Daily Archives: 19/05/2013

સત્યના પ્રયોગોની વાંચનયાત્રા (૧)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા/પ્રસ્તાવના

આપણાં વિકિમિત્રોના ભગીરથ પુરુષાર્થને કારણે ’સત્યના પ્રયોગો’ હવે નેટ પર ઉપલબ્ધ છે. રોજ એકાદ પ્રકરણ વાંચવું અને તેમાંથી ગમેલ એક અવતરણ ટાંકવું કે જેનાથી જે તે પ્રકરણ પર વિશેષ ચિંતન કરવું પડે.

આજનું અવતરણ :

“હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિષે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.”

Categories: સત્યના પ્રયોગો | Tags: | 1 Comment

ધાડપાડુએ ભરી અદાલતમાં તેની માનું નાક કરડી ખાધું

ભરી અદાલતમાં એક વૃદ્ધા બુમો પાડી રહી હતી, બચાવો બચાવો. એક આરોપીએ તે વૃદ્ધાનું નાક કરડી ખાધુ હતુ અને વૃદ્ધા તેનાથી જાન છોડાવવા માટે મદદની ચીસો પાડી રહી હતી. મહા મહેનતે સુરક્ષાકર્મીઓએ તે વૃદ્ધાને પેલા નરપીશાચના હાથમાંથી છોડાવી.

ઘટના એવી બની હતી કે ચોરી, લુંટફાંટ, બેંકની ધાડ અને ધાડ પાડતી વખતે પકડાઈ ન જવાય તે માટે કરાયેલી હત્યાના અનેક ગુન્હાઓ સબબ એક કુખ્યાત ધાડપાડુના આરોપો સાબિત થઈ ચૂક્યાં હતા અને તેના પાશવી ગુન્હાઓ માટે વિરોધી વકીલે મૃત્યુદંડની સજાની માંગણી કરી હતી. અનેક દલીલો અને પુરાવાઓના અધારે ન્યાયાધીશે તે માંગણી માન્ય રાખી અને તેને ફાંસીની સજાનો હુકમ કર્યો હતો.

અદાલતે તેને પુછ્યું હતું કે તારે કાઈ કહેવું છે? તેણે કહ્યું કે હા, મારી મા ને મારી સમક્ષ હાજર કરો, હું તેને એક વખત મળવા માંગુ છું. અદાલતે તેની મા ને તેને મળવાની અમુમતિ આપી. જેવી તેની મા તેને મળવા ગઈ કે તરત જ આ દુષ્ટે તેની માનું નાક કરડી ખાધું. લોહીલુહાણ વૃદ્ધા સુરક્ષા કર્મીની મદદથી મહા મહેનતે તેનાથી જાન બચાવી શકી.

અદાલતે તેને પુછ્યું કે હે દૂષ્ટ તારા અનેક ગુન્હાઓ તો તને તું નરપીશાચ હોવાનું ઠરાવે જ છે પણ તારા આ અત્યારના કૃત્યે તો લાજ અને શરમની બધી જ હદ વળોટી નાખી છે.

થોડી વાર માટે પેલો પાશવી ગુન્હેગાર અતીતમાં સરી ગયો. ધીરેથી તેણે તેનું બયાન શરુ કર્યું. નાનપણમાં અમે ઘણાં ગરીબ હતાં. હું શાળામાં જતો પણ ફી ભરવાનાયે મારી પાસે પૈસા નહોતા રહેતા. હું ધીરે ધીરે અન્ય વિદ્યાર્થીઓના કંપાસમાંથી પેન્સીલ અને રબ્બર ચોરવા લાગ્યો. ત્યાર બાદ પાઠ્યપુસ્તકો અને નોટબુકોની ઉઠાંતરી કરવી તે મારે માટે રમત વાત બની ગઈ હતી. જ્યારે જ્યારે હું ચોરી કરીને વસ્તુ ઘરે લાવીને મારી માને બતાવતો ત્યારે તે હરખાતી અને કહેતી કે શાબાશ બેટા. ધીરે ધીરે હું પૈસા અને મોટી ચીજ વસ્તુઓ ચોરવા લાગ્યો. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ મારી ચોરી કરવાની ફાવટ અને અન્ય લોકોની કીંમતી વસ્તુ પડાવી લેવાની લાલચ વધતી ગઈ. છેવટે આ છેલ્લી બેંક ધાડમાં મારા હાથે લૂંટ ઉપરાંત હત્યા પણ થઈ અને તેના પરીણામે હું ફાંસીની સજા પામ્યો.

જે દિવસે મેં પહેલ વહેલી ચોરી કરી તે જ દિવસે જો મારી માએ મને એક તમાચો ઝીંકી દીધો હોત તો હું ગરીબ હોવા છતાએ પ્રમાણીકતાથી મહેનત કરીને કમાતા શીખ્યો હોત. તો આજે મારી આ હાલત ન થઈ હોત. આપ નામદારની કોર્ટમાં હું કહેવા માંગુ છું કે આવી કુમાતાઓ કરતાં ધન્ય છે તેવી માતાઓને કે જે તેમના દિકરા દિકરીઓ સગવડથી વંચિત રહે તો ભલે પણ તેમની અંદર કુટેવો અને દુર્ગુણોનો પ્રવેશ કરવા નથી દેતી.

જુની કહેવત : રોગ અને શત્રુને ઉગતાં ડામો
નવી કહેવત : દુર્ગુણો અને કુટેવોને ઉગતી ડામો

છિદ્રેષુ અનર્થા બહુલીભવન્તિ ||

Categories: કથા કોર્નર, કેળવણી, ચિંતન, ટુંકી વાર્તા, શિક્ષણ | Tags: , , , , | Leave a comment

Blog at WordPress.com.