Daily Archives: 19/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૬૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૫. બાળકેળવણી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

સન ૧૮૨૭ના જાનેવારીમાં હું ડરબન ઊતર્યો ત્યારે મારી સાથે ત્રણ બાળક હતાં. મારો ભાણેજ દશેક વર્ષની ઉંમરનો, મારો મોટો દીકરો નવ વર્ષનો, અને બીજો દીકરો પાંચ વર્ષનો. આ બધાને ક્યાં ભણાવવા ?

ગોરાઓને સારુ જે નિશાળો હતી તેમાં હું મારા છોકરાઓને મોકલી શકતો હતો, પણ તે કેવળ મહેરબાની અને અપવાદ દાખલ. બીજાં બધાં હિંદી બાળકો ત્યાં ભણી શકે તેમ નહોતું. હિંદી બાળકોને ભણાવવા સારુ ખ્રિસ્તી મિશનની નિશાળો હતી. તેમાં હું મારાં બાળકોને મોકલવા તૈયાર નહોતો. ત્યાં અપાતી કેળવણી મને ગમતી નહોતી. ગુજરાતી દ્વારા તો ત્યાં શિક્ષણ મળે જ ક્યાંથી ? અંગ્રેજી દ્વારા જ મળે, અથવા બહુ પ્રયાસ કરીએ તો અશુદ્ધ તામિલ કે હિંદી દ્વારા. આ અને બીજી ખામીઓ હું જીરવી શકું તેમ નહોતું.

હું પોતે બાળકોને ભણાવવા થોડૉ પ્રયત્ન કરતો, પણ તે અત્યંત અનિયમિત હતો. ગુજરાતી શિક્ષક મને અનુકૂળ આવે તેવો હું ન શોધી શક્યો.

હું મૂંઝાયો.

મારો વ્યવહાર બાળકો સાથે કેવળ ગુજરાતીમાં જ રહેતો. જે કેળવણી બાળકો સુવ્યવસ્થિત ઘરમાં સહેજે પામે છે તે છાત્રાલયોમાં ન પામી શકે. તેથી મોટે ભાગે તેઓ મારી સાથે જ રહ્યાં.

મારા આ પ્રયોગો અપૂર્ણ હતા. બાળકોને હું પોતે આપવા માગતો હતો એટલો સમય નહોતો આપી શક્યો. તેથી અને બીજા અનિવાર્ય સંજોગોને લઇને હું ઈચ્છું તેવું અક્ષરજ્ઞાન હું તેમને ન આપી શક્યો.

જે અનુભવજ્ઞાન તેઓ પામ્યા છે, માતાપિતાનો જે સહવાસ તેઓ મેળવી શક્યા છે, સ્વતંત્રતાનો જે પદાર્થપાઠ તેમને શીખવા મળ્યો છે, તે જો મેં, તેઓને ગમે તે રીતે નિશાળે મોકલવાનો આગ્રહ રાખ્યો હોત તો તેઓ ન પામત.

મારા મોટા દીકરાને વિશે હું જે દુખદ પરિણામ જોઉં છું તે મારા અધકચરા પૂર્વકાળનો પ્રતિધ્વનિ છે એમ મને હમેશાં ભાસ્યું છે. તે કાળે તેની ઉંમર જેને મેં દરેક રીતે મારો મૂર્છાકાળ, વૈભવકાળ માન્યો છે તેનું તેને સ્મરણ રહે, તેવડી હતી. તે કેમ માને કે :

તે મારો મૂર્છાકાળ હતો ?

તે કાં ન માને કે, તે મારો જ્ઞાનકાળ હતો અને તે પછી થયેલાં પરિવર્તનો અયોગ્ય અને મોહજન્ય હતાં ?

તે કાં એમ ન માને કે, તે કાળે હું જગતના ધોરી માર્ગે જતો હતો અને તેથી સુરક્ષિત હતો, અને ત્યાર પછી કરેલા ફેરફારો મારા સૂક્ષ્મ અભિમાનની અને અજ્ઞાનની નિશાની હતા ?

જો મારા દીકરા બારિસ્ટર ઈત્યાદિ પદવી પામ્યા હોત તો શું ખોટું થાત ?

મને તેમની પાંખ કાપવાનો શો અધિકાર હતો ?

મેં કાં તેમને પદવીઓ લેવા દઈ મનગમતો જીવનમાર્ગ પસંદ કરવાની સ્થિતિમાં ન મૂક્યા ?

આવી દલીલ મારા કેટલાક મિત્રોએ પણ મારી પાસે કરી છે.

મને આ દલીલમાં વજૂદ નથી લાગ્યું.

છતાં, મારા અખતરાનું છેવટનું પરિણામ તો ભવિષ્યમાં જ જણાય. આ વિષયને અહીં ચર્ચવાનું તાત્પર્ય તો એ છે કે, મનુષ્ય જાતિની ઉત્ક્રાંતિનો અભ્યાસી, ગૃહકેળવણી અને નિશાળની કેળવણીના ભેદનું, અને પોતાની જિંદગીમાં માબાપોએ કરેલાં પરીવર્તનોની પોતાનાં બાળકો ઉપર થતી અસરનું, યત્કિંચિત્ માપ કાઢી શકે.

બાળકોને મારી સાથે રાખ્યા છતાં જો મેં સ્વમાન જતું કર્યું હોત, બીજાં હિંદી બાળકો ન પામી શકે તે મારાંને વિશે મારે ન ઈચ્છવું જોઈએ એ વિચારને મેં ન પોષ્યો હોત, તો હું મારા બાળકોને અક્ષરજ્ઞાન આપી શકત ખરો. પણ ત્યારે તેઓ જે સ્વતંત્રતા અને સ્વમાનનો પદાર્થપાઠ શીખ્યા તે ન શીખી શકત. અને સ્વતંત્રતા અને અક્ષરજ્ઞાન વચ્ચે જ પસંદગી રહી છે, ત્યાં કોણ કહેશે કે સ્વતંત્રતા અક્ષરજ્ઞાન કરતાં હજારગણી વધારે સારી નથી ?

જે નવજુવાનોને મેં ૧૯૨૦ની સાલમાં સ્વતંત્રતાઘાતક નિશાળો ને કૉલેજો છોડવાનું નિમંત્રણ કર્યું, અને જેઓને મેં કહ્યું કે, સ્વતંત્રતાને ખાતર નિરક્ષર રહી જાહેર રસ્તા પર પથ્થર ફોડવા તે ગુલામીમાં રહીને અક્ષરજ્ઞાન મેળવવા કરતાં સારું છે, તેઓ હવે મારા કથનનું મૂળ કદાચ સમજી શકશે.


‘Education Of Children’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.