Daily Archives: 10/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૫૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૫. હિંદુસ્તાનમાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

Clip

કલકત્તેથી મુંબઈ જતાં પ્રયાગ વચમાં આવતું હતું. ત્યાં ટ્રેન ૪૫ મિનિટ રોકાતી હતી. તે દરમ્યાન મેં શહેરમાં જરા આંટો મારી આવવા ધાર્યું. ભલા સ્ટેશન માસ્તરે ગાડી એક મિનિટ રોકેલી, પણ મને પાછો આવતો ન જોતાં મારો સામાન ઉતારી લેવાની તેણે કાળજી લીધી.

અહીંના ’પાયોનિયર’ પત્રની ખ્યાતિ મેં સાંભળી હતી. તે વેળા નાના મિ. ચેઝની અધિપતિ હતા એવો મને ખ્યાલ છે. મિ.ચેઝનીને મેં મુલાકાત સારુ ચિઠ્ઠી લખી, ટ્રેન ખોયાનું જણાવ્યું, ને વળતે દહાડે મારે પ્રયાગ છોડવાનું હતું એમ લખ્યું. જવાબમાં તેમણે મને તરત મળવા જણાવ્યું. હું રાજી થયો. તેમણે મારી વાત ધ્યાનપૂર્વક સાંભળી. હું કંઈ પણ લખું તો પોતે તેની તુરત નોંધ લેશે એમ કહ્યું, ને ઉમેર્યું :’પણ તમારી બધી માગણીનો હું સ્વીકાર કરી જ શકીશ એમ તમને નથી કહી શકતો.

મેં ઉત્તર આપ્યો, ’તમે આ પ્રશ્નનો અભ્યાસ કરશો ને ચર્ચશો એટલું મને બસ છે. હું શુદ્ધ ન્યાય સિવાય બીજું કશું માગતો કે ઇચ્છતો નથી.’

બાકીનો દિવસ પ્રયાગના ભવ્ય ત્રિવેણીસંગમના દર્શનમાં ને મારી પાસે રહેલા કામના વિચારમાં ગાળ્યો.

આ આકસ્મિક મુલાકાતે મારા ઉપર નાતાલમાં થયેલા હુમલાનું બીજ રોપ્યું.

મુંબઈથી વગર રોકતે રાજકોટ ગયો ને એક ચોપાનિયું લખવાની તૈયારી કરી. ચોપાનિયું લખવામાં ને છાપવામાં લગભગ મહિનો થઈ ગયો. એને લીલું પૂઠું કરાવ્યું હતું. તેથી પાછળથી એ ’લીલા ચોપાનિયા’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિનો ચિતાર મેં ઇરાદાપૂર્વક હળવો કર્યો હતો.

લીલા ચોપાનિયાની દસ હજાર નકલ છપાવી હતી, ને તે આખા હિંદુસ્તાનમાં છાપાંઓને અને જાણીતા બધા પક્ષના લોકોને મોકલી.

આ ચોપાનિયાંને ટપાલને સારુ તૈયાર કરાવવાં એ મુશ્કેલીનું ને, જો પૈસે કરાવું તો, ખરચાળ કામ હતું. મેં સહેલી યુક્તિ શોધી કાઢી. શેરીનાં બધાં છોકરાંને ભેળાં કર્યા ને તેમના સવારના ભાગના બે ત્રણ કલાક, જેટલા આપી શકે તેટલા, માગ્યા. છોકરાંઓએ ખુશીથી આટલી સેવા કબૂલ કરી. મારા તરફથી મેં તેમને મારી પાસે ભેળી થતી વપરાયેલી ટપાલટિકિટો આપવાનું ને તેમને આશીર્વાદ આપવાનું કબૂલ્યું. છોકરાંઓએ રમતવાતમાં મારું કામ પૂરું કરી દીધું. છેક બાળકોને આમ સ્વયંસેવક બનાવવાનો મારો આ પહેલો અખતરો હતો. આ બાળકોમાંના બે આજે મારા સાથી છે.

આ જ અરસામાં મુંબઈમાં પહેલીવહેલી મરકી ફાટી નીકળી. ચોમેર ગભરાટ ફેલાઈ રહ્યો હતો. રાજકોટમાં પણ મરકી ફેલાવાનો ડર હતો. મને લાગ્યું કે મને આરોગ્યખાતામાં કામ કરતાં આવડે ખરું. મેં મારી સેવા સ્ટેટને આપવાનું લખ્યું. સ્ટેટે કમિટિ નીમી ને તમાં મને દાખલ કર્યો. પાયખાનાની સ્વચ્છતા ઉપર મેં ભાર મૂક્યો ને કમિટિએ શેરીએ શેરીએ જઈને પાયખાનાં તપાસવાનો નિશ્ચય કર્યો.

કમિટીને ઢેડવાડામાં પણ જવાનું તો હતું જ. કમિટીના સભ્યોમાંથી મારી સાથે માત્ર એક જ ત્યાં આવવા તૈયાર થયા. ત્યાં જવું ને વળી પાયખાનાં તપાસવાં ? પણ મને તો ઢેડવાડો જોઈને સાનંદાશ્ચર્ય જ થયું. ઢેડવાડાની આ મારી તો જિંદગીમાં પહેલી જ મુલાકાત હતી. ઢેડ ભાઈબહેનો અમને જોઈ આશ્ચર્ય પામ્યાં. એમનાં પાયખાનાં જોવાની મેં માગણી કરી. તેમણે કહ્યું :

’અમારે ત્યાં પાયખાનાં કેવા ? અમારાં પાયખાનાં જંગલમાં. પાયખાનાં તમારે મોટાં માણસને’

’ત્યારે તમારાં ઘર અમને જોવા દેશો ?’ મેં પૂછ્યું.

’આવોની ભાઈસાહેબ. તમારી મરજીમાં આવે ત્યાં જાઓ. અમારાં ઘર એવાં જ તો.’

હું અંદર ગયો ને ઘરની તેમ જ આંગણાની સફાઈ જોઈ ખુશ થઈ ગયો. ઘરની અંદર બધું લીંપેલું જોયું. આંગણું વાળેલું, અને જે જૂજ વાસણો હતાં તે સાફ અને ચકચકિત હતાં.

કમિટીએ હવેલીની પણ મુલાકાત લીધી હતી. હવેલીમાં જે એઠવાડ અને પત્રાવળ થાય તે પાછળ રાંઘ ઉપરથી ફેંકી દેવામાં આવતાં, ને તે ભાગ કાગડાસમડીઓનો વાસ થઈ પડ્યો હતો. પાયખાનાં તો ગંદાં હતાં જ. મુખિયાજીએ કેટલો સુધારો કર્યો એ જોવા હું ન પામ્યો. હવેલીની ગંદકી જોઈને દુઃખ તો થયું જ.

સ્મૃતિકારોએ બાહ્યાંતર શૌચ ઉપર ખૂબ ભાર મૂક્યો છે એ મારા ધ્યાન બહાર ત્યારે પણ નહોતું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.