Daily Archives: 29/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૧૨. દેશગમન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે.

મેં સાથીઓ આગળ મુક્ત થવાની માગણી કરી. ઘણી મુસીબતે એ માગણીનો શરતી સ્વીકાર થયો. શરત એ હતી કે, એક વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મારે પાછું દક્ષિણ આફ્રિકા જવું. મને આ શરત કઠણ લાગી, પણ પ્રેમપાશથી હું બંધાયેલો હતો :

કાચે રે તાંતણે મને હરજીએ બાંધી
જેમ તાણે તેમ તેમની રે
મને લાગી કટારી પ્રેમની.

આ મીરાંબાઈની ઉપમા થોડેઘણે અંશે મને લાગુ પડતી હતી. પંચ પણ પરમેશ્વર જ છે. મિત્રોના બોલને હું તરછોડી નહોતો શકતો. મેં વચન આપ્યું ને રજા મેળવી.

નાતાલના હિંદીઓએ મને પ્રેમામૃતથી નવડાવી મૂક્યો. ઠેકઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ, અને દરેક ઠેકાણેથી કીંમતી ભેટો આવી.

આ વખતની ભેટોથી ને સભાઓનાં દૃશ્યથી હું અકળાયો. ભેટોમાં સોનાચાંદીની વસ્તુઓ તો હતી જ પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી.

આ બધી વસ્તુઓનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર હોય ?

વળી, આ ભેટોમાં એક પચાસ ગીનીનો હાર કસ્તૂરબાઈને સારુ હતો. પણ એને મળેલી વસ્તુ પણ મારી સેવાને અંગે હતી, એટલે તેને નોખી તારવી ન શકાય.

જે સાંજે આમાંની મુખ્ય ભેટો મળી હતી તે રાત્રિ મેં બાવરાની જેમ જાગીને ગાળી. મારા ઓરડામાં આંટા માર્યા કર્યા. પણ કંઈ ગૂંચ ઊકલે નહીં. સેંકડોની ભેટ જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.

હું કદાચ ભેટો જીરવી શકું. પણ મારાં બાળકોનું શું ? સ્ત્રીનું શું ?

મારાથી આ વસ્તુઓ ન જ રખાય એવા નિર્ણય ઉપર હું આવ્યો.

ધર્મપત્નીને સમજાવવાનું મુશ્કેલ પડશે એ હું જાણતો હતો. બાળકોને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એવી મને ખાતરી હતી. તેમને વકીલ નીમવાનો વિચાર કર્યો.

બાળકો તો તુરત સમજ્યા. ’અમારે એ દાગીનાઓનું કામ નથી. આપણે તે બધું પાછું જ આપવું. ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતા ?’ આમ તેઓ બોલ્યા.

હું રાજી થયો. ’ત્યારે બાને તમે સમજાવશો ને ?’ મેં પૂછ્યું.

’જરૂર, જરૂર. એ અમારું કામ. એને ક્યાં એ દાગીના પહેરવા છે ? એ તો અમારે સારુ રાખવા ઈચ્છે. અમારે એ ન જોઈએ, પછી એ શાની હઠ કરે ?’

પણ કામ ધાર્યા કરતાં વસમું નીવડ્યું.

’તમારે ભલે ખપ ન હોય, તમારા છોકરાઓને ભલે ન હોય. બાળકોને જેમ ચડાવો તેમ ચડે. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું ? એમને તો ખપ આવશે ? અને કોણ જાણે કે કાલે શું થશે ?

મેં હળવેથી કહ્યું : ’છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવા છે ? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે ? છતાં કંઈ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો ?’

’જાણ્યા તમને. મારાં ઘરેણાં પણ લઈ લીધાં એ જ તમે ના ? મને સુખે નથી પહેરવા દીધું એ તમે મારી વહુઓને સારુ શું લેવાના હતા ? છોકરાઓને આજથી વેરાગી બનાવી રહ્યા છો ! એ દાગીના નહીં પાછા અપાય. અને મારા હાર ઉપર તમારો શો હક ?’

’પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે ?’ મેં પૂછ્યું.

’ભલે ને. તમારી સેવા એટલે મારી પણ થઈ. મારી પાસે રાતદહાડો મજૂરી કરાવી એ સેવામાં નહીં ગણાતું હોય ? રડાવીને પણ જેને ને તેને ઘરમાં રાખ્યા ને ચાકરીઓ કરાવી તેનું શું ?’

આ બધાં બાણ અણિયાળાં હતાં. એમાંનાં કેટલાંક વાગતાં હતાં. પણ ઘરેણાં તો મારે પાછાં આપવાં જ હતાં. ઘણી વાતોમાં હું જેવી તેવી સંમતિ લઈ શક્યો. ૧૮૯૬માં મળેલી ને ૧૯૦૧માં મળેલી ભેટો પાછી આપી. તેનું ટ્રસ્ટ બન્યું ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ, મારી ઈચ્છા મુજબ અથવા ટ્રસ્ટીઓની ઈચ્છા મુજબ, થાય એ શરતે તે બેંકમાં મુકાઈ. એ ઘરેણાં વેચવા નિમિત્તે ઘણી વેળા હું પૈસા એકઠા કરી શક્યો છું. આજે પણ આપત્તિફાળા તરીકે તે મોજૂદ છે ને તેમાં વૃદ્ધિ થતી ગઈ છે.

આ પગલાને વિષે મને કદી પશ્ચાત્તાપ થયો નથી. દિવસો જતાં કસ્તૂરબાઈને પણ તેની યોગ્યતા જણાઈ ગઈ. અમે ઘણી લાલચોમાંથી ઊગર્યા છીએ.

જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું.


‘Return To India’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.