Daily Archives: 11/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૬. રાજનિષ્ઠા અને શુશ્રૂષા

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

શુધ્ધ રાજનિષ્ઠા મેં જેટલી મારે વિષે અનુભવી છે તેટલી ભાગ્યે જ બીજામાં મેં જોઈ હોય. એ રાજનિષ્ઠાનું મૂળ સત્ય ઉપરનો મારો સ્વાભાવિક પ્રેમ હતો એમ હું જોઈ શકું છું. રાજનિષ્ઠાનો કે બીજી કોઈ વસ્તુનો ડોળ મારાથી કોઈ દિવસ કરી જ નથી શકાયો. નાતાલમાં જ્યારે હું કોઈ સભામાં જતો ત્યારે ત્યાં ’ગોડ સેવ ધ કિંગ’ તો ગવાય જ. મને લાગ્યું કે મારે પણ તે ગાવું જોઈએ.

ખંતથી અંગ્રેજોના રાષ્ટ્રગીત ’ગોડ સેવ ધ કિંગ’નો સૂર મેં શીખી લીધો. તે સભાઓમાં ગવાય તેમાં મારો સૂર ભેળવતો. અને જે જે પ્રસંગો આડંબર વિના વફ઼ાદારી બતાવવાના આવે તેમાં હું ભાગ લેતો.

એ રાજનિષ્ઠાને મારી જિંદગીભરમાં મેં કોઈ દિવસ વટાવી નથી. મારો અંગત લાભ સાધવાનો મને વિચાર સરખોયે નથી થયો. વફાદારીને કરજ સમજી મેં સદાયે તે અદા કરી છે.

જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે રાણીની ડાયમંડ જ્યુબિલીની તૈયારીઓ શરૂ થઈ હતી. રાજકોટમાં પણ એક સમિતિ નિમાઈ. તેમાં મને આમંત્રણ થયું. મેં તે સ્વીકાર્યુ. મને તેમાં દંભની ગંધ આવી. તેમાં દેખાવને સારુ બહુ થતું મેં જોયું. એ જોઈ મને દુ:ખ થયું. સમિતિમાં રહેવું કે નહીં એ પ્રશ્ન મારા આગળ ખડો થયો. અંતે મારા કર્તવ્યનું પાલન કરીને સંતોષ માનવાનો મેં ઠરાવ કર્યો.

’ગોડ સેવ ધ કિંગ’ હું કુટુંબનાં બાળકોને શીખવતો. આગળ જતાં મને આ ગીત ગાવું ખટક્યું, અહિંસાના મારા વિચારો મારામાં જેમ પ્રબળ થતા ગયા તેમ મારી વાણી અને વિચારો ઉપર હું વધારે ચોકી કરવા લાગ્યો. એ ગીતમાં બે લીટી આ પણ છે:

તેના શત્રુઓનો નાશ કરજે, તેમનાં કાવતરાને નિષ્ફળ કરજે.

આ ગાવાનું મને ખટક્યું. મારા મિત્ર ધ. બૂથને મેં મારી મુશ્કેલીની વાત કરી. તેમણે પણ કબૂલ કર્યુ કે એ ગાવું અહિંસક મનુષ્યને શોભે નહીં. શત્રુ કહેવાયા તે દગો જ કરે એમ કેમ માની લેવાય ? શત્રુ માન્યા તે ખોટા જ હોય એમ કેમ કહેવાય ? ઈશ્વરની પાસે તો ન્યાયની જ માગણી કરાય. દા. બૂથે આ દલીલ સ્વીકારી. તેમણે પોતાના સમાજમાં ગાવા સારુ નવું જ ગીત રચ્યું. દા. બૂથની વિશેષ ઓળખાણ હવે પછી કરીશું.

જેમ વફાદારીનો ગુણ મારામાં સ્વાભાવિક હતો તેમ શુશ્રુષાનો. માંદાં, પછી સગાં હોય કે પરાયાં, તેમની સેવા કરવાનો મને શોખ હતો એમ કહી શકાય.

શુશ્રૃષાના મારા આ શોખે આગળ જતાં વિશાળ સ્વરૂપ પકડ્યું. તે એટલે સુધી કે, તે કરવામાં હું મારો ધંધો છોડતો, મારી ધર્મપત્નીને રોકતો ને આખા ઘરને રોકી દેતો. આ વૃતિને મેં શોખ તરીકે ઓળખાવી છે, કેમ કે હું જોઈ શક્યો છું કે આ ગુણો જ્યારે આનંદદાયક થઈ પડે છે ત્યારે જ નભી શકે છે. તાણીતુશીને અથવા દેખાવ કે શરમને ખાતર થાય છે ત્યારે તે માણસને કચડી નાખે છે, ને તે કરતો છતો માણસ કરમાય છે. જે સેવામાં આનંદ નથી મળતો તે નથી સેવકને ફળતી, નથી સેવ્યુને ભાવતી. જે સેવામાં આનંદ મળે છે તે સેવા આગળ એશઆરામ કે ધનોપાર્જન ઈત્યાદિ પ્રવૃતિ તુચ્છ લાગે છે.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.