Daily Archives: 04/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨૦. બાલાસુંદરમ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

જેની જેવી ભાવના તેવું તેને થાય, એ નિયમ મારે વિષે લાગુ પડતો મેં અનેક વેળા જોયો છે. લોકની એટલે ગરીબની સેવાની મારી પ્રબળ ઈચ્છાએ ગરીબોની સાથે મારું અનુસંધાન સદાય અનાયાસે કરી આપ્યું છે.

‘નાતાલ ઇંડિયન કોંગ્રેસ’માં જો કે સંસ્થાઓમાં જન્મ પામેલા હિંદીઓએ પ્રવેશ કર્યો હતો, મહેતાવર્ગ દાખલ થયો હતો, છતાં તેમાં છેક મજૂર, ગિરમીટિયાવર્ગે પ્રવેશ નહોતો કર્યો. તેટલામાં એક દિવસ એક ફાટેલાં કપડાં પહેરેલો, ધ્રૂજતો, મોઢેથી લોહી ઝેરતો, જેના આગલા બે દાંત પડી ગયા હતા એવો, મદ્રાસી હિંદી ફેંટો હાથમાં રાખીને રોતો રોતો મારી સમક્ષ આવી ઊભો. તેને તેના માલિકે સખત માર માર્યો હતો. મારો મહેતો જે તામિલ જાણતો હતો તેની મારફત મેં તેની સ્થિતિ જાણી. બાલાસુંદરમ્ એક પ્રતિષ્ઠિત ગોરાને ત્યાં મજૂરી કરતો હતો. માલિકને કંઈ ગુસ્સો ચડ્યો હશે, તે ભાન ભૂલ્યો ને તેણે બાલાસુંદરમ્ ને સારી પેઠે માર માર્યો. પરિણામે બાલાસુંદરમના બે દાંત તૂટી ગયા.

મેં તેને દાક્તરને ત્યાં મોકલ્યો. તે કાળે ગોરા દાકતરો જ મળતા. ઈજા વિષેના પ્રમાણપત્રની મને ગરજ હતી. તે મેળવી હું બાલાસુંદરમને મેજિસ્ટ્રેટ પાસે લઈ ગયો. ત્યાં બાલાસુંદરમનું સોગનનામું રજૂ કર્યું. એ વાંચી મૅજિસ્ટ્રેટ માલિક ઉપર ગુસ્સે થયો. તેના ઉપર તેણે સમન કાઢવાનો હુકમ કર્યો.

મારી નેમ માલિકને સજા કરાવવાની નહોતી. મારે તો બાલાસુંદરમને તેની પાસેથી છોડાવવો હતો.

મારે નવો અંગ્રેજ માલિક શોધવાનો હતો. હિંદીઓને ગિરમીટિયા રાખવા નહોતા દેતા. હું હજુ થોડા જ અંગ્રેજોને ઓળખતો હતો. તેમાંના એકને મળ્યો. તેમણે મારા ઉપર મહેરબાની કરી બાલાસુંદરમને રાખવાનું સ્વીકાર્યું.

બાલાસુંદરમના કેસની વાત ગિરમીટિયામાં ચોમેર ફેલાઈ ને હું તેમનો બંધુ ઠર્યો. મને આ વાત ગમી. મારી ઑફિસે ગિરમીટિયાઓની સેર શરૂ થઈ ને તેમનાં સુખદુ:ખ જાણવાની મને ભારે સગવડ મળી.

બાલાસુંદરમના કેસના ભણકારા છેક મદ્રાસ ઈલાકા સુધી સંભળાયા.

હું ઉપર જણાવી ગયો કે બાલાસુંદરમ પોતાનો ફેંટો ઉતારી તે પોતાના હાથમાં રાખી દાખલ થયો હતો. આ વાતમાં બહુ કરુણ રસ ભર્યો છે; તેમાં આપણી નામોશી ભરેલી છે. ગિરમીટિયા તેમ જ બીજા અજાણ્યા હિંદી કોઇ પણ ગોરાને ત્યાં દાખલ થાય ત્યારે તેના માનાર્થે પાઘડી ઉતારે- પછી તે ટોપી હો કે બાંધેલી પાઘડી હો કે વીંટાળેલો ફેંટો. બે હાથે સલામ ભરે તે બસ ન થાય. બાલાસુંદરમે વિચાર્યું કે મારી આગળ પણ તેમ જ અવાય. મારી સામે બાલાસુંદરમનું આ દ્રશ્ય એ પહેલો અનુભવ હતો, હું શરમાયો. મેં બાલાસુંદરમને ફેંટો બાંધવા કહ્યું. બહુ સંકોચથી તેણે ફેંટો બાંધ્યો. પણ તેથી તેને થયેલી ખુશાલી હું વરતી શક્યો.

બીજાને નામોશ કરી મનુષ્યો પોતે કેમ માન માની શકતાં હશે એ કોયડો હજુ લગી હું ઉકેલી નથી શક્યો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.