સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૫. હાઈસ્કૂલમાં
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારું બે ભાઇનું એક વર્ષ નકામું ગયું. મારા ભાઇને સારુ તો એથીયે વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશાળમાં ન જ રહી શકયા. આવું અનિષ્ટ પરિણામ તો દૈવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. વિદ્યાભ્યાસ ને વિવાહ બેઉ એકસાથે તો હિંદુ સંસારમાં જ હોય.
મારું પોતાનું સ્મરણ એવું છે કે મને મારી હોશિયારીને વિશે કંઇ માન નહોતું. ઇનામ કે શિષ્યવૃત્તિ મળે તો મને આશ્ર્ચર્ય થતું. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. વર્તનમાં ખોડ આવે તો મને રડવું જ આવે. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારે હાથે કંઇ પણ થાય અથવા શિક્ષકને તેવું ભાસે એ મને અસહ્ય થઇ પડે. એક વખત માર ખાવો પડયો હતો એવું મને સ્મરણ છે. મારનું દુઃખ નહોતું, પણ હું દંડને પાત્ર ગણાયો એ મહાદુઃખ હતું. હું ખૂબ રડયો.
કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવા ખોટા વિચાર તે વેળા હું ધરાવતો. પાછળથી સમજયો કે વ્યાયામને એટલે શારીરિક કેળવણીને માનસિકના જેવું જ સ્થાન વિદ્યાભ્યાસમાં હોવું જોઇએ. છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન ન થયું એમ મારે જણાવવું જોઇએ. તેનું કારણ એ કે, પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઇસ્કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્યું.
સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઇએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્લી હતી.
ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્યાલ મારામાં કયાંથી આવ્યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. પછી અને મુખ્યત્વે કરીને દક્ષિણ આફ્રિકામાં, જયાં વકીલોના અને દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્યારે, હું લજવાયો ને પસ્તાયો. મેં જોયું કે નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની ગણાવી જોઇએ. મેં મારા અક્ષર પાછળથી સુધારવા પ્રયત્ન કર્યો, પણ પાકે ઘડે કંઇ કાંઠા ચડે ? જુવાનીમાં જેની મે અવગણના કરી તે હું આજ લગી નથી જ કરી શકયો.
આજે મારો આત્મા કૃષ્ણાશંકર માસ્તરનો ઉપકાર માને છે. કેમ કે જેટલું સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે મારાથી, સંસ્કૃત શાસ્ત્રોમાં રસ લઇ શકું છું, તે ન લઇ શકાત. મને તો એ પશ્ર્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શકયો. કેમ કે , પાછળથી હું સમજયો કે કોઇ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઇએ.
જે એક ભાષા ને શાસ્ત્રીય પદ્ધતિથી શીખે છે તેને પછી બીજીનું જ્ઞાન સુલભ થઇ પડે છે. ખરું જોતાં તો હિંદી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય. તેમ જ ફારસી ને અરબી એક ગણાય. ફારસી જોકે સંસ્કૃતને લગતી છે, ને અરબી હિબ્રુને લગતી છે, છતાં બન્ને ઇસ્લામના પ્રયટ થયા પછી ખેડાયેલી છે, તેથી બન્ને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દૂને મેં અલગ ભાષા નથી ગણી, કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિંદીમાં થાય છે. તેના શબ્દો તો ફારસી અને અરબી જ છે. ઊંચા પ્રકારનું ઉર્દૂ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે છે, જેમ ઊંચા પ્રકારનું ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી જાણનારને સંસ્કૃત જાણવું આવશ્યક છે.