સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૪. મારી પસંદગી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

મારી મુર્ખાઈને લીધે મને સ્ટીમરમાં દાદર થઈ હતી. સ્ટીમરમાં ખારા પાણીમાં નાહવાનું રહેતું. તેમાં સાબુ ન ભળે અને મેં તો સાબુ વાપરવામાં સભ્યતા માનેલી, એટલે શરીર સાફ થવાને બદલે ચીકણું થયું. એમાંથી દાદર થઈ.

મારા ખોરાકનો પ્રશ્ન બહુ મોટો થઈ પડ્યો. મીઠુંમસાલા વિનાનાં શાકો ભાવે નહીં. ઘરધણી બાઈ મારે સારુ શું રાંધે ? સવારે તો ઓટમીલની ઘેંસ થાય એટલે કંઈક પેટ ભરાય, પણ બપોરે અને સાંજે હંમેશાં ભૂખ્યો રહું. મિત્ર માંસાહાર કરવાનું રોજ સમજાવે. હું તો પ્રતિજ્ઞાની આડ બતાવી મૂંગો થાઉં. તેમની દલીલોને પહોંચી ન શકું.

મિત્રને એક દિવસ ખીજ ચડી તે બોલ્યા : ‘જો તું માનો જણ્યો ભાઈ હોત તો હું તને જરૂર પાછો જ મોકલી દેત. નિરક્ષર માને, અહીંની પરિસ્થિતિ જાણ્યા વિના, આપેલી પ્રતિજ્ઞાની કિંમત શી ? એ પ્રતિજ્ઞા જ ન કહેવાય. હું તને કહું છું કે આને કાયદો પ્રતિજ્ઞા નહીં ગણે. આવી પ્રતિજ્ઞાને વળગી રહેવું એ તો કેવળ વહેમ ગણાય. અને આવા વહેમને વળગી રહી તું આ મુલકમાંથી કંઈ જ દેશ નહીં લઈ જાય તુંતો કહે છે કે તેં માંસ ખાધું છે. તને ભાવ્યું પણ ખરું, જ્યાં ખાવાની કશી જરૂર નહોતી ત્યાં ખાધું. જ્યાં ખાવાની ખાસ જરૂર ત્યાં ત્યાગ ! આ કેવું આશ્ચર્ય !’

હું એક ટળી બે ન થયો.

આવી દલીલો રોજ ચાલે. છત્રીસ રોગનો હરનાર એક નન્નો જ મારી પાસે હતો. મિત્ર જેમ મને સમજાવે તેમ મારી દૃઢતા વધે. રોજ ઈશ્વરની રક્ષા યાચું તે મને મળે. ઈશ્વર કોણ તે હું ન જાણું. પણ પેલી રંભાએ આપેલી શ્રદ્ધા પોતાનું કામ કરી રહી હતી.

એક દિવસ મિત્રે મારી પાસે બેંથમનો ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું. ઉપયોગિતાવાદ વિષે વાંચ્યું, હું ગભરાયો. ભાષા ઊંચી, હું માંડ સમજું. તેનું તેમણે વિવેચન કર્યું. મેં ઉત્તર આપ્યો :

‘મને માફ કરો એમ ઈચ્છું છું. હું આવી ઝીણી વાતો નહીં સમજું. માંસ ખાવું જોઈએ એ હું કબૂલ કરું છું. પણ મારી પ્રતિજ્ઞાનું બંધન હું નહીં તોડી શકું. એને વિષે દલીલ હું નહીં કરી શકું. દલીલમાં તમને હું ન જ જીતું એવી મારી ખાતરી છે, પણ મને મૂરખ માનીને અથવા હઠીલો માનીને આ બાબતમાં મને છોડી દો. તમારો પ્રેમ હું સમજું છું. તમારો હેતુ સમજું છું. તમને હું મારા પરમ હિતેચ્છુ માનું છું. તમને દુ:ખ થાય છે તેથી તમે મને આગ્રહ કરો છો એ પણ હું જોઈ રહ્યો છું, પણ હું લાચાર છું. પ્રતિજ્ઞા નહીં તૂટે.’

ભાઈ શુક્લે વેસ્ટ કેન્સિગ્ટનમાં એક ઍગ્લૉઈંડિયનનું ઘર શોધ્યું ને ત્યાં મને મૂક્યો. ઘરધણી બાઈ વિધવા હતી. તેને મારા માંસત્યાગની વાત કરી. ડોસીએ મારી દેખરેખ રાખવાનું કબૂલ્યું. હું ત્યાં રહ્યો. અહીં પણ ભૂખે દિવસ જાય. મેં ઘેરથી મીઠાઈ વગેરે ખાવાનું મંગાવ્યું હતું તે હજુ આવ્યું નહોતું. બધું મોળું લાગે.

પણ હવે મને પાંખ આવવા લાગી હતી. હજુ અભ્યાસ તો શરૂ નહોતો થયો. માંડ વર્તમાનપત્ર વાંચતો થયો હતો.

મેં તો ભ્રમણ શરૂ કર્યું. મારે નિરામિષ એટલે કે અન્નાહાર આપનારું ભોજનગૃહ શોધવું હતું.

એક દિવસ હું ફૅરિંગ્ડન સ્ટ્રીટ પહોંચ્યો ને ‘વેજિટેરિયન રેસ્ટોરાં’ (અન્નાહારી વીશી) એવું નામ વાંચ્યું, બાળકને મનગમતી વસ્તુ મળવાથી જે આનંદ થાય તે મને થયો. હર્ષઘેલો હું અંદર દાખલ થાઉં તેના પહેલાં તો મેં દરવાજા પાસેની કાચની બારીમાં વેચવાનાં પુસ્તકો જોયાં. તેમાં મેં સૉલ્ટનું ‘અન્નાહારની હિમાયત’ નામનું પુસ્તક જોયું. એક શિલિંગ આપી ખરીદ્યું ને પછી જમવા બેઠો. વિલાયતમાં આવ્યા પછી પેટ ભરીને ખાવાનું પ્રથમ અહીં મળ્યું. ઈશ્વરે મારી ભૂખ ભાંગી.

સૉલ્ટનું પુસ્તક વાંચ્યું. મારા પર તેની છાપ સરસ પડી. આ પુસ્તક વાંચ્યાની તારીખથી હું મરજિયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતો થયો. માતાની પાસે કરેલી પ્રતિજ્ઞા હવે મને વિશેષ આનંદદાયી થઇ પડી; અને જેમ અત્યાર સુધીમાં બધા માંસાહારી થાય તો સારું એમ માનતો હતો, અને પ્રથમ કેવળ સત્યને જાળવવા ખાતર અને પાછળથી પ્રતિજ્ઞા જાળવવાને ખાતર જ માંસત્યાગ કરતો હતો, ને ભવિષ્યમાં કોઈ દહાડો પોતે છૂટથી ઉઘાડી રીતે માંસ ખાઈ બીજાને ખાનારની ટોળીમાં ભેળવવાની હોંશ રાખતો હતો, તેમ હવે જાતે અન્નાહારી રહી બીજાને તેવા બનાવવાનો લોભ જાગ્યો.

Advertisements
Categories: સત્યના પ્રયોગો | ટૅગ્સ: | Leave a comment

પોસ્ટ સંશોધક

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: