સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૯. નાતાલ ઇંડિયન કૉંગ્રેસ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

નાતાલ ઇંડિયન કૉંગ્રેસના સ્થાપક સભ્યો

વકીલનો ધંધો કરવો એ મારે સારુ ગૌણ વસ્તુ હતી ને હમેશાં ગૌણ જ રહી. મારું નાતાલમાં રહેવું સાર્થક કરવા સારુ તો મારે જાહેર કામમાં તન્મય થવું જોઈએ. હિંદી મતાધિકાર પ્રતિબંધના કાયદાની સામે માત્ર અરજી કરીને તો ન જ બેસી રહેવાય. આને સારુ એક સંસ્થાની સ્થાપના કરવાની આવશ્યકતા જણાઈ. તેથી અબદુલ્લા શેઠ સાથે મસલત કરી. બીજા સાથીઓને મળ્યો ને એક જાહેર સંસ્થા બનાવવાનો અમે નિશ્ચય કર્યો.

તેનું નામ પાડવામાં કંઈ ધર્મસંકટ હતું. આ સંસ્થાને કોઈ પક્ષનો પક્ષપાત નહોતો કરવો. મહાસભા (કૉંગ્રેસ)નું નામ કૉન્ઝરવેટિવ (પ્રાચીન) પક્ષમાં અળખામણું હતું, એ હું જાણતો હતો. પણ મહાસભા હિંદનો પ્રાણ હતી. તેની શક્તિ વધવી જ જોઈએ. તે નામ છુપાવવામાં અથવા ધારણ કરતાં સંકોચ રાખવામાં નામર્દીની ગંધ આવતી હતી. તેથી મારી દલીલો રજુ કરીને સંસ્થાને ‘કૉંગ્રેસ’ નામ જ આપવા સૂચવ્યું, ને ૧૮૯૪ના મે માસની ૨૨મી તારીખે ‘નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસ’નો જન્મ થયો.

દાદા અબદુલ્લાનો મેડો ભરાઇ ગયો હતો. લોકોએ આ સંસ્થાને ઉત્સાહપૂર્વક વધાવી લીધી. બંધારણ સાદું રાખ્યું હતું. લવાજમ આકરું હતું.

અનુભવે જોયું તો કોઈ ઉઘરાણી કર્યા વિના લવાજમ ભરે તેમ ન હતું.

આરંભમાં જ મેં શીખી લીધું હતું કે જાહેર કામ કદી કરજ કરીને કરવું નહીં.

સભ્યો બનાવવામાં સાથીઓએ અસીમ ઉત્સાહ બતાવ્યો હતો. તેમાં તેમને રસ આવતો હતો. તેમાં અમૂલ્ય અનુભવ મળતો હતો. ઘણા લોકો રાજી થઈ નામ નોંધાવતા અને તુરત પૈસા આપી દેતા. દૂર દૂરનાં ગામોમાં જરા મુશ્કેલી આવતી. પણ પૈસા એકઠા કરવા એ મતલબ તો ન જ હતી. જોઈએ તે કરતાં વધારે પૈસા ન રાખવા એ તત્ત્વ પણ હું સમજી ગયો હતો.

સભા દર અઠવાડિયે કે દર માસે જરૂર પ્રમાણે થાય. તેમાં આગલી સભાનો હેવાલ વંચાય ને અનેક પ્રકારની ચર્ચા થાય. ચર્ચા કરવાની અને ટૂંકું ને મુદ્દાસર બોલવાની ટેવ તો લોકોને ન જ હતી. લોકો ઊભા થઈને બોલતાં સંકોચાય. સભાના નિયમો સમજાવ્યા ને લોકોએ તેને માન આપ્યું. તેમને થતો ફાયદો તેઓ જોઈ શક્યા ને જેઓને કદી જાહેરમાં બોલવાની ટેવ નહોતી તે જાહેર કામો વિશે બોલતા ને વિચાર કરતા થયા.

જાહેર કામ ચલાવતાં ઝીણો ખર્ચ ઘણા પૈસા લઈ જાય છે એ પણ હું જાણતો હતો. આથી હિસાબ પ્રથમથી જ પાઈએ પાઈનો ચોખ્ખો રહ્યો, ને હું માનું છું કે, આજે પણ નાતાલ કૉંગ્રેસના દફતરમાં ૧૮૯૪ના સંપૂર્ણ વિગતવાળા ચોપડા મળી આવવા જોઈએ. હરકોઈ સંસ્થાનો ઝીણવટથી રખાયેલો હિસાબ તેનું નાક છે. તેના વિના તે સંસ્થા છેવટે ગંદી ને પ્રતિષ્ઠારહિત થઈ જાય છે. શુદ્ધ હિસાબ વિના શુદ્ધ સત્યની રખેવાળી અસંભવિત છે.

કૉંગ્રેસનું બીજું અંગ સંસ્થાનમાં જન્મેલ ભણેલા હિંદીઓની સેવા કરવાનું હતું. તેને અંગે ‘કૉલોનિયલ બોર્ન ઇન્ડિયન એજ્યુકેશનલ ઍસોસિયેશન’ની સ્થાપના કરી. તેમાં આ નવયુવકો જ મુખ્યત્વે સભ્ય હતા. તેમણે આપવાનું લવાજમ જૂજ હતું. આ સંસ્થા ચર્ચાસમાજ જેવી હતી. તેની નિયમસર સભા થાય, તેમાં તેઓ જુદા જુદા વિષય ઉપર ભાષણ કરે, નિબંધો વાંચે, તેને અંગે નાનું પુસ્તકાલય પણ સ્થપાયું.

કૉંગ્રેસનું ત્રીજું અંગ બાહ્ય પ્રવૃત્તિ. આમાં દક્ષિણ આફ્રિકાના અંગ્રેજોમાં તેમ જ બહાર ઇંગ્લંડમાં ને હિંદુસ્તાનમાં ખરી સ્થિતિ પ્રગટ કરવાનું કામ હતું. એ હેતુથી મેં બે ચોપાનિયાં લખ્યાં.

પ્રથમ ચોપાનિયું ‘દક્ષિણ આફ્રિકામાં રહેતા દરેક અંગ્રેજને વિનંતી’ એ નામનું હતું. તેમાં નાતાલવાસી હિંદીઓની સામાન્ય સ્થિતિનું દિગ્દર્શન પુરાવાઓ સહિત હતું.

બીજું ‘હિંદી મતાધિકાર-એક વિનંતી’ એ નામનું ચોપાનિયું જેમાં હિંદી મતાધિકારનો ઇતિહાસ આંકડાઓ અને પુરાવા સહિત આપવામાં આવ્યો હતો.

આ બંને ચોપાનિયાંની પાછળ ખૂબ મહેનત અને અભ્યાસ હતાં. તેનું ફળ પણ તેવું જ આવ્યું. તેનો બહોળો પ્રચાર કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિને અંગે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના મિત્રો ઉત્પન્ન થયા. ઇંગ્લેંડમાં અને હિંદુસ્તાનમાં બધા પક્ષ તરફથી મદદ મળી, અને કાર્ય લેવાનો માર્ગ મળ્યો અને અંકાયો.

Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: