સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૨૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૩. પહેલો કેસ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઈનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો.

વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. ‘ફિરોજશાની હોશિયારીનું કારણ તેમનું કાયદાનું અગાધ જ્ઞાન છે. તેમને ‘એવિડન્સ ઍક્ટ’ તો મોઢે જ છે. બત્રીસમી કલમ ઉપરના એકેએક કેસ તેઓ જાણે. બદરુદ્દીનની બાહોશી તો એવી છે કે જ’જો તેમનાથી અંજાઈ જાય છે. તેમની દલીલ કરવાની શક્તિ અદ્ભુત છે.’

જેમ જેમ આવા અડીખમોની વાતો સાંભળું તેમ તેમ હું ગભરાઉં.

દર માસે ખર્ચ પડે. બહાર બારિસ્ટરનું પાટિયું ચોડવું ને ઘરમાં બારિસ્ટરી કરવાને સારુ તૈયારી કરવી! આ મેળ મારું મન કેમે ન મેળવી શકે. એટલે મારું વાચન વ્યાકુળ ચિત્તે ચાલ્યું.

એટલામાં મમીબાઈનો કેસ મારે નસીબે આવ્યો. સ્મૉલકોઝ કોર્ટમાં જવાનું હતું. ‘દલાલને કમિશન આપવું પડશે!’ મેં ઘસીને ના પાડી.

હું એક ટળી બે ન થયો. કમિશન ન જ આપ્યું. પણ મમીબાઈનો કેસ તો મળ્યો. કેસ સહેલો હતો. મને બ્રીફના રૂ. ૩૦ મળ્યા. કેસ એક દિવસથી વધારે ચાલે તેમ નહોતું.

સ્મૉલકોઝ કોર્ટમાં પહેલવહેલો દાખલ થયો. હું પ્રતિવાદી તરફથી હતો. એટલે મારે ઊલટતપાસ કરવાની હતી. હું ઊભો તો થયો પણ પગ ધ્રુજે, માથું ફરે. મને લાગે કે કોર્ટ ફરે છે. સવાલ પૂછવાનું સૂઝે જ નહીં.

હું બેઠો. દલાલને કહ્યું, ‘મારાથી આ કેસ નહીં ચલાવાય, પટેલને રોકો. મને આપેલી ફી પાછી લો.’ પટેલને તે જ દહાડાના એકાવન રૂપિયા આપી રોક્યા. તેમને તો રમતવાત હતી.

હું નાઠો. મને યાદ નથી કે અસીલ જીત્યો કે હાર્યો. હું શરમાયો. પૂરી હિમત ન આવે ત્યાં લગી કેસ ન લેવાનો નિશ્ચય કર્યો ને દક્ષિણ આફ્રિકા ગયો ત્યાં લગી કોર્ટમાં ન જ ગયો.

પણ હજુ એક બીજો કેસ મુંબઈમાં મળવાનો હતો ખરો. આ કેસ અરજી ઘડવાનો હતો.
મેં અરજી ઘડી. મિત્રવર્ગને વંચાવી. તે અરજી પાસ થઈ ને મને કંઈક વિશ્વાસ બેઠો કે, હું અરજી ઘડવા જેટલો લાયક હોઈશ,-હતો પણ ખરો.

પણ મારો ઉદ્યોગ વધતો ગયો. મફત અરજીઓ ઘડવાનો ધંધો કરું તો અરજીઓ લખવાનું તો મળે, પણ તેથી કંઈ છોકરાં ઘૂઘરે રમે?

મેં ધાર્યું કે હું શિક્ષકનું કામ કરી શકું ખરો. અંગ્રેજીનો અભ્યાસ ઠીક કર્યો હતો. એટલે, કોઈ નિશાળમાં મૅટ્રિક્યુલેશન ક્લાસમાં અંગ્રેજી શીખવવાનું કામ મળે તો તે શીખવું. કંઈક ખાડો તો પુરાય!

મેં છાપામાં જાહેરખબર વાંચી: ‘જોઈએ છે, અંગ્રેજી શિક્ષક.

મેં અરજી કરી. મને રૂબરૂ મળવાની આશા થઈ. હું હોંશે હોંશે ગયો. પણ જ્યારે આચાર્યે જાણ્યું કે હું બી.એ. નથી, ત્યારે મને દિલગીરીની સાથે રજા આપી.

હું લાચાર થયો. મારા હાથ હેઠા પડ્યા. મોટાભાઈ પણ ચિંતામાં પડ્યા. અમે બંનેએ વિચાર્યું કે મુંબઈમાં વધારે કાળ ગાળવો નિરર્થક છે. મારે રાજકોટમાં જ સ્થિર થવું.

મુંબઈમાં રહ્યો તે દરમ્યાન હાઈકોર્ટમાં હું રોજ જતો. પણ ત્યાં કંઈ શીખ્યો એમ ન કહી શકું.

આ યુગમાં પણ મારા જેવા બેકાર બારિસ્ટરો જો કોઈ મુંબઈમાં હોય તો તેમને સારુ એક નાનો સરખો અનુભવ અહીં ટાંકું છું.

ગીરગામમાં મકાન હતું છતાં હું જવલ્લે જ ગાડીભાડું ખરચતો. ટ્રામમાં પણ ભાગ્યે જ બેસતો. ગીરગામથી ઘણેભાગે નિયમસર ચાલીને જતો. તેમાં ખાસી ૪૫ મિનિટ લાગતી. ને ઘેર પાછો તો અચૂક ચાલીને જ આવતો. દિવસના તડકો લાગે તે સહન કરવાની શક્તિ કેળવી લીધી હતી. આથી મેં ઠીક પૈસા બચાવ્યા ને મુંબઈમાં મારા સાથીઓ માંદા પડતા ત્યારે હું એક પણ દહાડો માંદો પડ્યો હોઉં એમ મને સ્મરણ નથી. જ્યારે હું કમાતો થયો ત્યારે પણ આમ ઑફિસે ચાલીને જવાની ટેવ મેં છેવટ લગી કાયમ રાખી. આનો લાભ હું આજ લગી ઉઠાવી રહ્યો છું.

Advertisements
Categories: સત્યના પ્રયોગો | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: