સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૧. ત્રણ પાઉંડનો કર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

૧૮૯૪ની સાલમાં ગિરમીટિયા હિંદીઓ ઉપર દર વર્ષે પાઉંડ ૨૫નો, એટલે રૂ. ૩૭૫નો કર નાંખવાનો ખરડો નાતાલની સરકારે તૈયાર કર્યો.

આ કરની હકીકત થોડી સમજીએ.

સુમારે ૧૮૬૦માં જ્યારે નાતાલમાં શેરડીનો સારો પાક થઈ શકે એમ છે એવું ત્યાં વસતા ગોરાઓએ જોયું ત્યારે તેમણે મજૂરોની ખોજ કરવા માંડી. મજૂર ન મળે તો શેરડી પાકે નહીં, સાકરખાંડ થાય નહીં. નાતાલના હબસીઓ આ મજૂરી કરે તેમ નહોતા. તેથી નાતાલવાસી ગોરાઓએ હિંદી સરકાર સાથે મસલત ચલાવીને હિંદી મજૂરને નાતાલ જવા દેવાની રજા મેળવી. તેમને પાંચ વર્ષ મજૂરી કરવાની બંધણી, ને પાંચ વર્ષને અંતે સ્વતંત્ર રીતે નાતાલમાં વસવાની છુટ, એવી લાલચો આપવામાં આવી હતી. તેમને જમીનની માલિકી ધરાવવાના પુરા હક પણ રાખ્યા હતા. તે વખતે ગોરાઓ ઈચ્છતા હતા કે હિંદી મજૂર પોતાનાં પાંચ વર્ષ પુરાં કર્યા પછી જમીન ખેડે ને પોતાના ઉદ્યમનો લાભ નાતાલને આપે.

આ લાભ હિંદી મજૂરે ધાર્યા ઉપરાંત આપ્યો. શાકભાજી પુષ્કળ વાવ્યાં. હિંદુસ્તાનનાં કેટલાંક મીઠાં શાકો વાવ્યાં. જે શાક થતાં હતાં તે સોંઘાં કર્યા. હિંદુસ્તાનથી આંબો લાવીને વાવ્યો. પણ તેની સાથે તેણે તો વેપાર પણ કરવા માંડ્યો. ઘર બાંધવાને સારુ જમીનો ખરીદી ને મજૂર મટી ઘણા સારા જમીનદાર અને ઘરધણી થયા.

ગોરા વેપારી ચમક્યા.

આ હિંદીઓ સાથેના વિરોધનું મૂળ.

તેમાં બીજી વસ્તુઓ ભળી.

તે વિરોધ પેલા મતાધિકારને ખૂંચવી લેવારૂપે ને ગિરમીટિયા ઉપર કર નાંખવારૂપે કાયદામાં મૂર્તિમંત થયો.

પ્રથમ સૂચના તો એ હતી કે ગિરમીટ પૂરી થવા આવે એટલે હિંદીઓને જબરજસ્તીથી પાછા મોકલવા, એવી રીતે કે તેનો કરાર હિંદુસ્તાનમાં પૂરો થાય. આ સૂચના હિંદી સરકાર કબૂલ રાખે તેમ નહોતું. એટલે એવી સૂચના થઈ કે,

૧. મજૂરીનો કરાર પૂરો થયે ગિરમીટિયો પાછો હિંદુસ્તાન જાય,

અથવા

૨. બબ્બે વર્ષની ગિરમીટ નવેસર કરાવ્યાં કરે ને તેવી દર વેળાએ તેને પગારમાં કંઈક વધારો મળે;

૩. જો પાછો ન જાય, ને ફરી મજૂરીનું કરારનામું પણ ન કરે તો તેણે દર વર્ષે પાઉંડ ૨૫ કરના આપવા.

આ સુચના કબૂલ કરાવવા સારુ સર હેનરી બીન્સ તથા મિ. મેસનનું ડેપ્યુટેશન હિંદુસ્તાનમાં મોકલવામાં આવ્યું. લોર્ડ એલ્ગિન વાઈસરોય હતા. તેમણે પચીસ પાઉંડનો કર તો નામંજૂર કર્યો; પણ તેવા દરેક હિંદી પાસેથી પાઉંડ ત્રણનો કર લેવો એમ સ્વીકાર્યુ.

આ કરની સામે સખત લડત મંડાઈ.

ત્રણ પાઉંડનો કર કોઈ દિવસે તો જવો જ જોઈએ એ નિશ્ચય કોંગ્રેસે કદી જતો નહોતો કર્યો. એ નિશ્ચય પાર પડતાં ૨૦ વર્ષ વીત્યાં. તેમાં નાતાલના જ નહીં પણ આખા દક્ષિણ આફ઼્રિકાના હિંદીઓને સંડોવાવું પડ્યું. તેમાં ગોખલેને નિમિત થવું પડ્યું. તેમાં ગિરમીટિયા હિંદીઓને પૂરો ભાગ લેવો પડ્યો. તેને અંગે કેટલાંકને ગોળીબારથી મરવું પડ્યું. દશ હજારથી ઉપરાંત હિંદીઓને જેલ ભોગવવી પડે.

પણ અંતે સત્યનો જય થયો. હિંદીઓની તપશ્ચર્યામાં સત્ય મૂર્તિમંત થયું. તેને સારુ અડગ શ્રધ્ધાની, ધીરજની અને સતત પ્રવૃતિની આવશ્યકતા હતી. જો કોમ હારીને બેસી જાત, કોંગ્રેસ લડતને ભૂલી જાત, ને કરને અનિવાર્ય સમજી તેને શરણ થાત, તો એ કર આજ લગી ગિરમીટિયા હિંદીની પાસેથી લેવાતો હોત, અને એની નામોશી સ્થાનિક હિંદીઓને તેમ જ સમસ્ત હિંદુસ્તાનને લાગત.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Post navigation

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: