જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
અનંત યુગોથી અનંત રાગથી
ગીત ઊઠે તુજ મહા નિરંતર
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર ?
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું (૨)
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુ નું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર(૨)
કવિ.. કવિ.. કવિ..
બારીમાંથી બુમો પાડી પાડીને બારીથી માંડ પાંચેક ફુટ દૂર ઉભેલી કવીને હું મોટે મોટેથી બોલાવતો હતો. શક્ય એટલા મોટા અનેક વખત ઘાંટા પાડ્યા પછી એક વખત તેનું બારીમાં ધ્યાન ગયું. તેને મારો અવાજ તો સંભળાયો જ નહીં પણ મને જોઈને તેને લાગ્યું કે હું તેને બોલાવી રહ્યો છું.
વાત એમ હતી કે બહાર કોઈના લગ્ન પ્રસંગે જાનૈયાઓ DJ વાગતું હતુ તેના ઘોંઘાટમાં નાચી રહ્યાં હતા. જાન તો છે…ક રસ્તા પર લગભગ ૫૦ મીટર જેટલી દૂર હતી. ઘોંઘાટ એટલો અતીશય તીવ્ર અને મોટો હતો વળી કવિનું ધ્યાન બારી તરફ નહીં પણ રસ્તા તરફ નાચતા જાનૈયાઓને જોવામાં હતું. તેથી મારા દ્વારા સતત અનેક વખત પડાયેલી બુમો તેને સંભળાતી નહોતી.
આપણું યે એવું જ છે ને? આત્માનું સંગીત નીરંતર એકધારુ સતત અવીરતપણે આપણી સાવ પાસે ગુંજી રહ્યું છે. અને માયાના ઢોલ નગારા અને ઘોંઘાટમાં કદીએ તેના તરફ આપણું ધ્યાન જતુ નથી.
જળ પ્રપાત હે વહો નિરંતર – ભાગ્યેશ ઝા