Daily Archives: 02/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૮. કાળો કાંઠલો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

અદાલતોનું ચિહ્ન ત્રાજવું છે. તેને ઝાલનાર એક નિષ્પક્ષપાતી, આંધળી પણ ડાહી ડોસી છે. તેને વિધિએ આંધળી ઘડી છે, જેથી તે મોં જોઈને ટીલું ન કરે, પણ જે ગુણે યોગ્ય હોય તેને જ ટીલું કરે. આથી ઊલટું, નાતાલની અદાલત પાસે તો મોં જોઈને ટીલું કરાવવા ત્યાંની વકીલ-સભા નીકળી પડી હતી. અદાલતે આ પ્રસંગે પોતાના ચિહ્નને શોભાવ્યું.

મારે વકીલાતની સનદ લેવાની હતી. દાખલ થવાની અરજીની સાથે સારા વર્તનનાં બે પ્રમાણપત્રોની જરૂર ગણાતી. મેં ધાર્યું કે આ પ્રમાણપત્ર ગોરાઓનાં હશે તો ઠીક ગણાશે, તેથી અબદુલ્લા શેઠની મારફતે મારા સંબંધમાં આવેલા બે પ્રસિદ્ધ ગોરા વેપારીનાં પ્રમાણપત્રો લીધાં હતાં.

એવામાં ઓચિંતી વકીલસભા તરફથી મને નોટિસ મળી. નોટિસમાં મારા દાખલ થવા સામે વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો.

આ વિરોધની હિમાયત કરવા વકીલસભાએ એક પ્રખ્યાત વકીલને રોક્યા હતા. તેમણે મને બોલાવ્યો. તેમણે મારો ઇતિહાસ પૂછ્યો. મેં તે આપ્યો. પછી તે બોલ્યા:

‘મારે તો તમારી સામે કાંઈ કહેવાનું નથી. મને ભય એ હતો કે રખેને તમે અહીં જન્મેલા કોઈ ધૂર્ત હો! વળી તમારી પાસે અસલ પ્રમાણપત્ર નથી. તેથી મારા શકને ટેકો મળ્યો. એવા પણ માણસ પડ્યા છે જે પારકાં પ્રમાણપત્રોનો ઉપયોગ અહીં કરે છે.

અબદુલ્લા શેઠનું સોગનનામું ઘડ્યું ને તે વકીલને આપ્યું. તેણે સંતોષ જાહેર કર્યો. પણ વકીલસભાને સંતોષ ન થયો. તેણે તો મારા દાખલ થવા સામેનો વિરોધ અદાલત આગળ રજૂ કર્યો. અદાલતે મિ.એસ્કંબનો જવાબ પણ સાંભળ્યા વિના સભાનો વિરોધ રદ કર્યો. વડા ન્યાયાધીશે કહ્યું:

‘અરજદારે અસલ પ્રમાણપત્ર રજૂ નથી કર્યું એ દલીલમાં વજૂદ નથી. જો તેણે જૂઠા સોગંદ ખાધા હશે તો તેના ઉપર જૂઠા સોગનની ફોજદારી ચાલી શકશે ને તેનું નામ વકીલોમાંથી બાતલ થશે. અદાલતના ધારાઓમાં કાળાધોળાનો ભેદ નથી. અમને મિ.ગાંધીને વકીલાત કરતાં રોકવાનો અધિકાર નથી. અરજી મંજૂર કરવામાં આવે છે. મિ.ગાંધી, તમે સોગન લઈ શકો છો.’

હું ઉઠ્યો. રજિસ્ટ્રાર આગળ સોગન લીધા. લીધા કે તરત વડા જજે કહ્યું, ‘હવે તમારે તમારી પાઘડી ઉતારવી જોઈએ. વકીલ તરીકે વકીલોને લગતો પોશાક વિષેનો અદાલતી નિયમ તમારે પણ પાળવો રહ્યો છે!’

હું મારી મર્યાદા સમજ્યો. ડરબનના મેજિસ્ટ્રેટની કચેરીમાં જે પાઘડી પહેરી રાખવાનો મેં આગ્રહ રાખ્યો હતો તે મેં અહીં ઉતારી.

મારા જીવનમાં આગ્રહ અને અનાગ્રહ હંમેશાં સાથે સાથે જ ચાલતા આવ્યા છે. સત્યાગ્રહમાં આ અનિવાર્ય છે એમ મેં પાછળથી અનેક વેળા અનુભવ્યું છે. આ સમાધાનવૃત્તિને સારુ મારે જીવનું જોખમ અને મિત્રોનો અસંતોષ ઘણી વેળા ખેડવાં પડ્યાં છે. પણ સત્ય વજ્ર જેવું કઠણ છે ને કમળ જેવું કોમળ છે.

વકીલસભાના વિરોધે દક્ષિણ આફ્રિકામાં મારી બીજી જાહેરખબરની ગરજ સારી. ઘણાંખરાં છાપાંઓએ મારી સામેના વિરોધને વખોડ્યો ને વકીલો ઉપર ઈર્ષાનો આરોપ મૂક્યો. આ જાહેરાતથી મારું કામ કેટલેક અંશે સરળ થયું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.