Daily Archives: 12/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૭. મુંબઈમાં સભા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

બનેવીના દેહાંતને બીજે જ દિવસે મારે મુંબઈની સભાને સારુ જવાનું હતું.

સભાની તારીખને આગલે દહાડે સાંજે પાંચ વાગ્યે હુકમ પ્રમાણે હું સર ફિરોજશાની ઑફિસે હાજર થયો.

‘ગાંધી, તમારું ભાષણ તૈયાર છે કે?’ તેમણે પૂછ્યું.

‘ના જી, મેં તો ભાષણ મોઢેથી જ કરવાનો વિચાર રાખ્યો છે,’ મેં બીતાં બીતાં ઉત્તર આપ્યો.

‘એ મુંબઈમાં નહીં ચાલે. અહીં રિપોર્ટિંગ ખરાબ છે, ને આ સભાથી આપણને કશો લાભ ઉઠાવવા માગતા હોઈએ તો તમારું ભાષણ લખેલું જ હોવું જોઈએ અને રાતોરાત છપાવું જોઈએ. ભાષણ રાતોરાત લખી શકશો ના?’

હું ગભરાયો. પણ મેં લખવાના પ્રયત્નની હા પાડી.

‘ત્યારે મુનશી તમારી પાસે ભાષણ લેવા ક્યારે આવે?’ મુંબઈના સિંહ બોલ્યા.

‘અગિયાર વાગ્યે,’ મેં ઉત્તર આપ્યો.

સર ફિરોજશાએ મુનશીને તે કલાકે ભાષણ મેળવી રાતોરાત છપાવવા હુકમ કરી મને વિદાય કર્યો.

બીજે દહાડે સભામાં ગયો. ભાષણ લખવાનું કહેવાનું કેટલું ડહાપણ હતું એ હું જોઇ શક્યો. ફરામજી કાવસજી ઈન્સ્ટિટ્યુટના હૉલમાં સભા હતી. મેં સાંભળેલું કે સર ફિરોજશા બોલવાના હોય તે સભામાં ઊભવાની જગા ન હોય. આમાં મુખ્યત્વે વિદ્યાર્થીવર્ગ રસ લેનારો હોય.

આવી સભાનો મારો પહેલો અનુભવ હતો. મારો સાદ કોઈ નહીં સાંભળી શકે એવી મારી ખાતરી થઈ. મેં ધ્રૂજતાં ધ્રૂજતાં ભાષણ વાંચવાનું શરૂ કર્યું. સર ફિરોજશા મને ઉત્તેજન આપતા જાય. મને તો લાગે છે કે મારો સાદ તેમ તેમ નીચો પડતો જતો હતો.

પુરાણા મિત્ર કેશવરાવ દેશપાંડે મારી વહારે ધાયા. તેમનાં હાથમાં મેં ભાષણ મૂક્યું. તેમનો સાદ તો બરાબર જ હતો. પણ પ્રેક્ષકગણ શેનો સાંભળે? ‘વાચ્છાવાચ્છા’થી હૉલ ગાજી રહ્યો. વાચ્છા ઊઠ્યા. તેમણે દેશપાંડે પાસેથી કાગળ લીધો ને મારું કામ થયું. સભા તુરત શાંત થઈ, ને અથથી ઈતિ સુધી સભાએ ભાષણ સાંભળ્યું. શિરસ્તા મુજબ જોઈએ ત્યાં ‘શેમ શેમ’ ને જોઇએ ત્યાં તાળીઓ હોય જ. હું રાજી થયો.

સર ફિરોજશાને ભાષણ ગમ્યું. મને ગંગા નાહ્યા જેટલો સંતોષ થયો.

મુંબઈમાં પેસ્તનજીને ખોળી કાઢ્યા હતા. એ પ્રોથોનોટરી હતા. હું મળ્યો ત્યારે બૃહદ ગુજરાતી શબ્દકોષના કામમાં રોકાયેલા હતા. દક્ષિણ આફ્રિકામાંના કામમાં મદદ માગવાની બાબતમાં એકે મિત્રને મેં છોડ્યા નહોતા. પેસ્તનજી પાદશાહે તો મને પણ દક્ષિણ આફ્રિકા ન જવાની સલાહ આપી! ‘મારાથી તમને મદદ તો શી થાય, પણ તમારું દક્ષિણ આફ્રિકા પાછા જવું જ મને તો પસંદ નથી. અહીં આપણા દેશમાં જ ક્યાં ઓછું કામ છે? જુઓની આપણી ભાષાની જ સેવા ક્યાં ઓછી કરવાની છે? મારે વિજ્ઞાનને લગતા શબ્દોના અર્થ કાઢવાના છે. આ તો એક જ ક્ષેત્ર. દેશની ગરીબાઈનો વિચાર કરો. દક્ષિણ આફ્રિકામાં આપણા લોકોને મુસીબત છે, પણ તેમાં તમારા જેવા ખરચાઇ જાય એ હું સહન ન કરું. આપણે જો અહીંયાં આપણા હાથમાં રાજ્યસત્તા મેળવીએ તો ત્યાં એની મેળે મદદ થઈ રહે. તમને તો હું નહીં સમજાવી શકું, પણ તમારા જેવા બીજા સેવકોને તમારો સાથ કરાવવામાં હું મદદ તો નહીં જ કરું.’

આ વચન મને ન ગમ્યાં, પણ પેસ્તનજી પાદશાહને વિષે મારું માન વધ્યું. તેમનો દેશપ્રેમ-ભાષાપ્રેમ જોઈ હું મોહિત થયો. અમારી વચ્ચેની પ્રેમગાંઠ આ પ્રસંગથી વધારે સજ્જડ થઈ. તેમનું દૃષ્ટિબિંદુ હું પૂરેપૂરું સમજી શક્યો. પણ દક્ષિણ આફ્રિકાનું કામ છોડવાને બદલે તેમની દૃષ્ટિએ મારે તો એને વધારે વળગી રહેવું જોઇએ એમ મને લાગ્યું. દેશપ્રેમી એક પણ અંગને બને ત્યાં લગી જતું ન કરે, ને મારે સારુ તો ગીતાનો શ્લોક તૈયાર જ હતો:

श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ।। @

@ ચડિયાતા પરધર્મ કરતાં ઊતરતો સ્વધર્મ સારો છે. સ્વધર્મમાં મોત પણ સારું, પરધર્મ એ ભયકર્તા છે.


The Bombay Meeting


Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.