સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૫. ધાર્મિક મંથન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

The Kingdom of God Is Within You

હવે પાછો ખ્રિસ્તી મિત્રો સાથેનો સંબંધ વિચારવાનો સમય આવ્યો છે.

મારા ભવિષ્યને વિષે મિ. બેકરની ચિંતા વધતી જતી હતી. તે મને વેલિંગ્ટન કન્વેન્શનમાં લઈ ગયા.

મિ. બેકરનો અંતિમ આધાર પ્રાર્થનાની શક્તિ ઉપર હતો. પ્રાર્થના વિષે તેમને ખૂબ શ્રદ્ધા હતી.

અમે વેલિંગ્ટન ગયા. મને ‘શ્યામળા સાથી’ને સાથે લેવો એ મિ. બેકરને ભારે પડ્યું. અનેક વેળા મારે ખાતર તેમને અગવડ ભોગવવી પડી.

સંમેલનમાં ભાવિક ખ્રિસ્તીઓનો મેળાપ થયો. તેમની શ્રદ્ધા જોઇ હું રાજી થયો. મિ. મરેની મુલાકાત કરી. મારે સારુ ઘણા પ્રાર્થના કરતા હતા એમ મેં જોયું. તેમનાં કેટલાંક ભજનો મને બહુ મીઠાં લાગ્યાં.

સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. સંમેલનમાં આવનારાની ધાર્મિકતા હું સમજી શક્યો, તેની કદર કરી શક્યો. પણ મને મારી માન્યતામાં—મારા ધર્મમાં—ફેરફાર કરવાનું કારણ ન મળ્યું.

મારી મુશ્કેલીઓ ઊંડી હતી. ‘ઈશુ ખ્રિસ્ત એ જ એક ઈશ્વરનો પુત્ર છે, તેને જે માને તે તરે,’ એ વાત મને ગળે ન ઊતરે. ઈશ્વરને જો પુત્રો હોઇ શકે તો આપણે બધા તેના પુત્રો છીએ. ઈશુ જો ઈશ્વરસમ હોય, ઈશ્વર જ હોય, તો મનુષ્યમાત્ર ઈશ્વરસમ છે; ઈશ્વર થઈ શકે. ઈશુના મૃત્યુથી ને તેના લોહીથી જગતનાં પાપ ધોવાય એ અક્ષરશઃ અર્થમાં માનવા બુદ્ધિ તૈયાર જ ન થાય. રૂપક તરીકે તેમાં સત્ય ભલે હો. વળી ખ્રિસ્તી માન્યતા મુજબ મનુષ્યને જ આત્મા છે, બીજા જીવોને નથી, ને દેહના નાશની સાથે તેમનો સર્વનાશ થઈ જાય છે; ત્યારે મારી માન્યતા આથી વિરુદ્ધ હતી. ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિતીય પુરુષરૂપે નહોતો સ્વીકરી શકતો. ઈશુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યું, પણ તેનાં મૃત્યુમાં કંઈ ગુહ્ય ચમત્કારી અસર હતી એમ મારું હ્રદય સ્વીકારી નહોતું શકતું. ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે બીજા ધર્મીઓના જીવનમાંથી નહોતું મળતું. તેમનાં પરિવર્તન જેવાં જ પરિવર્તન બીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ હિંદુધર્મીઓનો ત્યાગ મને ચડતો જણાયો. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યો.

આ હ્રદયમંથન મેં પ્રસંગો આવતાં ખ્રિસ્તી મિત્રો પાસે મૂક્યું. તેનો જવાબ તેઓ મને સંતોષે તેવો ન આપી શક્યા.

હું જેમ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર ન કરી શક્યો, તેમ હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીપણા વિષે પણ હું નિશ્ચય ન કરી શક્યો. હિંદુ ધર્મની ત્રુટીઓ મારી નજર આગળ સતત તર્યાં કરતી હતી. અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ જણાયું. અનેક સંપ્રદાયો, અનેક નાતજાતોની હસ્તી, હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણિત તો બાઇબલ અને કુરાન કાં નહીં?

જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો. અબદુલ્લા શેઠ મને ઈસ્લામનો અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની ખૂબીઓની ચર્ચા તો કર્યા જ કરે.

મેં મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કઈંક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. તેમના એક વાક્યનો ભાવાર્થ આ હતો: ‘હિંદુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી, એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.’

ટૉલ્સટૉયના ‘વૈકુંઠ તમારા હ્રદયમાં છે’ નામના પુસ્તકે મને ઘેર્યો. તેની છાપ મારા ઉપર બહુ ઊંડી પડી. આ પુસ્તકની સ્વતંત્ર વિચારશૈલી, તેની પ્રૌઢ નીતિ, તેના સત્ય આગળ મિ. કોટ્સે આપેલાં બધાં પુસ્તકો શુષ્ક લાગ્યાં.

આમ, જોકે હું ખ્રિસ્તી મિત્રોને ન ધારેલ માર્ગે ચડ્યો છતાં તેમના સમાગમે મારામાં જે ધર્મજિજ્ઞાસા જાગ્રત કરી તેને સારુ તો હું તેમનો સદાયનો ઋણી બન્યો. એ મારો સંબંધ મને હંમેશા યાદ રહી જશે. તેવા મીઠા અને પવિત્ર સંબંધો ભવિષ્યમાં વધતા ગયા, પણ ઘટ્યા નહીં.

Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: