Daily Archives: 01/07/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૭. રહ્યો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

સન ૧૮૯૩ની સાલમાં નાતાલમાં હિંદી કોમના અગ્રગણ્ય નેતા શેઠ હાજી મહમદ હાજી દાદા ગણાતા. સાંપત્તિક સ્થિતિમાં શેઠ અબદુલ્લા હાજી આદમ મુખ્ય હતા, પણ તેઓ તેમ જ બીજા જાહેર કામમાં શેઠ હાજી મહમદને જ પ્રથમ સ્થાન આપતા. એટલે તેમના પ્રમુખપણા નીચે અબદુલ્લા શેઠના મકાનમાં એક સભા ભરાઈ. તેમાં ફ્રેંચાઈઝ બિલની સામે થવાનો ઠરાવ થયો. સ્વયંસેવકો નોંધાયા. આ સભામાં નાતાલમાં જન્મેલા હિંદીઓ, એટલે ખ્રિસ્તી જુવાનિયાને પણ એકઠા કર્યા હતા. મિ. પૉલ ડરબનની કોર્ટના દુભાષિયા હતા. મિ. સુભાન ગૉડફ્રે મિશન સ્કૂલના હેડમાસ્તર હતા. તેમણે પણ સભામાં હાજરી આપી, ને તેમની અસરથી તે વર્ગના જુવાનિયા સારી સંખ્યામાં આગળ આવ્યા હતા. આ બધા સ્વયંસેવકો તરીકે જોડાયા. વેપારી તો ઘણા હતા જ.જાહેર કામમાં નોતરાવાનો ને ભાગ લેવાનો તેમનો આ પ્રથમ અનુભવ હતો. આવી પડેલા દુઃખની સામે નીચઊંચ, નાનામોટા, શેઠનોકર, હિંદુ-મુસલમાન, પારસી, ઈસાઈ, ગુજરાતી, મદ્રાસી, સિંધી, વગેરે ભેદ ભુલાઈ ગયા હતા. સહુ હિંદનાં સંતાન અને સેવક હતા.

બિલની બીજી સુનવણી થઈ ગઈ હતી કે થવાની હતી. તે વખતે થયેલાં ધારાસભાનાં ભાષણોમાં એવી ટીકા હતી કે, કાયદો આવો સખત હતો છતાં હિંદીઓ તરફથી કશો વિરોધ નહોતો, તે હિંદી કોમની બેદરકારી અને તેની મતાધિકાર ભોગવવાની નાલાયકીનો પુરાવો હતો.

મેં વસ્તુસ્થિતિ સભાને સમજાવી.

અરજી ઘડાઈ.

અરજી ગઈ. છાપામાં છપાઈ. તેને વિષે અનુકૂળ ટીકાઓ થઈ. ધારાસભા ઉપર પણ અસર થઈ. તેની ચર્ચા પણ ખૂબ થઈ. અરજીમાં આપેલી દલીલના રદિયા અપાયા, પણ તે આપનારને લૂલા લાગ્યા. બિલ તો પાસ થયું.

આ પરિણામ આવશે એમ સહુ જાણતા હતા. પણ કોમમાં નવજીવન રેડાયું.

એ સમયે લૉર્ડ રિપન સંસ્થાનોના પ્રધાન હતા. તેમને એક જંગી અરજી કરવાનો ઠરાવ કર્યો. આ અરજીમાં જેટલાની બને તેટલાની સહીઓ લેવાની હતી. એ કામ એક દહાડામાં ન જ થાય. સ્વયંસેવકો નિમાયા ને કામ ઉકેલવાનું સહુએ હાથ લીધું.

અરજીની પાછળ મેં બહુ મહેનત લીધી.

અરજીમાં દશ હજાર સહીઓ થઈ.

અરજી ગઈ. તેની એક હજાર નક્લ છપાવી હતી. તે અરજીએ હિંદુસ્તાનની જાહેર પ્રજાને નાતાલનો પહેલો પરિચય કરાવ્યો. જેટલાં છાપાંનાં અને જાહેર આગેવાનોનાં નામ હું જાણતો હતો તેટલાંને તે અરજીની નકલો મોકલી.

‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’એ તે ઉપર અગ્રલેખ લખ્યો ને હિંદીઓની માગણીને સરસ ટેકો આપ્યો.

હવે મારાથી નાતાલ છોડાય એવું ન રહ્યું. લોકોએ મને ચોમેરથી ઘેર્યો ને નાતાલમાં જ સ્થાયી રહેવાનો અતિશય અગ્રહ કર્યો.

બીજા બારિસ્ટરો રહે તેમ મારે રહેવામાં કોમનું માન વધે એમ મેં વિચાર્યું. આવું ઘર હું વર્ષના ૩૦૦ પાઉંડ વિના ન જ ચલાવી શકું એમ મને લાગ્યું. તેટલા પૈસાની વકીલાતની ખોળાધરી મળી શકે તો જ રહેવાય એમ મેં નિશ્ચય કર્યો ને તે કોમને જણાવ્યો.

‘પણ તેટલા પૈસા તમે જાહેર કામને સારુ લો તે અમને પરવડે તેમ છે.

‘મારાથી એમ પૈસા લેવાય નહીં. મારા જાહેર કામની હું એટલી કિંમત ન ગણું.

‘પણ અમે તમને ઓળખતા થઈ ગયા છીએ. તમારે ક્યાં તમારે સારુ પૈસા માગવા છે?

‘એ તો તમારો સ્નેહ અને તાત્કાલિક ઉત્સાહ બોલાવે છે. આ જ ઉત્સાહ ને આ જ સ્નેહ સદાય ટકે એમ આપણે કેમ માની લઈએ? મારે તો તમને કોઈ વેળા કડવાં વેણ પણ કહેવાં પડે. ત્યારે પણ તમારો સ્નેહ હું જાળવી શકું કે નહીં એ તો દૈવ જાણે. પણ મૂળ વાત એ છે કે જાહેર સેવાને સારુ મારે પૈસા ન જ લેવા.

આમ ચર્ચા કરતાં છેવટ એ આવ્યું કે વીસેક વેપારીઓએ મને એક વર્ષનું વર્ષાસન બાંધી આપ્યું. તે ઉપરાંત દાદા અબદુલ્લા મને વિદાયગીરી વખતે ભેટ આપવાના હતા તેને બદલે તેમણે મને જોઈતું ફર્નિચર લઈ આપ્યું ને હું નાતાલમાં રહ્યો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.