Monthly Archives: June 2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૨)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૬. को जाने कल की?

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

Durban Beachfront Skyline

खबर नहीं इस जुगमें पलकी
समझ मन ! को जाने कलकी ?

કેસ પૂરો થયો એટલે પ્રિટોરિયામાં રહેવાનું મને પ્રયોજન ન રહ્યું. હું ડરબન ગયો. ત્યાં જઈ હિંદુસ્તાન પાછા જવાની તૈયારી કરી. અબદુલ્લા શેઠ મને માનપાન વિના જવા દે તેમ નહોતું. તેમણે સિડનહૅમમાં મારે સારુ ખાનપાનનો મેળાવડો કર્યો. ત્યાં આખો દિવસ ગાળવાનો હતો.

મારી પાસે કેટલાંક છાપાં પડ્યાં હતાં. તે હું જોઈ રહ્યો હતો. તેના એક ખૂણામાં મેં એક નાનકડો ફકરો જોયો. મથાળું ’ઇંડિયન ફ્રેંચાઇઝ’ હતું. તેનો અર્થ ’હિંદી મતાધિકાર’ થયો. ફકરાની મતલબ એ હતી કે, હિંદીઓને નાતાલની ધારાસભામાં સભ્યોની ચૂંટણી કરવાના હક હતા તે લઈ લેવા.

મેં અબદુલ્લા શેઠને પૂછ્યું. તેમણે કહ્યું, ’આવી બાબતમાં અમે શું જાણીએ ?

’પણ અહીં જન્મેલા ને અંગ્રીજી ભણેલા આટલા બધા નૌજવાન હિંદીઓ આપણે ત્યાં છે તેનું શું ?’ મેં પૂછ્યું.

’અરે ભાઈ,’ અબદુલ્લા શેઠે કપાળે હાથ મૂક્યો. ’તેમની પાસેથી તે શું મળે ? તે બિચારા આમાં શું સમજે ? તેઓ અમારી પાસે પણ ન ફરકે, ને સાચું પુછાવો તો અમે પણ તેમને ન ઓળખીએ. એ રહ્યા ખ્રિસ્તી એટલે પાદરીઓના પંજામાં. અને પાદરીઓ ગોરા, તે સરકારને તાબે !’

મારી આંખ ઊઘડી. આ વર્ગને અપનાવવો જોઈએ. ખ્રિસ્તી ધર્મનો આ જ અર્થ ? તેઓ ખ્રિસ્તી એટલે દેશના મટ્યા ? ને પરદેશી થયા ?

પણ મારે તો દેશ પાછા ફરવું હતું એટલે ઉપરના વિચારોને મેં મૂર્તિમંત ન કર્યા. અબદુલ્લા શેઠને પૂછ્યું :

’પણ આ કાયદો જો એમ ને એમ પસાર થાય તો તમને ભારે પડવાનો. આ તો હિંદીઓની હસ્તીના નાશનું પહેલું પગથિયું છે. આમાં સ્વમાનની હાનિ છે.’

’તે હોય. પણ તમને હું આ ફરેંચાઈઝ (આમ અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો પલટાઈને દેશીઓમાં રૂઢ થઈ ગયા હતા. ’મતાધિકાર’ કહો તો કોઈ ન સમજે.)નો ઇતિહાસ કહું. અમે તો એમાં કંઈ જ ન સમજીએ. પણ આપણો મોટો વકીલ મિ.એસ્કંબ છે એ તો તમે જાણો જ છો. એ જબરો લડવૈયો છે. તેની ને અહીંના ફુરજાના એંજિનિયરની વચ્ચે ખૂબ લડાઈ ચાલે છે. મિ.એસ્કંબને ધારાસભામાં જવામાં આ લડાઈ આડે આવતી હતી. તેણે અમને અમારી સ્થિતિનું ભાન કરાવ્યું. તેના કહેવાથી અમે અમારાં નામ મતાધિકાર પત્રમાં નોંધાવ્યાં ને તે બધા મત મિ.એસ્કંબને આપ્યા. હવે તમે જોશો કે અમે આ મતની કિંમત તમે આંકો છો તેવી કેમ નથી આંકી. પણ તમે કહો છો તે હવે અમારાથી સમજી શકાય છે. વારુ, ત્યારે તમે શી સલાહ આપો છો ?’

આ વાત બીજા મહેમાનો ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. તેમાંના એકે કહ્યું, ’હું તમને સાચી વાત કહું ? જો તમે સ્ટીમરમાં ન જાઓ ને મહિનોમાસ રોકાઈ જાઓ તો અમે તમે કહો તે પ્રમાણે લડીએ.’

બીજા બોલી ઊઠ્યા :

’એ ખરી વાત છે. અબદુલ્લા શેઠ. તમે ગાંધીભાઈને રોકી રાખો.’

અબદુલ્લા શેઠ ઉસ્તાદ હતા. તે બોલ્યા, ’હવે તેમને રોકવાનો મારો અધિકાર નથી, અથવા તો મને તેટલો તમને. પણ તમે કહો છો તે બરાબર છે. આપણે બધા તેમને રોકીએ. પણ એ તો બારિસ્ટર છે. એમની ફીનું શું ?’

હું દુભાયો ને વચ્ચે પડ્યો.

’અબદુલ્લા શેઠ, આમાં મારી ફીની વાત હોય જ નહીં. જાહેર સેવામાં ફી કેવી ? હું રોકાઉં તો એક સેવક તરીકે રોકાઈ શકું. આ ભાઈઓને બધાને હું બરોબર ન ઓળખું. પણ તમે માનતા હો કે બધા મહેનત કરશે તો હું એક મહિનો રોકાઈ જવા તૈયાર છું. એટલું ખરું કે, જોકે તમારે મને કંઈ આપવાનું નથી છતાં આવાં કામ તદ્દન વગર પૈસે તો ન જ થાય. વળી આવાં કામ એક હાથે ન થાય. ઘણાએ તેમાં ભળવું જોઈએ.’

ઘણા અવાજ એકસાથે સંભળાયા : ’ખુદાની મહેર છે. પૈસા તો ભેળા થઈ રહેશે. માણસો પણ છીએ. તમે રહેવાનું કબૂલ કરો એટલે બસ.’

મિજલસ મટીને કાર્યવાહક સમિતિ થઈ પડી. ખાવાપીવાનું વહેલું ઉકેલી ઘેર પહોંચવાનું મેં સૂચવ્યું. લડતની રૂપરેખા મેં મનમાં ગોઠવી. મતાધિકાર કેટલાને છે વગેરે જાણી લીધું. મેં એક માસ રહી જવાનો નિશ્ચય કર્યો.

આમ દક્ષિણ આફ્રિકામાં મારા સ્થાયી રહેઠાણનો પાયો ઈશ્વરે રચ્યો ને સ્વમાનની લડતનું બીજ રોપાયું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૫. ધાર્મિક મંથન

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

The Kingdom of God Is Within You

હવે પાછો ખ્રિસ્તી મિત્રો સાથેનો સંબંધ વિચારવાનો સમય આવ્યો છે.

મારા ભવિષ્યને વિષે મિ. બેકરની ચિંતા વધતી જતી હતી. તે મને વેલિંગ્ટન કન્વેન્શનમાં લઈ ગયા.

મિ. બેકરનો અંતિમ આધાર પ્રાર્થનાની શક્તિ ઉપર હતો. પ્રાર્થના વિષે તેમને ખૂબ શ્રદ્ધા હતી.

અમે વેલિંગ્ટન ગયા. મને ‘શ્યામળા સાથી’ને સાથે લેવો એ મિ. બેકરને ભારે પડ્યું. અનેક વેળા મારે ખાતર તેમને અગવડ ભોગવવી પડી.

સંમેલનમાં ભાવિક ખ્રિસ્તીઓનો મેળાપ થયો. તેમની શ્રદ્ધા જોઇ હું રાજી થયો. મિ. મરેની મુલાકાત કરી. મારે સારુ ઘણા પ્રાર્થના કરતા હતા એમ મેં જોયું. તેમનાં કેટલાંક ભજનો મને બહુ મીઠાં લાગ્યાં.

સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. સંમેલનમાં આવનારાની ધાર્મિકતા હું સમજી શક્યો, તેની કદર કરી શક્યો. પણ મને મારી માન્યતામાં—મારા ધર્મમાં—ફેરફાર કરવાનું કારણ ન મળ્યું.

મારી મુશ્કેલીઓ ઊંડી હતી. ‘ઈશુ ખ્રિસ્ત એ જ એક ઈશ્વરનો પુત્ર છે, તેને જે માને તે તરે,’ એ વાત મને ગળે ન ઊતરે. ઈશ્વરને જો પુત્રો હોઇ શકે તો આપણે બધા તેના પુત્રો છીએ. ઈશુ જો ઈશ્વરસમ હોય, ઈશ્વર જ હોય, તો મનુષ્યમાત્ર ઈશ્વરસમ છે; ઈશ્વર થઈ શકે. ઈશુના મૃત્યુથી ને તેના લોહીથી જગતનાં પાપ ધોવાય એ અક્ષરશઃ અર્થમાં માનવા બુદ્ધિ તૈયાર જ ન થાય. રૂપક તરીકે તેમાં સત્ય ભલે હો. વળી ખ્રિસ્તી માન્યતા મુજબ મનુષ્યને જ આત્મા છે, બીજા જીવોને નથી, ને દેહના નાશની સાથે તેમનો સર્વનાશ થઈ જાય છે; ત્યારે મારી માન્યતા આથી વિરુદ્ધ હતી. ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિતીય પુરુષરૂપે નહોતો સ્વીકરી શકતો. ઈશુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યું, પણ તેનાં મૃત્યુમાં કંઈ ગુહ્ય ચમત્કારી અસર હતી એમ મારું હ્રદય સ્વીકારી નહોતું શકતું. ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે બીજા ધર્મીઓના જીવનમાંથી નહોતું મળતું. તેમનાં પરિવર્તન જેવાં જ પરિવર્તન બીજાના જીવનમાં થતાં મેં જોયાં હતાં. સિદ્ધાંતની દૃષ્ટિએ હિંદુધર્મીઓનો ત્યાગ મને ચડતો જણાયો. ખ્રિસ્તી ધર્મને હું સંપૂર્ણ અથવા સર્વોપરી ધર્મ તરીકે ન સ્વીકારી શક્યો.

આ હ્રદયમંથન મેં પ્રસંગો આવતાં ખ્રિસ્તી મિત્રો પાસે મૂક્યું. તેનો જવાબ તેઓ મને સંતોષે તેવો ન આપી શક્યા.

હું જેમ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર ન કરી શક્યો, તેમ હિંદુ ધર્મની સંપૂર્ણતા વિશે અથવા તેના સર્વોપરીપણા વિષે પણ હું નિશ્ચય ન કરી શક્યો. હિંદુ ધર્મની ત્રુટીઓ મારી નજર આગળ સતત તર્યાં કરતી હતી. અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ જણાયું. અનેક સંપ્રદાયો, અનેક નાતજાતોની હસ્તી, હું સમજી ન શક્યો. વેદ જ ઈશ્વરપ્રણીત એટલે શું? વેદ ઈશ્વરપ્રણિત તો બાઇબલ અને કુરાન કાં નહીં?

જેમ ખ્રિસ્તી મિત્રો મારા ઉપર અસર કરવા મથી રહ્યા હતા તેમ મુસલમાન મિત્રોનો પણ પ્રયત્ન હતો. અબદુલ્લા શેઠ મને ઈસ્લામનો અભ્યાસ કરવા લલચાવી રહ્યા હતા. તેની ખૂબીઓની ચર્ચા તો કર્યા જ કરે.

મેં મારી મુસીબતો રાયચંદભાઈ આગળ મૂકી. હિંદુસ્તાનના બીજા ધર્મશાસ્ત્રીઓ સાથે પણ પત્રવ્યવહાર ચલાવ્યો. તેમના જવાબ ફરી વળ્યા. રાયચંદભાઈના પત્રથી મને કઈંક શાંતિ થઈ. તેમણે મને ધીરજ રાખવા ને હિંદુ ધર્મનો ઊંડો અભ્યાસ કરવા ભલામણ કરી. તેમના એક વાક્યનો ભાવાર્થ આ હતો: ‘હિંદુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મમાં નથી, એવી નિષ્પક્ષપાતપણે વિચારતાં મને પ્રતીતિ થઈ છે.’

ટૉલ્સટૉયના ‘વૈકુંઠ તમારા હ્રદયમાં છે’ નામના પુસ્તકે મને ઘેર્યો. તેની છાપ મારા ઉપર બહુ ઊંડી પડી. આ પુસ્તકની સ્વતંત્ર વિચારશૈલી, તેની પ્રૌઢ નીતિ, તેના સત્ય આગળ મિ. કોટ્સે આપેલાં બધાં પુસ્તકો શુષ્ક લાગ્યાં.

આમ, જોકે હું ખ્રિસ્તી મિત્રોને ન ધારેલ માર્ગે ચડ્યો છતાં તેમના સમાગમે મારામાં જે ધર્મજિજ્ઞાસા જાગ્રત કરી તેને સારુ તો હું તેમનો સદાયનો ઋણી બન્યો. એ મારો સંબંધ મને હંમેશા યાદ રહી જશે. તેવા મીઠા અને પવિત્ર સંબંધો ભવિષ્યમાં વધતા ગયા, પણ ઘટ્યા નહીં.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૪૦)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૪. કેસની તૈયારી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

પ્રિટોરિયામાં મને જે એક વર્ષ મળ્યું તે મારા જીવનમાં અમૂલ્ય હતું. જાહેરમાં કામ કરવાની મારી શક્તિનું કઈંક માપ મને અહીં મળ્યું, તે શીખવાનું અહીં મળ્યું. ધાર્મિક ભાવના એની મેળે તીવ્ર થવા લાગી. અને ખરી વકીલાત પણ અહીં જ શીખ્યો એમ કહેવાય.

દાદા અબદુલ્લાનો કેસ નાનો ન હતો. દાવો ૪૦,૦૦૦ પાઉંડનો, એટલે રૂપિયા છ લાખનો હતો. તે વેપારને અંગે હોઇ તેમાં નામાની ગૂંચવણો ઘણી હતી.

બંને પક્ષે સારામાં સારા સૉલિસિટરો ને બારિસ્ટરો રોકવામાં આવ્યા હતા. આથી મને તેઓના બંનેના કામનો અનુભવ મેળવવાની સુંદર તક મળી.

મેં કેસમાં પૂરો રસ લીધો. તેમાં હું તન્મય થયો. આગળપાછળનાં બધાં કાગળિયાં વાંચી ગયો. અસીલના વિશ્વાસનો ને તેની હોશિયારીનો પાર નહોતો. તેથી મારું કામ સરળ થઈ પડ્યું.

મારો ઉદ્યોગ ખૂબ હતો. જોકે ઉપર લખી ગયો તેમ, ધાર્મિક ચર્ચા વગેરેમાં ને જાહેર કામમાં મને ખૂબ રસ હતો અને તેમાં વખત આપતો, છતાં એ વસ્તુ મારે મન ગૌણ હતી. કેસની તૈયારીને હું પ્રધાનપદ આપતો હતો. તેને અંગે કાયદાનું વાચન કે જે કંઇ બીજું વાંચવું પડે તે હું હમેશાં પહેલું કરી લેતો.

મને મરહૂમ મિ. પિક્ટના શબ્દો યાદ આવ્યા. તેનું વધારે સમર્થન પાછળથી દક્ષિણ આફ્રિકાના સુપ્રસિદ્ધ બારિસ્ટર મરહૂમ મિ. લૅનર્ડે એક પ્રસંગે કર્યું હતું. ‘હકીકત એ ત્રણ ચતુર્થાંશ કાયદો છે,’

દાદા અબદુલ્લાના કેસની તૈયારી કરતો હતો ત્યારે હકીકતનો મહિમા હું આટલે દરજ્જે નહોતો પારખી શક્યો. હકીકત એટલે સત્ય વાત. સત્ય વાતને વળગી રહેતાં કાયદા એની મેળે આપણી મદદમાં ગોઠવાઇ જાય છે.

મેં તો અસીલના કેસને અંતે જોઇ લીધું કે તેનો કેસ ઘણો મજબૂત છે. કાયદો તેની મદદે પહોંચવો જ જોઇએ.

પણ કેસ લડતાં બંને સગા, એક જ શહેરમાં રહેનારા ખુવાર થઈ જશે એ મેં જોયું. કેસનો અંત કોઇ જોઇ ન શકે. કોર્ટમાં રહે તો કેસ ઇચ્છામાં આવે તેટલો લંબાવી શકાય. લંબાવવામાં બેમાંથી એકેને ફાયદો ન થાય. આથી કેસનો અંત થતો હોય તો તે બેઉ જણ ઇચ્છતા જ હતા.

તૈયબ શેઠને મેં વીનવ્યા. ઘરમેળે પતાવવાની સલાહ આપી. તેમના વકીલને મળવાનું મેં સૂચવ્યું. બંનેને વિશ્વાસ આવે તેવા પંચને તેઓ નીમે તો કેસ ઝટ પતી જાય. વકીલોનાં ખર્ચ એટલાં બધાં ચડતાં હતાં કે તેમાં મોટા વેપારી પણ ખપી જાય. બંને એટલી ચિંતાથી કેસ લડતા હતા કે એકે નિરાંતે બીજું કશું કામ ન કરી શકે. દરમ્યાન વેર પણ વધ્યે જ જતાં હતાં. મને વકીલાત ઉપર તિરસ્કાર છૂટ્યો.

મેં સમાધાનીને સારુ કાળજાતૂટ મહેનત કરી. તૈયબ શેઠ માન્યા. છેવટે પંચ નિમાયા. કેસ ચાલ્યો. કેસમાં દાદા અબદુલ્લા જીત્યા.

પોરબંદરના મેમણોમાં એક ઘરમેળેનો અલિખિત કાયદો હતા કે પોતે મરે પણ દેવાળું ન કાઢે. તૈયબ શેઠ ૩૭,૦૦૦ પાઉંડ ને ખર્ચ એકાએક ન જ આપી શકે. તેમને એકે દમડી ઓછી નહોતી આપવી. દેવાળું તો નહોતું જ કાઢવું. રસ્તો માત્ર એક જ હતો. દાદા અબદુલ્લાએ તેમને પૂરતો વખત આપવો. દાદા અબદુલ્લાએ ઉદારતા વાપરીને ખૂબ લાંબો વખત આપ્યો.

હું ખરી વકીલાત શીખ્યો, મનુષ્યની સારી બાજુ ખોળી કાઢતાં શીખ્યો, મનુષ્યહ્રદયમાં પ્રવેશ કરતાં શીખ્યો. મેં જોયું કે વકીલનું કર્તવ્ય પક્ષકારોની વચ્ચે પડેલી તૂટ સાંધવાનું છે. આ શિક્ષણે મારા મનમાં એવી જડ ઘાલી કે મારી વીસ વર્ષની વકીલાતનો મુખ્ય કાળ મારી ઑફિસમાં બેઠાં સેંકડો કેસોની સમાધાનીઓ કરાવવામાં જ ગયો. તેમાં મેં ખોયું નહીં. દ્રવ્ય ખોયું એમ પણ ન કહેવાય. આત્મા તો ન જ ખોયો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૯)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૩. કુલીપણાનો અનુભવ

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ

આ પ્રકરણના થોડા અંશો :

ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટના હિદીઓની હાલતનો પૂરો ચિતાર આપવાનું આ સ્થાન નથી. તેનો ખ્યાલ મેળવવા ઈચ્છનારે ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ ‘ વાંચવો જોઈએ. પણ તેની રૂપરેખા આપવી આવશ્યક છે.

ઓરેન્જ ફ્રી સ્ટેટમાં તો એક કાયદો કરી સન ૧૮૮૮માં કે તે પૂર્વે હિંદીઓના બધા હક છીનવી લેવામાં આવ્યા હતા. ત્યાં માત્ર હોટેલના વેટર તરીકે કે એવી કોઈ મજૂરીમાં રહેવા જેટલી હિંદીઓને છૂટ રહી. જે હિંદી વેપારીઓ હતા તેમને નામનો અવેજ આપી કાઢી મેલ્યા. હિંદી વેપારીઓએ અરજી વગેરે તો કર્યા, પણ તેમની તૂતીનો અવાજ કોણ સાંભળે?

હિંદીઓ પગથી (‘ફૂટપાથ’) ઉપર હકપૂર્વક ન ચાલી શકે, રાતના નવ વાગ્યા પછી પરવાના વિના બહાર ન નીકળી શકે. આ છેલ્લા કાનૂનનો અમલ હિંદીઓ સામે ઓછાવતા પ્રમાણમાં થતો. જેઓ આરબ તરીકે ખપતા તેઓને મહેરબાની દાખલ આમાં ન ગણવામાં આવે. એટલે આવી રાહત પોલીસની ઈચ્છા ઉપર રહે.

પગથી ઉપર ચાલવાનો પ્રશ્ન મારે સારુ જરા ગંભીર પરિણામવાળો નીવડયો. હું હમેશાં પ્રેસિડેંટ સ્ટ્રીટમાં થઈને એક ખુલ્લા મેદાનમાં ફરવા જતો. આ મહોલ્લામાં પ્રેસિડેંટ ક્રુગરનું ઘર હતું. એ ઘરને વિષે આડંબર જરાયે નહોતો. તેને ફરતું કંપાઉંડ પણ ન હતું. બીજાં પડખેનાં ઘરોમાં અને આમાં કશો તફાવત માલૂમ ન પડે. લક્ષાધિપતિઓનાં ઘણાનાં ઘર પ્રિટોરિયામાં આ ઘર કરતાં ઘણાં મોટાં, શોભીતાં ને વાડવાળાં હતાં. પ્રેસિડેંટની સાદાઈ પ્રખ્યાત હતી. આ ઘર કોઈ અમલદારનું છે એમ તેની સામે એક સિપાઈ ફરતો હોય તે ઉપરથી જ જણાય. આ સિપાઈની લગોલગ થઈને જ લગભગ હમેશાં હું જાઉં. પણ સિપાઈ મને કંઈ ન કરે. સિપાઈ વખતોવખત બદલાય. એક વેળા એક સિપાઈએ, ચેતવ્યા વિના, પગથી પરથી ઊતરી જવાનું કહ્યા વિના, મને ધક્કો માર્યો, લાત મારી, ને ઉતારી મૂકયો. હું તો વિમાસણમાં જ પડયો. લાત મારવાનું કારણ હું પૂછવા જાઉં તે પહેલાં કોટ્સ જે ઘોડેસવાર થઈ તે જ વેળા ત્યાંથી પસાર થતા હતા તેમણે મને પોકારીને કહ્યું:

‘ગાધી, મેં બધું જોયું છે. તારે કેસ કરવો હોય તો હું સાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયોં.’

મેં કહ્યું : ‘તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે ? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે એટલે તેણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન જ ચડવું. એટલે મારે કેસ નથી કરવો.’

‘એ તો તેં તારા સ્વભાવ પ્રમાણે જ વાત કરી, પણ તું ફરી વિચારી જોજે. આવા માણસને કંઈક પાઠ તો શીખવવો જ જોઇએ.’ આટલું બોલી પેલા સિપાઈની સાથે વાત કરી તેને ઠપકો આપ્યો. હું બધી વાત તો ન સમજી શકયો. સિપાઈ ડચ હતો ને તેની સાથે વાત ડચમાં થઈ. સિપાઈએ મારી માફી માગી, હું તો માફી આપી જ ચૂકયો હતો.

પણ મેં ત્યારથી આ શેરીનો ત્યાગ કર્યો. બીજા સિપાઈઓને આ બનાવની શી ખબર હોય ? મારે હાથે કરીને ફરી લાત શા સારુ વહોરવી ? એટલે મેં ફરવા જવાને સારુ બીજી શેરી પસંદ કરી.

આમ મેં હિંદીઓની હાડમારીઓનો વાંચીને, સાંભળીને અને અનુભવીને અભ્યાસ કર્યો. મેં જોયું કે સ્વમાન જાળવવા ઈચ્છનાર હિંદીને સારુ દક્ષિણ આફ્રિકા યોગ્ય મુલક નથી. આ સ્થિતિ કેમ બદલી શકાય એ વિચારોમાં મારું મન વધારે ને વધારે રોકાવા લાગ્યું. પણ હજુ મારો મુખ્ય ધર્મ તો દાદા અબદુલ્લાના કેસને જ સંભાળવાનો હતો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૮)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૨. હિંદીઓનો પરિચય

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

ખ્રિસ્તી સંબંધો વિષે વધારે લખું તે પહેલાં તે જ કાળના બીજા અનુભવોની નોધ લેવી આવશ્યક છે.

નાતાલમાં જે સ્થાન દાદા અબદુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી ખાનમહમદનું હતું. તેમના વિના એક પણ જાહેર પ્રવૃત્તિ ન ચાલી શકે. તેમની ઓળખ મેં પહેલે જ અઠવાડીયે કરી લીધી.

મારું પ્રથમ પગલું તો બધા હિંદીઓની એક સભા ભરી તેમની આગળ સ્થિતિનો ચિતાર મૂકવાનું હતું.

આ મારું જિંદગીનું પહેલું ભાષણ ગણાય. મેં તૈયારી ઠીક કરી હતી. મારે સત્ય વિષે બોલવું હતું. વેપારમાં સત્ય ન ચાલે એવું હું વેપારીઓને મોઢેથી સાંભળતો આવ્યો હતો. એ વાત હું ત્યારે નહોતો માનતો. આજ પણ નથી માનતો. વેપારને અને સત્યને ન બને એમ કહેનારા વેપારી મિત્ર આજ પણ પડ્યા છે. તેઓ વેપારને વ્યવહાર કહે છે, સત્યને ધર્મ કહે છે, અને દલીલ કરે છે કે વ્યવહાર એક વસ્તુ છે, ધર્મ બીજી. વ્યવહારમાં શુદ્ધ સત્ય ન જ ચાલે; તેમાં તો યથાશક્તિ જ સત્ય બોલાય ચલાય, એવી તેઓની માન્યતા. આ સ્થિતિનો મેં મારા ભાષણમાં સારી પેઠે વિરોધ કર્યો ને વેપારીઓને તેમની બેવડી ફરજનું ભાન કરાવ્યું. પરદેશમાં આવવાથી તેમની જવાબદારી દેશમાં હોય તેના કરતાં વધી, કેમ કે ખોબા જેટલા હિંદીઓની રહેણીકરણી ઉપરથી હિંદના કરોડોનું માપ થતું હતું.

અંગ્રેજોની રહેણીની સરખામણીમાં આપણી રહેણીમાં રહેલી ગંદકી હું જોઈ ગયો હતો તે તરફ પણ ધ્યાન ખેંચ્યું.

હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી, અથવા ગુજરાતી, મદ્રાસી, પંજાબી, સિંધી, કચ્છી, સુરતી વગેરે ભેદો ભૂલી જવા પર ભાર મુક્યો.

ને છેવટમાં, એક મંડળ સ્થાપી હિંદીઓને પડતી હાડમારીઓનો ઇલાજ અમલદારોને મળી અરજીઓ કરીને કરવો જોઈએ એમ સૂચવ્યું, ને તેમાં મને મળે તેટલો વખત વગર વેતને આપવાનું મેં જણાવ્યું.

સભામાં અસર ઠીક થઈ એમ મેં જોયું.

ચર્ચા થઈ. કેટલાકે હકીકતો મારી પાસે મૂકવાનું કહ્યું. મને હિંમત આવી. મેં જોયું કે આ સભામાં અંગ્રેજી જાણનારા થોડા જ હતા. આવા પરમુલકમાં અંગ્રેજી જ્ઞાન હોય તો સારું એમ મને લાગ્યું. તેથી મેં જેને નવરાશ હોય તેને અંગ્રેજી ભણવાની ભલામણ કરી.

સભાના પરિણામથી મને સંતોષ થયો. આવી સભા દર માસે કે દર અઠવાડિયે ભરવાનો નિશ્ચય થયો.

રેલવે સત્તાવાળાઓ સાથે પત્રવ્યવહાર ચલાવ્યો ને તેમના જ કાયદા પ્રમાણે હિંદીને મનાઈ ન થઈ શકે એમ મેં સૂચવ્યું. પરિણામે, સારાં કપડાં પહેરેલા હોય તેવા હિંદીને ઉપલા વર્ગની રેલવે ટિકિટ દેવામાં આવશે એવો કાગળ મળ્યો. એથી પૂરી સગવડ તો ન મળી. સારાં કપડાં કોણે પહેર્યાં ગણાય એ તો સ્ટેશન-માસ્તર જ ઠરાવે ના!

ટ્રાન્સવાલના ને ફ્રી સ્ટેટના હિંદીઓની આર્થિક, સામાજિક અને રાજ્યપ્રકરણી સ્થિતિનો ઊંડો અભ્યાસ હું પ્રિટોરિયામાં કરી શક્યો. આ અભ્યાસનો પાછળ જતાં મને પૂરો ઉપયોગ થવાનો છે એની મને મુદ્દલ ખબર નહોતી. મારે તો એક વર્ષને અંતે અથવા કેસ વહેલો પૂરો થાય તો તે પહેલાં દેશ જતું રહેવું હતું.

પણ ઈશ્વરે બીજું જ ધાર્યું હતું.

Categories: સત્યના પ્રયોગો | 1 Comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૭)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૧. ખ્રિસ્તી સંબંધો

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

બીજે દિવસે એક વાગ્યે હું મિ. બેકરની પ્રાર્થનાસમાજમાં ગયો. ત્યાં મિસ હૅરિસ, મિસ ગેબ, મિ. કોટ્સ આદિની ઓળખાણ થઈ. બધાંએ ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરી. મેં પણ તેમનું અનુકરણ કર્યું. પાર્થનામાં જેની જે ઈચ્છામાં આવે તે ઈશ્વર પાસે માગે. દિવસ શાંતિથી જાઓ, ઈશ્વર અમારાં હૃદયનાં દ્વાર ખોલો, ઇત્યાદિ તો હોય જ. મારે સારુ પણ પ્રાર્થના થઈ: ‘અમારી વચ્ચે જે નવો ભાઈ આવ્યો છે તેને તું માર્ગ બતાવજે.

મિસ હૅરિસ અને મિસ ગેબ એ બે પીઢ કુમારિકાઓ હતી. મિ. કોટ્સ ક્વેકર હતા. આ બે બાઈઓ સાથે રહેતી. તેમણે મને દર રવિવારે તેમને ત્યાં ચાર વાગ્યાની ચા લેવાને સારુ નોતર્યો. મિ. કોટ્સ મળે ત્યારે દર રવિવારે મારે તેમને અઠવાડિયાની ધાર્મિક રોજનીશી સંભળાવવાનું હોય. શાં શાં પુસ્તકો વાંચ્યાં, મારા મન ઉપર તેમની શી અસર થઈ, એ ચર્ચા કરીએ. આ બાઈઓ પોતાના મીઠા અનુભવો સંભળાવે અને પોતાની પરમ શાંતિની વાત કરે.

મિ. કોટ્સ એક નિખાલસ મનના ચુસ્ત જવાન ક્વેકર હતા. તેમની સાથે મારો સંબંધ ગાઢ થયો. અમે ઘણી વેળા ફરવા પણ જઈએ. તે મને બીજા ખ્રિસ્તીઓને ત્યાં લઈ જાય.

કોટ્સે મને પુસ્તકોથી લાદ્યો. જેમ જેમ તે મને ઓળખતા જાય તેમ તેમ તેમને યોગ્ય લાગે તે પુસ્તકો વાંચવા મને આપે. મેં પણ કેવળ શ્રદ્ધાથી તે તે પુસ્તકો વાંચવા કબૂલ કર્યું. આ પુસ્તકોની અમે ચર્ચા પણ કરીએ.

આવાં પુસ્તકો મેં સને ૧૮૯૩ના વર્ષમાં ઘણાં વાંચ્યાં.

પણ કોટ્સ કંઈ હારે એમ નહોતા. તેમની માયાનો પાર નહોતો. તેમણે મારા ગળામાં વૈષ્ણવની કંઠી જોઈ. તેમને આ વહેમ લાગ્યો ને તે જોઈ દુ:ખ થયું. ‘આ વહેમ તારા જેવાને ન શોભે, લાવ તે તોડું.’

‘એ કંઠી ન તૂટે; માતુશ્રીની પ્રસાદી છે.’

‘પણ તમે તેને માનો છો?’

‘એનો ગૂઢાર્થ હું જાણતો નથી. એ ન પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી લાગતું. પણ જે માળા મને માતુશ્રીએ પ્રેમપૂર્વક પહેરાવી, જે પહેરવામાં મારું શ્રેય માન્યું, તેનો વિના કારણ હું ત્યાગ નહીં કરું. કાળે કરીને તે જીર્ણ થઈ તૂટી જશે ત્યારે બીજી મેળવી પહેરવાનો મને લોભ નહીં રહે. પણ આ કંઠી ન તૂટે.’

કોટ્સ મારી દલીલની કદર ન કરી શક્યા કેમ કે તેમને તો મારા ધર્મને વિષે જ અનાસ્થા હતી.

આ પરિચયોમાં એક ‘પ્લીમથ બ્રધરન’નું કુટુંબ હતું. ‘પ્લીમથ બ્રધરન’ નામનો એક ખ્રિસ્તી સંપ્રદાય છે. કોટ્સે કરાવેલા ઘણા પરિચયો મને સારા લાગ્યા. તે માણસો ઈશ્વરથી ડરનારા હતા એમ લાગ્યું. પણ આ કુટુંબમાં મારી સાથે આવી દલીલ થઈ: ‘અમારા ધર્મની ખૂબી જ તમે ન સમજી શકો.

મને આ દલીલ મુદ્દલ ગળે ન ઊતરી. મેં નમ્રતાપૂર્વક જવાબ વાળ્યો: ‘જો સર્વમાન્ય ખ્રિસ્તી ધર્મ આ હોય તો તે મારે ન ખપે. હું પાપના પરિણામથી મુક્તિ નથી માગતો, હું તો પાપવૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માગું છું. તે ન મળે ત્યાં લગી મારી અશાંતિ મને પ્રિય રહેશે.’

આ પરિચયથી કોટ્સને થયેલો ગભરાટ મેં શાંત પાડ્યો ને ખાતરી આપી કે એક પ્લીમથ બ્રધરની અનુચિત માન્યતાથી હું ખ્રિસ્તી ધર્મ સામે ભરમાઈ જાઉં તેમ નથી. મારી મુશ્કેલીઓ તો બાઇબલ વિષે ને તેના રૂઢ અર્થ વિષે હતી.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૬)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૧૦. પ્રિટોરિયામાં પહેલો દિવસ


Pretoria railway station


આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

પ્રિટોરિયા સ્ટેશને દાદા અબદુલ્લાના વકીલ તરફથી કોઈક માણસ મને મળશે એવી મેં આશા રાખી હતી. કોઈ હિંદી તો મને લેવા ન જ આવ્યા હોય એ હું જાણતો હતો, અને કોઈ પણ હિંદી ને ત્યાં રહેવા ન જવાના વચનથી બંધાયો હતો. ક્યાં જવુ એના વિચારમાં પડ્યો. કોઇ હોટલ મને સંઘરે એવી મને ધાસ્તી હતી. ૧૮૯૩ની સાલનું પ્રિટોરિયા સ્ટેશન ૧૯૧૪ના પ્રિટોરિયા સ્ટેશન કરતાં જુદું જ હતું. ઝાંખી બત્તીઓ બળતી હતી. ઉતારૂઓ પણ ઘણા નહોતા, મેં બધા ઉતારૂઓને જવા દીધા અને વિચાર્યુ કે, જરા નવરો થાય એટલે ટિકિટ-કલેક્ટરને મારી ટિકિટ આપીશ અને એ મને કોઇ નાનકડી હોટેલ અથવા એવું કોઇ મકાન બતાવે તો ત્યાં જઈશ, અથવા તો રાત સ્ટેશન ઉપર પડ્યો રહીશ. આટલું પૂછવા પણ મન નહોતું વધતુ, કેમ કે અપમાન થવા નો ડર હતો.

સ્ટેશન ખાલી થયું. મેં ટિકિટ-કલેક્ટરને ટિકિટ આપીને પૂછવાનું શરૂ કર્યુ. તેણે વિનયપૂર્વક જવાબ આપ્યા. તેને પડખે એક અમેરિકન હબસી ગૃહસ્થ ઊભો હતો. તેણે મારી સાથે વાત શરૂ કરી :

‘હું જોઉં છું કે તમે તદ્દન અજાણ્યા છો અને તમારે કોઈ મિત્ર નથી. મારી સાથે આવો તો હું તમને એક નાનકડી હોટેલ છે ત્યાં લઈ જાઉં. તેનો માલિક અમેરિકન છે અને તેને હું સારી રીતે ઓળખુ છું. મને લાગે છે કે એ તમને સંઘરશે’.

મને કંઈક શક તો આવ્યો, પણ મેં આ ગૃહસ્થનો ઉપકાર માન્યો અને તેની સાથે જવાનુ કબૂલ કર્યુ.

મને કોટડી આપી. હું તેમાં પેઠો. એકાંત મળ્યે ખાણાની રાહ જોતો વિચારગ્રસ્ત થયો.

મેં ફરી ઉપકાર માન્યો, અને હું ખાણાના ઓરડામાં ગયો. નિશ્ચિત પણે ખાધું.

બીજે દિવસે સવારે વકીલને ત્યાં ગયો. તેમનું નામ એ. ડબલ્યુ. બેકર. તેમને મળ્યો.અહીં રંગભેદ બહુ છે, એટલે ઘર શોધવું સહેલું નથી. પણ એક બાઈને હું જાણું છું. તે ગરીબ છે, ભઠિયારાની સ્રી છે. મને લાગે છે કે એ તમને રાખશે. એને પણ કંઈક મદદ થશે. ચાલો, આપણે તેને ત્યાં જઈએ.’

આમ કહીને મને ત્યાં લઈ ગયા. બાઈની સાથે મિ. બેકરે એક બાજુએ જઈ થોડી વાત કરી અને તેણે મને સંઘરવાનો સ્વીકાર કર્યો. અઠવાડિયાના ૩૫ શિલિંગથી મને ત્યાં રાખ્યો.

મિ. બેકર વકીલ તેમ જ ધર્મચુસ્ત પાદરી હતા. હ્જુ તેઓ હયાત છે ને હાલ કેવળ પાદરીનું જ કામ કરેછે. વકીલાતનો ધંધો છોડી દીધો છે. પૈસેટકે સુખી છે. તેમણે હજુ મારી સાથે પત્રવ્યવહાર કાયમ રાખ્યો છે. કાગળોનો વિષય એકજ હોયછે. જુદી જુદી રીતે ખ્રિસ્તી ધર્મની ઉત્તમતા વિષે પોતાના કાગળમાં મારી સાથે ચર્ચા કરેછે, અને ઇશુને ઈશ્વરના એકમાત્ર પુત્ર તરીકે સ્વીકાર્યા વિના અને તેને તારણહાર માન્યા વિના પરમ શાંતિ મળવાની નથી એ વસ્તુનું પ્રતિપાદન કરેછે.

અમારી પહેલી જ મુલાકાત દરમ્યાન મિ. બેકરે ધર્મ સંબંધી મારી મનોદશા જાણી લીધી. મેં તેમને કહી દીધુ : ‘હું જન્મે હિંદુ છું. એ ધર્મનું પણ મને બહુ જ્ઞાન નથી, બીજા ધર્મોનું ઓછું જ્ઞાન છે. હું ક્યાં છું, હું શું માનું છું, મારે શું માનવું જોઈએ, એ બધું હું જાણતો નથી. મારા પોતાના ધર્મનું નિરીક્ષણ કરવા ઈચ્છું છુ. બીજા ધર્મોનો પણ અભ્યાસ યથાશક્તિ કરવાનો મારો ઈરાદો છે..’

આ બધું સાંભળી મિ. બેકર રાજી થયા અને મને કહ્યું, ‘હું પોતે સાઉથ આફ્રિકા જનરલ મિશનનો એક ડિરેકટર છું. મારે પોતાને ખરચે મેં એક દેવળ બાંધ્યુ છે. તેમાં વખતોવખત હું ધર્મના વ્યાખ્યાનો આપુ છુ. હું રંગભેદ માનતો નથી. મારી સાથે કેટલાક સાથીઓ પણ કામ કરનારા છે. અમે હમેશાં એક વાગ્યે થોડી મિનિટ મળીએ છીએ અને આત્માની શાંતિ તેમજ પ્રકાશ (જ્ઞાનના ઉદય) ને ખાતર પ્રાર્થના કરીએ છીએ. એમાં તમે આવશો તો હું રાજી થઈશ.

મેં મિ. બેકરનો ઉપકાર માન્યો અને એક વાગ્યે તેમના મંડળમાં પ્રાર્થનાને સારુ, બની શકે ત્યાં લગી, જવાનું કબૂલ કર્યુ.

‘ત્યારે આવતી કાલે એક વાગ્યે અહીં જ આવજો અને આપણે સાથે પ્રાર્થના મંદિરમાં જઈશું.’

મિ. બેકરની મિત્રાચારીનો શો અર્થ હોઈ શકે ? એમના ધર્મબંધુઓ પાસેથી હું શું મેળવીશ ? મારે ખ્રિસ્તી ધર્મના અભ્યાસમાં ક્યાં સુધી જવું ? હિંદુ ધર્મ નું સાહિત્ય કયાંથી મેળવવું ? તે જાણ્યા વિના ખ્રિસ્તી ધર્મનું સ્વરૂપ મારાથી કેમ જાણી શકાય ? એક જ નિર્ણય કરી શકાશે : મારે જે અભ્યાસ પ્રાપ્ત થાય તે નિષ્પક્ષપાત પણે કરવો, અને મિ. બેકરના સમુદાયને, તે તે વખતે ઈશ્વર સુઝાડે તે જવાબ આપી દેવો. મારો ધર્મ હું પૂરો સમજી ન શકું ત્યા લગી મારે બીજા ધર્મોનો સ્વીકાર કરવાનો વિચાર ન કરવો. આમ વિચાર કરતાં હું નિંદ્રાવશ થયો.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૫)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૯. વધુ હાડમારી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


Clip_1


Clip_2


Clip_3


ચાર્લ્સટાઉન ટ્રેન છેક સવારે પહોંચે. ચાર્લ્સટાઉનથી જોહાનિસબર્ગ સુધી પહોંચવાને સારુ તે કાળે ટ્રેન નહોતી પણ ઘોડાનો સિગરામ હતો. અને વચમાં સ્ટૅન્ડરટનમાં એક રાત રહેવાનું હતું. મારી પાસે સિગરામની ટિકિટ હતી.મને કેવળ અજાણ્યો જાણી કહ્યું, ‘તમારી ટિકિટ તો રદ થઈ છે.’ મેં યોગ્ય જવાબ આપ્યો. ટિકિટ રદ થઈ છે એમ કહેવાનું કારણ તો જુદું જ હતું. ઉતારુઓ બધા સિગરામની અંદર જ બેસે. પણ હું તો ‘કુલી’ ગણાઉં, અજાણ્યો લાગું, તેથી મને ગોરા ઉતારુઓની પાસે બેસાડવો ન પડે તો સારું, એવી સિગરામવાળાની દાનત. સિગરામની બહાર, એટલે હાંકનારને પડખે ડાબી અને જમણી બાજુએ, એમ બે બેઠકો હતી. તેમાંથી એક બેઠક ઉપર સિગરામની કંપનીનો એક મુખી ગોરો બેસતો. એ અંદર બેઠો અને મને હાંકનારની પડખે બેસાર્યો. હું સમજી ગયો કે આ કેવળ અન્યાય જ છે, અપમાન છે. પણ અપમાનને પી જવું યોગ્ય ધાર્યું. મારાથી બળજોરી કરીને અંદર બેસી શકાય એવું તો નહોતું જ.

ત્રણેક વાગ્યે સિગરામ પારડીકોપ પહોંચ્યો. હવે પેલા ગોરા મુખીને હું જ્યાં બેઠો હતો ત્યાં બેસવાની ઇચ્છા થઈ. તેને બીડી પીવી હતી. જરા હવા પણ ખાવી હશે. એટલે એણે મેલું સરખું ગૂણિયું પડ્યું હતું તે પેલા હાંકનારની પાસેથી લઈ પગ રાખવાના પાટિયા ઉપર પાથર્યું ને મને કહ્યું, ‘સામી, તું અહીયાં બેસ, મારે હાંકનારની પાસે બેસવું છે.’ આ અપમાન સહન કરવા હું અસમર્થ હતો. તેથી મેં બીતાં બીતાં તેને કહ્યું, ‘તમે મને અહીં બેસાડ્યો એ અપમાન મેં સહન કરી લીધું; મારી જગ્યા તો અંદર બેસવાની, પણ તમે અંદર બેસીને મને અહીં બેસાડ્યો. હવે તમને બહાર બેસવાની ઇચ્છા થઈ છે અને બીડી પીવી છે, તેથી તમે મને તમારા પગ આગળ બેસાડવા ઇચ્છો છો. હું અંદર જવા તૈયાર છું, પણ હું તમારા પગની પાસે બેસવા તૈયાર નથી.’

આટલું હું માંડ કહી રહું તેટલામાં તો મારા ઉપર તમાચાનો વરસાદ વરસ્યો અને પેલાએ મારું બાવડું ઝાલીને મને ઘસડવા માંડ્યો. મેં બેઠકની પાસે પીતળના સળિયા હતા તે ઝોડની જેમ પકડી રાખ્યા, અને કાંડું ખડે તોયે સળિયા નથી છોડવા એમ નિશ્ચય કર્યો. મારા ઉપર વીતી રહી હતી તે પેલા ઉતારુઓ જોઇ રહ્યા હતા. પેલો મને ગાળો કાઢી રહ્યો હતો, ખેંચી રહ્યો હતો, ને મારી પણ રહ્યો હતો, પણ હું ચૂપ હતો. પેલો બળવાન અને હું બળહીન. ઉતારુઓમાંના કેટલાકને દયા આવી અને તેમનામાંના કોઇ બોલી ઊઠ્યા: ‘અલ્યા એ, એ બિચારાને ત્યાં બેસવા દે; તેને નકામો માર નહીં. તેની વાત સાચી છે. ત્યાં નહીં તો તેને અમારી પાસે અંદર બેસવા દે.’ પેલો બોલી ઊઠ્યો: ‘કદી નહીં.’ પણ જરા ભોંઠો પડ્યો ખરો. તેથી મને તેણે મારવાનું બંધ કર્યું, મારું બાવડું છોડ્યું. બે ચાર ગાળો તો વધારે દીધી, પણ એક હૉટેન્ટૉન નોકર પેલી બાજુએ હતો તેને પોતાના પગ આગળ બેસાડ્યો અને પોતે બહાર બેઠો.

રાત પડી. સ્ટૅન્ડરટન પહોંચ્યા. કેટલાક હિંદી ચહેરા જોયા. મને કંઈક શાંતિ વળી.સવારે મને ઈસા શેઠના માણસો સિગરામ પર લઈ ગયા. મને યોગ્ય જગ્યા મળી. કોઈ જાતની હાલાકી વિના તે રાત્રે જોહાનિસબર્ગ પહોંચ્યો.

મેં હોટલમાં જવાનો વિચાર કર્યો. બે ચાર હોટેલનાં નામ જાણી લીધાં હતાં. ગાડી કરી, ગ્રેન્ડ નેશનલ હોટેલમાં હાંકી જવા તેને કહ્યું. ત્યાં પહોંચતાં મૅનેજરની પાસે ગયો. જગ્યા માગી. મૅનેજરે ક્ષણ વાર મને નિહાળ્યો. વિવેકની ભાષા વાપરી, ‘હું દિલગીર છું, બધી કોટડીઓ ભરાઇ ગઈ છે.’ આમ કહી મને વિદાય કર્યો! એટલે મેં ગાડીવાળાને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાને હાંકી જવાને કહ્યું. ત્યાં તો અબદુલ ગની શેઠ મારી રાહ જ જોઈ રહ્યા હતા. તેમણે મને વધાવી લીધો. હોટેલમાં મારા ઉપર વીતેલી વાત તેમને કહી બતાવી. તેઓ ખડખડ હસી પડ્યા. ‘હોટેલમાં તે વળી આપણને ઊતરવા દે કે?’

મેં પૂછ્યું: ‘કેમ નહીં?’

‘એ તો તમે જ્યારે તમે થોડા દિવસ રહેશો ત્યારે જાણશો.

આ અબ્દુલ ગની શેઠનો પરિચય આપણે આગળ જતાં વધારે કરવો પડશે. તેમણે કહ્યું, ‘આ મુલક તમારા જેવાને સારુ નથી. જુઓને, તમારે કાલે પ્રિટોરિઆ જવું છે. તેમાં તમને તો ત્રીજા વર્ગમાં જ જગ્યા મળશે. ટ્રાન્સવાલમાં નાતાલ કરતાં વધારે દુઃખ. અહીં આપણા લોકોને પહેલા કે બીજા વર્ગમાં ટિકિટ આપતા જ નથી.’

મેં કહ્યું, ‘તમે એનો પૂરો પ્રયત્ન નહીં કર્યો હોય.’

અબદુલ ગની શેઠ બોલ્યા, ‘અમે કાગળવહેવાર તો ચલાવ્યો છે, પણ આપણા માણસો ઘણા પહેલાબીજા વર્ગમાં બેસવા ઇચ્છે પણ શાના?’

મેં રેલવેના કાયદા માગ્યા. તે જોયા. તેમાં બારી હતી. ટ્રાન્સવાલના અસલી કાયદાઓ બારીકીથી નહોતા ઘડાતા. રેલવે ધારાનું તો પૂછવું જ શું હોય?

મેં શેઠને કહ્યું, ‘હું તો ફર્સ્ટ ક્લાસમાં જ જઈશ. અને તેમ નહીં જવાય તો પ્રિટોરિયા અહીંથી સાડત્રીસ જ માઇલ છે ત્યાં હું ઘોડાગાડી કરીને જઈશ.’

હું ફ્રોકકોટ, નેકટાઇ વગેરે ચડાવીને સ્ટેશને પહોંચ્યો. માસ્તરની સામે ગીની કાઢીને મૂકી અને પહેલા વર્ગની ટિકિટ માગી.

તેણે કહ્યું, ‘તમે જ મને ચિઠ્ઠી લખી છે કે?’

મેં કહ્યું, ‘એ જ હું. મને તમે ટિકિટ આપશો તો હું આભારી થઈશ. મારે પ્રિટોરિયા આજે પહોંચવું જોઇએ.’

સ્ટેશન-માસ્તર હસ્યો. તેને દયા આવી. તે બોલ્યો, ‘હું ટ્રાન્સવાલર નથી. હું હોલૅન્ડર છું. તમારી લાગણી સમજી શકું છું. તમારા તરફ મારી દિલશોજી છે. હું તમને ટિકિટ આપવા ઈચ્છું છું. પણ એક શરતે—જો તમને રસ્તામાં ગાર્ડ ઉતારી પાડે અને ત્રીજા વર્ગમાં બેસાડે તો તમારે મને સંડોવવો નહીં, એટલે કે, તમારે રેલવે ઉપર દાવો ન કરવો.

હું તો પહેલા વર્ગના ડબામાં બેઠો. ટ્રેન ચાલી. જર્મિસ્ટન પહોંચી ત્યાં ગાર્ડ ટિકિટ તપાસવા નીકળ્યો. મને જોઇને જ ચિડાયો. આંગળી વતી ઇશારો કરીને કહ્યું: ‘ત્રીજા વર્ગમાં જા.’ મેં મારી પહેલા વર્ગની ટિકિટ બતાવી. તેણે કહ્યું: ‘તેનું કંઇ નહીં; જા ત્રીજા વર્ગમાં.’

આ ડબામાં એક જ અંગ્રેજ ઉતારુ હતો. તેણે પેલા ગાર્ડને ધમકાવ્યો: ‘તું આ ગૃહસ્થને કેમ પજવે છે? તું જોતો નથી કે એની પાસે પહેલા વર્ગની ટિકિટ છે? મને તેના બેસવાથી જરાયે અડચણ નથી.’ એમ કહીને તેણે મારી સામું જોયું અને તેણે કહ્યું: ‘તમે તમારે નિરાંતે બેઠા રહો.’

ગાર્ડ બબડ્યો: ‘તમારે કુલીની જોડે બેસવું હોય તો મારે શું?’ એમ કહીને ચાલતો થયો.

રાતના આઠેક વાગ્યે ટ્રેન પ્રિટોરિયા પહોંચી.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૪)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૮. પ્રિટોરિયા જતાં

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :


Durban to Pretoria


ડરબનમાં રહેતાં ખ્રિસ્તી હિંદિઓના સંબંધમાં પણ હું તુરત આવ્યો. ત્યાંની કોર્ટના દુભાષિયા મિ. પૉલ રોમન કૅથલિક હતા. તેમની ઓળખાણ કરીને પ્રૉટેસ્ટન્ટ મિશનમાંના શિક્ષક મરહૂમ મિ. સુભાન ગૉડફ્રેની પણ ઓળખાણ કરી.

આમ, હું પરિચયો કરી રહ્યો હતો તેવામાં પેઢીના વકીલ તરફથી કાગળ મળ્યો કે, કેસને સારુ તૈયારી થવી જોઇએ ને અબ્દુલ્લા શેઠે પોતે પ્રિટોરિયા જવું જોઇએ અથવા કોઇને ત્યાં મોકલવો જોઇએ.

આ કાગળ અબ્દુલ્લા શેઠે મને વંચાવ્યો ને પૂછ્યું, ‘તમે પ્રિટોરિયા જશો?’ મેં કહ્યું, ‘મને કેસ સમજાવો તો હું કહી શકું. અત્યારે તો હું ન જાણું કે ત્યાં શું કરવાનું છે.’ તેમણે તેમના મહેતાઓને કેસ સમજાવવામાં રોક્યા.

મેં જોયું કે મારે તો એકડે એકથી શરૂ કરવું પડશે. આ કેસનો આધાર ચોપડાઓ ઉપર છે. નામાનું જ્ઞાન હોય તે જ કેસ સમજી શકે.

નામાની ચોપડી ખરીદી ને વાંચી ગયો. કઈંક આત્મવિશ્વાસ આવ્યો. કેસની સમજણ પડી. મેં જોયું કે અબ્દુલ્લા શેઠ નામ લખી ન જાણતા, પણ વ્યાવહારિક જ્ઞાન એટલું બધું મેળવી લીધું હતું કે નામાના કોયડા ઝપાટાબંધ ઉકેલી શકે. મેં તેમને જણાવ્યું, ‘હું પ્રિટોરિયા જવા તૈયાર છું.’

તમે ક્યાં ઊતરશો?’ શેઠે પૂછ્યું.

‘તમે જ્યાં કહો ત્યાં,’ મેં જવાબ આપ્યો.

‘ત્યારે હું મારા વકીલને લખીશ. તે તમારે સારુ ઉતારાનો બંદોબસ્ત કરશે.

સાતમે કે આઠમે દહાડે હું ડરબનથી રવાના થયો. મારે સારુ પહેલા વર્ગની ટિકિટ કઢાવી.

નાતાલની રાજધાની મૅરિત્સબર્ગમાં ટ્રેન નવેક વાગ્યે પહોંચી. અહીં પથારી આપવામાં આવતી હતી. કોઇ રેલવેના નોકરે આવીને પૂછ્યું, ‘તમારે પથારી જોઇએ છે?’

મેં કહ્યું, ‘મારી પાસે મારી પથારી છે.’

તે ચાલ્યો ગયો. દરમ્યાન એક ઉતારુ આવ્યો. તેણે મારી સામે જોયું. મને ભાતીગર જોઇ મૂંઝાયો. બહાર નીકળ્યો. એક બે અમલદારોને લઈ આવ્યો. કોઇએ મને કંઈ ન કહ્યું. છેવટે એક અમલદાર આવ્યો. તેણે કહ્યું, ‘આમ આવો. તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’

મેં કહ્યું, ‘મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે.’

પેલે જવાબ આપ્યો, ‘તેની ફિકર નહીં. હું તમને કહું છું કે તમારે છેલ્લા ડબામાં જવાનું છે.’

‘હું કહું છું કે, મને આ ડબામાં ડરબનથી બેસાડવામાં આવ્યો છે ને હું તેમાં જ જવા ધારું છું.’

અમલદાર બોલ્યો, ‘એમ નહીં બને. તમારે ઊતરવું પડશે, ને નહીં ઊતરો તો સિપાહી ઉતારશે.’

મેં કહ્યું, ‘ત્યારે ભલે સિપાહી ઉતારે, હું મારી મેળે નહીં ઊતરું.’

સિપાહી આવ્યો. તેણે મારો હાથ પકડ્યો ને મને ધક્કો મારીને નીચે ઉતાર્યો. મારો સામાન ઉતારી લીધો. મેં બીજા ડબામાં જવાની ના પાડી.

આ મોસમ શિયાળાની હતી. દક્ષિણ આફ્રિકાનો શિયાળો ઊંચાણના ભાગોમાં બહુ સખત હોય છે. મૅરિત્સબર્ગ ઊંચા પ્રદેશમાં હતું તેથી ટાઢ ખૂબ લાગી. મારો ઓવરકોટ મારા સામાનમાં હતો. સામાન માગવાની હિંમત ન ચાલી. ફરી અપમાન થાય તો? ટાઢે થથર્યો.

મેં મારો ધર્મ વિચાર્યોઃ ‘કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાનો થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરી દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય. મારા ઉપર દુઃખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું તે લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં. અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.’

આવો નિશ્ચય કરી બીજી ટ્રેનમાં ગમે તે રીતે પણ આગળ જવું જ એમ નિશ્ચય કર્યો.

સવારના પહોરમાં મેં જનરલ મૅનેજરને ફરિયાદનો લાંબો તાર કર્યો. દાદા અબદુલ્લાને પણ ખબર આપ્યા. અબદુલ્લા શેઠ તુરત જનરલ મૅનેજરને મળ્યા. જનરલ મૅનેજરે પોતાના માણસોના વર્તનનો બચાવ કર્યો, પણ જણાવ્યું કે મને વગર હરકતે મારે સ્થળે પહોંચાડવા સ્ટેશન-માસ્તરને ભલામણ કરી છે. અબદુલ્લા શેઠે મૅરિત્સબર્ગના હિંદુ વેપારીઓને પણ મને મળવા ને મારી બરદાસ કરવા તાર કર્યો ને બીજાં સ્ટેશનોએ પણ તેવા તારો મોકલ્યા. તેથી વેપારીઓ મને સ્ટેશન ઉપર મળવા આવ્યા. તેમણે પોતાની ઉપર પડતાં દુઃખોનું વર્ણન મારી પાસે કર્યું અને મને કહ્યું કે તમારા પર વીત્યું તે કંઇ નવાઈની વાત નથી. પહેલા બીજા વર્ગમાં હિંદીઓ મુસાફરી કરે તેને અમલદારો તેમ જ મુસાફર તરફથી અડચણ તો પહોંચે જ. આવી વાતો સાંભળવામાં દિવસ ગયો. રાત પડી ટ્રેન આવી. મારે સારુ જગ્યા તૈયાર જ હતી. જે પથારીની ટિકિટ લેવા મેં ડરબનમાં ના પાડી હતી તે મૅરિત્સબર્ગમાં લીધી. ટ્રેન મને ચાર્લ્સટાઉન લઈ ચાલી.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૩૩)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ બીજો:૭. અનુભવોની વાનગી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

નાતાલનું બંદર ડરબન કહેવાય છે અને નાતાલ બંદરને નામે પણ ઓળખાય છે. મને લેવાને અબદુલ્લા શેઠ આવ્યા હતા. સ્ટીમર ડક્કામાં આવી અને નાતાલના લોકો સ્ટીમર ઉપર પોતાના મિત્રોને લેવા આવ્યા ત્યાં જ હું સમજી ગયો કે અહીં હિંદીઓને બહુ માન નથી.

પોતાની કોટડીની પડખે એક કોટડી હતી તે મને અબદુલ્લા શેઠે આપી.

તેમને ઈસ્લામનું અભિમાન હતું. તત્વ જ્ઞાનની વાતોનો શોખ રાખતા.

બીજે કે ત્રીજે દિવસે મને ડરબનની કોર્ટ જોવાને લઈ ગયા. ત્યાં કેટલીક ઓળખાણો કરાવી. કોર્ટમાં પોતાના વકીલની પાસે મને બેસડ્યો. મૅજિસ્ટ્રેટ મારી સામું જોયા કરે. તેણે મને મારી પાઘડી ઉતારવા કહ્યું. મેં તે ઉતારવાની ના પાડી, ને કોર્ટ છોડી.

મારે નસીબે તો અહીં પણ લડાઈ જ હતી.

પાઘડી ઉતારવાનો ભેદ અબદુલ્લ્લા શેઠે સમજાવ્યો. મુસલમાની પોશાક જેણે પહેર્યો હોય તે પોતાની મુસલમાની પાઘડી પહેરી શકે. બીજા હિંદીઓએ કોર્ટમાં દાખલ થતાં પોતાની પાઘડી ઉતારવી જોઈએ.

આ ઝીણો ભેદ સમજાવવા સારુ કેટલીક હકીકતમાં મારે ઊતરવું પડશે.

મેં આ ત્રણ દિવસમાં જ જોઈ લીધું હતું કે હિંદીઓ પોતપોતાના વાડા રચીને બેસી ગયા હતા. એક ભાગ મુસલમાની વેપારીનો – તેઓ પોતાને ‘અરબ’ને નામે ઓળખાવે. બીજો ભાગ હિંદુ કે પારસી મહેતાઓનો. હિંદુ મહેતા અદ્ધર લટકે. કોઈ ‘અરબ’માં ભળે. પારસી પર્શિયન તરીકે ઓળખાવે. આ ત્રણને વેપારની બહારનો અરસપરસ સંબંધ ઓછાવત્તા પ્રમાણમાં ખરો. એક ચોથો ને મોટો વર્ગ તે તામિલ , તેલુગુને ઉત્તર તરફના ગિરમીટિયાનો અને ગિરમીટમુક્ત હિંદીઓનો. ગિરમીટ એટલે, જે કરાર કરીને પાંચ વર્ષની મજૂરી કરવા ગરીબ હિંદીઓ તે વેળા નાતાલ જતા તે કરાર અથવા ‘એગ્રીમેન્ટ’. ‘એગ્રીમેન્ટ’નું અપભ્રષ્ટ ગિરમીટ, અને તે ઉપરથી ગિરમીટિયા થયું. આ વર્ગની સાથે બીજાનો વ્યવહાર માત્ર કામ પૂરતો જ રહેતો. આ ગિરમીટિયાને અંગ્રેજો ‘કુલી’ તરીકે ઓળખે. અને તેમની સંખ્યા મોટી, તેથી બીજા હિંદીઓને પણ કુલી જ કહે. કુલીને બદલે ‘સામી’ પણ કહે. ‘સામી’ એ ઘણાં તામિલ નામને છેડે આવતો પ્રત્યય. સામી એટલે સ્વામી. સ્વામી નો અર્થ તો ધણી થયો. તેથી કોઈ હિંદી સામી શબ્દથી ચિડાય ને તેનામાં કંઈ હિંમત હોય તો પેલા અંગ્રેજને કહે : ‘તમે મને ‘સામી’ કહો છો, પણ જાણો છો કે ‘સામી’ એટલે ‘ધણી’? હું કંઈ તમારો ધણી નથી’ આવું સાંભળી કોઈ અંગ્રેજ શરમાય , ને કોઈ ખિજાય ને વધારે ગાળ દે અને ભલો હોય તો મારે પણ ખરો, કેમ કે તેને મન તો ‘સામી’ શબ્દ નિંદાસૂચક જ હોય. તેનો અર્થ ધણી કરવો તે તેનું અપમાન કર્યા બરોબર જ થયું.

તેથી હું ‘કુલી બારિસ્ટર’ જ કહેવાયો.

આ સ્થિતીમાં પાઘડી પહેરવાનો પ્રશ્ન મોટો થઈ પડ્યો.પાઘડી ઉતારવી એટલે માનભંગ સહન કરવો. મેં તો વિચાર્યું કે હું હિંદુસ્તાની પાઘડીને રજા આપું અને અંગ્રેજી ટોપી પહેરું, જેથી તે ઉતારવામાં માનભંગ ન લાગે અને હું ઝઘડામાંથી બચી જાઉં.

અબદુલ્લા શેઠને એ સૂચના ન ગમી. તેમણે કહ્યું : ‘ જો તમે આ વેળા એવો ફેરફાર કરશો તો તેનો અનર્થ થશે. બીજાઆ દેશની જ પાઘડી પહેરવા માગતા હશે તેમની સ્થિતી કફોડી થશે, વળી, આપણી દેશની પાઘડી જ તમને તો દીપે.તમે અંગ્રેજી ટોપી પહેરશો તો તમે ‘વેટર’માં ખપશો.’

આ વાક્યોમાં દુન્વયી (કે દુન્યવી?) ડહાપણ હતું, દેશાભિમાન હતું, ને કંઈક સાંકડાપણું પણ હતું. દુન્વયી (દુન્યવી) ડહાપણ તો સ્પષ્ટ જ છે.

પાઘડીના કિસ્સા ઉપર મારા ને પાઘડીના બચાવનો કાગળ છાપામાં લખ્યો. છાપામાં મારી પાઘડીની ખૂબ ચર્ચા થઈ. ‘અનવેલકમ વિઝિટર’ – ‘વણ નોતર્યો પરોણો’ – એવા મથાળાથી હું છાપે ચઢ્યો, ને ત્રણ ચાર દિવસની અંદર જ, અનાયાસે, મને દક્ષિણ આફ્રિકામાં જાહેરાત મળી. કોઈએ મારો પક્ષ લીધો, કોઈએ મારી ઉદ્ધતાઈની ખૂબ નિંદા કરી.

મારી પાઘડી તો લગભગ છેવટ લગી રહી. ક્યારે ગઈ તે આપણે અંતના ભાગમાં જોશું.

Categories: સત્યના પ્રયોગો | Leave a comment

Blog at WordPress.com.