સત્યના પ્રયોગો અથવા આત્મકથા/ભાગ પહેલો:૪. ધણીપણું
આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ અથવા તો વિચાર કરતાં કરી મુકે તેવો થોડો ભાગ ટાંકવો કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવાની સ્ફુરણા થાય.
આ પ્રકરણના થોડા અંશો :
વિવાહ થયા એ દિવસોમાં નિબંધોનાં નાનાં ચોપાનિયાં – પૈસાનાં કે પાઇનાં એ તો યાદ નથી – નીકળતાં. એમાં દંપતીપ્રેમ, કરકસર, બાળલગ્ન વગેરે વિષયો ચર્ચવામાં આવતા. આમાંના કોઇ નિબંધ મારા હાથમાં આવતા ને તે હું વાંચી જતો. એ તો ટેવ હતી જ કે વાંચવું તે પસંદ ન પડે તો ભૂલી જવું. ને પસંદ પડે તો તેનો અમલ કરવો. એકપત્નીવ્રત પાળવું એ પતિનો ધર્મ છે એમ વાંચેલું, એ હ્રદયમાં રમી રહ્યું. સત્યનો શોખ તો હતો જ. એટલે પત્નીને છેતરાય તો નહીં જ. એથીયે બીજી સ્ત્રી સાથે સંબંધ ન થાય એ પણ સમજાયું હતું. નાનકડી ઉંમરે એકપત્નીવ્રતનો ભંગ થવાનો સંભવ બહુ થોડો જ હોય.
પણ આ સદ્વિચારોનું એક માઠું પરિણામ આવ્યું. જો મારે એકપત્નીવ્રત પાળવું જોઇએ તો પત્નીને એકપતિવ્રત પાળવું જોઇએ. આ વિચારથી હું અદેખો ધણી બન્યો. ‘પાળવું જોઇએ’માંથી ‘પળાવવું જોઇએ’ એ વિચાર ઉપર આવ્યો. અને જો પળાવવું જોઇએ તો મારે ચોકી રાખવી જોઇએ. મને કાંઇ પત્નીની પવિત્રતા વિશે શંકા લાવવાનું કારણ નહોતું. પણ અદેખાઇ કારણ જોવા કયાં બેસે છે ? મારી સ્ત્રી હંમેશા કયાં જાય છે એ મારે જાણવું જ જોઇએ, તેથી મારી રજા વિના કયાંયે જવાય જ નહીં. આ વસ્તુ અમારી વચ્ચે દુઃખદ ઝઘડાનું મૂળ થઇ પડી. રજા વિના કયાંયે ન જવાય એ તો એક જાતની કેદ જ થઇ.
મારે કહેવું જોઇએ કે હું મારી સ્ત્રી પરત્વે વિષયાસકત હતો. નિશાળમાંયે તેના વિચાર આવે, રાત્રી કયારે પડે અને કયારે અમે મળીએ એ વિચાર રહ્યા જ કરે. વિયોગ અસહ્ય હતો. મારી કેટલીક કાલીઘેલી વાતોથી હું કસ્તુરબાઇને જગાડયા જ કરુ. આ આસકિતની જ સાથે જો મારામાં કર્તવ્યપરાયણતા ન હોત તો રોગથી પીડાઇ મૃત્યુને વશ થયો હોત, અથવા આ જગતમાં વૃથા જીવી રહ્યો હોત, એમ મને ભાસે છે.
જો મારો પ્રેમ વિષયથી દૂષિત ન હોત તો આજે તે વિદૂષી સ્ત્રી હોત એવી મારી માન્યતા છે. તેના ભણવાના આળસને હું જીતી શકત. શુદ્ધ પ્રેમને કંઇ જ અશકય નથી એમ હું જાણું છું