસુ અને શ્રી ઘોષળ મંત્રી હતા. ભૂપેનબાબુની પાસે પહોંચ્યો ને સેવા માગી. તેમણે મારી સામે જોયું ને બોલ્યા:

‘મારી પાસે તો કંઇ કામ નથી, પણ કદાચ મિ. ઘોષળ તમને કઇંક સોંપશે. તેમની પાસે જાઓ.’

હું ઘોષળબાબુ પાસે ગયો. તેમણે મને નિહાળ્યો. જરા હસ્યા ને પૂછયું:

‘મારી પાસે તો કારકુનનું કામ છે. તે કરશો?’

મેં જવાબ આપ્યો: ‘જરૂર કરીશ. મારી શક્તિ ઉપરાંત નહીં હોય તે બધું કરવા હું આપની પાસે આવ્યો છું.’

‘નવજુવાન, એ જ ખરી ભાવના છે.’

સ્વયંસેવકો તેમની પડખે ઊભા હતા તેમની તરફ જોઈ બોલ્યા:

‘તમે જુઓ છો કે આ જુવાન શું કહે છે?’

પછી મારા તરફ વળીને બોલ્યા:

‘ત્યારે આ રહ્યો કાગળનો ઢગલો ને આ મારી સામે ખુરશી. તે તમે લો.

પડેલો ઢગલો તો મેં તુરત પૂરો કર્યો.

અમારી વચ્ચે ઠીક ઠીક ગાંઠ બંધાઈ. મને બપોરના ખાણામાં પોતાની સાથે જ રાખ્યો. ઘોષળબાબુના બટન પણ ‘બૅરા’† ભીડતો. એ જોઈ ‘બૅરા’નું કામ મેં જ લઈ લીધું. મને તે ગમતું. વડીલો તરફ મારો આદર ખૂબ હતો. આવી સેવા પ્રત્યે મનમાં મુદ્દલ અભાવ ન થયો. મને જે લાભ થયો તેની તો કિંમત અંકાય તેમ નથી.

થોડા જ દિવસમાં મહાસભાના તંત્રની મને ખબર પડી. ઘણા આગેવનોની ભેટ થઈ. ગોખલે, સુરેન્દ્રનાથ, વગેરે યોદ્ધાઓ આવજા કરે. તેમની રીતભાત હું જોઇ શક્યો. વખતની જે બરબાદી થતી હતી તેનું દર્શન પણ મને થયું. અંગ્રેજી ભાષાનું પ્રાબલ્ય પણ પણ જોયું. તેથી ત્યારે પણ દુઃખી થયો. એકથી થાય તે કામમાં એકથી વધારે રોકાતા હતા તે મેં જોયું, ને કેટલાંક અગત્યનાં કામ કોઇ જ નહોતું કરતું એ પણ જોયું.

મારું મન આ બધી સ્થિતિની ટીકા કર્યા કરતું હતું. પણ ચિત્ત ઉદાર હતું તેથી જે થાય તેમાં સુધારો અશક્ય હશે એમ માની લેતું હતું, ને કોઇના પ્રત્યે અણગમો નહોતો થતો.


†અંગ્રૅજી ‘બૅરર’ શબ્દનો અપભ્રંશ. અંગસેવા કરનાર, ખિદમતગાર. કલકત્તામાં હરકોઇ ઘરનોકરને માટે ‘બૅરા’ શબ્દ વપરાય છે.


‘Clerk And Bearer’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.