Daily Archives: 29/05/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૧૦. ધર્મની ઝાંખી

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.

આ પ્રકરણના થોડા અંશો :

હવે સોળ વર્ષનો થયો ત્‍યાં સુધી અભ્‍યાસ કર્યો, પણ કયાંયે ધર્મનું શિક્ષણ નિશાળમાં ન પામ્‍યો. શિક્ષકો પાસેથી સહેજે મળવું જોઇએ તે ન મળ્યું એમ કહેવાય. એમ છતાં વાતાવરણમાંથી કંઇક ને કંઇક તો મળ્યા જ કર્યું. અહીં ધર્મનો ઉદાર અર્થ કરવો જોઇએ. ધર્મ એટલે આત્‍મભાન, આત્‍મજ્ઞાન.

મારો જન્‍મ વૈષ્‍ણવ સંપ્રદાયમાં, એટલે હવેલીમાં જવાનું વખતોવખત બને. પણ તેને વિશે શ્રદ્ધા ઉત્‍પન્‍ન ન થઇ. હવેલીનો વૈભવ મને ન ગમ્‍યો. હવેલીમાં ચાલતી અનીતિની વાતો સાંભળતો તેથી તેને વિશે મન ઉદાસ થઇ ગયું. ત્‍યાંથી મને કંઇ જ ન મળ્યું.

હું ભુતપ્રેત આદિથી ડરતો. તેનું ઔષધ રામનામ છે એમ રંભાએ સમજાવ્‍યું. મને તો રામનામના કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી, તેથી મેં બાળવયે ભૂતપ્રેતાદિના ભયથી બચવા રામનામનો જાપ શરૂ કર્યો. તે બહુ સમય ન ટકયો. પણ જે બીજ બચપણમાં રોપાયું તે બળી ન ગયું. રામનામ આજે મારે સારુ અમોદ્ય શકિત છે, તેનું કારણ હું રંભાબાઇએ રોપેલું બીજ ગણું છું.

પણ જે વસ્‍તુએ મારા મન ઉપર ઊંડી છાપ પાડી તે તો રામાયણનું પારાયણ હતી.

પણ મારા એકવીસ દિવસના ઉપવાસમાં ભારતભૂષણ પંડિત મદનમોહન માલવિયાજીને શુભ મુખેથી મૂળ સંસ્‍કૃતના કેટલાક ભાગો સાંભળ્યા ત્‍યારે એમ થયું કે બચપણમાં તેમના જેવા ભગવદભકતને મોઢેથી સાંભળત તો તેના ઉપર પણ મારી ગાઢ પ્રીતિ બચપણમાં જ જામત. તે વયમાં પડેલા શુભ-અશુભ સંસ્‍કારો બહુ ઊંડાં મૂળ ઘાલે છે એમ હું ખૂબ અનુભવું છું, અને તેથી કેટલાક ઉત્તમ ગ્રંથો સાંભળવાનું મને તે વયે ન મળ્યું એ સાલે છે.

રાજકોટમાં મને અનાયાસે સર્વ સંપ્રદાયો વિશે સમાન ભાવ રાખવાની તાલીમ મળી.

ખ્રિસ્‍તી ધર્મ માત્ર અપવાદમાં હતો. તેના પ્રત્‍યે કંઇક અભાવ થયો. તે કાળે હાઇસ્‍કૂલને ખૂણે કોઇ ખ્રિસ્‍તી વ્‍યાખ્‍યાન આપતા. તે હિંદુ દેવતાઓની ને હિંદુ ધર્મીઓની બગદોઇ કરતા. આ મને અસહ્ય લાગ્‍યું. હું એકાદ જ વખત એ વ્‍યાખ્‍યાન સાંભળવા ઊભો હોઇશ, પણ બીજી વખત ત્‍યાં ઊભવાનું મન જ ન થયું. એ જ સમયે એક જાણીતા હિંદુ ખ્રિસ્‍તી થયાનું સાંભળ્યું. ગામચર્ચા એ હતી કે તેને ખ્રિસ્‍તી ધર્મમાં પ્રવેશ કરાવવામાં આવ્‍યો ત્‍યારે ગોમાંસ ખવડાવવામાં આવ્‍યું ને દારૂ પીવડાવવામાં આવ્‍યો. તેનો પોશાક પણ બદલાવવામાં આવ્‍યો, ને તે ભાઇ ખ્રિસ્‍તી થયા પછી કોટ, પાટલૂન ને અંગ્રેજી ટોપી પહેરતા થયા. આ વાતોમાંથી મને ત્રાસ પેદા થયો. જે ધર્મને અંગે ગોમાંસ ખાવું પડે, દારૂ પીવો પડે, ને પોતાનો પોશાક બદલવો પડે એ ધર્મ કેમ ગણાય ? આવી દલીલ મારા મને કરી. વળી જે ભાઇ ખ્રિસ્‍તી થયા હતા તેણે પોતાના પૂર્વજોના ધર્મની, રીતરિવાજની અને દેશની નિદાં શરુ કર્યાનું સાંભળવામાં આવ્‍યું. આ બધી વાતોથી મારા મનમાં ખ્રિસ્‍તી ધર્મ પ્રત્‍યે અભાવ પેદા થયો.

મનુસ્‍મૃતિ વાંચી હું એ વેળાએ અહિંસા તો ન જ શીખ્‍યો. માંસાહારની વાત તો આવી ગઇ. તેને તો મનુસ્‍મૃતિનો ટેકો મળ્યો. સર્પાદિ અને માંકડ આદિને મારવા એ નીતિ છે એમ પણ લાગ્‍યું. એ સમયે ધર્મ ગણી માંકડ આદિનો નાશ કર્યાનું મને સ્‍મરણ છે.

પણ એક વસ્‍તુએ જડ ઘાલી – આ જગત નીતિ ઉપર નભેલું છે. નીતિમાત્રનો સમાવેશ સત્‍યમાં છે. સત્‍ય તો શોધવું જ રહ્યું. દિવસે દિવસે સત્‍યનો મહિમા મારી નજર આગળ વધતો ગયો. સત્‍યની વ્‍યાખ્‍યા વિસ્‍તાર પામતી ગઇ અને હજુ પામતી રહી છે.

વળી એક નીતિનો છપ્‍પો પણ હ્રદયમાં ચોટયો. અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઇ શકે એ વસ્‍તુ જિંદગીનું સૂત્ર બની ગઇ.

આ રહ્યો એ ચમત્‍કારી છપ્‍પો :

પાણી આપેન પાય, ભલું ભોજન તો દીજે;
આવી નમાવે શીશ, દંડવત કોડે કીજ.
આપણ ઘાસે દામ, કામ મહોરોનું કરીએ ;
આપ ઉગામે પ્રાણ, તે તણા દુ:ખમાં મરીએ.
ગુણ કેડે તો ગુણ દશ ગણો, મન, વાચા, કર્મે કરી;
અવગુણ કેડે જે ગુણ કરે, તે જગમાં જીત્‍યો સહી.

Categories: સત્યના પ્રયોગો | Tags: | Leave a comment

Blog at WordPress.com.