Daily Archives: 15/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૬)

મિત્રો,

સત્યના પ્રયોગોની વાંચનયાત્રાનો બીજો ભાગ પૂર્ણ થયો. ખાસ કશા તોફાન વગર થોડી અડચણ સાથે આ યાત્રા ઘણી પ્રેરક રહી. એક વ્યક્તિને સામાન્ય માનવીમાંથી મહામાનવ બનવા માટે ડગલે અને પગલે જાત સાથે અને જગત સાથે કેટ કેટલા સંઘર્ષ કરવા પડે છે તેનો કઈક ચિતાર તો  આ બે ભાગમાંથી વાચકોને મળ્યો જ હશે. જીવના જીવ અને જગત સાથેના ધમપછાડા જગદીશ્વર વગર કેટલા અલ્પ છે તે તો પ્રત્યેક વ્યક્તિને કટોકટીના સમયે સમજાઈ જ જતું હોય છે. ચાલો ત્યારે આજથી ત્રીજા ભાગની યાત્રામાં પ્રવેશીએ. આમેય આ યાત્રાની શરુઆત જ તોફાનના ભણકારાથી થાય છે. જોઈએ હવે શું થાય છે તે.


આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

કુટુંબ સહિતની દરિયાની આ મારી પહેલી મુસાફરી હતી. મેં ઘણી વેળા લખ્યું છે કે હિંદુ સંસારમાં વિવાહ બાળવયે થતા હોવાથી, અને મધ્યમ વર્ગના લોકોમાં મોટે ભાગે પતિ સાક્ષર અને પત્ની નિરક્ષર એવી સ્થિતિ હોય છે તેથી, પતિપત્નીના જીવન વચ્ચે અંતર રહે છે અને પતિએ પત્નીના શિક્ષક બનવું પડે છે. મારે મારી ધર્મપત્નીના ને બાળકોના પોશાકની, ખાવાપહેરવાની તેમ જ બોલચાલની સંભાળ રાખવી રહી હતી. મારે તેમને રીતભાત શીખવવી રહી હતી. કેટલાંક સ્મરણો મને અત્યારેય હસાવે છે. હિંદુ પત્ની પતિપરાયણતામાં પોતાના ધર્મની પરાકાષ્ઠા માને છે; હિંદુ પતિ પોતાને પત્નીનો ઈશ્વર માને છે. એટલે પત્નીએ જેમ તે નચાવે તેમ નાચવું રહ્યું.

જે સમય વિષે હું લખી રહ્યો છું તે સમયે હું માનતો કે સુધરેલા ગણાવાને સારુ અમારો બાહ્યાચાર બને ત્યાં લગી યુરોપિયનને મળતો હોવો જોઈએ. આમ કરવાથી જ પો પડે ને પો પડ્યા વિના દેશસેવા ન થાય.

તેથી પત્નીનો અને બાળકોનો પોશાક મેં જ પસંદ કર્યો. બાળકો વગેરેને કાઠીયાવાડનાં વાણિયાં તરીકે ઓળખાવવાં તે કેમ સારું લાગે ? પારસી વધારેમાં વધારે સુધરેલા ગણાય. એટલે, જ્યાં યુરોપિયન પોશાકનું અનુકરણ અઠીક જ લાગ્યું ત્યાં પારસીનું કર્યું. જ્યારે મારો મોહ ઊતર્યો ત્યારે વળી પાછો તેમણે બૂટમોજાં, છરીકાંટા ઈત્યાદીનો ત્યાગ કર્યો. ફેરફારો જેમ દુઃખકર્તા હતા તેમ ટેવ પડ્યા પછી તેનો ત્યાગ પણ દુઃખકર હતો. પણ અત્યારે હું જોઉં છું કે અમે બધાં સુધારાની કાંચળી ઉતારીને હળવાં થયાં છીએ.

ઈશ્વર રાખે તેમ રહેવું

સ્ટીમર બીજાં બંદર કર્યા વગર નાતાલ પહોંચવાની હતી, એટલે માત્ર અઢાર દિવસની મુસાફરી હતી. કેમ જાણે અમને પહોંચતાંવેંત ભાવિ તોફાનની ચેતવણી આપવી ન હોય, તેમ અમારે પહોંચવાને ત્રણ કે ચાર દિવસ બાકી હતા એવામાં દરિયામાં ભારે તોફાન ઊપડ્યું.

આ દૃશ્ય ભવ્ય હતું. દુઃખમાં સૌ એક થઈ ગયા. ભેદ ભૂલી ગયા. ઈશ્વરને હૃદયથી સંભારવા લાગ્યા. હિંદુ મુસલમાન બધા સાથે મળી ઈશ્વરને યાદ કરવા લાગ્યા. કોઈએ માનતાઓ માની, કપ્તાન પણ ઉતારુઓની સાથે ભળ્યા ને સૌને આશ્વાસન આપી કહ્યું કે, જોકે તોફાન તીખું ગણાય તેવું હતું, તોપણ તેના કરતાં ઘણાં વધારે તીખાં તોફાનોનો પોતાને અનુભવ થયો હતો. સ્ટીમર મજબૂત હોય તો એકાએક ડૂબતી નથી. ઉતારુઓને તેમણે આવું ઘણું સમજાવ્યું, પણ એથી ઉતારુઓને કરાર ન વળે. સ્ટીમરમાં અવાજો તો એવા થાય કે જાણે હમણાં ક્યાંકથી તૂટશે, હમણાં ગાબડું પડશે. ગોથાં એવાં ખાય કે હમણાં ઊથલી પડશે એમ લાગે. ડેક ઉપર તો કોઈ રહી જ શેનું શકે ? ’ઈશ્વર રાખે તેમ રહેવું’ એ સિવાય બીજો ઉદ્‌ગાર નહોતો સંભળાતો.

મને સ્મરણ છે તે પ્રમાણે, આવી ચિંતામાં ચોવીસ કલાક વીત્યા હશે. છેવટે વાદળ વીખરાયું. સૂર્યનારાયણે દર્શન દીધાં. કપ્તાને કહ્યું : ’તોફાન ગયું છે.’

લોકોના ચહેરા ઉપરથી ચિંતા દૂર થઈ ને તેની જ સાથે ઈશ્વર પણ અલોપ થઈ ગયો ! મોતનો ડર ભુલાયો તેની જ સાથે ગાનતાન, ખાનપાન શરૂ થયાં. માયાનું આવરણ પાછું ચડ્યું. નમાજ રહી, ભજનો રહ્યાં, પણ તોફાન ટાણે તેમાં જે ગાંભીર્ય દેખાયું હતું તે ગયું !

અમે ૧૮મી કે ૧૯મી ડિસેમ્બરે ડરબનના બારામાં લંગર કર્યું. ’નાદરી’ પણ તે જ દહાડે પહોંચી.

ખરા તોફાનનો અનુભવ તો હજુ હવે થવાનો હતો


‘Rumblings Of The Storm’


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.