Monthly Archives: June 2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૬. નાતાલ પહોંચ્યો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

વિલાયત જતાં વિયોગ દુઃખ થયું હતું તે દક્ષિણ આફ્રિકા જતાં ન થયું. માતા તો ચાલી ગઈ હતી. મેં દુનિયાનો ને મુસાફરીનો અનુભવ લીધો હતો. રાજકોટ મુંબઈ વચ્ચે તો આવજા હતી જ. એટલે વિયોગ માત્ર પત્નીની સાથેનો આ વેળા દુઃખકર હતો. વિલાયતથી આવ્યા પછી એક બીજા બાળકની પ્રાપ્તિ થઈ હતી. અમારી વચ્ચેના પ્રેમમાં હજુ વિષય તો હતો જ. છતાં તેમાં નિર્મળતા આવવા લાગી હતી.

દાદા અબદુલ્લાના મુંબઈના એજન્ટ મારફતે મારે ટિકિટ કઢાવવાની હતી. પણ સ્ટીમરમાં કૅબીન ખાલી ન મળે. જો આવેળા ચૂકું તો મારે એક માસ લગી મુંબઈમાં હવા ખાવી પડે તેમ હતું.

તેના વડા માલમને મળ્યો. તેને પૂછતાં તેણે મને નિખાલસપણે જવાબ આપ્યો: ‘અમારે ત્યાં આટલી ભીડ ભાગ્યે જ હોય છે. પણ મોઝામ્બિકના ગવર્નર-જનરલ આ સ્ટીમરમાં જાય છે, તેથી બધી જગ્યા પુરાઈ ગઈ છે.’

‘ત્યારે શું તમે કોઈ રીતે મારે સારુ જગ્યા ન જ કાઢી શકો?’

માલમે મારી સામે જોયું. તે હસ્યો ને બોલ્યો, ‘એક ઉપાય છે. મારી કૅબીનમાં એક હીંચકો ખાલી હોય છે. તેમાં અમે ઉતારુને લેતા નથી, પણ તમને હું એ જગ્યા આપવા તૈયાર છું.’ હું રાજી થયો. માલમનો આભાર માન્યો.

પહેલું બંદર લામુ હતું. ત્યાં પહોંચતા લગભગ તેર દિવસ થયા. રસ્તામાં કપ્તાનની સાથે ઠીક મહોબત જામી.

લામુ બંદર આવ્યું. ત્યાં સ્ટીમર ત્રણ ચાર કલાક રોકાવાની હતી. હું બંદર જોવા નીચે ઊતર્યો. કપ્તાન પણ ગયો હતો. તેણે મને કહ્યું, અહીંનું બારું દગાખોર છે. તમે વહેલા પાછા વળજો.

સ્ટીમર ઊપડવાની પહેલી સીટી થઈ. હું ગભરાયો. કપ્તાન ઉપરથી જોઈ રહ્યો હતો. તેણે પાંચ મિનિટ સ્ટીમર થોભાવવા કહ્યું. સ્ટીમરની પાસે એક મછવો હતો તેને દસ રૂપિયા આપી મારે સારુ એક મિત્રે ભાડે કર્યો, ને તે મછવાએ પેલી હોડીમાંથી મને ઊંચકી લીધો.

લામુથી મોમ્બાસા ને ત્યાંથી ઝાંઝીબાર પહોંચ્યા. ઝાંઝીબરમાં તો બહુ જ રોકાવાનું હતું ‌- આઠ કે દસ દિવસ. અહીં નવી સ્ટીમરમાં બદલવાનું હતું.

કપ્તાનના પ્રેમનો કંઈ પાર નહોતો. આ પ્રેમે મારે સારુ ઊલટું સ્વરૂપ પકડ્યું. તેણે મને પોતાની સાથે સહેલ કરવા જવા નોતર્યો.આ સહેલનો મર્મ હું મુદ્દલ નહોતો સમજ્યો. કપ્તાનને શી ખબર કે હું આવી બાબતોમાં છેક અજાણ્યો હોઈશ? અમે તો હબ્સી ઓરતોના વાડામાં પહોંચ્યા. એક દલાલ અમને ત્યાં લઈ ગયેલો. દરેક એક એક કોટડીમાં પુરાયા. પણ હું તો શરમનો માર્યો કોટડીમાં પુરાઈ જ રહ્યો. હું તો જેવો અંદર દાખલ થયો હતો તેવો જ બહાર નીકળ્યો.મેં ઈશ્વરનો પાડ માન્યો કે પેલી બહેનને જોઈ મને વિકાર સરખો પણ પેદા ન થયો. મને મારી નબળાઈ તરફ તિરસ્કાર ઊપજ્યો કે હું કોટડીમાં પુરાવાની જ ના પાડવાની હિંમત ન કરી શક્યો.

આ મારી જિંદગીની આવા પ્રકારની ત્રીજી કસોટી હતી. કેટલાયે જુવાનિયા પ્રથમ નિર્દોષ હોવા છતાં ખોટી શરમથી દોષમાં પડતા હશે. મારું બચવું મારા પુરુષાર્થને આભારી નહોતું. જો મેં કોટડીમાં પુરાવાની ચોખ્ખી ના પાડી હોત તો તે પુરુષાર્થ ગણાત. મારા બચવાને સારુ મારે તો પાડ કેવળ ઈશ્વરનો જ માનવો રહ્યો છે. પણ આ કિસ્સાથી મારી ઈશ્વર ઉપરની આસ્થા વધી ને ખોટી શરમ છોડવાની હિંમત પણ કઈંક શીખ્યો.

ઝાંઝીબારમાં એક અઠવાડિયું ગાળવાનું હતું. તેથી હું એક મકાન ભાડે લઈ શહેરમાં રહ્યો.

ઝાંઝીબારથી મોઝામ્બિક ને ત્યાંથી માસની લગભગ આખરે નાતાલ પહોંચ્યો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૫. દક્ષિણ આફ્રિકાની તૈયારી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

અમલદારની પાસે મારું જવું અવશ્ય દોષમય હતું. પણ અમલદારની અધીરાઈ, તેનો રોષ, તેની ઉદ્ધતાઈ આગળ મારો દોષ અલ્પ થઈ ગયો.પાછળથી મને ખબર પડી હતી કે આ અમલદારને ધીરજ જેવી તો વસ્તુ જ નહોતી. તેની પાસે જનારનું અપમાન કરવું એ તેને સારુ સામાન્ય વાત હતી. પોતાને ન ગમે તેવી વાત થઈ કે તુરત સાહેબનો મિજાજ જાય.

મારું ઘણું કામ તો તેની કોર્ટમાં હોય, ખુશામત કરવાનું તો મારાથી બને તેમ નહોતું. આ અમલદારને અયોગ્ય રીતે રીઝવવા હું માગતો નહોતો.

દરમ્યાન કાઠિયાવાડની ખટપટનો પણ મને કંઈક અનુભવ મળ્યો.

આ વાતાવરણ મને ઝેર સમાન લાગ્યું. હું મારી સ્વતંત્રતા કેમ બચાવી શકીશ એ વિચાર મને રહ્યા જ કરે.

પોરબંદરમાં ઍડમિનિસ્ટ્રૅશન હતું. ત્યાં રાણાસાહેબને સારુ કઈંક સત્તા મેળવવાનો પ્રયત્ન કરવાનો હતો. મેર લોકોની પાસેથી વધારે પડતી વિઘોટી લેવાતી હતી.રાણા સાહેબને થોડી સત્તા મળી. મેર લોકોને તો કંઈ જ ન મળ્યું એમ કહેવાય. તેમનો કેસ પૂરો તપાસાયો એમ પણ મને ન લાગ્યું.

એટલે અહીં પણ હું પ્રમાણમાં નિરાશ થયો. મને લાગ્યું કે ઈન્સાફ ન મળ્યો.

હું અકળાયો.

દરમ્યાન ભાઈની પાસે પોરબંદરની એક મેમણ પેઢીનું કહેણ આવ્યું: ‘આમારો વેપાર દક્ષિણ આફ્રિકામાં છે.જો તમારા ભાઈને મોકલો તો તે અમને મદદ કરે ને તેને પણ કઈંક મદદ મળે.

ભાઈએ મારી પાસે વાત કરી. હું આ બધાનો અર્થ સમજી ન શક્યો.મારે માત્ર વકીલને સમજાવવાનું કામ જ કરવું પડશે કે કોર્ટમાં પણ જવું રહેશે એ ન જાણી શક્યો. પણ હું લલચાયો.

દાદા અબદુલ્લાના ભાગીદાર મરહૂમ શેઠ અબદુલ કરીમ ઝવેરીની ભેટ મારા ભાઈએ કરાવી. શેઠે કહ્યું: ‘તમને ઝાઝી મહેનત નહીં પડે. અમારે મોટા ગોરાઓની સાથે દોસ્તી છે. એમની તમે ઓળખાણ કરશો.

મેં પૂછ્યું : ‘મારી નોકરી તમે કેટલી મુદ્દત સુધી માગો છો? મને તમે પગાર શું આપશો?’

તમારું કામ એક વર્ષથી વધારે નહીં પડે. તમને ફર્સ્ટ ક્લાસનું આવવાજવાનું ભાડું ને રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત ૧૦૫ પાઉંડ આપીશું.’

મેં તો પગાર વિષે રકઝક કર્યા વિના શેઠ અબદુલ કરીમની દરખાસ્ત કબૂલ રાખી ને દક્ષિણ આફ્રિકા જવા તૈયાર થયો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૪. પહેલો આઘાત

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફિસ ખોલી. કંઈક ગાડું ચાલ્યું.

મુંબઈમાં કમિશન નહીં આપવાની મારી ટેક હતી તે અહીં તૂટી ગણાય.

જોકે મારું આર્થિક ગાડું તો ચાલ્યું, પણ જિંદગીનો પહેલો આઘાત આ અરસામાં મળ્યો. બ્રિટિશ અમલદાર એટલે શું એ હું કાને સાંભળતો. નજરોનજર જોવાનું મને હવે મળ્યું.

પોરબંદરના માજી રાણાસાહેબને ગાદી મળી તે પૂર્વે મારા ભાઈ તેમના મંત્રી ને સલાહકાર હતા. તે દરમ્યાન તેમણે રાણાસાહેબને ખોટી સલાહ આપ્યાનું તહોમત તેમની ઉપર હતું. આ ફરિયાદ તે સમયના પોલિટિકલ એજન્ટને મળેલી ને તે મારા ભાઈની સામે ભરમાયા હતા. આ અમલદારને હું વિલાયતમાં મળેલો હતો. ત્યાં તેમણે મારી મૈત્રી ઠીક કરી કહેવાય. ભાઈએ વિચાર્યું કે, આ ઓળખાણનો લાભ લઈ મારે પોલિટિકલ એજન્ટને બે શબ્દો કહેવા ને તેમની ઉપર જે ખરાબ અસર પડી હોય તે ભૂંસવા પ્રયત્ન કરવો. મને આ વાત જરાયે પસંદ ન પડી.

ભાઈનું મોં ન મૂકી શક્યો. મારી મરજી વિરુદ્ધ હું ગયો. મને અમલદારની પાસે જવાનો કશો અધિકાર નહોતો. જવામાં મારા સ્વમાનનો ભંગ થતો હતો એની મને શુદ્ધિ હતી. મેં મળવાનો વખત માગ્યો; મને મળ્યો; હું ગયો. જૂની ઓળખાણ કાઢી. પણ મેં તુરત જોયું કે વિલાયત અને કાઠિયાવાડમાં ભેદ હતો; પોતાની ખુરશીએ બેઠેલા અમલદાર અને રજા ઉપર ગયેલ અમલદારમાં પણ ભેદ હતો.

મેં મારું પ્રકરણ ઉખેળ્યું. સાહેબ અધીરા થયા. ‘તારા ભાઈ ખટપટી છે. તારી પાસેથી વધારે વાત સાંભળવા હું નથી માગતો. મને વખત નથી. તારા ભાઈને જો કંઈ કહેવું હોય તો તે રીતસર અરજી કરે.’ આ ઉત્તર બસ હતો, યથાર્થ હતો; પણ ગરજને જ્ઞાન ક્યાંથી હોય? હું તો મારું પ્રકરણ ચલાવી રહ્યો હતો. સાહેબ ઊઠ્યા. ‘હવે તમારે જવું જોઈએ.’

મેં કહ્યું, ‘પણ મારી વાત તો પૂરી સાંભળો.’

સાહેબ ખૂબ ખિજાયા. ‘પટાવાળા, ઇસકો દરવાજા બતાઓ.’

‘હજૂર’ કહી પટાવાળો દોડી આવ્યો. હું તો હજુ કંઈક બકી રહ્યો હતો. પટાવાળાએ મને હાથ લગાડ્યો ને મને દરવાજાની બહાર કાઢ્યો.

સાહેબ ગયા, પટાવાળો ગયો. હું ચાલ્યો, અકળાયો, ખિજાયો. મેં તો ચિઠ્ઠી ઘસડી: ‘તમે મારું અપમાન કર્યું છે, પટાવાળાની મારફતે મારી ઉપર હુમલો કર્યો છે. તમે માફી નહીં માગો તો તમારા ઉપર રીતસર ફરિયાદ કરીશ.’ આ ચિઠ્ઠી મેં મોકલી. થોડી જ વારમાં સાહેબનો સવાર જવાબ આપી ગયો:

‘તમે મારા તરફ અસભ્યપણે વર્ત્યા. તમને જવાનું કહ્યું છતાં તમે ન ગયા, તેથી મેં જરૂર મારા પટાવાળાને તમને દરવાજો દેખાડવા કહ્યું, ને પટાવાળાના કહેવા છતાં તમે કચેરી ન છોડી. તેણે તમને કચેરી બહાર કાઢવા પૂરતું બળ વાપર્યું. તમારે જે પગલાં લેવાં હોય તે લેવા તમે છૂટા છો.’ જવાબની આ મતલબ હતી.

આ સમયે સર ફિરોજશા મહેતા પોતાના કોઈક કેસસર રાજકોટમાં હતા. તેમને મારા જેવો નવો બારિસ્ટર તો ક્યાંથી મળી શકે? પણ તેમને રોકનાર વકીલની મારફતે તેમને કાગળિયાં મોકલી તેમની સલાહ પુછાવી. ‘ગાંધીને કહો, આવા કિસ્સા તો બધા વકીલ બારિસ્ટરના અનુભવમાં આવ્યા હશે. તું નવોસવો છે. તને હજુ વિલાયતની ખુમારી છે. તું બ્રિટિશ સમલદારને ઓળખતો નથી. જો તારે સુખેથી બેસવું હોય ને બે પૈસા કમાવા હોય તો તને મળેલી ચિઠ્ઠી ફાડી નાંખ અને થયેલું અપમાન ગળી જા.

મને આ શિખામણ કડવી ઝેર લાગી. પણ તે કડવો ઘૂંટડો ગળે ઉતાર્યે છૂટકો હતો. હું અપમાન ભૂલી તો ન જ શક્યો, પણ મેં તેનો સદુપયોગ કર્યો. ‘આવી સ્થિતિમાં ફરી કોઈ દિવસ નહીં મુકાઉં, કોઈની સિફારસ આમ નહીં કરું.’ આ નિયમનો કદી ભંગ નથી કર્યો. આ આઘાતે જિંદગીનું સુકાન બદલ્યું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૩. પહેલો કેસ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઈનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો.

વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. ‘ફિરોજશાની હોશિયારીનું કારણ તેમનું કાયદાનું અગાધ જ્ઞાન છે. તેમને ‘એવિડન્સ ઍક્ટ’ તો મોઢે જ છે. બત્રીસમી કલમ ઉપરના એકેએક કેસ તેઓ જાણે. બદરુદ્દીનની બાહોશી તો એવી છે કે જ’જો તેમનાથી અંજાઈ જાય છે. તેમની દલીલ કરવાની શક્તિ અદ્ભુત છે.’

જેમ જેમ આવા અડીખમોની વાતો સાંભળું તેમ તેમ હું ગભરાઉં.

દર માસે ખર્ચ પડે. બહાર બારિસ્ટરનું પાટિયું ચોડવું ને ઘરમાં બારિસ્ટરી કરવાને સારુ તૈયારી કરવી! આ મેળ મારું મન કેમે ન મેળવી શકે. એટલે મારું વાચન વ્યાકુળ ચિત્તે ચાલ્યું.

એટલામાં મમીબાઈનો કેસ મારે નસીબે આવ્યો. સ્મૉલકોઝ કોર્ટમાં જવાનું હતું. ‘દલાલને કમિશન આપવું પડશે!’ મેં ઘસીને ના પાડી.

હું એક ટળી બે ન થયો. કમિશન ન જ આપ્યું. પણ મમીબાઈનો કેસ તો મળ્યો. કેસ સહેલો હતો. મને બ્રીફના રૂ. ૩૦ મળ્યા. કેસ એક દિવસથી વધારે ચાલે તેમ નહોતું.

સ્મૉલકોઝ કોર્ટમાં પહેલવહેલો દાખલ થયો. હું પ્રતિવાદી તરફથી હતો. એટલે મારે ઊલટતપાસ કરવાની હતી. હું ઊભો તો થયો પણ પગ ધ્રુજે, માથું ફરે. મને લાગે કે કોર્ટ ફરે છે. સવાલ પૂછવાનું સૂઝે જ નહીં.

હું બેઠો. દલાલને કહ્યું, ‘મારાથી આ કેસ નહીં ચલાવાય, પટેલને રોકો. મને આપેલી ફી પાછી લો.’ પટેલને તે જ દહાડાના એકાવન રૂપિયા આપી રોક્યા. તેમને તો રમતવાત હતી.

હું નાઠો. મને યાદ નથી કે અસીલ જીત્યો કે હાર્યો. હું શરમાયો. પૂરી હિમત ન આવે ત્યાં લગી કેસ ન લેવાનો નિશ્ચય કર્યો ને દક્ષિણ આફ્રિકા ગયો ત્યાં લગી કોર્ટમાં ન જ ગયો.

પણ હજુ એક બીજો કેસ મુંબઈમાં મળવાનો હતો ખરો. આ કેસ અરજી ઘડવાનો હતો.
મેં અરજી ઘડી. મિત્રવર્ગને વંચાવી. તે અરજી પાસ થઈ ને મને કંઈક વિશ્વાસ બેઠો કે, હું અરજી ઘડવા જેટલો લાયક હોઈશ,-હતો પણ ખરો.

પણ મારો ઉદ્યોગ વધતો ગયો. મફત અરજીઓ ઘડવાનો ધંધો કરું તો અરજીઓ લખવાનું તો મળે, પણ તેથી કંઈ છોકરાં ઘૂઘરે રમે?

મેં ધાર્યું કે હું શિક્ષકનું કામ કરી શકું ખરો. અંગ્રેજીનો અભ્યાસ ઠીક કર્યો હતો. એટલે, કોઈ નિશાળમાં મૅટ્રિક્યુલેશન ક્લાસમાં અંગ્રેજી શીખવવાનું કામ મળે તો તે શીખવું. કંઈક ખાડો તો પુરાય!

મેં છાપામાં જાહેરખબર વાંચી: ‘જોઈએ છે, અંગ્રેજી શિક્ષક.

મેં અરજી કરી. મને રૂબરૂ મળવાની આશા થઈ. હું હોંશે હોંશે ગયો. પણ જ્યારે આચાર્યે જાણ્યું કે હું બી.એ. નથી, ત્યારે મને દિલગીરીની સાથે રજા આપી.

હું લાચાર થયો. મારા હાથ હેઠા પડ્યા. મોટાભાઈ પણ ચિંતામાં પડ્યા. અમે બંનેએ વિચાર્યું કે મુંબઈમાં વધારે કાળ ગાળવો નિરર્થક છે. મારે રાજકોટમાં જ સ્થિર થવું.

મુંબઈમાં રહ્યો તે દરમ્યાન હાઈકોર્ટમાં હું રોજ જતો. પણ ત્યાં કંઈ શીખ્યો એમ ન કહી શકું.

આ યુગમાં પણ મારા જેવા બેકાર બારિસ્ટરો જો કોઈ મુંબઈમાં હોય તો તેમને સારુ એક નાનો સરખો અનુભવ અહીં ટાંકું છું.

ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણેભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે તે સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડ્યો હોઉં એમ મને સ્મરણ નથી. જ્યારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૨. સંસારપ્રવેશ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

વડીલ ભાઇએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કિર્તિનો અને હોદ્દાનો પુષ્કળ લોભ હતો. તેમનુ હ્રદય બાદશાહી હતુ. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી.

જ્ઞાતિનો ઝગડો ઊભો જ હતો. બે તડ પડી ગયા હતાં. એક પક્ષે મને તુરંત નાતમાં લઇ લીધો. બીજો પક્ષ ન લેવા તરફ ચુસ્ત રહ્યો. નાતમાં લેનાર પક્ષને સંતોષવા ખાતર રાજકોટ લઈ જતાં પહેલાં ભાઈ મને નાસિક લઈ ગયા. ત્યાં ગંગાસ્નાન કરાવ્યુ, ને રાજકોટમાં પહોંચતા નાત જમાડી.

આ કામમાં મને રસ ન પડ્યો.

જે તડથી હું નાતબહાર રહ્યો તેમાં પ્રવેશ કરવા મેં કદી પ્રયત્ન ન કર્યો. ન મેં નાતના કોઈ પણ શેઠ પ્રત્યે મનમાંયે રોષ કર્યો. મારા પ્રત્યે તિરસ્કારની નજરે જોનાર પણ તેમાં હતા. તેઓની સાથે નમીને ચાલતો. નાતના બહિષ્કારના કાયદાને સંપૂર્ણ માન આપતો.

મારા આ વર્તનનું પરિણામ એ આવ્યુ કે નાત તરફથી મને કદી કશો ઉપદ્રવ થયાનુ મને યાદ નથી. એટલુ જ નહી પણ, જોકે હું હજુ આજે પણ નાતના એક વિભાગથી કાયદેસર બહિષ્કૃત ગણાઉં છું છતાં તેમના તરફથી મેં માન અને ઉદારતા જ અનુભવ્યા છે. તેઓએ મને મારા કાર્યમાં મદદ પણ કરી છે, અને નાત પરત્વે હું કંઈ પણ કરૂ એવી મારી પાસેથી આશા સરખી નથી કરી. આ મીઠું ફળ કેવળ અપ્રતિકારને આભારી છે એમ મારી માન્યતા છે.

સ્રીની સાથેનો મારો સંબંધ હજુ હું ઈચ્છુ તેવો ન થયો. મારો દ્વેષી સ્વભાવ વિલાયત જતાં પણ હું ન મૂકી શક્યો. દરેક વાતમાં મારી ખાંખદ ને મારો વહેમ જારી રહ્યાં.

છોકરાઓની કેળવણી વિષે પણ મારે સુધારા કરવાં હતા. વડીલ ભાઈને છોકરા હતાં ને હું પણ એક બાળક મૂકી ગયો હતો તે હવે ચાર વર્ષનો થવા આવ્યો હતો. આ બાળકોને કસરત કરાવવી, તેમને મજબૂત કરવાં, ને મારો સહવાસ આપવો, એમ ધારણા હતી, આમાં ભાઈની સહાનુભુતિ હતી. થોડે ઘણે અંશે હું આમા સફળતા મેળવી શક્યો.

ખાવામાં પણ સુધારા કરવા જોઈએ એ તો સ્પષ્ટ હતું. ઘરમાં ચાકોફીને તો સ્થાન મળી ચુક્યું હતું.ચાકોફીને બદલે કોકો, પણ બદલો તો નામનો હતો, ચાકોફીમાં કોકોનો ઉમેરો જ થયો. બૂટમોજાંએ તો ઘર ઘાલ્યુ જ હતું. મેં કોટપાટલૂનથી ઘર પુનિત કર્યુ !

આમ ખરચ વધ્યું. નવીનતાઓ વધી. ઘેર ધોળૉ હાથી બંધાયો. પણ ખરચ લાવવુ ક્યાંથી ?

મિત્રની સલાહ એમ પડી કે મારે થોડો વખત મુંબઈ જઈ હાઈકોર્ટનો અનુભવ લેવો તથા હિંદુસ્તાનના કાયદાનો અભ્યાસ કરવો, ને કંઈ વકિલાત મળે તો મેળવવા કોશિશ કરવી. હું મુંબઈ જવા ઊપડયો.

ઘર માંડ્યુ. રસોઈયો રાખ્યો. રસોઈયો મારા જેવોજ હતો. બ્રાહ્મણ હતોં. મેં તેને નોકરની જેમ તો રાખ્યો જ નહીં. આ બ્રાહ્મણ નહાય પણ ધુએ નહીં, ધોતિયુ મેલું, જનોઈ મેલીં, શાસ્રનો અભ્યાસ ન મળૅ. વધારે સારો રસોઈઓ ક્યાંથી લાવું ?

મારે રવિશંકરના શિક્ષક થવાનું રહ્યુ, વખત તો પુષ્કળ હતો. અરધુ રવિશંકર રાંધે ને અરધુ હું. હું પોતે પંગતભેદ તો પાળતો જ નહોતો. રવિશંકરને પંગતનો આગ્રહ નહોતો. એટલે અમારો મેળ ઠીક જામ્યો. માત્ર આટલી શરત-આથવા કહો મુસીબત હતી : રવિશંકરે મેલની ભાઈબંધી છોડવાના ને રસોઈ સાફ રાખવાના સમ ખાધા હતા !

મારાથી ચાર પાંચ માસથી વધારે મુંબઈ રહેવાય તેમ હતુ જ નહીં, કેમકે ખર્ચ વધતું જાય ને આવક કંઈ જ નહીં.

આમ મેં સંસારમાં પ્રવેશ કર્યો. બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૭)

સત્યના પ્રયોગોના પ્રથમ ભાગની વાંચન યાત્રા નિર્વીઘ્ને પુર્ણ થઈ. આજથી આપણે બીજા ભાગની યાત્રામાં પ્રવેશ કરશું.


સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧. રાયચંદભાઈ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


શ્રીમદ રાજચંદ્ર


છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબઈના બારામાં દરિયો તીખો હતો. જૂન-જુલાઈમાં હિંદી મહાસાગરને વિષે એ નવાઈની વાત ન ગણાય.

આ બહારનું તોફાન મારે મન તો અંતરના તોફાનના ચિહ્‌નરૂપ હતું. પણ બહારના તોફાન છતાં જેમ હું શાંત રહી શક્યો તેમ અંતરના તોફાન વિષે પણ કહી શકાય એમ મને લાગે છે. ન્યાતનો પ્રશ્ન તો હતો જ. ધંધાની ચિંતાને વિષે લખી ચૂક્યો છું. વળી હું સુધારક રહ્યો એટલે મનમાં કેટલાક સુધારા કલ્પી રાખ્યા હતા તેની પણ ફિકર હતી. બીજી અણધારી ઉત્પન્ન થઈ.

માતાના સ્વર્ગવાસ વિષે હું કંઈ નહોતો જાણતો. ઘેર પહોંચ્યા પછી તે ખબર મને આપ્યા ને સ્નાન કરાવ્યું. મને આ ખબર વિલાયતમાં જ મળી શકત; પણ આઘાત ઓછો કરવાને ખાતર મુંબઈ પહોંચું ત્યાં લગી ખબર ન જ આપવા એવો નિશ્ચય મોટાભાઈએ કરી લીધો હતો. મારા દુઃખ ઉપર હું પડદો નાખવા ઈચ્છું છું. પિતાના મૃત્યુથી મને જે આઘાત પહોંચ્યો હતો તેના કરતાં આ મૃત્યુના ખબરથી મને બહુ વધારે પહોંચ્યો. મારી ઘણી ધારેલી મુરાદો બરબાદ ગઈ. પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ વ્યવહાર શરૂ કર્યો.

દાક્તર મહેતાએ જે ઓળખાણો તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ ચાલે. તેમના ભાઈ રેવાશંકર જગજીવનની સાથે તો જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઈચ્છું છું તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની.

તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું:

હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે,
મારું જીવ્યું સફળ તવ લેખું રે;
મુક્તાનંદનો નાથ વિહારી રે,
ઓધા જીવનદોરી અમારી રે.

એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.

જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગુઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું.

દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેય હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.

રાયચંદભાઈને વિષે મારો આટલો આદર છતાં, તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે.

અહીં તો એટલું કહેવું બસ થશે કે, મારા જીવન પર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ’વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ’અન ટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગો તે તે સ્થળે ચર્ચાશે.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૫. મારી મૂંઝવણ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

બારિસ્ટર કહેવાવું સહેલું લાગ્યું, પણ બારિસ્ટરું કરવું અધરું જણાયું. કાયદાઓ વાંચ્યા પણ વકીલાત કરવાનું ન શીખ્યો. કાયદામાં મેં કેટલાક ધર્મસિદ્ધાંતો વાંચ્યા તે ગમ્યા. પણ તેમનો ધંધામાં કેમ ઉપયોગ કરી શકાશે એ સમજ ન પડી.

ફિરોજશા મહેતા

હું તો ખૂબ મૂંઝાયો. ફિરોજશા મહેતાનું નામ સાંભળ્યું હતું. એ અદાલતોમાં સિંહની જેમ ગર્જના કરે છે તે વિલાયતમાં કઈ રીતે શીખ્યા હશે ? તેમના જેટલી હોશિયારી તો આ જન્મે આવવાની નથી જ, પણ વકીલ તરીકે આજીવિકા મેળવવાની શક્તિ આવવા વિષે પણ મને મહા શંકા પેદા થઇ.

આ ગડમથલ કાયદાનો મારો અભ્યાસ ચાલી રહ્યો હતો તે દરમ્યાન જ ચાલતી હતી. મારી મુશ્કેલીઓ એક બે મિત્રોને જણાવી. તેમણે દાદાભાઈની સલાહ લેવા સૂચવ્યું. દાદાભાઈ ઉપર મારી પાસે કાગળ હતો એ તો હું અગાઉ લખી ચૂકયો છું. એ કાગળનો ઉપયોગ મેં મોડો કર્યો.એવા મહાન પુરુષને મળવા જવાનો મને શો અધિકાર હોય? છેવટે તેમને પેલો ભલામણપત્ર આપવાની હિંમત તો મેં કરી. તેમને મળ્યો. તેમણે મને કહેલું: ‘તારે મને મળવું હોય ને કંઈ સલાહ જોઇતી હોય તો જરૂર મળજે.’ પણ મે તેમને કદી તસ્દી ન આપી. બહુ ભીડ વિના તેમનો વખત રોકવો મને પાપ લાગ્યું. એટલે મજકૂર મિત્રની સલાહને વશ થઇ દાદાભાઈની પાસે મારી મુશ્કેલીઓ રજૂ કરવાની મારી હિંમત ન ચાલી.

તે જ મિત્ર કે કોઈ બીજાએ મિ. ફ્રેડરિક પિકટને મળવાની મને સૂચના કરી. મિ. પિકટ કૉન્ઝરવેટિવ પક્ષના હતા. પણ તેમનો હિંદીઓ પ્રત્યેનો પ્રેમ નિર્મળ ને નિ:સ્વાર્થ હતો. ઘણા વિદ્યાર્થીઓ તેમની સલાહ લેતા. તેથી તેમને ચિઠ્ઠી લખી મેં મળવાનો વખત માગ્યો તેમણે વખત આપ્યો. તેમને મળ્યો. આ મુલાકાત હું કદી ભૂલી નથી શકયો. મિત્રની જેમ તેઓ મને મળ્યા. મારી નિરાશાને તો તેમણે હસી જ કાઢી. ‘તું એમ માને છે કે બધાને ફિરોજશા મહેતા થવાની જરૂર છે ? ફિરોજશા કે બદરુદ્દીન એક બે જ હોય. તું ખચીત માનજે કે સામાન્ય વકીલ થવામાં ભારે હોશિયારીની જરૂર નથી હોતી. સામાન્ય પ્રામાણિકતાથી ને ખંતથી મનુષ્ય વકીલાતનો ધંધો સુખેથી ચલાવી શકે. બધા કેસોમાં કંઈ આંટીધૂંટીઓ નથી હોતી. વારુ, તારું સામાન્ય વાચન શું છે ?’

તારું દર્દ હવે સમજયો. તારું સામાન્ય વાચન બહુ થોડું છે. તને દુનિયાનું જ્ઞાન નથી. વકીલને તે વિના ન ચાલે.

મેં આ બુજર્ગ મિત્રનો ખૂબ આભાર માન્યો. તેમની હાજરીમાં તો મારી ભીતિ ક્ષણભર જતી રહી, પણ બહાર નીકળ્યો કે તુરત મારો ગભરાટ પાછો શરૂ થયો. શેકસપિયરના ચહેરાનો અભ્યાસ કર્યો. પણ લંડનના રસ્તાઓ પર ચાલતા શેકસપિયરોને ઓળખવાની શક્તિ તો ન જ આવી.

મિ. પિંકટની સલાહનો સીધો ઉપયોગ મને થોડો જ થયો, પણ તેમના સ્નેહનો ઉપયોગ બહુ થયો. તેમના હસમુખો ઉદાર ચહેરો યાદ રહી ગયો. તેમનાં વચન ઉપર શ્રદ્ધા રાખી કે, વકીલાત કરવા સારુ ફિરોજશા મહેતાની હોશિયારી, યાદશક્તિ, વગેરેની આવશ્યકતા ન હોય; પ્રામાણિકપણાથી ને ખંતથી કામ ચલાવાશે. એ બેની મૂડી તો મારી પાસે ઠીક પ્રમાણમાં હતી એટલે ઊંડે કંઇક આશા આવી.

કે અને મૅલેસનનું પુસ્તક તો હું વિલાયતમાં ન જ વાંચી શકયો. પણ તે પહેલી તકે વાંચી લેવા ધાર્યુ હતું. તે મુરાદ દક્ષિણ આફ્રિકામાં બર આવી.

આમ નિરાશામાં જરાક જેટલું આશાનું મેળવણ લઈ ધ્રુજતે પગે હું મુંબઈને બંદરે ‘આસામ’ સ્ટીમરમાંથી ઊતર્યો. બંદર પર દરિયો ગરમ હતો. લૉન્ચમાં ઊતરવાનું હતું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૪. બારિસ્ટર તો થયા—પણ પછી?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.


આ પ્રકરણના થોડા અંશો :

જે કામ—બારિસ્ટર થવા—ને સારુ હું વિલાયત ગયો હતો તેનું મેં શું કર્યું એનું વર્ણન મેં આટલે લગી મુલતવી રાખ્યું છે. હવે તેને વિષે કંઈક લખવાનો સમય આવ્યો છે.

બારિસ્ટર થવા સારુ બે વસ્તુની જરૂર હતી. એક તો ’ટર્મ ભરવી’ એટલે સત્ર સાચવવાં. વર્ષમાં ચાર સત્ર હોય. એવા બાર સાચવવાં. બીજી વસ્તુ કાયદાની પરીક્ષા આપવી. સત્ર સાચવવાં એનો અર્થ ’ખાણાં ખાવાં’, એટલે કે, દરેક સત્રમાં લગભગ ચોવીસ ખાણાં હોય તેમાંથી છ ખાવાં. ખાણાં ખાવાં એટલે ખાવું જ એવો નિયમ નહીં; પણ નીમેલે વખતે હાજર થવું ને ખાણું પૂરું થવાનો વખત થાય ત્યાં સુધી બેઠા રહેવું.

વિદ્યાર્થીઓને સારુ એક જાતનું ખાણું ને ’બેન્ચરો’ (વિદ્યામંદિરના વડાઓ)ને સારુ બીજું ને ભારે ખાણું હોય. મારી સાથે એક પારસી વિદ્યાર્થી હતા તે પણ અન્નાહારી બન્યા હતા. અમે બંનેએ અન્નાહારના પ્રચારાર્થે બેન્ચરના ખાણામાંથી અન્નાહારીને ખપતા પદાર્થોની અરજી કરી. તે અરજી મંજૂર રહી, એટલે અમને બેન્ચરના તેબલ ઉપરથી ફળાદિ અને બીજાં શાક મળવા લાગ્યાં.

આ ખાણાંપીણાંથી બારિસ્ટરીમાં શો વધારો થઈ શકે એ હું ન ત્યારે જોઈ શક્યો, ન પાછળથી. એવો એક સમય હતો ખરો કે જ્યારે આ ખાણામાં થોડા જ વિદ્યાર્થીઓ હતા ને તેઓ તથા બેન્ચરો વચ્ચે વાર્તાલાપ થતો ને ભાષણો પણ થતાં. આમાંથી તેઓ વ્યવહારજ્ઞાન મેળવી શકતા, સારી માઠી પણ એક પ્રકારની સભ્યતા કેળવતા, અને ભાષણ કરવાની શક્તિ વધારતા. આ બધું મારા વખતમાં તો અશક્ય જ હતું. બેન્ચરો તો છેટે અસ્પૃશ્ય થઈ બેઠા હોય. આ જૂના રિવાજનો પાછળથી કશો અર્થ ન રહ્યો. છતાં તે પ્રાચીનતાપ્રેમી—ધીમા—ઇંગ્લંડમાં રહી ગયો.

કાયદાનો અભ્યાસ સહેલો હતો. બારિસ્ટરો વિનોદમાં ’ડિનર (ખાણાના) બારિસ્ટર’ તરીકે જ ગણાતા. સહુ જાણતા કે પરીક્ષાની કિંમત નહીં જેવી હતી. મારા સમયમાં બે પરીક્ષાઓ હતી : રોમન લૉ અને ઇંગ્લંડના કાયદા. બે કકડે અપાતી આ પરીક્ષાનાં પુસ્તકો મુકરર હતાં. પણ તે તો ભાગ્યે જ કોઈ વાંચે.

પણ મેં તેને બોજારૂપ કરી મૂકી. મને લાગ્યું કે મારે અસલ પુસ્તકો વાંચી જ જવા જોઈએ. ન વાંચવામાં મને છેતરપિંડી લાગી. તેથી મેં તો અસલ પુસ્તકો ખરીદી ઠીક ખર્ચ કર્યું. ’રોમન લૉ’ લૅટિનમાં વાંચી જવાનો નિશ્ચય કર્યો. વિલાયતની મૅટ્રિક્યુલેશનમાં હું લૅટિન શીખેલો તેનો અહીં ઉપયોગ થયો. આ વાચન વ્યર્થ ન ગયું. દક્ષિણ આફ્રિકામાં રોમન ડચ લૉ પ્રમાણભૂત હોય છે. તે સમજવામાં મને જસ્ટિનિયનનું વાચન બહુ ઉપયોગી થઈ પડ્યું.

પરીક્ષાઓ પસાર કરી. ૧૮૯૧નો દસમી જૂને હું બારિસ્ટર કહેવાયો, અગિયારમીએ ઇંગ્લંડની હાઈકોર્ટમાં અઢી શિંલિંગ આપી મારું નામ નોંધાવ્યું, બારમી જૂને હિંદુસ્તાન તરફ પાછો વળ્યો.

પણ મારી નિરાશા અને ભીતિનો પાર નહોતો. કાયદાઓ વાંચ્યા તો ખરા, પણ હું વકીલાત કરી શકું એવું તો મને કંઈ જ નથી આવડ્યું એમ લાગ્યું.

આ વ્યથાના વર્ણનને સારુ નોખું પ્રકરણ જોઈએ.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૩. મહાપ્રદર્શન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.


એફિલ ટાવર


પેરીસની એક ઝલક


Leo Tolstoy


આ પ્રકરણના થોડા અંશો :

સન ૧૮૯૦માં પારીસમાં મહાપ્રદર્શન ભરાયું હતું. તેની તૈયારીઓ વિષે હું વાંચતો. પારીસ જોવાની તો તીવ્ર ઈચ્છા હતી જ. આ પ્રદર્શન જોવા જાઉં તો બેવડો લાભ થાય એમ વિચાર્યું. પ્રદર્શનમાં એફીલ ટાવર જોવાનું ખેંચાણ બહુ હતું. એ ટાવર કેવળ લોખંડનો છે. એક હજાર ફૂટ ઊંચો છે. એક હજાર ફૂટ ઊંચુ મકાન ઊભું જ ન રહી શકે એવી તે પહેલાં કલ્પના હતી. બીજું તો પ્રદર્શનમાં ઘણું યે હતું.

પારીસના પ્રાચીન દેવળો યાદ રહી ગયાં છે. તેમની ભવ્યતા, તેમની અંદર મળતી શાંતિ ન ભુલાય તેવાં છે. નોત્રદામની કારીગરી ને અંદરનું ચિત્રકામ યાદ રહી ગયાં છે. જેમણે લાખો રૂપિયા આવાં સ્વર્ગીય દેવળોમાં નાખ્યા હશે તેમનામાં ઊંડે ઊંડે ઈશ્વરપ્રેમ તો હશે જ એમ લાગેલું.

દેવળમાં પેસતાં જ બહારની અશાંતિ ભુલાઈ જાય. લોકોની વર્તણૂક બદલાઈ જાય. લોકો અદબથી વર્તે. ત્યાં ઘોંધાટ હોય નહીં. કુમારિકા મરિયમની મૂર્તિ આગળ કોઈ ને કોઈ પ્રાર્થના કરતું જ હોય. આ બધો વહેમ નથી પણ હ્રદયની ભાવના છે, એ અસર ત્યારે થઈ ને તે વૃદ્ધિ પામતી ગઈ છે. કુમારિકાની મૂર્તિ સમક્ષ ઘૂંટણે પડીને પ્રાર્થના કરનારા ઉપાસકો આરસના પથ્થરને નહોતા પૂજતા, પણ તેમાં રહેલી તેમની કલ્પનાની શક્તિને પૂજતા હતા. તેથી તેઓ ઈશ્વરનો મહિમા ઓછો નહોતા કરતા પણ વધારતા હતા, એવી અસર મારા મન ઉપર થવાનું ઝાંખુ સ્મરણ મને આજ પણ છે.

એફિલ ટાવર વિષે બે બોલ આવશ્યક છે. એફિલ ટાવર હાલ શો અર્થ સારે છે એ હું નથી જાણતો. પ્રદર્શનમાં ગયા પછી પ્રદર્શન વિષે વર્ણનો તો વાંચવામાં આવે જ. તેમાં તેની સ્તુતિ પણ સાંભળી ને નિંદા પણ સાંભળી. નિંદા કરનારામાં અગ્રેસર ટૉલસ્ટોય હતા એવું મને યાદ છે. તેમણે લખેલું કે એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે, તેના જ્ઞાનનુ પરિણામ નથી. તેમના લેખમાં તેમણે જણાવ્યું હતું કે, દુનિયાના ચાલતા ઘણા નશાઓમાં તમાકુનું વ્યસન એક રીતે સહુથી ખરાબ છે. જે કુકર્મ કરવાની હિંમત દારૂ પીવાથી ન આવે તે બીડી પીવાથી આવે છે. દારૂ પીનાર ગાંડો બને છે, જ્યારે બીડી પીનારની અક્કલને ધૂમ્મસ ચડે છે. ને તેથી તે હવાઈ કિલ્લા બાંધવા મંડી જાય છે. એફિલ ટાવર આવા વ્યસનનું પરિણામ છે એવો ટૉલસ્ટૉયે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો હતો.

એફિલ ટાવરમાં કશું સૌંદર્ય તો નથી જ. પ્રદર્શનને તેણે કશી શોભા આપી એમ ન કહી શકાય. એક નવી વસ્તુ છે, તે જોવાને હજારો માણસો ચડ્યા. એ ટાવર પ્રદર્શનનું એક રમકડું હતું. ને જ્યાં સુધી આપણે મોહને વશ છીએ ત્યાં સુધી આપણે પણ બાળક છીએ, એ વસ્તુ આ ટાવર સારી રીતે સિદ્ધ કરે છે એ તેની ઉપયોગિતા ભલે મનાઓ.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૨૨. નારાયણ હેમચંદ્ર

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

આ જ અરસામાં સ્વ. નારાયણ હેમચંદ્ર વિલાયતમાં આવ્યા હતા. લેખક તરીકે તેમનું નામ મેં સાંભળ્યું હતું. તેમને હું નેશનલ ઈન્ડિયન એસોસિયેશનવાળાં મિસ મૅનિંગને ત્યાં મળ્યો.

તેમણે નારાયણ હેમચંદ્રની ઓળખાણ કરાવી.

નારાયણ હેમચંદ્રને અંગ્રેજી નહોતું આવડતું. તેમનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેર્યું હતું. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલે મેલો, બદામી રંગનો કોટ હતો. નેકટાઈ કે કોલર નહોતાં. કોટ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો. માથે ફૂમતાંવાળી ઊનની ગૂંથેલી ટોપી હતી. તેમણે લાંબી દાઢી રાખી હતી. કદ એકવડિયું ઠીંગણું કહીએ તો ચાલે. મોં ઉપર શીળીના ડાઘ હતા. ચહેરો ગોળ. નાક નહીં અણીદાર, નહીં ચીબું. દાઢી ઉપર હાથ ફર્યા કરે. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.

‘આપનું નામ મેં બહુ સાંભળ્યું છે. આપનાં કંઈ લખાણો પણ વાંચ્યાં છે. આપ મારે ત્યાં આવશો?’

નારાયણ હેમચંદ્રનો સાદ ભાંભરો હતો. તેમણે હસમુખે ચહેરે જવાબ આપ્યો:

‘તમે ક્યાં રહો છો?’

‘સ્ટોર સ્ટ્રિટમાં.’

‘ત્યારે તો આપણે પડોશી છીએ. મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો?’

મેં જવાબ આપ્યો, ‘જો આપને કંઈ મદદ દઈ શકું તો હું રાજી થાઉં. મારાથી બનતી મહેનત જરૂર કરીશ. આપ કહેશો તો હું આપને ત્યાં આવીશ.’

‘ના ના, હું જ તમારે ત્યાં આવીશ. મારી કને પાઠશાળા છે તે હું લેતો આવીશ.’

અમે વખત મુકરર કર્યો. અમારી વચ્ચે ભારે સ્નેહગાંઠ બંધાઈ.

નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારીસ ગયા. ત્યાં ફ્રેંચ અભ્યાસ આદર્યો, ને ફ્રેંચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેંચ મને આવડતું હતું, તેથી તે જોઈ જવા કહ્યું. મેં જોયું કે તે તરજુમો ન હતો પણ કેવળ ભાવાર્થ હતો.

છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારુ ‘અસભ્ય પોશાક પહેર્યા’ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

Blog at WordPress.com.