સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ ત્રીજો:૨. તોફાન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

અઢારમી ડિસેમ્બરની આસપાસ બંને સ્ટીમરો નાંગરી. દક્ષિણ આફ્રિકાનાં બંદરોમાં ઉતારુઓના આરોગ્યની પૂરી તપાસ થાય છે, જો રસ્તામાં કોઈને ચેપી રોગ લાગુ પડ્યો હોય તો સ્ટીમરને સૂતકમાં-ક્વૉરૅન્ટીનમાં-રાખે છે. અમે મુંબઈ છોડ્યું ત્યારે ત્યાં મરકી તો ચાલતી જ હતી. તેથી અમને કંઈક સૂતક નડવાનો ભય હતો જ. બંદરમાં નાંગર્યા પછી સ્ટીમરને પ્રથમતો પીળો વાવટો જ ચડાવવો પડે છે. દાક્તરી તપાસ પછી જ્યારે દાક્તર મુક્તિ આપે ત્યારે પીળો વાવટો ઉતરે છે ને પછી ઉતારુઓનાં સગાંસાંઈ વગેરેને સ્ટીમર ઉપર આવવાની રજા મળે છે.

દાક્તર આવ્યા. તપાસ કરી પાંચ દિવસનું સૂતક નાંખ્યું.

પણ આ સૂતકના હુકમનો હેતુ કેવળ આરોગ્ય નહોતો. અમને પાછા હાંકી કાઢવાની હિલચાલ ડરબનમાંના ગોરા શહેરીઓ કરી રહ્યા હતા, તે પણ આ હુકમમાં કારણભૂત હતી.

દાદા અબદુલ્લા તરફથી અમને શહેરમાં ચાલી રહેલી આ હિલચાલની ખબરો મળ્યા કરતી હતી. ગોરાઓ ઉપરાઉપર જંગી સભાઓ કરતા હતા. દાદા અબદુલ્લા ઉપર ધમકીઓ મોકલતા હતા. તેમને લાલચ પણ દેતા હતા. જો દાદા અબદુલ્લા બંને સ્ટીમરોને પાછી લઈ જાય તો તેમને નુકસાની ભરી આપવા તૈયાર હતા. દાદા અબદુલ્લા કોઈની ધમકીથી ડરે એવા નહોતા. આ વેળા ત્યાં શેઠ અબદુલ કરીમ હાજી આદમ પેઢીએ હતા. તેમણે ગમે તે નુકસાન વેઠીને પણ સ્ટીમરને બંદર પર લાવવાની ને ઉતારુઓને ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી.

આમ ડરબનમાં દ્વંદ્વયુદ્ધ જામ્યું. એક તરફથી મૂઠીભર ગરીબડા હિંદીઓ અને તેમના ગણ્યાગાંઠ્યા અંગ્રેજ મિત્રો; બીજી તરફથી ધનબળ, બાહુબળ, અક્ષરબળ ને સંખ્યાબળમાં પૂરા અંગ્રેજો. આ બળવાન પ્રતિપક્ષીને સત્તાબળ પણ મળ્યું, કેમ કે નાતાલની સરકારે ઉઘાડી રીતે તેને મદદ કરી.

એટલે અમારું સૂતક કેવળ આરોગ્યના નિયમોને જ આભારી નહોતું. કેમે કરીને એજન્ટને અથવા ઉતારુઓને દબાવીને અમને પાછા કાઢવા હતા.

મેં પશ્ચિમના સુધારા ઉપર ભાષણ કર્યું. હું જાણતો હતો કે આ અવસર ગંભીર ભાષણનો ન હોય પણ મારાથી બીજું ભાષણ થઈ શકે એમ નહોતું. વિનોદમાં હું ભાગ લેતો હતો, પણ મારું દિલ તો ડરબનમાં ચાલી રહેલી લડતમાં જ હતું.

કેમ કે, આ હુમલામાં મધ્યબિંદુ હું હતો. મારા ઉપર બે તહોમત હતાં:

1. મેં હિંદુસ્તાનમાં નાતાલવાસી ગોરાઓની અઘટિત નિંદા કરી હતી;

2. હું નાતાલને હિંદીઓથી ભરી દેવા માગતો હતો. અને તેથી ‘કુરલૅડ’ અને ‘નાદરી’માં ખાસ નાતાલમાં વસાવવા ખાતર હિંદીઓને ભરી લાવ્યો હતો.

વળી હું પોતે તદ્દન નિર્દોષ હતો. મેં કોઈને નાતાલ જવા લલચાવ્યા નહોતા. ‘નાદરી’ના ઉતારુઓને હું ઓળખતો પણ નહોતો. ‘કુરલૅડ’માં મારા બે ત્રણ સગાઓ ઉપરાંત સેંકડો ઉતારુઓનાં હું નામઠામ સરખાં જાણતો નહોતો. મેં હિંદુસ્તાનમાં નાતાલના અંગ્રેજો વિષે એવો એક અક્ષરે નહોતો કહ્યો કે જે હું નાતાલમાં ન કહી ચૂક્યો હોઉં, ને જે હું બોલ્યો હતો તેને સારુ મારી પાસે પુષ્કળ પુરાવા હતા.

આ ભાષણ પછી મારે કપ્તાન તેમ જ બીજા અમલદારો જોડે સુધારા વિષે ઘણી વાતો થઈ. પશ્ચિમના સુધારાને મેં પ્રધાનપણે હિંસક તરીકે ઓળખાવ્યો; પૂર્વનાને અહિંસક તરીકે. પ્રશ્નકારોએ મારા સિદ્ધાંત મને જ લાગ્યુ પાડ્યા. ઘણું કરીને કપ્તાને જ પૂછ્યું:

‘ગોરાઓ જેવી ધમકી આપે છે તે જ પ્રમાણે જો તેઓ તમને ઈજા કરે તો તમારા અહિંસાના સિદ્ધાંતોનો તમે કેવી રીતે અમલ કરો?’

મેં જવાબ આપ્યો: ‘મારી ઉમેદ છે કે તેઓને માફ કરવાની અને તેમના ઉપર કામ ન ચલાવવાની હિંમત ને બુદ્ધિ ઈશ્વર મને આપશે.

આમ અમારા દહાડા ગયા ને લંબાયા. સૂતક બંધ કરવાની મુદત છેવટ લગી મુકરર ન રહી.

છેવટે, ઉતારુઓ ઉપર અને મારા ઉપર અલ્ટીમેટમ આવ્યાં. બંનેને જીવના જોખમની ધમકી આપવામાં આવી હતી. બંનેએ નાતાલના બંદરમાં ઊતરવાના પોતાના હક વિષે લખ્યું, ને ગમે તે જોખમે હકને વળગી રહેવાનો પોતાનો નિશ્ચય જાહેર કર્યો.

છેવટે, ત્રેવીસ દહાડે, એટલે કે ૧૮૯૭ના જાનેવારીની ૧૩મી તારીખે સ્ટીમરને મુક્તિ મળી ને ઉતારુઓને ઊતરવાનો હુકમ બહાર પડ્યો.


‘The Storm’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: