Daily Archives: 23/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૬. સેવાવૃત્તિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મારો ધંધો ઠીક ચાલતો હ્તો, પણ તેથી સંતોષ નહોતો રહેતો. જીવન વધારે સાદું થવું જોઈએ, શારીરિક સેવાકાર્ય હોવું જોઈએ, એવી ગડમથલ મનમાં ચાલ્યા જ કરતી.

એવામાં એક દિવસ એક અપંગ, રક્તપિત્તથી પીડાતો માણસ ઘેર આવી પહોંચ્યો. તેને ખાવાનુ આપીને કાઢી મૂકતાં જીવ ન ચાલ્યો. તેને એક કોટડીમાં રાખ્યો. તેના ઘા સાફ કર્યા ને તેની સેવા કરી.

એવું કંઈક શુશ્રૂષાનું કામ હમેશાં કરું તો કેવું સારું ! દા. બૂથ સેન્ટ એડમ્સ મિશનના ઉપરી હતા. તેઓ હંમેશા જે આવે તેને મફત દવા આપતા. બહુ ભલા અને માયાળુ હતા. પારસી રુસ્તમજીની સખાવતને લીધે દા. બૂથના હાથ નીચે એક બહુ નાની ઈસ્પિતાલ ખૂલી. આ ઈસ્પિતાલમાં નર્સ તરીકે કામ કરવાની મને પ્રબળ ઈચ્છા થઈ. ને હું આ નાનકડી ઈસ્પિતાલમાં કામ કરતો થયો.

રોજ સવારના ત્યાં જવાનું રહેતું. આવતાં જતાં તેમજ ઈસ્પિતાલમાં કામ કરતાં હમેશાં લગભગ બે કલાક જતા. આ કામથી મને કંઈક શાંતિ થઈ.

આ અનુભવ મને ભવિષ્યમાં બહુ ઉપયોગી નીવડ્યો. બોઅર લડાઇ વેળા ઘાયલોની શુશ્રૂષાના કામમાં ને બીજા દરદીઓની માવજત કરવામાં મને ખૂબ ખપ લાગ્યો.

બાળકોના ઉછેરનો પ્રશ્ન તો મારી સામે હતો જ. દક્ષિણ આફ્રિકામાં મને બીજા બે પુત્રો થયા. તેમને ઉછેરીને કેમ મોટા કરવા એ પ્રશ્નનો ઉકેલ કરવામાં મને આ કામે સારી મદદ આપી. મારો સ્વતંત્ર સ્વભાવ મને બહુ તાવતો અને હજુ તાવે છે.

છેલ્લા બાળકના જન્મ વખતે મારી કસોટી પૂરેપૂરી થઈ. પ્રસૂતિની વેદના એકાએક શરૂ થઈ. દાકતર ઘેર નહીં. દાઈને તેડાવવાની હતી. તે પાસે હોત તોપણ તેનાથી પ્રસવ કરાવવાનું કામ ન થઈ શકત. પ્રસવ વખતમાં બધું કાર્ય મારે હાથે જ કરવું પડ્યું. સદ્ભાગ્યે મેં આ વિષય ‘માને શિખામણ’માંથી સુક્ષ્મ રીતે વાંચી લીધો હતો. તેથી મને ગભરાટ ન થયો.

મેં જોયું કે, પોતાનાં બાળકોને યોગ્ય રીતે ઉછેરવાં હોય તો મા અને બાપ બંનેએ બાળકોના ઉછેરનું સામાન્ય જ્ઞાન મેળવી લેવું જોઈએ.

આ વિચારો જે સમજુ દંપતી કરશે, તે તો કદી દંપતીસંગને વિષયવાસના સંતોષવાનું સાધન નહીં બનાવે; પણ જ્યારે તેમને સંતતિની ઈચ્છા થશે ત્યારે જ સંગ કરશે.


‘Spirit Of Service’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.