Daily Archives: 18/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૪. શાંતિ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

હુમલા પછી બેએક દહાડે જ્યારે હું મિ. એસ્કંબને મળ્યો ત્યારે હજુ પોલીસ થાણામાં જ હતો. મારી સાથે રક્ષણને અર્થે એક બે સિપાઈ રહેતા. પણ વાસ્તવિક રીતે જ્યારે મને મિ. એસ્કંબની પાસે લઈ જવામાં આવ્યો ત્યારે રક્ષણની જરૂર રહી નહોતી.

જે દહાડે હું ઊતર્યો તે જ દહાડે, એટલે પીળો વાવટો ઊતર્યો કે તુરત, ‘નાતાલ ઍડવરટાઇઝર’નો પ્રતિનિધિ મને મળી ગયો હતો. તેણે મને ખૂબ પ્રશ્નો પૂછ્યા, ને તેના ઉત્તરના હું એકેએક આરોપનો જવાબ સંપૂર્ણતાએ આપી શક્યો હતો.

આ ખુલાસાની તેમ જ હુમલો કરનારાઓ ઉપર ફરિયાદ માંડવાના મેં કરેલા ઈન્કારની અસર એટલી બધી પડી કે ગોરાઓ શરમાયા.

ત્રણ કે ચાર દિવસમાં હું મારે ઘેર ગયો ને થોડા દિવસમાં થાળે પડી ગયો.

પણ, આમ જો હિંદીઓની પ્રતિષ્ઠા વધી તો તેમના પ્રત્યે દ્વેષ પણ વધ્યો. તેમનામાં દૃઢતાપૂર્વક લડવાની શક્તિ છે એવી ગોરાઓની ખાતરી થઈ તેની સાથે જ તેમનો ભય વધ્યો. નાતાલની ધારાસભામાં બે કાયદા દાખલ થયા, જેથી હિંદીઓની હાડમારી વધી. એકથી હિંદી વેપારીઓના ધંધાને નુક્સાન પહોંચ્યું, બીજાથી હિંદીઓની આવજા ઉપર સખત અંકુશ મુકાયો.

આ કાયદાઓએ મારું કામ બહુ વધારી દીધું ને હિંદીઓમાં જાગૃતિ વધારી. તકરાર છેવટે વિલાયત ગઈ. પણ કાયદા નામંજૂર ન થયા.

મારો ઘણોખરો સમય જાહેર કામમાં જ જવા લાગ્યો.

મારી ગેરહાજરીમાં શેઠ આદમજી મિયાંખાને પોતાના મંત્રીપદને ખૂબ શોભાવ્યું હતું, સભ્યો વધાર્યા હતા, ને લગભગ એક હજાર પાઉંડ સ્થાનિક કૉંગ્રેસના ખજાનામાં વધાર્યા હતા. મારો લોભ એ હતો કે જો કૉંગ્રેસને સ્થાયી ફંડ હોય, તેની જમીન લેવાય ને તેનું ભાડું આવે, તો કૉંગ્રેસ નિર્ભય બને. જાહેર સંસ્થાનો આ મારો પહેલો અનુભવ હતો. મેં મારો વિચાર સાથીઓ આગળ મૂક્યો. તેઓએ તે વધાવી લીધો. મકાનો લેવાયાં ને તે ભાડે અપાયાં. તેનાં ભાડાંમાંથી કૉંગ્રેસનું માસિક ખર્ચ તો સહેજે ચાલવા લાગ્યું. મિલકતનું મજબૂત ટ્રસ્ટ થયું. આમ આ મિલકત આજે મોજૂદ છે, પણ તે માંહોમાંહે કજિયાનું મૂળ થઈ પડેલ છે, ને મિલકતનું ભાડું આજે અદાલતમાં જમે થાય છે.

આ દુઃખદ બનાવ તો મારા દક્ષિણ આફ્રિકા છોડ્યા બાદ બન્યો. પણ જાહેર સંસ્થાઓને સારુ સ્થાયી ફંડ રાખવા વિષે મારા વિચારો દક્ષિણ આફ્રિકામાં જ બદલાયા. ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારુ તેમ જ તેમના તંત્રને સારુ જવાબદાર રહ્યા પછી, મારો દૃઢ નિર્ણય એ થયો છે કે, કોઇ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ફંડ ઉપર નભવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં તેની નૈતિક અધોગતિનું બીજ રહેલું હોય છે.

જાહેરસંસ્થા એટલે લોકોની મંજૂરીને લોકોનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે લોકોની મદદ ન મળે ત્યારે તેને હસ્તી ભોગવવાનો અધિકાર જ નથી.

આ લખાણની ગેરસમજ ન થાઓ. ઉપરની ટીકાઓ એવી સંસ્થાને લાગુ નથી પડતી કે જેને મકાન ઇત્યાદિની આવશ્યકતા હોય. જાહેર સંસ્થાઓને ચાલુ ખરચોનો આધાર લોકો પાસેથી મળતા ફાળા ઉપર રહેવો જોઇએ.

આ વિચારો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયમાં દૃઢ બન્યા. એ છ વર્ષની મહાન લડત સ્થાયી ફાળા વિના ચાલી, જોકે તેને અંગે લાખો રૂપિયાની આવશ્યકતા હતી. એવા સમય મને યાદ છે કે જ્યારે આવતા દહાડાનું ખર્ચ ક્યાંથી મળશે તેની મને ખબર નહોતી. ઉપરના અભિપ્રાયનું સમર્થન આ કથામાં વાંચનારને તે તે સ્થળે યોગ્ય પ્રસંગે મળી રહેશે.


‘The Calm After The Storm’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.