Daily Archives: 07/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૩. ઘરકારભાર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

નાતાલમાં ઘર માંડવું તેમાં ભેદ હતો.

નોકરની ભીડ તો બધે જણાય જ.

મારી સાથે એક સાથી હતો. એક રસોઈયો રાખ્યો હતો. તે કુટુંબી રૂપ બન્યો. ઑફિસમાં જે મહેતા રાખ્યા હતા તેમાંથી પણ જેમને રાખી શકાય તેમને ઘરમાં રાખ્યા હતા.

આ અખતરો ઠીક ફળ્યો ગણું છું. પણ તેમાંથી મને સંસારના કડવા અનુભવો પણ મળ્યા.

પેલો સાથી બહુ હોશિયાર ને મારી સમજ પ્રમાણે વધારે વફાદાર હતો. ઑફીસના એક મહેતાને મેં ઘરમાં રાખ્યા હતા, તેની આ સાથીને અદેખાઈ થઈ. તેણે એવી જાળ રચી કે જેથી હું મહેતા ઉપર શક લાવું. આ મહેતા બહુ સ્વતંત્ર સ્વભાવના હતા. તેમણે ઘર અને ઑફિસ બંને છોડ્યાં. મને દુઃખ થયું. તેમને અન્યાય થયો હશે તો? આ વિચાર મને કોરી રહ્યો હતો.

તેવામાં જે રસોઈયાને મેં રાખ્યો હતો તેને કંઈ કારણસર બીજે જવું પડ્યું. મે તેને મિત્રની સારવારને સારુ રાખ્યો હતો. એટલે તેને બદલે બીજા રસોઈયાને રોક્યો.

તેણે મારા ઘરમાં મારી જાણ બહાર ચાલતો સડો જોઈ લીધો ને મને ચેતવવાનો નોશ્ચય કર્યો.

હું ઑફિસેથી બપોરના ખાણાને સારુ એક વાગ્યે ઘેર જતો. બારેક વાગ્યાનો સુમાર હતો. એવામાં આ રસોઈયો હાંફતો હાંફતો આવ્યો ને મને કહ્યું, ‘તમારે કંઈ જોવું હોય તો ઊભા પગે ઘેર ચાલો.’

મેં કહ્યું, ‘આનો શો અર્થ?

‘નહીં આવો તો પસ્તાશો. રસોઈયો બોલ્યો.

તેની દ્રઢતાથી હું તણાયો.

ઘેર પહોંચતા તે મને મેડી ઉપર લઈ ગયો. જે કોટડીમાં પેલો સાથી રહેતો હતો તે બતાવીને બોલ્યો, ‘આ કોટડી ઉઘાડીને જુઓ.’

મેં કોટડીનો દરવાજો ઠોક્યો.

જવાબ શેનો મળે? મેં ઘણા જોરથી દરવાજો ઠોક્યો. દીવાલ ધ્રૂજી. દરવાજો ઊઘડ્યો. અંદર એક બદચાલ ઓરત જોઈ. મેં તેને કહ્યું , ‘બહેન તું તો અહીંથી ચાલી જ જા. હવે કદી ફરી આ ઘરમાં પગ ન મૂકજે.

સાથીને કહ્યું, ‘આજથી તમારો ને મારો સંબંધ બંધ છે. હું ખૂબ ઠગાયો ને મૂરખ બન્યો.

સાથી વીફર્યો. મારું બધું ઉઘાડું પાડવાની મને ધમકી આપી.

‘મારી પાસે કંઈ છૂપું છે જ નહીં. મેં જે કંઈ કર્યું હોય તે તમે સુખે થી જાહેર કરજો. પણ તમારી સાથેનો સંબંધ બંધ છે.’

આ સાથી મારે સારુ મોહરૂપ અને અનિષ્ટ હતો, એમ હું હવે જ સ્પષ્ટ રીતે જોઈ શક્યો.

જો મજકૂર અકસ્માતથી મારી આંખ ઉઘડી ન હોત, મને સત્યની ખબર ન પડી હોત, તો સંભવ છે કે, જે સ્વાર્પણ હું કરી શક્યો છું તે કરવા હું કદી સમર્થ ન થાત.

પણ જેને રામ રાખે તેને કોણ ચાખે? મારી નિષ્ઠા શુદ્ધ હતી. તેથી મારી ભૂલો છતાં હું ઊગર્યો.

આટલી સેવા કરી રસોઈયે તે જ દહાડે ને તે જ ક્ષણે રજા માગી: ‘હું તમારા ઘરમાં નહીં રહી શકું. તમે ભોળા રહ્યા. મારું અહીં કામ નહીં.’

મેં આગ્રહ ન કર્યો.

પેલા મહેતાની ઉપર શક ઉપજાવનાર આ સાથી જ હતો એ મને હવે જણાયું. તેને ન્યાય દેવા મેં બહુ પ્રયત્ન કર્યો. પણ હું કદી તેને સંપૂર્ણ સંતોષ ન આપી શક્યો. એ મને સદાય દુઃખની વાત રહી. તૂટ્યું વાસણ ગમે તેવું મજબૂત સાંધો છતાં તે સાંધેલું જ ગણાશે, આખું કદી નહીં થાય.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Create a free website or blog at WordPress.com.