સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૬. દુ:ખદ પ્રસંગ—૧
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
મારા માતૃશ્રી, મારા જયેષ્ઠ ભાઇ અને મારી ધર્મપત્ની ત્રણેને એ સંગ કડવો લાગતો હતો. પત્નીની ચેતવણીને તો હું ગર્વિષ્ઠ ધણી શેનો ગણકારું ? માતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન જ કરું. વડીલ ભાઇનું સાંભળું જ. પણ તેમને મેં આમ કહી શાંત કર્યા : ‘તેના દોષ જે તમે ગણાવો છો તે હું જાણું છું. તેના ગુણ તો તમે ન જ જાણો. મને તે આડે માર્ગે નહી લઇ જાય, કેમ કે મારો તેની સાથેનો સંબંધ કેવળ તેને સુધારવાને ખાતર છે. તે જો સુધરે તો બહુ સરસ માણસ નીવડે એમ મારી ખાતરી છે. તમે મારા વિશે નિર્ભય રહો એમ માગી લઉં છું. ’ આ બોલથી તેમને સંતોષ થયો એમ હું નથી માનતો, પણ તેઓએ મારા ઉપર વિશ્ર્વાસ રાખ્યો ને મને મારે માર્ગે જવા દીધો.
સુધારો કરવા સારુ પણ માણસે ઊંડા પાણીમાં ઊતરવું નહીં જોઇએ. જેને સુધારવા છે તેની સાથે મિત્રતા હોય નહીં. મિત્રતામાં અદ્વૈતભાવના હોય. એવી મિત્રતામાં સુધારાને અવકાશ બહુ ઓછો હોય છે. મારો અભિપ્રાય એવો છે મે અંગત મિત્રતા અનિષ્ટ છે, કેમ કે મનુષ્ય દોષને ઝટ ગ્રહણ કરે છે. ગુણ ગ્રહણ કરવાને સારુ પ્રયાસની આવશ્યકતા છે. જેને આત્માની, ઇશ્ર્વરની મિત્રતા જોઇએ છે તેણે એકાકી રહેવું ઘટે છે, અથવા આખા જગતની સાથે મૈત્રી કરવી ઘટે છે. ઉપરના વિચાર યોગ્ય હોય કે અયોગ્ય, મારો અંગત મિત્રતા કેળવવાનો પ્રસંગ નિષ્ફળ નીવડયો.
પોતાનામાં જે શકિત ન હોય તે બીજાનામાં જોઇને મનુષ્ય આશ્ર્ચર્ય પામે જ છે. તેવું મને થયું. આશ્ર્ચર્યમાંથી મોહ પેદા થયો.
આ જ દિવસોમાં નર્મદનું નીચલું કાવ્ય નિશાળોમાં ગવાતું :
અંગ્રેજો રાજય કરે , દેશી રહે દબાઇ દેશી રહે દબાઇ, જોને બેનાં શરીર ભાઇ પેલો પાંચ હાથ પૂરો, પૂરો પાંચસેને.
આ બધાની મારા મન ઉપર પૂરી અસર થઇ. હું પીગળ્યો. માંસાહાર સારી વસ્તુ છે, તેથી હું બળવાન ને હિંમતવાન થઇશ. દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો.
માંસાહારનો આરંભ કરવાનો દિવસ મુકરર થયો.
માંસાહારનો જે વિરોધ, જે તિરસ્કાર ગુજરાતમાં અને શ્રાવકોમાં ને વૈષ્ણવોમાં જોવામાં આવે છે તેવો હિંદુસ્તાનમાં કે આખા જગતમાં બીજે કયાંય જોવામાં નહીં આવે. આ મારા સંસ્કાર.
આવી સ્થિતિમાં મારો માંસાહાર કરવાનો નિશ્ર્ચય મારે સારુ બહુ ગંભીર ને ભયંકર વસ્તુ હતી.
પણ મારે તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ નહોતો. તેમાં સ્વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન, હિંમતવાન થવું હતું, બીજાને તેવા થવા નોતરવા હતા, ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસ્તાનને સ્વતંત્ર કરવું હતું. ‘સ્વરાજય’ શબ્દ તો ત્યારે નહોતો સાંભળ્યો. આ સુધારાની ધગશમાં હું ભાન ભૂલ્યો